કપડાં લાંબા સમય સુધી ટકી રહે એ માટે શું કરવું?

- લેેખક, બેલ જેકોબ્સ
- પદ, બીબીસી સંવાદદાતા
"અમુક વસ્ત્રોને માત્ર ચેઇન તૂટલી હોય માટે ત્યજી દેવામાં આવે છે. નવાં વસ્ત્રો ખરીદવાનું આસાન, સસ્તું અને ઝડપી હોય ત્યારે તૂટેલી ચેઈનને રિપેર કરવામાં સમય તથા પૈસા ખર્ચવાનો શું અર્થ? માત્ર ચેઈન તૂટી ગઈ હોય તેવાં વસ્ત્રોને ફેંકી દેવાનું બંધ કરીને આપણે શું કરી શકીએ તે અને આપણે તેને રિપેર કરાવી લઈએ ત્યારે શું થાય તે ન વિચારી શકાય?"
આ હૃદયસ્પર્શી અપીલ ‘લવ્ડ ક્લોથ્સ લાસ્ટ’ નામના પુસ્તકમાં લખિકા ઓર્સોલા ડી કાસ્ટ્રોએ કરી હતી.
ઓર્સોલા ડી કાસ્ટ્રો ફેશન રેવલ્યૂશન નામની વૈશ્વિક ચળવળનાં સ્થાપક છે.
21મી સદીમાં ફેશન અનેક પ્રશ્નોનો સામનો કરી રહી છે. તેમાં ડી કાસ્ટ્રોના આ બે જ સવાલ છે.
ઉદ્યોગોને કારણે થતા પર્યાવરણીય અને સામાજિક નુકસાનને ઘટાડવાનું વધુ મુશ્કેલ છે.
પ્રાકૃતિક સંસાધનોનો જંગી પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેવું પ્રદૂષણ અને કચરાના પ્રમાણનું છે, જ્યારે વૈશ્વિક સપ્લાય ચેઈન્સમાં ભરપૂર શોષણ થઈ રહ્યું છે.
કુલ વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં બેથી આઠ ટકા હિસ્સા માટે આ ક્ષેત્ર જવાબદાર છે. ચોક્કસ બિંદુ પછી આ બિનજરૂરી વસ્તુઓનો વેપાર કરવાનો ઉદ્યોગ છે તેને ધ્યાનમાં લેતાં આ હકીકત વિસ્મયકારક છે.
ફેશનેબલ વસ્ત્રોની ખરીદી કરતા વિશ્વનાં મોટાં શહેરોમાં વસતા આપણા પૈકીના બહુ ઓછા લોકોને ખરેખર વધારે વસ્ત્રોની જરૂર છે. તેમ છતાં, દર વર્ષે 80થી 100 અબજ વસ્ત્રોનું ઉત્પાદન કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગંભીરતાપૂર્વક તૈયાર કરવામાં આવેલા રોડમૅપ અને રિપોર્ટ્સ સાથે ફેશન પડકારોનો સામનો કરી રહી છે.
એ રિપોર્ટ્સમાં સપ્લાય ચેઈન્સની ઊર્જા ક્ષમતા વધારવાની, રિન્યુએબલ્સ પર વધારે ધ્યાન આપવાની, સિન્થેટિક્સને બાજુ પર રાખીને નવા મટીરિયલ્સની, સામાજિક ન્યાયની પહેલને ઝડપી બનાવવાની અને પશુઓ પરની ક્રૂરતા ઘટાડવાની અનેક યોજનાઓનો સમાવેશ થાય છે.
આ પ્રયાસ પ્રમાણિક હોવા છતાં તેણે જંગી પ્રભાવ ધરાવતા ઉદ્યોગ સાથે પનારો પાડવાનો છે.
મધ્યમસરના ઓછા અંદાજ અનુસાર, વસ્ત્રોની આ 80થી 100 અબજ આઇટમ્સ બે-ત્રણ વખત પહેરાય કે તરત જ બાળી નાખવામાં આવે છે અથવા દાટી દેવામાં આવે છે.
મેકિન્સેના ફેશન ઉદ્યોગ સંબંધી અહેવાલ મુજબ, વૈશ્વિક મહામારીના આંચકા પછી ફૅશનેબલ વસ્ત્રોનું વૈશ્વિક વેચાણ હવે 2019ના સ્તરની ગતિ પકડવા તરફ આગળ વધી રહ્યું છે.

ઇમેજ સ્રોત, Katrina Hassan, Spark Joy London
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વધુને વધુ કર્મશીલો એવી દલીલ કરી રહ્યા છે કે ફેશનનો પ્રભાવ ઘટાડવાના સરળ રસ્તાઓ પૈકીનો એક ઓછી ખરીદી કરવાનો અને આપણી પાસે હોય તે કપડાં લાંબો સમય સુધી ટકાવીને પહેરવાનો છે.
ટેક ધ જમ્પ નામના કેમ્પેઈન ગ્રુપના જણાવ્યા અનુસાર, વર્ષમાં માત્ર ત્રણ જ નવાં વસ્ત્રોની ખરીદી કરવી જોઈએ.
વાસ્તવમાં ફેશન ઉદ્યોગના કદમાં નોંધપાત્ર ઘટાડો કરવાની જરૂર છે. ઇચ્છાઓ સંતોષવા અને ત્વરિત પ્રસન્નતાના મદમાં રાચતી ગ્રાહકોની એક આખી પેઢીને જોતાં કદમાં ઘટાડાની કલ્પના કરવી મુશ્કેલ હોઈ શકે, પરંતુ આંકડાઓનું ખંડન કરી શકાય તેમ નથી.
પર્યાવરણીય સખાવતી સંસ્થા રેપ દ્વારા કરવામાં આવેલું સંશોધન દર્શાવે છે કે કોઈ એક વસ્ત્રનું જીવન માત્ર નવ મહિના લંબાવવાથી પર્યાવરણ પરની તેની માઠી અસરમાં 10 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. કલ્પના કરો કે આગામી દાયકાઓમાં શુંનું શું હાંસલ કરી શકાય.
તેમાં સારી ક્વૉલિટીનાં વસ્ત્રોની ખરીદી, એકનું એક વસ્ત્ર વારંવાર પહેરવાની તેના માલિકની તૈયારી અને તેની કાળજી લેવાની તેમની ક્ષમતાનો સમાવેશ થાય છે. આ હાંસલ કરવું સરળ લાગે, પરંતુ એવું જ હોત તો આપણે પહેલાંથી જ કરી લીધું હોત. જોકે, એ માટે આજથી પ્રયાસ ન કરવાનું વધારે ભયજનક જણાય છે.
હકીકત એ છે કે આપણે વસ્ત્રોની જાળવણીની સુંદર કળા એક પેઢીના વિલય સાથે ગુમાવી દીધી છે.
આપણાં દાદા-દાદી કરકસરભર્યું જીવન જીવતાં હતાં. કોઈ વસ્ત્ર ફાટી જાય તો તેને સાંધીને પહેરતાં હતાં. આજે મોટાભાગના ગ્રાહકોએ પહેરો, ફાડો અને ફેંકી દો મૉડેલ અપનાવી લીધું છે.
વસ્ત્રો કેવી રીતે બનાવવામાં આવે છે તેની સાખ ડી કાસ્ટ્રોના તૂટેલી ચેઈન સાથેના પરફેક્ટ કપડાં આપે છે.
હવે આ સવાલો સૌથી વધુ મહત્ત્વનાં છે કે આપણાં વસ્ત્રોનો મોટો હિસ્સો પેટ્રોલિયમ આધારિત શા માટે છે, જમ્પરમાંનું રેયોન પ્રાચીન જંગલોમાંથી મેળવવામાં આવ્યું હતું કે કેમ, પૉમ પૉમ નામનાં વસ્ત્રમાં કયાં પ્રાણીની રૂંવાટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, બહુ ઓછા કામદારોને જ ઓછું વેતન શા માટે ચૂકવવામાં આવે છે અને આપણે આ વિનાશને ચાલુ રાખવા માગીએ છીએ?
ડી કાસ્ટ્રોના પુસ્તકનું પેટાશિર્ષક છેઃ “તમારા વસ્ત્રોને ફરીથી પહેરવા અને રિપેર કરવાનો આનંદ કેવી રીતે ક્રાંતિકારી કામ હોઈ શકે.” તે સાચું છે. આપણને ક્રાંતિની જરૂર છે.
તેનું પ્રથમ પગલું તમારા વોર્ડરોબમાંના વસ્ત્રોનો તાગ મેળવવાનું છે. કાપડના પુનઃઉપયોગ સંબંધી સખાવતી સંસ્થા ટ્રેઈડ્ઝની 23 પર્સેન્ટ ઝુંબેશ 2019માં શરૂ કરવામાં આવી હતી, જેથી લંડનવાસીઓના વોર્ડરોબમાં કેટલાં વસ્ત્રો પહેર્યાં વિના પડી રહ્યાં છે તેનું પ્રમાણ ઉજાગર કરી શકાય. સેમ વેઈર વન-ટુ-વન સ્ટાઈલિંગ સર્વિસ લોટ્ટે વી વનના સ્થાપક છે.
તેનો ઉદ્દેશ વસ્ત્રો સાથેના આપણા સંબંધને ફરી જાગૃત કરવાનો છે.
સ્ટાયલિસ્ટ સામ વેઈર કહે છે, "આપણામાંથી ઘણા લોકો તેમની માલિકીની વસ્તુઓનો ઉપયોગ કરતા નથી, કારણ કે આપણને વપરાશ દ્વારા સ્ટાઇલ સૉલ્યુશન્શ શોધવાનું શીખવવામાં આવ્યું છે."
સ્ટાઇલિંગ વડે લોકો નવી ખરીદી કર્યા વિના પોતાની જાતને અભિવ્યક્ત કરી શકે છે અને વસ્ત્રસજ્જાની મજા માણી શકે છે.
"સર્જનાત્મકતાને વેગ આપી શકે છે અને તેમને શોભે તેવાં વસ્ત્રો પહેરી શકે છે. આ વાત ફેશન સાથે ઇન્ટરઍક્ટ કરતા શીખવાની છે અને તેનાથી આપણી વસ્તુઓ સાથે સંબંધ બંધાય છે."
આપણે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
આપણે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? તેઓ કહે છે, "સપ્તાહમાં બે કલાક ફાળવો અને તમારો વૉર્ડરોબ ઊઘાડો. તમે મહિનાઓ કે તેથી વધુ સમયથી પહેર્યાં ન હોય તેવાં વસ્ત્રો ખોળી કાઢો. તેમાં કદાચ એકાદ ફૉર્મલ બ્લાઉઝ હશે. સ્ટાઇલિંગ અહીં મદદ કરી શકે."
ફૉર્મલ બ્લાઉઝને રિલેક્સ્ડ ડેનિમ સાથે પહેરો. આવાં વસ્ત્રો તમે સપ્તાહાંતમાં પહેરી શકો. "
"સાથે હિલ્સ અને બ્લેઝર પહેરી શકાય. તમે એક જ વખત પહેરેલો ડ્રેસ સ્ટાઇલિંગ માટે ફરી ઉપયોગમાં લીધો છે, પરંતુ તે અન્ય અસંખ્ય લોકોને પ્રેરિત કરશે. ક્રિએટિવ સ્ટાઈલિંગ દ્વારા ડ્રેસિસ સ્કર્ટ કે ટૉપ બની શકે. જૂનું ફરીથી નવું બની શકે. તમે તમારા વોર્ડરોબથી આગળ વધ્યા ન હો, પરંતુ તમે જાણે કે હમણાં જ ખરીદી કરી હોય તેવું લાગે."
લંડન કૉલેજ ઑફ ફેશનના પ્રોડક્શન મૅનેજમેન્ટના વ્યાખ્યાતા મિખા મેકલર કહે છે, "તમે યોગ્ય રીતે ખરીદી કરી હોય તો તે મદદરૂપ થાય છે. આપણે જે રીતે ખરીદી કરીએ છીએ તે સમસ્યા છે. આપણે ગુણવત્તાયુક્ત વસ્તુ ખરીદીએ તો તે લાંબો સમય ચાલે."
ફાસ્ટ ફેશન બ્રાન્ડ્ઝ અને તેમની ચળકતી, સેલિબ્રિટી આધારિત જાહેરાત ઝુંબેશને અવગણીને શરૂઆત કરો. કારીગરી માટે ગર્વ ધરાવતા ફેશન લેબલ્સ પસંદ કરો."
"એ પછી પણ ઝીણવટભરી ચકાસણી કરો. કોઈ આઇટમ અને તેની ગુણવત્તાની વિગત તમને ઘણું જણાવી શકે. ગાર્મેન્ટ ટેકનૉલૉજિસ્ટ અને ઍડેપ્ટિવ ક્લોધિંગ બ્રાન્ડ અનહિડનના સ્થાપક વિક્ટોરિયા જેનકિન્સ કહે છે, "વસ્ત્રોનું પરીક્ષણ કરો. તેને ખેંચો. તેની સિલાઈ ચકાસો. તે સુઘડ તથા વ્યવસ્થિત છે કે પછી તેની સિલાઈ બરાબર કરવામાં નથી આવી તે જુઓ."
"તે વસ્ત્રમાં હેન્ગર લૂપ્સ છે કે નહીં, ટી-શર્ટના શોલ્ડરમાં ટેપિંગ છે કે નહીં, કપડાની ઓટેલી કિનાર મજબૂત છે કે નહીં, કાપડ બરાબર છે કે નહીં અને તેની પ્રિન્ટમાં ખામી છે કે નહીં તે બરાબર ચકાસો."
બીજું ડગલું કપડાંની સંભાળ છે. સેમિઑટિશિયન રોલૅન્ડ બાર્થેસે 1954ના તેમના ‘સોપ પાવડર ઍન્ડ ડિટરજન્ટ્સ’ નિબંધમાં ફીણના ઉપયોગ વિશે લખ્યું હતું, "મહત્ત્વની બાબત કપડાને નુકસાન ન પહોંચે તે રીતે ડિટરજન્ટના ઉપયોગની પ્રક્રિયા છે."
કપડાં ધોવાથી સ્વચ્છ અને તાજામાજાં થાય છે એવું માનવામાં આવે છે, પરંતુ હકીકતમાં બાર્થેસ કહે છે તેમ તેને વારંવાર ધોવાનું વિનાશક છે.
કપડાંને ઓછા ધોવા જોઈએ અને તેના રંગ તથા પ્રિન્ટને ઝાંખા થતા અટકાવવા તેમને ઠંડા પાણીમાં કુદરતી લૉન્ડ્રી ડિટરજન્ટ વડે ઊલટા કરીને ધોવા જોઈએ. આ વાત સાથે મોટાભાગના કપડા નિષ્ણાતો સહમત છે.
ડિઝાઇનર સ્ટેલા મેકકાર્ટનીએ 2019માં ધ ઑબ્ઝર્વર અખબારને જણાવ્યું હતું, "નિયમ એ છે કે તેને સાફ કરવા જોઈએ નહીં. ગંદકી સૂકાઈ જાય પછી તેને સાફ કરવા જોઈએ."
"મુદ્દાની વાત એ છે કે તમારે કશું સાફ કરવાનું ન હોય તો તે કામ કરવું જ ન જોઈએ. હું મારી બ્રા દરરોજ બદલતી નથી અને વસ્ત્રો કાયમ પહેરતી હોવાને કારણે જ બધું વૉશિંગ મશીનમાં ઠાંસતી નથી. હું મારી જાતને અત્યંત સ્વચ્છ રાખું છું, પરંતુ ડ્રાય ક્લિનિંગ કે કોઈ પણ પ્રકારની સફાઈની ચાહક નથી."

ઇમેજ સ્રોત, Penguin
મેકલર કહે છે,"ગાર્મેન્ટ કેર એક એવી બાબત છે, જે લોકો રોજેરોજ ખોટી રીતે કરે છે. હું ઘણાં કપડા ધોઉં છું. ખાસ કરીને નાના કપડાં અને જીન્સ પણ વૂલ વૉશ સેટિંગ પર ધોઉં છું, જો તે ખરેખર ગંદાં હોય તો."
તમે બાથરૂમમાં સ્નાન કરતા હો ત્યારે થોડા મેલાં કપડાં લટકાવી રાખવા જોઈએ અને વરાળને તેનું કામ કરવા દેવું જોઈએ. ટમ્બલ ડ્રાય કરવાનું ટાળવું જોઈએ. કપડાને ઝાટકીને સૂકવવા માટે લટકાવી દેવા જોઈએ. પછી તમારી નવી દિનચર્યાના હકારાત્મક પર્યાવરણીય લાભને આનંદ માણવો જોઈએ.
ઈપીએના ઊર્જા કાર્યક્ષમતા કાર્યક્રમ એનર્જી સ્ટારના જણાવ્યા મુજબ, એક વૉશિંગ મશીન એક વર્ષ દરમિયાન સરેરાશ 6,500 લીટર પાણી વાપરે છે. આ પ્રમાણ આપણે જીવનકાળ દરમિયાન જેટલું પાણી પીએ છીએ તેનાથી અડધું છે.
એ ઉપરાંત આપણે કપડાં વૉશ કરીએ છીએ ત્યારે સિન્થેટિક ગાર્મેન્ટ્સમાંના રસાયણો તથા માઈક્રોફાઇબર્સ ગટરમાં વહાવી દઈએ છીએ. આખરે તો કોઈ વસ્તુના જીવનચક્રમાં ઉપયોગના તબક્કામાં થતું મોટાભાગનું ઉત્સર્જન કોઈ વસ્તુના ધોવા અને સૂકવવાથી ઉત્પન્ન થતું હોય છે. તેમાં ઘટાડો કરો. તમે સ્થાયી ફેશનપ્રિય વ્યક્તિ બની જશો.
તમે એકવાર કપડાં સાફ કરી લો પછી તેને ફરસ પર ફેંકવા કે સોફા પાછળ વીંટો વાળીને મૂકવાથી દૂર રહેવું જોઈએ. વસ્ત્રો યોગ્ય રીતે સ્ટોર કરવાથી અડધું કામ ઓછું થઈ જાય છે. આ માટેની યુક્તિઓમાં સાફ કરેલા કપડાંને તડકા તથા ગરમીથી દૂર રાખવા, ઠંડી તથા સૂકી જગ્યાએ રાખવા અને તેમની વચ્ચે થોડી જગ્યા રહે તે રીતે રાખવાનો સમાવેશ થાય છે.
ફેશનલ ઑર્ગેનાઇઝર કેટરીના હસન સાફ-સફાઈ માટે કોનમારી પદ્ધતિનો ઉપયોગ કરે છે.
તેઓ કહે છે, "જાગૃતિ અને સકારાત્મક આદત પરિવર્તન પ્રક્રિયાના કેન્દ્રમાં છે. એ ઉપરાંત બધી ચીજોને એવી રીતે સ્ટોર કરવી જોઈએ કે તેને તમે આસાનીથી જોઈ શકો. તમારી પાસે શું-શું છે એ તમે જાણતા હશો તો તેની દેખભાળ સારી રીતે કરી શકશો." સમયાંતરે બધાનું આકલન કરતા રહેવાથી વસ્તુની ગુણવત્તા અને સ્થિતિ બાબતે જાણી શકાશે. બધું તમારા ખ્યાલમાં રહેશે.
સાતત્ય સલાહકાર ટેસા સોલોમન્સ દલીલ કરે છે, "બટન તૂટી જાય ત્યારે આપણે એ વસ્ત્ર કબાટમાં મૂકી દઈએ છીએ, પરંતુ સોયમાં દોરો પરોવીને તે બટન ટાંકી શકીએ, સિલાઈ કરી શકીએ તો બહુ સારું કહેવાય. ઘણા લોકોને આવું સામાન્ય કામ કરતાં આવડતું નથી, પરંતુ આટલું કામ કરી લેવાથી કપડાંને નકામા થઈને કચરામાં કે સખાવતી સંસ્થામાં જતા અટકાવી શકાય. સખાવતી સંસ્થામાં તેને રિપેર કરવાનું કામ બીજા કોઈએ કરવું પડશે."
"એ ઉપરાંત બટન ટાંકતા કે ટેભા લેતાં શીખી જશો તો તમને કોઈ સિદ્ધિ મળ્યાનો આનંદ થશે." સિલાઈ સંબંધી કામ શીખવા માટે ઓનલાઈન સંસાધનોની કોઈ કમી નથી. પ્રારંભિક સ્તરના આવા કૌશલ્ય માટે સંખ્યાબંધ વીડિયો ટ્યૂટોરિયલ ઑનલાઈઇન ઉપલબ્ધ છે. ધ ક્લોથ્સ ડોૉર જેવી કેટલીક અન્ય વેબસાઇટ્સ તમારી બ્રાને કેવી રીતે રીપેર કરશો અને તમારા જીન્સ પર ભરતકામ કેમ કરશો એ વિશેની માહિતી પણ આપે છે."

ઇમેજ સ્રોત, Tessa the Dresser
સોલોમન્સ સલાહ આપે છેઃ "તમે જે વસ્તુ સુધારવા ઇચ્છતા હો એ વિશેના વીડિયો વધારે કાળજીપૂર્વક નિહાળો. તેનો આનંદ માણો. તમારી જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ રાખો. મનગમતું સંગીત સાંભળો. થોડો સમય લો."
"પછી તે કંટાળાજનક કામ નહીં લાગે. આ એક વિકલ્પ છે. દૃશ્યમાન સુધારા કરો. લોકોને વિપરીત રંગના ટાંકા, ભરતકામ અને પેચિંગનો ઉપયોગ કરીને તેમના વસ્ત્રોને બચાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેનાથી પૂર્ણતા પામવાના પ્રયાસનું દબાણ ઘટવાની સાથે મજા પણ આવે છે."
સોલોમન્સ કહે છે, "મારા ડાર્ક બ્લુ ટ્રાઉઝરનું મેચિંગ રંગનું બટન તૂટી ગયું હતું. મેં તેના સ્થાને પીળા રંગનું બટન લગાવ્યું હતું. હવે મને એ બટન બહુ ગમે છે."
"તેનાથી બધું બદલાઈ ગયું છે."
જવાબદાર અને અભિનવ ડિઝાઇન પર ફોકસ ધરાવતું લંડનસ્થિત ફેશન લેબલ રાયબર્ન વિવિધ પ્રકારની વર્કશૉપ્સનું આયોજન કરે છે. તેમાં લોકોને વસ્ત્રોના કારખાનામાં વધેલા કાપડના ટુકડાઓમાંથી તેમના પોતાના માટે વસ્ત્રો બનાવવાનું શીખવવામાં આવે છે. આ પણ મુશ્કેલ લાગતું હોય તો સોલોમન્સ કહે છે, "રિપેરિંગનું કામ કરતા લોકોની સેવા લો. કપડાને રીપેર કરવા વિશેની આપણી ધારણાને બદલે તેવા ઘણા લોકો છે."
ઍથિકલ હાઈ-સ્ટ્રીટ લેબલ ટોસ્ટ ખાતેના રીપેર સ્પેશ્યલિસ્ટ્સ તેમની નવીનીકરણ સેવાના ભાગરૂપે તેમના કોઈ પણ વસ્ત્રનું રીપેરિંગ કરી આપે છે. ઓનલાઈન રીટર્ન લેબલ બીસ્પોક પ્રતિભાશાળી યુવા અપસાયકલર્સની મદદથી કપડાના તૂટેલા ટૂકડાઓને જોડી આપે છે.
સસ્ટેનેબલ સોર્સિંગ કન્સલ્ટન્સી વ્હાઈટ ફેક્ટના ડિઝાઈન સલાહકાર જેનેલ હન્નાએ લોકડાઉન દરમિયાન ડેનિમના પેચ અને રીપેરિંગની સેવા શરૂ કરી હતી.
જેનેલ કહે છે, “એ કેટલું લોકપ્રિય છે એ જાણીને હું દંગ થઈ ગઈ હતી. લોકો એક કે બે નહીં, પરંતુ પાંચ-છ જોડી જીન્સ લઈને મારી પાસે આવતા હતા. એ તેમણે એક-બે વર્ષથી પહેર્યાં ન હતાં, પરંતુ તેઓ તેને ફેંકવા પણ રાજી ન હતા. લોકો રીપેરિંગ માટે વિકલ્પ શોધતા હતા અને તે વિકલ્પ ઉપલબ્ધ છે તે જાણતા ન હતા.”
કપડાને રીપેર કરવાના નિર્ણયથી એક વસ્ત્ર સાથેનો આપણો સંબંધ બદલાઈ જાય છે. સોલોમન્સની પોતાની એમ્બ્રોઈડરી હવે સંખ્યાબંધ ગ્રાહકોને વસ્ત્રો સજાવી આપે છે.
તેઓ કહે છે, “તમે રીપેરિંગનો નિર્ણય કરો છો ત્યારે તમે વસ્ત્રમાં રોકાણ કરતા હો છો. લોકો મારી પાસે એવી ચીજો લઈન આવે છે, જે લાંબા સમયથી તેમના કબાટમાં કે પરિવારમાં વણવપરાયેલી પડી હોય છે. હું તેમાં કશુંક ઉમેરી આપું છું ત્યારે લોકોને તે વધારે ગમવા લાગે છે. મારા માટે તે બધું જ છે.”
સોલોમન્સ કહે છે, “તમે કોઈ ચીજ રીપેર કરો છો ત્યારે તે વ્યક્તિગત બની જાય છે. તેનાથી વસ્ત્ર સાથેનો આપણો સંબંધ બદલાઈ જાય છે અને તેની સાથે કનેક્શન બંધાય છે. મારી પાસે જે લોકો આવે છે તેમને સમજાય છે કે તેમના કપડાં મૂલ્યવાન છે અને મૂલ્ય એક એવી ચીજ છે તેની કોઈ કિંમત આપી શકાતી નથી.”
ડી કાસ્ટ્રોનો શાંત ક્રાંતિનો વિચાર આશ્ચર્યજનક છે. ડી કાસ્ટ્રો લખે છે, “આજે જનરેશન ક્લાઈમેટ બ્રેકડાઉનની શરૂઆતમાં આપણે આપણાં વસ્ત્રોમાં સુધારા-વધારા કરીએ છીએ ત્યારે #lovedclotheslastનો જે મેસેજ અમે શેર કરીએ છીએ તે પરિધાનની મૌલિકતા દર્શાવવાથી ક્યાંય આગળ નીકળી ગયો છે.”
“હવે આપણા વસ્ત્રોની દેખભાળનું કામ આપણા પર્યાવરણની દેખભાળ સુધી વિસ્તરી ગયું છે. લોકો તે કામને મહત્વ આપીને કૃતજ્ઞતા દર્શાવે છે. તમારી પાસે જે વસ્ત્રો હોય તેને ગર્વપૂર્વક જાળવો. નવી ખરીદી ઓછી કરો અને તે કામ આનંદ આપતા સંક્રામક ઉત્સાહ સાથે કરો, કારણ કે આપણને વસ્ત્રો કરતાં વધારે જરૂર વૃક્ષો, વ્હેલ માછલીઓ, પક્ષીઓ અને મધમાખીઓની છે.”












