બાંગ્લાદેશ : 'ભારતવિરોધી' નિવેદનો કરનારા શરીફ ઉસ્માન હાદી કોણ છે, જેમની હત્યા બાદ ભડકી હિંસા?

ગયા વર્ષે વિદ્યાર્થી આંદોલન સાથે જોડાયેલા બાંગ્લાદેશના વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત પછી રાજધાની ઢાકાના ઘણા વિસ્તારોમાં ગુરુવારે હિંસા ભડકી હતી.

બીબીસી બાંગ્લા અનુસાર, તેમના નિધનની ખબરથી ઢાકાના ધાનમંડી, શાહબાગ સહિત ઘણાં સ્થળોએ વિરોધપ્રદર્શન, તોડફોડ અને આગજનીની ઘટનાઓ થઈ છે.

ભીડે ગુરુવારે રાતભર ઢાકામાં ઘણાં સ્થળોએ હુમલો કર્યો. તેમાં બાંગ્લાદેશના બે મુખ્ય અખબારોની કચેરીઓ પણ સામેલ છે.

બાંગ્લાદેશની આંતરિક સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ગુરુવાર રાતે 11:20 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરીને લોકોને ધીરજ રાખવાની અપીલ કરી અને કોઈપણ પ્રકારે 'પ્રચાર અને અફવાઓ' પર ધ્યાન ન આપવાની તથા ઉતાવળમાં નિર્ણય ન લેવાની વિનંતી કરી.

મોહમ્મદ યુનુસે શનિવારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.

બીજી તરફ, ઇન્કલાબ મંચે એક ફેસબુક પોસ્ટમાં માહિતી આપી છે કે ઉસ્માન હાદીનાં સગાં શુક્રવારે તેમના મૃતદેહને સિંગાપોરથી બાંગ્લાદેશ લાવશે.

ગયા શુક્રવારે હાદીને ઢાકાની એક મસ્જિદમાંથી નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા બંદૂકધારીઓએ તેમને ગોળી મારી હતી. ગોળી માથામાં વાગવાને કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ત્યારબાદ તેમને 15 ડિસેમ્બરે ઍરલિફ્ટ કરીને સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હૉસ્પિટલમાં તેમનું ગુરુવારે મોત થઈ ગયું.

સિંગાપોરના વિદેશ મંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર, "સિંગાપુર જનરલ હૉસ્પિટલ અને નૅશનલ ન્યુરોસાયન્સ ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટરોની સંપૂર્ણ કોશિશો છતાં, હાદીએ 18 ડિસેમ્બર 2025ના રોજ પોતાની ઈજાઓના કારણે પ્રાણ ગુમાવ્યા."

સિંગાપોર પ્રશાસન મૃતદેહ ઢાકા મોકલવા માટે સિંગાપોરસ્થિત બાંગ્લાદેશ હાઇકમિશનની મદદ કરી રહ્યું છે.

બાંગ્લાદેશ નૅશનાલિસ્ટ પાર્ટી (બી.એન.પી.)ના કાર્યકારી અધ્યક્ષ તારિક રહમાન, જમાત-એ-ઇસ્લામી અને એન.સી.પી. (નૅશનલ સિટીઝન્સ પાર્ટી) સહિત વિવિધ પક્ષોના નેતાઓએ હાદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

બાંગ્લાદેશમાં મોટા પાયે ભારતવિરોધી હિંસા, તોડફોડ, આગજની

ઉસ્માન હાદીની મોતની ખબર ફેલાતા જ પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતરી ગયા.

પ્રદર્શનકારીઓએ ઢાકામાં 'પ્રોથોમ આલો' અને 'ડેઇલી સ્ટાર' અખબારો, ધાનમંડી 32 સ્થિત શેખ મુજીબનાં ઘર અને છાયાનાટ સંસ્કૃતિ ભવન પર હુમલો કર્યો, તોડફોડ કરી અને ઇમારતોને આગ લગાવી દીધી.

તે ઉપરાંત, ચટગાંવ, રાજશાહી અને ઘણા અન્ય વિસ્તારોમાં પણ વિવિધ સ્થળોએ હુમલા થયા.

ઢાકા પોલીસે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે ધાનમંડી 32માં તોડફોડની ઘટના થઈ છે. આ સ્થાને એક તબક્કે બાંગ્લાદેશના સ્થાપક રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહમાનનું નિવાસસ્થાન હતું. બાદમાં તેને મ્યૂઝિયમમાં ફેરવી દેવામાં આવ્યુ હતું. આ ભવનમાં 5 ઑગસ્ટ 2024 પછી બે વાર તોડફોડ અને આગજનીની ઘટના થઈ છે.

ગુરુવાર બપોરે પણ ત્યાં તોડફોડ થઈ, ત્યારે જેસીબી મશીનોનો ઉપયોગ થતો જોવા મળ્યો હતો.

ગુરુવારની મધરાત નજીક, સેંકડો ગુસ્સે ભરેલા લોકોએ પહેલા દૈનિક પ્રોથોમ આલો અને પછી ડેઇલી સ્ટારની કચેરીઓ પર હુમલો કર્યો, તોડફોડ કરી અને આગ લગાવી દીધી.

તે સમયે બંને અખબારોના ઘણા પત્રકારો ઇમારતની અંદર ફસાયેલા હતા.

પછી સેનાના, પોલીસના અને બીજીબીના (બૉર્ડર ગાર્ડ બાંગ્લાદેશ) સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા અને હુમલાખોરોને ત્યાંથી હઠાવ્યા. ત્યારબાદ અગ્નિશામક કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવ્યો અને ઇમારતની અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા.

આ અખબારોનું સંચાલન શુક્રવારે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ બંને મીડિયા સંસ્થાઓની ઑનલાઇન સેવાઓ પણ લગભગ બંધ થઈ ગઈ છે.

ભારતીય હાઇકમિશન પર પથ્થરમારો

ગુરુવાર રાતે દેશના ઘણા અન્ય ભાગોમાં પણ પ્રદર્શન અને વિરોધના કાર્યક્રમો યોજાયા.

ઉસ્માન હાદીના સમર્થકો અને વિવિધ રાજકીય તથા વિદ્યાર્થી સંગઠનોના નેતાઓ અને કાર્યકરોએ ઢાકાની અંદર અને બહારના ઘણા જિલ્લાઓમાં રસ્તાઓ પર ઉતરીને પ્રદર્શન કર્યું.

ચટગાંવમાં ઘણાં સ્થળોએ વિરોધપ્રદર્શનો થયાં છે. ત્યાં ભારતીય સહાયક હાઇકમિશનરના નિવાસ સામે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા. સ્થાનિક પત્રકારોએ જણાવ્યું કે ભીડે હાઇકમિશન પર પથ્થરમારો કર્યો.

પોલીસે ઘટનાસ્થળે ધસી જઈને ભીડને વિખેરી હતી અને સુરક્ષા માટે સુરક્ષાકર્મી તહેનાત છે.

તે ઉપરાંત, હઠાવી દેવાયેલી અવામી લીગ સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી મોહિબુલ હસન ચૌધરી નૌફેલના ઘરમાં તોડફોડ કરવામાં આવી અને તેને આગ લગાવી દેવામાં આવી.

મોહમ્મદ યુનુસે શું કહ્યું?

ગુરુવાર મોડીરાતે મોહમ્મદ યુનુસે રાષ્ટ્રજોગ સંદેશમાં કહ્યું, "આ ક્રૂર હત્યામાં સામેલ તમામ ગુનેગારોને શક્ય તેટલી વહેલી તકે ન્યાયના કટઘરામાં લાવવામાં આવશે અને તેમને મહત્તમ સજા આપવામાં આવશે. આ મામલામાં કોઈ નરમાશ નહીં રાખવામાં આવે."

"અમે તે લોકોના જાળમાં નહીં ફસાઈએ, જે દેશને અસ્થિર કરવા માંગે છે, આવો આપણે બધા એકતાથી લોકશાહી, ન્યાય અને જનતાના અધિકારોની સ્થાપનાની દિશામાં મજબૂત પગલાં લઈએ."

યુનુસે કહ્યું, "હું ફરી એકવાર સ્પષ્ટ રીતે કહેવા માંગું છું કે ઉસ્માન હાદી પરાજિત શક્તિઓ, ફાસીવાદી આતંકવાદીઓના દુશ્મન હતા. તેમની અવાજને દબાવવા અને ક્રાંતિકારીઓને ડરાવવાનો નાપાક પ્રયાસ સંપૂર્ણપણે નિષ્ફળ કરવામાં આવશે. કોઈપણ ડર, આતંક અથવા લોહીથી આ દેશની લોકશાહી પ્રગતિને અટકાવી શકાશે નહીં."

તેમણે આ પણ કહ્યું કે મૃતક હાદીનાં પત્ની અને એકમાત્ર બાળકની જવાબદારી સરકાર લેશે.

કોણ હતા હાદી ઉસ્માન?

ઉસ્માન હાદીને ગયા અઠવાડિયે શુક્રવારે ગોળી વાગી હતી.

ગયા વર્ષ ઑગસ્ટમાં બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીના વિરુદ્ધ ઉગ્ર વિદ્યાર્થી આંદોલનના મુખ્ય ચહેરાઓમાંના એક હતા.

તેઓ શેખ હસીના વિરોધી ઇન્કલાબ મંચના સભ્ય હતા. ફેબ્રુઆરીમાં થનારા ચૂંટણી માટે તેઓ પણ સંભવિત ઉમેદવાર હતા અને હુમલાના સમયે ઢાકા-8 બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે પ્રચાર કરી રહ્યા હતા.

ઇન્કલાબ મંચ ગયા વર્ષ જુલાઈમાં થયેલા બાંગ્લાદેશ વિદ્યાર્થી આંદોલન દરમિયાન ચર્ચામાં આવ્યું ગચું.

આ જૂથને 'કટ્ટરપંથી સંગઠન' કહેવામાં આવ્યું છે અને આ અવામી લીગને નબળી પાડવાના પ્રયાસોમાં આગળ રહ્યું છે.

વિદ્યાર્થી આંદોલનમાં ભૂમિકા હોવા છતાં, યુનુસ સરકારે આ મંચને ભંગ કરી દીધું હતું અને રાષ્ટ્રીય ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

ભારતવિરોધી નિવેદનો તેજ

ગયા કેટલાક દિવસોથી બાંગ્લાદેશના ઘણા નેતાઓના ભારત વિરોધી નિવેદનો તેજ થયાં છે.

બુધવારે બાંગ્લાદેશની નૅશનલ સિટીઝન પાર્ટી (એનસીપી)ના સાદર્ન ચીફ ઑર્ગેનાઇઝર હસનત અબ્દુલ્લાહે કહ્યું હતું કે ભારતના હાઇકમિશનરને દેશમાંથી બહાર કાઢી દેવા જોઈએ.

હસનત અબ્દુલ્લાહે ચેતવણી આપતાં કહ્યું હતું કે જો બાંગ્લાદેશને અસ્થિર કરવામાં આવશે તો ભારતનાં ઉત્તરપૂર્વ રાજ્યો 'સેવન સિસ્ટર્સ'ને અલગ કરી દેવામાં આવશે.

ત્યારબાદ ભારતે દિલ્હીમાં બાંગ્લાદેશના હાઇકમિશનર રિયાઝ હમિદુલ્લાહને બોલાવી ઢાકામાં ભારતીય હાઇકમિશનની સુરક્ષા અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

શેખ હસીનાને હટાવાયાં પછીથી બાંગ્લાદેશ અને ભારતના સંબંધો તણાવપૂર્ણ થઈ ગયા છે.

તાજેતરના મહિનાઓમાં બાંગ્લાદેશના નેતાઓ ભારત વિરુદ્ધ વારંવાર આ પ્રકારના આરોપો લગાવતા રહ્યા છે.

ગયા વર્ષ ઑગસ્ટમાં શેખ હસીનાને સત્તાથી હટાવ્યાં પછી બાંગ્લાદેશ બનાવવામાં ભારતની ભૂમિકા અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. બાંગ્લાદેશના ઘણા નેતાઓ ભારતની ભૂમિકા અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

આ સમયે શેખ હસીનાએ ભારતમાં શરણ લીધું છે અને તેમના પુત્ર સજીબ વાજેદ જૉયે આરોપ લગાવ્યો છે કે મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી આંતરિક સરકાર એક ઇસ્લામી શાસન સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન