You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની મોટી કંપનીઓમાં નિયમ પ્રમાણે 85 ટકા 'સ્થાનિકોને નોકરીઓ' નથી મળતી?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં મોટી કંપનીઓમાં સ્થાનિક લોકોને રોજગારી આપવા બાબતના સવાલ પછી વર્ષો જૂનો મુદ્દો ફરી ચર્ચામાં આવી ગયો છે. 1995ના પરિપત્ર પ્રમાણે ગુજરાતમાં કાર્યરત્ એકમોને 85 ટકા જેટલા સ્થાનિક લોકોને રોજગારી આપવી ફરજિયાત છે.
જોકે ઘણા લોકો માને છે કે ગુજરાત રાજ્યની મોટા ભાગની કંપનીઓમાં 'આ પરિપત્રનું પાલન થતું નથી.'
હાલમાં જ વિધાનસભામાં ગુજરાતના કૅબિનેટ મંત્રી (શ્રમ અને રોજગાર) બળવંતસિંહ રાજપૂતે મુન્દ્રાસ્થિત અદાણી પાવર કંપની વિશેના એક સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે "આ કંપનીમાં તપાસ કરતા 85 ટકા સ્થાનિકોને નોકરી આપવામાં આવતી ન હતી."
કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે સવાલ પૂછ્યો હતો કે "અદાણી પાવરમાં શું 85 ટકા સ્થાનિક લોકોને રોજગારી આપવાના નિયમનું પાલન કરવામાં આવે છે?"
પ્રશ્નના જવાબમાં કહેવામાં આવ્યું હતું, "31મી ડિસેમ્બરના રોજની સ્થિતિ પ્રમાણે સ્થાનિક લોકોને રોજગારીની સંખ્યા 85 ટકા જેટલી નથી, તે માટે ખાતાએ વિવિધ મીટિંગો કરી છે, નોટિસો પાઠવી છે, તેમજ તેની વિગત જિલ્લા ઉદ્યોગને સોંપવામાં આવી છે."
જોકે બીબીસી ગુજરાતીએ આ ઠરાવ અને તેની અસર સંદર્ભે વિવિધ લોકો સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે શું વિવિધ મોટી કંપનીઓમાં ખરેખર સ્થાનિક લોકોને રોજગારીઓ મળે છે કે કેમ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં કંપનીઓમાં સ્થાનિક રોજગારીની સ્થિતિ શું છે?
બીબીસી ગુજરાતીએ અંકુર ચાવડા નામના એક યુવાન સાથે આ મુદ્દે વાત કરી. તેઓ અમદાવાદના સાણંદમાં રહે છે અને એક મોટી કંપનીમાં 15,000 રૂપિયાની નોકરી કરતા હતા.
જોકે તે કંપનીએ તેમને થોડા સમય પહેલાં નોકરીથી કાઢી મૂક્યા છે અને ત્યાર બાદ તેઓ સાણંદ GIDCમાં એક સામાન્ય મજૂર તરીકે કામ કરે છે.
તેઓ કહે છે કે, "અહીંયાં અનેક કંપનીઓ છે, હું કેટલાય મહિનાઓથી નોકરીની શોધમાં છું, હજી સુધી મને નોકરી મળી નથી. જો આ કંપનીઓ 85 ટકા સ્થાનિકોને નોકરી આપતા હોય તો મારા જેવા લોકો બેરોજગાર ન રહે."
ચાવડા હાલમાં નાનું-મોટું કામ કરીને રોજમદાર તરીકે કામ કરે છે.
જોકે ઘણા લોકો માને છે કે મોટા ભાગની કંપનીઓમાં ઉચ્ચ કક્ષાએ બહારના લોકોને નોકરી આપવામાં આવે છે, જ્યારે સ્થાનિક લોકોને માત્ર કૉન્ટ્રાક્ટ આધારિત નોકરી મળે છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ કર્ણાવતી કામદાર એકતા સંઘના જનરલ સેક્રેટરી વિજય બાપોદર સાથે વાત કરી.
તેઓ કહે છે કે, "બહારથી આવીને અહીં પોતાનું કામ કરતી કંપનીઓ મોટી જગ્યા માટે પોતાના લોકોને લઈને જ આવે છે અને અમને એવું કહેવામાં આવે છે કે, ગુજરાતના યુવાનોમાં તે જગ્યા પર કામ કરી શકે તેવી આવડત નથી. તો પછી ગુજરાતમાં આવો જ છો શું કામ?"
"હાલમાં દરેક કંપનીમાં જે કોઈ સ્થાનિકને રોજગારી મળે છે, તેમાંથી 75 ટકાથી વધારે લોકો કૉન્ટ્રાક્ટ પર છે, જેની કોઈ જ સુરક્ષા નથી. ગમે ત્યારે તેમને કાઢી મૂકવામાં આવે છે. આવી રીતે એક કે બે કંપનીથી નીકળી જાય પછી અમારી ઉંમર વધારે થઈ જાય તો અમને કોઈ કામ પર ન રાખે, માટે આ એક મોટી સમસ્યા બની રહી છે."
'સ્થાનિકોને નોકરી મળે તો તેઓ સંગઠિત થઈ જાય'
મજૂરો માટે કામ કરતી સંસ્થા ગુજરાત મજદૂર સભાના જનરલ સેક્રેટરી અને ધારાશાસ્ત્રી અમરીશ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "માત્ર અદાણી માટે જ નહીં, પરંતુ લગભગ દરેક એકમ માટે આ વાત સાચી છે."
તેઓ કહે છે કે અમે વર્ષોથી વિવિધ કંપનીઓના માલિકો સામે સંઘર્ષ કરી રહ્યા છીએ કે સ્થાનિક લોકોને વધુમાં વધુ રોજગારી મેળવવી જોઈએ, પરંતુ તે પ્રકારે ક્યારેય થતું નથી.
સ્થાનિક લોકોને નોકરી કેમ મળતી નથી એ સવાલના જવાબમાં અમરીશ પટેલ જણાવે છે કે, "જો સ્થાનિક લોકોને વધારે માત્રામાં નોકરી આપવામાં આવે તો તેઓ જલદી સંગઠિત થાય, પોતાનું સંગઠન કે યુનિયન બનાવે અને પોતાના હક્કોની વાત કરે, જે ઘણા માલિકો પ્રમાણે કંપનીની પ્રગતિમાં અડચણરૂપ રહે છે."
પટેલ માને છે કે સંગઠિત કારીગરની દરેક વાત સાંભળવી પડે, તેમની શરતો પૂરી કરવી પડે. બહારના લોકો જે અહીંયાં આવીને કામ કરે છે, તેઓ ક્યારેય સંગઠિત નથી થતા, પરંતુ કારીગરોના હક્કોને લઈને જે કોઈ સંગઠન બન્યાં છે, તે મોટાં ભાગનાં સ્થાનિક લોકોએ જ બનાવેલાં છે.
તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે રાજકોટમાં યોજાયેલી પત્રકારપરિષદમાં બીબીસી ગુજરાતીએ પૂછેલા એક સવાલનો જવાબ અપાતા કહ્યું હતું, "ગુજરાતમાં બહારથી કામ કરવા આવતા લોકો સામે કોઈ આંદોલનો થતા નથી અને તેના કારણે ગુજરાતને સરવાળે ફાયદો થયો છે."
"આપણું ગુજરાત આગળ વધી શક્યું છે તેનું કારણ એ છે કે જે બીજાં રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ શાંતિ વધારે છે, અહીંયાં અન્ય રાજ્યોની જેમ મોટા વિરોધ કે આંદોલનો થતાં નથી. આવું થતું રહે તો તેના હિસાબે રાજ્યોને ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ પર અસર થાય છે, ઇકૉનૉમી પર અસર થાય છે. આપણે ત્યાં 1600 કિલોમીટર લાંબા સમુદ્રતટ પર દર પચાસ કિલોમીટર પર એક ઇન્ડસ્ટ્રિયલ કલસ્ટર છે. કોઈ જ સમસ્યા નથી, જેમ કે યુનિયનની સમસ્યા કે પછી ટ્રેડ યુનિયનના પ્રશ્નો નથી."
ગુજરાતમાં કંપનીઓમાં સ્થાનિકોને નોકરી અંગે સરકારનું શું કહેવું છે?
ગુજરાતમાં આવેલી કંપનીઓમાં સ્થાનિકોને નોકરી સંદર્ભે બીબીસી ગુજરાતીએ રાજ્યકક્ષાના મંત્રી (શ્રમ અને રોજગાર) કુંવરજી હળપતિ સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત હાલમાં ટોચનાં રાજ્યોમાંથી એક છે. હાલમાં 40,000થી 60,000નો પગાર મળી શકે તે સ્થાને સ્થાનિક લોકોને વધુમાં વધુ રોજગારી મળે તેવા પ્રયત્નો સરકાર પોતાના ભરતીમેળા થકી કરી રહી છે. હાલમાં જ અમદાવાદમાં યોજાયેલા એક ભરતીમેળામાં અનેક સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવી છે. એટલે રાજ્ય સરકાર સ્થાનિક લોકોને ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી આપી રહી છે."
તો કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગના મંત્રી મનસુખ માંડવિયા કહે છે કે વિવિધ કારણસર કંપનીઓ સ્થાનિક લોકોને રોજગારી આપવાના કોટાનું પાલન કરી નથી શકતી.
મનસુખ માંડવિયાએ રાજકોટમાં યોજાયેલી પત્રકારપરિષદમાં કહ્યું હતું, "દરેક રાજ્યે પોતપોતાની રીતે, કોઈ 70 ટકા, કોઈ 60 ટકા, કોઈ 80 ટકા (જેટલી નોકરીઓ) સ્થાનિક લોકો માટે અનામત રાખે છે. એને (કંપની) જે ટેલેન્ટ જોઈએ, જે પ્રકારનો સ્કિલ્ડ મેનપાવર જોઈએ એ મેનપાવર જ્યારે ન મળે ત્યારે એ ઘણી વખત બહારથી કર્મચારીઓ લાવતા હોય છે."
એક તરફ રાજ્યમાં સ્થાનિક કંપનીઓમાં સ્થાનિકોને રોજગારીની આ સમસ્યા છે, ત્યારે બીજી બાજુ ભારતભરમાં બેરોજગારીની સમસ્યા પણ એટલી જ છે.
સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE), એક સ્વતંત્ર થિંક ટૅન્ક અનુસાર, 2024ના સપ્ટેમ્બરમાં ભારતનો બેરોજગારી દર 7.8 ટકા પર ઊભો રહ્યો હતો, જે 2024ના ઑગસ્ટમાં 8.5 ટકા હતો. શ્રમિક ભાગીદારીનો દર 41.6 ટકા પરથી ઘટીને 41 ટકા પર પહોંચ્યો અને રોજગારી દર ઑગસ્ટમાં 38 ટકા હતો તે ઘટીને સપ્ટેમ્બરમાં 37.8 ટકા પર આવી ગયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન