દુનિયાના 10 સૌથી ધનવાન પરિવારોનું લિસ્ટ, ભારતના મુકેશ અંબાણીને કયું સ્થાન મળ્યું?

અમેરિકાના મીડિયા આઉટલેટ બ્લૂમબર્ગે વિશ્વના ટોચના 25 ધનાઢ્ય પરિવારોની યાદી બહાર પાડી છે. જેમાં વૉલમાર્ટ સુપરમાર્કેટ ચેઇનનો માલિક વૉલ્ટન પરિવાર આ વર્ષે પણ યાદીમાં પહેલા ક્રમે છે.

ગત વર્ષે વૉલ્ટન પરિવારની કુલ સંપત્તિ 432 અબજ ડૉલર હતી, જેમાં આ વર્ષે 81 અબજ ડૉલરનો વધારો થયો છે.

બીજી બાજુ, સાઉદી અરેબિયાના રાજવી પરિવાર અલ-સઉદની સંપત્તિમાં પણ ભારે વધારો થયો છે. બ્લૂમબર્ગની યાદીમાં સાઉદી પરિવાર ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. ગત વર્ષે તે છઠ્ઠા સ્થાને હતો.

વિશ્વના ટોચના પાંચ ધનિક પરિવારોમાંથી ત્રણ આરબ દુનિયાના છે. ભારતનો અંબાણી પરિવાર આ લિસ્ટમાં આઠમા ક્રમે છે.

આ અહેવાલમાં આપણે આ યાદીના ટોચના 10 પરિવારો વિશે વાત કરીશું અને જાણીશું કે તેમની પાસે કેટલી સંપત્તિ છે તથા તેમની સંપત્તિનું રહસ્ય શું છે?

વૉલ્ટન પરિવાર

કંપનીનું નામ: વૉલમાર્ટ

કુલ સંપત્તિ: 513 અબજ ડૉલર

દેશ: અમેરિકા

વૉલમાર્ટ સુપર માર્કેટ ચેઇનના 44 સ્ટોરની માલિકી વૉલ્ટન પરિવારની છે, જે આ પરિવારની સંપત્તિનું મુખ્ય કારણ છે.

વિશ્વભરમાં વૉલમાર્ટના 10 હજાર 750 સ્ટોર છે, જે દર અઠવાડિયે 27 કરોડ ગ્રાહકોને સેવા આપે છે.

વૉલમાર્ટના સ્થાપક સૅમ વૉલ્ટને ખૂબ જ ગણતરીપૂર્વક પોતાની સંપત્તિ સંતાનોમાં વહેંચી હતી. આ વિતરણ એવી રીતે કર્યું હતું કે કારોબાર પર પરિવારની પકડ યથાવત્ રહે.

બ્લૂમબર્ગ અવલોકે છે કે વૉલમાર્ટની પ્રગતિનું સૌથી મોટું કારણ એ છે કે તેમણે સંપત્તિઓને સારી રીતે સંભાળી તથા એવા વેપારી કરાર કર્યા, જેથી કરીને તેમની સંપત્તિમાં ઘટાડો ન થાય.

નાહ્યાન પરિવાર

કારોબાર: ક્રૂડઑઇલ અને પેટ્રોલિયમ પેદાશો

કુલ સંપત્તિ: 335 અબ ડૉલર

દેશ: સંયુક્ત આરબ અમિરાત

યુએઇના શાસક અલ-નાહ્યાન પરિવારની સંપત્તિનો મુખ્ય સ્રોત ક્રૂડઑઇલ તથા પેટ્રોલિયમ પેદાશો છે. અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન યુએઇના રાષ્ટ્રપતિ પણ છે.

અલ સઉદ

કારોબાર: ક્રૂડઑઇલ અને પેટ્રોલિયમ પેદાશો

કુલ સંપત્તિ: 213 અબજ ડૉલર

દેશ: સાઉદી અરેબિયા

ગત વર્ષની સરખામણીમાં અલ સઉદ પરિવારની સંપત્તિમાં ખાસો વધારો થયો છે. બ્લૂમબર્ગે ગત વર્ષે લિસ્ટ બહાર પાડી હતી, જે મુજબ, આ પરિવાર પાસે 140 અબજ ડૉલરની સંપત્તિ હતી, જેમાં ચાલુ વર્ષે 73 અબજ ડૉલરની વૃદ્ધિ થઈ છે.

ગત 50 વર્ષ દરમિયાન શાહી ખજાનામાંથી રાજવી પરિવારના સભ્યોને જે રકમ ચૂકવવામાં આવી છે, તેના આધારે બ્લૂમબર્ગે આ અનુમાન મૂક્યું છે.

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાસે એક અબજ ડૉલર કરતાં વધુની સંપત્તિ હોવાનું અનુમાન છે.

અલ થાની (સાની) પરિવાર

કારોબાર: ક્રૂડઑઇલ અને પેટ્રોલિયમ પેદાશો

કુલ સંપત્તિ: 199 અબજ ડૉલર

દેશ: કતાર

કતારનો શાસક અલ-થાની પરિવાર ક્રૂડઑઇલ તથા ગૅસના વેપાર સાથે જોડાયેલો છે. આ પરિવારનો લગભગ દરેક સભ્ય સરકારમાં મહત્ત્વપૂર્ણ પદ પર છે તથા અનેક પ્રકારના ઉદ્યોગ સાથે જોડાયેલો છે.

અલ-થાની ખૂબ જ મોટો પરિવાર છે અને દેશની સત્તા કેટલાક સભ્યો પાસે કેન્દ્રિત છે.

અત્રે એ યાદ રાખવું રહે કે કતારે ટ્રમ્પના તંત્રને ઍરફોર્સ વનના સ્થાને હંગામી ધોરણે વાપરવા માટે ઑફર કરી હતી.

ઍર્મેઝ પરિવાર

કંપની: ઍર્મેઝ

કુલ સંપત્તિ: 184 અબજ ડૉલર

દેશ: ફ્રાન્સ

ઍર્મેઝની ગણના વિશ્વની અગ્રણી ફૅશન કંપનીઓમાં થાય છે. હાલનો માલિક પરિવારએ સ્થાપકની છઠ્ઠી પેઢી છે. પરિવારના લગભગ 100 સભ્યો આ વ્યવસાયને આગળ ધપાવી રહ્યા છે.

એક્સેલ ડૂમસ આ કંપનીના સીઇઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર) છે.

કોચ પરિવાર

કંપની: કોચ ઇન્ડસ્ટ્રીઝ

કુલ સંપત્તિ: 150 અબજ ડૉલર

દેશ: અમેરિકા

ફેડરિક, ચાર્લ્ડ, ડેવિડ તથા વિલિયમ કોચ એમ ચાર ભાઈને તેમના પિતા ફ્રેડ કોચે આ કંપની વારસામાં આપી હતી, પરંતુ એ પછી પરસ્પર મતભેદ થયા.

એ પછી ચાર્લ્સ અને ડેવિડ જ આ ધંધામાં રહ્યા અને બાકીના બે ખસી ગયા.

હવે આ પરિવાર અનેક ધંધા સાથે જોડાયેલો છે, જેમાં ક્રૂડઑઇલ, ઊર્જા, કેમિકલ, ખનીજ, ફાઇનાન્સ, વેપાર તથા ઇનવેસ્ટેમેન્ટ કંપનીઓનો સમાવેશ થાય છે.

માર્સ પરિવાર

કંપની: માર્સ ઇનકૉર્પોરેટેડ

કુલ સંપત્તિ: 143 અબજ ડૉલર

દેશ: અમેરિકા

માર્સ પરિવાર ચૉકલેટ માટે વિખ્યાત છે, જે ભારતમાં પણ ઉપલબ્ધ છે. આ પરિવાર એમ ઍન્ડ એમ, મિલ્કી વે તથા સ્નિકર્સ જેવી બ્રાન્ડ્સની માલિકી ધરાવે છે.

જોકે, કંપનીનો અડધાથી પણ વધુ નફો પાલતું પ્રાણીઓ માટેની પ્રોડક્ટ્સના (પેટ કૅર) વેચાણમાંથી થાય છે.

અંબાણી પરિવાર

કંપની: રિલાયન્ડ ઇન્ડસ્ટ્રીઝ

કુલ સંપત્તિ: 105 અબજ ડૉલર

દેશ: ભારત

મુકેશ અંબાણી વિશ્વની સૌથી મોટી ઑઇલ રિફાઇનરીના માલિક છે. તેઓ 27 માળના આલિશાન 'ઍન્ટાલિયા'માં રહે છે, જેની ગણના વિશ્વની સૌથી મોંઘી રહેણાક ઇમારતોમાં થાય છે.

વર્ષ 2024માં મુકેશ અંબાણીએ તેમના દીકરા અનંતના લગ્ન ખૂબ જ વૈભવી ઢબે કર્યા હતા, જેની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. આ લગ્નસમારંભ અનેક દિવસ સુધી ચાલ્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં દીકરી ઇવાન્કા, માઇક્રોસૉફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સ, તથા ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ સહિત અનેક હસ્તીઓ તેમાં સામેલ થઈ હતી.

વર્થાઇમર પરિવાર

કંપની: શેનેલ

કુલ સંપત્તિ: 85 અબજ ડૉલર

દેશ: ફ્રાન્સ

એલન તથા જેરાર્ડ વર્થાઇમર કોકો શેનેલ નામની ફૅશન કંપનીના માલિક છે. જેની સ્થાપના તેમના દાદાએ 1920ના દાયકા દરમિયાન કરી હતી.

આ સિવાય તેઓ દ્રાક્ષના બગીચા અને રેસમાં ભાગ લઈ શકે તેવા અનેક ઘોડા પણ ધરાવે છે.

ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે તેમની સંપત્તિમાં ત્રણ અબજ ડૉલર જેટલો ઘટાડો થયો છે.

આ ઘટાડા છતાં તેઓ ગત વર્ષે પણ ટોપ-10માં સામેલ હતા, અને ચાલુ વર્ષે પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.

થૉમસન પરિવાર

કંપની: થૉમસન રૉઇટર્સ

કુલ સંપત્તિ: 82 અબજ ડૉલર

દેશ: કૅનેડા

થૉમસન રૉઇટર્સ કંપનીમાં થૉમસન પરિવાર 70 ટકા જેટલી હિસ્સેદારી ધરાવે છે. તે કૅનેડાનો સૌથી ધનવાન પરિવાર છે. 1930ના દાયકામાં રૉય થૉમસને ઑન્ટારિયો ખાતે પહેલું રેડિયો સ્ટેશન સ્થાપ્યું હતું.

બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, ગત વર્ષે થૉમસન પરિવારની સંપત્તિ 87 અબજ ડૉલર હતી અને આ વર્ષે પાંચ અબજ ડૉલરનો ઘટાડો થયો છે, આમ છતાં તે ટોપ-10માં સામેલ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન