You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2026 Player Auction : આકિબ, પ્રશાંત અને કાર્તિકને આઈપીએલની હરાજીમાં એવું શું મળ્યું કે બધાને નવાઈ લાગી?
- લેેખક, મનોજ ચતુર્વેદી
- પદ, વરિષ્ઠ સ્પૉર્ટ્સ પત્રકાર
ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલને 'કરોડપતિ બનાવવાનું મશીન' ગણવામાં આવે છે. આ વર્ષે પણ ઘણા ખેલાડીઓ કરોડપતિ બની ગયા છે.
આ વર્ષે જેઓ કરોડપતિ બન્યા તેમાં જમ્મુ અને કાશ્મીરના આકિબ નબી ડાર, અમેઠીના પ્રશાંત વીર ત્રિપાઠી અને ભરતપુરના કાર્તિક શર્મા જેવા ખેલાડી સામેલ છે, જેમની કોઈ ખાસ ઓળખ નથી. તેમને જે રૂપિયા મળ્યા છે તેનું તો તેમણે સપનું પણ નહીં જોયું હોય.
તેવી જ રીતે કેકેઆર દ્વારા ત્રણ કરોડમાં ખરીદવામાં આવેલા તેજસ્વીસિંહ અને લખનઉ સુપર જાયન્ટ્સે 2.6 કરોડમાં ખરીદેલા મુકુલ ચૌધરી પણ આ શ્રેણીમાં આવે છે.
આકિબ નબી ડારને દિલ્હી કૅપિટલ્સ દ્વારા 8.4 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. પ્રશાંત વીર ત્રિપાઠી અને કાર્તિક શર્મા- બંનેને ચેન્નાઈ સુપરકિંગ્સ દ્વારા 14.20 કરોડમાં ખરીદવામાં આવ્યા છે. આઈપીએલના ઇતિહાસમાં આ બંને સૌથી મોંઘાં અનકૅપ્ડ ખેલાડી છે.
આકિબના મજબૂત ઇરાદા
જમ્મુ અને કાશ્મીરના બારામુલામાં જન્મેલા આકિબ નબી ડાર બહુ મજબૂત ઇરાદા ધરાવતા ખેલાડી છે. તેમના પિતા સરકારી શાળામાં શિક્ષક હતા. તેથી ઘરમાં બહુ સુવિધાઓ ન હતી. એટલું જ નહીં, ઘરથી સૌથી નજીકનું ક્રિકેટ મેદાન પણ 54 કિલોમીટર દૂર શ્રીનગરમાં આવેલું હતું.
એક સ્થાનિક અખબારે તેમને શરૂઆતની તકલીફો વિશે પૂછ્યું હતું, ત્યારે તેમણે કહ્યું કે, "તમારું લક્ષ્ય ભારત વતી રમવાનું હોય તો આ બધું બહુ મહત્ત્વ નથી ધરાવતું. તમારી પાસે મર્યાદિત સંસાધનો હોય તો પણ ફરક નથી પડતો. તમે બહાના તો બનાવી શકતા નથી. મારું લક્ષ્ય ટીમ ઇન્ડિયાની જર્સી પહેરવાનું છે."
આપણે જાણીએ છીએ કે પરવેઝ રસૂલ એ ભારત વતી રમનારા જમ્મુ-કાશ્મીરના પ્રથમ ખેલાડી હતા. તેમને રમતા જોઈને આકિબને પણ ક્રિકેટ રમવાની ઇચ્છા થઈ. તેમણે રાજ્યની અંડર-19 ટીમ માટે ઘણી વખત ટ્રાયલ આપી. બહુ મહેનત કર્યા પછી તેમને ટીમમાં સ્થાન મળી શક્યું.
આકિબ 2018માં લિસ્ટ Aમાં આવ્યા અને ત્યાર પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી. આ વર્ષે તેમણે સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં પેસ બૉલિંગથી ધાક જમાવી હતી. તેમણે 7.41ની ઇકૉનૉમી રેટથી 15 વિકેટો ઝડપી. રણજી ટ્રોફીની 9 ઇનિંગમાં તેઓ 29 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ દુલીપ ટ્રૉફીમાં વેસ્ટ ઝોન સામે નોર્થ ઝોન વતી હૅટ્રિક પણ લઈ ચૂક્યા છે. તેમણે ચાર બૉલમાં ચાર વિકેટ લીધી હતી. અગાઉ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન કપિલ દેવે 1979માં અને સાઇરાજે 2001માં હૅટ્રિક લીધી હતી.
આકિબની બૉલિંગની કમાલના કારણે જમ્મુ કાશ્મીર આ વર્ષે રણજી ટ્રૉફીમાં પહેલી વખત દિલ્હીને હરાવવામાં સફળ રહ્યું. આ જીતમાં તેમણે પાંચ વિકેટો ઝડપી હતી.
ધોનીની ટીમમાં રમવાનું પ્રશાંતનું સપનું
આ યુવાન ખેલાડીને ચેન્નાઈ સુપરકિંગ્સે રવીન્દ્ર જાડેજાની જગ્યા લેવા માટે ખરીદ્યા છે. આ કારણે જ તેમના પર આટલી ઊંચી બોલી લગાવાઈ છે. પ્રશાંતના આદર્શ તો યુવરાજસિંહ રહ્યા છે, કારણ કે તેને જોઈને જ તેઓ ક્રિકેટર બન્યા છે. પરંતુ તેમનું સપનું મહેન્દ્રસિંહ ધોનીની સાથે ચેન્નાઈ સુપરકિંગ્સમાં રમવાનું હતું. આ સપનું તો સાકાર થયું, સાથે સાથે તેઓ કરોડપતિ પણ બની ગયા.
અમેઠીના સંગ્રામપુર બ્લૉકમાં રાજેન્દ્ર ત્રિપાઠીના ઘરે જન્મેલા પ્રશાંતને બાળપણથી ક્રિકેટમાં રસ હતો. શરૂઆતમાં તેઓ પોતાના બ્લૉકના આંબેડકર સ્ટેડિયમમાં રમ્યા. અહીં તેમને કોચ ગાલિબ તરફથી પ્રારંભિક તાલીમ મળી. થોડા જ સમયમાં તેઓ મેનપુરુ સ્પૉર્ટ્સ હૉસ્ટેલમાં પસંદ થઈ ગયા.
આ 20 વર્ષીય લેફ્ટ આર્મ સ્પિનરે યુપી માટે રમાયેલી બે પ્રથમ શ્રેણી અને 9 ટી20 મૅચમાં પોતાની છાપ છોડી છે. પરંતુ ખરા અર્થમાં તેઓ રાજ્યની અંડર 19 ટ્રૉફીથી ચર્ચામાં આવ્યા. તેમાં તેમણે સાત મૅચમાં 19 છગ્ગા સાથે 376 રન બનાવ્યા હતા.
એક સમયે પ્રશાંત વીરની કારકિર્દી સામે સંકટ પણ પેદા થયું હતું. દિલ્હીના નૅશનલ સ્ટેડિયમમાં રમતી વખતે એક કૅચ પકડવાના પ્રયાસમાં એક બૉલ તેમની આંખ પર લાગ્યો હતો જેના કારણે સાત ટાંકા આવ્યા હતા. પરંતુ સાજા થઈને તેઓ ફરી ધૂમ મચાવી રહ્યા છે.
બાળપણથી જ કાર્તિકને છગ્ગા સાથે લગાવ
રાજસ્થાનના ભરતપુરમાં જન્મેલા આ ખેલાડીએ આગ્રામાં લોકેન્દ્રસિંહની ઍકેડેમીમાંથી ક્રિકેટના પાઠ શીખ્યા છે. લોકેન્દ્રસિંહ ભારતીય ક્રિકેટર દીપક ચાહરના પિતા છે. તેમની ઍકેડેમીમાં તેમના ભત્રીજા રાહુલ ચાહર પણ ક્રિકેટ શીખ્યા છે.
લોકેન્દ્રસિંહે એક વખત કહ્યું હતું, "મેં પહેલી વખત કાર્તિકને તેમના પિતા મનોજ શર્માના ખભા પર બેસીને અને હાથમાં પ્લાસ્ટિકના બૅટ સાથે જોયા હતા. તે વખતે કાર્તિકે કહ્યું હતું કે હું છગ્ગા ફટકારનારો ખેલાડી બનવા માગું છું."
લોકેન્દ્રસિંહે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ડૉટ કૉમને જણાવ્યું કે, "સીએસકે દ્વારા 14.2 કરોડ રૂપિયાના સમાચાર મળવા પર હું શાંત હતો. લાગણી વ્યક્ત કરી શકતો ન હતો. પરંતુ મારા ઘરવાળા ખુશીથી ઉછળતા હતા અને મીઠાઈ વહેંચવામાં આવતી હતી."
કાર્તિક હજુ પણ દીપક ચાહર દ્વારા અપાયેલા બૅટથી જ રમે છે. દીપકને તેમણે પાંચ વર્ષ અગાઉ વિકેટકિપિંગ માટેનાં ગ્લાઉઝ આપ્યાં હતાં અને કહ્યું હતું કે વિકેટકિપિંગ પણ કર, નહીંતર એક જ આયામના ક્રિકેટર બનીને રહી જઈશ. કાર્તિકે પહેલાં પણ વિકેટકિપિંગ કર્યું હતું. તેથી તેમણે તેને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું, જેનું ફળ હવે મળી ગયું છે.
મુકુલ ચૌધરીને એલએસસીનો સાથ મળ્યો
મુકુલ ચૌધરીને ડૉમેસ્ટિક ક્રિકેટ રમવામાં હજુ બે વર્ષ જ થયાં છે અને તેમને લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા 2.6 કરોડમાં ખરીદવામાં આવ્યા છે.
ઑક્ટોબર 2023માં તેમણે ઝારખંડ વિરુદ્ધ પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને ઓપનર તરીકે 35 રન બનાવીને બધાના દિલ જીતી લીધા હતા.
સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં કેટલીક આક્રમક ઇનિંગ રમવાનું મુકુલને ઇનામ મળ્યું છે. તેમણે મુંબઈ વિરુદ્ધ 28 બૉલમાં 54 રન અને દિલ્હી સામે 26 બૉલમાં 62 રન બનાવીને દેખાડી દીધું કે તેઓ આક્રમક અંદાજથી રમી શકે છે.
તેજસ્વીનો આક્રમક અંદાજ
તેજસ્વીસિંહ દહિયા દિલ્હીના ઉભરતા વિકેટકિપર બૅટ્સમૅન છે. તેમની આક્રમક બેટિંગ એ તેમની વિશેષતા છે. તેઓ અત્યાર સુધીમાં છ ટી20 મૅચ રમ્યા છે જેમાં 168ની સ્ટ્રાઇક રેટથી 113 રન બનાવ્યા છે.
તેજસ્વીને આ રકમ દિલ્હી વતી ફિનિશરની ભૂમિકા સફળતાપૂર્વક બજાવવા બદલ મળી છે. હાલમાં દરેક ટીમમાં સારા ફિનિશરનું મહત્ત્વ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન