You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
EWS : સુપ્રીમ કોર્ટે જેને માન્ય રાખી એ EWS અનામત શું છે અને તેનો લાભ કોણ લઈ શકે?
- આર્થિક રીતે પછાત લોકોને શૈક્ષણિક સંસ્થાનો અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત ચાલુ રહેશે.
- સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોવાળી પીઠે સોમવારે ઈડબ્લ્યૂએસ ક્વૉટા અંતર્ગત અનામતને ચાલુ રાખી છે.
- ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાનીવાળી પાંચ જજોની બેન્ચે બહુમતીથી ઈડબ્લ્યૂએસ ક્વૉટાના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો
- બેન્ચે કહ્યું, 'આ બંધારણીય માળખાનું ઉલ્લંઘન નથી કરતી.'
આર્થિક રીતે પછાત લોકોને શૈક્ષણિક સંસ્થાનો અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની પીઠે સોમવારે ઈડબ્લ્યૂએસક્વૉટા અંતર્ગત અનામતને ચાલુ રાખી છે.
ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાનીવાળી પાંચ જજોની બેન્ચે બહુમતીથીઈડબ્લ્યૂએસ ક્વૉટાના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે અને કહ્યું છે કે 'આ બંધારણીય માળખાનું ઉલ્લંઘન નથી કરતી.' બેન્ચે બહુમતીથી એવું પણ કહ્યું કે બંધારણમાં 130મો સુધારો કાયદેસર છે.
સૌથી પહેલા જસ્ટિસ દિનેશ મહેશ્વરીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો અને એ પણ કહ્યું કે ઇડબ્લ્યૂએસ અનામતથી અનસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગને બહાર રાખવા પણ બંધારણીય રીતે વૈધ છે.
જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું, "અનામત માત્ર આર્થિક રીતે પછાતો માટે જ નહીં, કોઈ પણ વંચિત વર્ગના હિત માટે એક સકારાત્મક ઉપાય છે. એ માટે માત્ર આર્થિક આધાર પર અનામત બંધારણનું ઉલ્લંઘન નથી કરતી. એસસી/એસટી અને ઓબીસીને ઈડબ્લ્યૂએસ ક્વૉટાથી બહાર રાખવા બંધારણીય રીતે યોગ્ય છે. 50 ટકા નિર્ધારિત અનામતની મર્યાદા અંતર્ગત વધારાની ઈડબ્લ્યૂએસ અનામત બંધારણીય છે." જોકે, આ બેન્ચમાં સામેલ જસ્ટિસ રવીન્દ્ર ભટે ઈડબ્લ્યૂએસ ક્વૉટાથી અસહમતી દર્શાવી હતી.
જાન્યુઆરી 2019માં બંધારણીય સંશોધન વિધેયકને સંસદનાં બન્ને સદનોમાં પસાર કરાયું હતું અને એ બાદ એ વખતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આના પર મહોર મારી હતી.
EWS અનામતનો ફાયદો કોણ ઉઠાવી શકે?
બંધારણના 103મા સુધારા અંતર્ગત કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2019માં સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાનોમાં આર્થિક રૂપે નબળા વર્ગો (ઈડબ્લ્યૂએસ)ને 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરાઈ હતી. આ બંધારણ સંશોધનને કોર્ટમાં પડકારાયો હતો. આ પહેલાં ઈડબ્લ્યૂએસની પાત્રતા માટે કેન્દ્ર સરકારે અધિસૂચના જાહેર કરી હતી. એમાં કહેવાયું હતું કે જે પરિવારની વાર્ષિક આવક આઠ લાખથી ઓછી છે તેઓ આ અનામતનો લાભ ઉઠાવી શકશે. આ સાથે જ આમાં કેટલાક અપવાદો પણ ઉમેરાયા છે. જે અંતર્ગત નીચે દર્શાવેલી સંપત્તિ ધરાવતી વ્યક્તિ આ અનામતનો લાભ ના ઉઠાવી શકે.
- પાંચ એકરની ખેતીલાયક જમીન કે એનાથી વધારે જમીન
- અધિસૂચિન નગરપાલિકા વિસ્તારમાં1000 સ્ક્વૅર યાર્ડ કે એનાથી મોટો પ્લૉટ
- બિન-અધિસૂચિત નગરપાલિકામાં 200 સ્ક્વૅર યાર્ડ કે એનાથી મોટો પ્લૉટ
યુપીએ સરકારે વર્ષ 2006માં આર્થિક રીતે પછાત લોકો અંગે એક પંચની રચના કરી હતી. એના અધ્યક્ષ નિવૃત્ત મેજર જનરલ એસ. આર. સિન્હો હતા. વર્ષ 2010માં આ કમિશને પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. એ રિપોર્ટના આધારે સરકારે ચર્ચાવિચારણા કરીને ઈડબ્લ્યૂએસની પરિભાષા નક્કી કરી હતી.
આર્થિક અનામતનો આધાર
ભારતના બંધારણ હેઠળ અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 50 ટકા અનામત આપવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત બંધારણીય સુધારા હેઠળ આર્થિક રીતે પછાત વર્ગોને 10 ટકા અનામત આપવામાં આવી છે.
કોર્ટમાં EWS ક્વૉટાને પડકારતી 40 અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેમાંથી એક 2019માં જનહિત અભિયાન તરફથી દાખલ કરવામાં આવી હતી. EWS ક્વૉટા વિરુદ્ધ અરજી આપનારા લોકોએ આર્થિક અનામતને સામાજિક ન્યાયના બંધારણીય દૃષ્ટિકોણ પર હુમલો ગણાવી છે. અરજીકર્તાઓનું કહેવું છે કે, “જો આ ક્વૉટા રહેશે તો સમાન હકો સમાપ્ત થઈ જશે." આર્થિક રીતે આપવામાં આવતા આ અનામતના સમર્થનમાં તર્ક એ છે કે તેનાથી રાજ્ય સરકારોને આર્થિક રીતે અનામત આપવાનો અધિકાર મળશે. આર્થિક આધાર કુંટુંબના માલિકીની જમીન, વાર્ષિક આવક અથવા અન્ય હોઈ શકે.
તત્કાલિન યુપીએ સરકારે માર્ચ 2005માં નિવૃત્ત મેજર જનરલ એસ. આર. સિન્હો પંચની રચના કરી હતી, જેણે વર્ષ 2010માં પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટના આધારે EWS રિઝર્વેશન આપવામાં આવ્યું છે. કમિશને તેના અહેવાલમાં કહ્યું હતું કે, “સામાન્ય વર્ગની ગરીબી રેખા નીચે જીવતા તમામ પરિવારો અન્ય એવા પરિવારો જેમની વાર્ષિક આવક બધા સ્રોતની આવકવેરાની મર્યાદાથી ઓછી છે, તેને આર્થિક રીતે પછાત વર્ગ માનવામાં આવે છે.” સુપ્રીમ કોર્ટે મંડલ કમિશનના કેસમાં અનામતની મહત્તમ મર્યાદા 50 ટકા નક્કી કરી હતી. EWSને પડકારનારાઓ દલીલ કરે છે કે, આ ક્વૉટા 50 ટકાની મર્યાદાનું પણ ઉલ્લંઘન કરી રહ્યો છે.