એ વજનદાર ડ્રેસ જેણે હજારો મહિલાઓનો જીવ લઈ લીધો

એવો પેટિકોટ જેના કારણે વિક્ટોરિયન યુગમાં હજારો નારીઓના જીવ ગયા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, દાલિયા વેન્ચુરા
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

લેખક, કવિ અને નાટ્યકાર ઑસ્કર વાઇલ્ડની સાવકી બહેનો એમિલી અને મેરી 31 ઑક્ટોબર, 1871ની રાત્રે હેલોવીન તહેવાર નિમિત્તે આયરલૅન્ડના ડ્રમાકોન્નોર ખાતે નૃત્યમાં ભાગ લેવા ગઈ હતી.

મોડી રાત્રે યજમાન એન્ડ્રૂ નિકોલ રેઇડ સાથે છેલ્લે એક વધુ નૃત્ય કરવા માટે એમિલી ઘૂમી રહી હતી ત્યારે તેના લાંબા ડ્રેસનો એક છેડો ફાયરપ્લેસમાં પડ્યો અને સળગવા લાગ્યો.

રેઇડે બહુ કોશિશ કરી કે આગ બુઝાઈ જાય, પણ તેમાં સફળતા મળી નહીં. બહેનને બચાવવા માટે મેરી પણ દોડી પણ મુસીબત વધી ગઈ, કેમ કે તેના ડ્રેસને પણ આગે પકડી લીધો.

બંને બહેનો બૂરી રીતે દાઝી ગઈ અને થોડા દિવસમાં મોત પામી.

દીકરીઓની હાલત જોઈને પિતા વિલિયમ બહુ જ વિચલિત થઈ ગયા હતા અને દિવસો સુધી તેમનું રૂદન દૂર સુધી સંભળાતું હતું એમ તેમના એક મિત્રે કહ્યું હતું. તે વખતે ઑસ્કર 17 વર્ષના જ હતા અને તેમણે ઘરમાં જ આ કરુણ સ્થિતિને જોઈ હતી.

વાઇલ્ડ સિસ્ટર્સનો ભોગ લેનારા ડ્રેસનું નામ હતું ક્રિનોલીન - એક ઘેરદાર ઘાઘરા જેવું વસ્ત્ર, જેને ફ્રૉકની નીચે પહેરાતું અને ફ્રૉકને ઘેરદાર અને ખૂબ પહોળું કરીને રાખતું. આ ડ્રેસ બહુ ચર્ચાસ્પદ રહ્યો છે અને એ યુગમાં તેના કારણે હજારો નારીઓએ જીવ ગુમાવ્યા હતા.

18મી સદીમાં પેટીકોટ તરીકે પહેરાતા એક લોકપ્રિય વસ્ત્રને નવેસરથી ડિઝાઇન કરીને પહેરાતું થયું હતું. થોડા ફેરફાર સાથે આવો ઘેરદાર ડ્રેસ તૈયાર થતો હતો.

ફ્રૉકને ઘેરદાર બનાવવા માટે અંદરની તરફ જે સ્ટ્રક્ચર બનાવાતું હતું તે એક જમાનામાં વહેલના હાડકાથી બનતું હતું. તે પછી ઘોડાના વાળને ગૂંથીને, લાકડામાંથી અને ફુલાવેલા રબ્બરમાંથી પણ બનતું થયું હતું. આગળ જતા સ્ટીલના વાયરમાંથી પણ બનતું થયું હતું.

1850માં સિવણ મશીનની શોધ થઈ હતી એટલે આવો ઘેરદાર ડ્રેસ બનાવવો હવે વધારે સહેલો થયો હતો. મોટી સંખ્યામાં તે બનવા લાગ્યો હતો.

સ્ટીલનું માળખું બનાવીને તેના પર બનવા લાગેલો ઘેરદાર પેટિકોટ એટલો લોકપ્રિય થયો હતો કે 1856માં તેના પેટન્ટ લઈ લેવાયા હતા. તે પછી આવા સ્ટીલના ઘાઘરા બનાવવા માટે સ્વીડનમાંથી 40,000 ટન સ્ટીલની આયાત યુકેમાં થવા લાગી હતી.

શેફિલ્ડમાં તેની ફેક્ટરી ખૂલી ગઈ હતી, જ્યાં 800 મહિલા કામદારો હતી. તે રોજના 8000 ક્રોનોલીન બનાવી કાઢતી હતી.

ડિમાન્ડ એટલી બધી હતી કે આટલા મોટા ઉત્પાદન પછીય ઑર્ડર પૂરા થતા નહોતા, એમ બ્રિયાન મે અને ડેનિસ પેલેરીનના પુસ્તક "ક્રિનોલીન, ફેશન્સ મોસ્ટ મેગ્નિફિશન્ટ ડિઝાસ્ટર"માં જણાવાયું છે.

કોઈ તંબુ જેવા ઘેરદાર આ ડ્રેસની બહુ ટીકા થઈ હતી અને મશહૂર નર્સ ફ્લોરેન્સ નાઇટિંગલે તેને એબસર્ડ અને વાહિયાત ડ્રેસ ગણાવ્યો હતો. આવી ટીકા છતાં મહિલાઓ તેને પહેરવા માટે પડાપડી કરતી હતી. આવા વિચિત્ર ડ્રેસને કારણે કેટલીક સ્ત્રીઓ અકસ્માતે મોત પામી તેના આંકડા જાહેર કરવાની માગણી પણ નાઇટિંગલે કરી હતી.

એવો પેટિકોટ જેના કારણે વિક્ટોરિયન યુગમાં હજારો નારીઓના જીવ ગયાં

કેટલી મહિલાઓએ આ ડ્રેસને કારણે જીવ ગુમાવ્યો તેનો ચોક્કસ આંકડો નથી

એવો પેટિકોટ જેના કારણે વિક્ટોરિયન યુગમાં હજારો નારીઓના જીવ ગયાં

ઇમેજ સ્રોત, WELLCOME COLLECTION

ઇમેજ કૅપ્શન, જ્વાળાઓથી સળગતી મહિલાઓ(1860)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હકીકતમાં આજ સુધી આંકડો કદી બહાર આવ્યો નથી કે આ ડ્રેસને કારણે મુસીબત થઈ અને કેટલી સ્ત્રીઓએ જીવ ગુમાવ્યો.

અખબારોમાં આ ડ્રેસને કારણે થતા મોતના સમાચારો સતત આવતા રહેતા હતા અને સનસનાટી સાથેનાં મથાળાં સાથે અહેવાલો આપીને આની બહુ ટીકા પણ થતી હતી.

દાખલા તરીકે 1864માં એક હેડલાઇન હતી કે "ક્રિનોલીનને કારણે વધારે એક હોલોકોસ્ટ" (હત્યાકાંડ). લંડનના કોરોનર અને આ પ્રકારના વસ્ત્રનો વિરોધ કરનારા એડવિન લેન્કસ્ટરે જણાવ્યું હતું કે: "છેલ્લાં ત્રણ વર્ષમાં સેન્ટિયાગોમાં ભોગ લેવાયો હતો તેટલી સંખ્યામાં મહિલાઓનો મોત લંડનમાં આગમાં દાઝી થવાથી થયાં છે, જેનું મુખ્ય કારણ ક્રિઓલીન છે."

તેમણે જે ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો તે 1863માં ચિલીમાં બની હતી. ચિલીમાં એક સમારંભમાં આગ લાગી હતી અને તેના કારણે 2000 સ્ત્રીઓનાં મોત થયાં હતાં. કેટલાક અહેવાલોમાં જણાવાયું હતું કે આ સ્ત્રીઓએ એટલા ભારેખમ ડ્રેસ પહેર્યા હતા કે તે આગમાંથી બચીને બહાર નીકળી શકી નહોતી.

જોકે આ બાબતમાં આધારભૂત આંકડા મળતા નહોતા. મોટા ભાગે એવો આંકડો અપાતો રહ્યો હતો કે યુકેમાં 1850થી આ ડ્રેસનું ચલણ વધી ગયું હતું તે દસકામાં લગભગ 3000 સ્ત્રીઓનાં મોત થયાં હતાં.

1858માં પ્રથમ વાર ન્યૂયૉર્ક ટાઇમ્સે ક્રિનોલીનને કારણે મહિલાઓનાં મોત થઈ રહ્યાં છે તેવો અહેવાલ આપ્યો ત્યારે તેમાં લંડનના કોર્ટ જર્નલે ટાંકીને જણાવાયું હતું કે "પહેલી જાન્યુઆરીથી ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં લંડનમાં 19 જેટલાં મોત આના કારણે થયાં છે."

ટાઇમ્સમાં ટકોર કરાઈ હતી કે "દર અઠવાડિયે ક્રિઓલીનને કારણે સળગી મરવાના સરેરાશ ત્રણ બનાવો બનતા હોય ત્યારે ગમે તેવી બેફિકર મહિલાઓને પણ ભય લાગવો જોઈએ."

આમ છતાં આવો ડ્રેસ કેમ બહુ જ લોકપ્રિય છે એ વાતની નવાઈ વ્યક્ત કરવામાં આવી હતી.

જોખમી ડ્રેસ

જોખમી ડ્રેસ

જોખમી ડ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રથમ એ જાણી લઈએ કે એ વખતે કેવી રીતે વસ્ત્રો બનતાં હતાં.

ઇતિહાસકાર એલિસન મેથ્યૂ ડેવિડે પોતાના પુસ્તક "ફેશન વિક્ટિમ્સ" (2015)માં જણાવ્યું છે તે પ્રમાણે તે વખતે હેટ બનાવવા પારાનો ઉપયોગ થતો હતો અને કપડાંને રંગવા માટે ઘણા બધા ઝેરી પદાર્થોનો ઉપયોગ થતો હતો.

આવાં ઝેરી રસાયણોનો ઉપયોગ કરીને કપડાંને રંગવાનું કામ કરનારા રંગારાને, કપડાં પહેરનારા કરતાંય બહુ મોટું નુકસાન થતું હતું.

બીજું કે ઝેરી પદાર્થોથી રંગાયેલાં વસ્ત્રો પહેરીને ધીમે ધીમે ઝેરનું નુકસાન થતું હતું. મહિલાઓ જે પેટિકોટ પહેરતી હતી તેને આગ લાગી જતી હતી અને બહુ પીડાદાયક રીતે તેનું મોત થતું હતું.

એન્ટી-ટીપોટ રિવ્યૂ નામના સામયિકમાં 1864માં લખાયું હતું તે રીતે માત્ર ક્રિનોલીનને કારણે સમસ્યા નહોતી સર્જાઈ.

હકીકતમાં ભૂતકાળમાં પણ આ પ્રકારના પેટિકોટ પહેરાતા હતા ત્યારે પણ તે સળગે પછી તેમાંથી બચવું સ્ત્રી માટે મુશ્કેલ બનતું હતું.

"આપણા અંદાજ કરતાં વધારે પ્રમાણમાં પેટિકોટને આગ લાગી જતી હતી. બસ તે વખતે આજે લંડનમાં છે તેવી રીતે ડઝનબંધ અખબારો નહોતો કે તે દોડીને આવા ખબરો પ્રગટ કરે."

આમ છતાં એ સમજવું મુશ્કેલ છે કે ડ્રેસ સળગે તો બચવું મુશ્કેલ હોય તેની ખબર હોવા છતાં શા માટે સ્ત્રીઓ આવો ડ્રેસ પહેરવાનું જોખમ લેતી હતી.

એટલું જ નહીં, એટલો બધો પહોળો અને ઘેરદાર ડ્રેસ રહેતો હતો કે ચાલતી વખતે પણ અહીં તહીં તેના છેડા ભરાતા જતા હતા. સાંકડા રસ્તે ફસાઈ જતો હતો અને જોરદાર પવન આવે ત્યારે તંબુની જેમ ઊડી જતો હતો.

જોખમી ડ્રેસ

તેને પહેરવો મોટી પળોજણ હતી

જોખમી ડ્રેસ

ઇમેજ સ્રોત, National Museums Scotland

તે વખતની તસવીરો જુઓ તો ખ્યાલ આવશે કે તેને પહેરવો એ પણ મોટી પળોજણ હતી.

આ તસવીરોમાં મોટા તંબુ જેવા ઘેરદાર ડ્રેસ દેખાય છે અને ફૅશન બહુ પ્રચલિત થઈ હતી ત્યારે બે મીટર સુધીના ઘેરાવા બનતા હતા, પણ હકીકતમાં ચિત્રોમાં દેખાય છે એટલા બધા ઘેરદાર રહેતા નહોતા.

આ તસવીરો અને ચિત્રાંકનો છે એમાં મોટા ભાગે પુરુષોનો અભિપ્રાય મહત્ત્વનો રહ્યો છે અને આવા ડ્રેસની મજાક ઉડાવવાના હેતુથી તેને વધારે પડતા ઘેરદાર દેખાડીને રજૂ કરાયા હતા.

ઇતિહાસકાર હેલેન રોબર્ટ્સ લખે છે તે પ્રમાણે ઘણા તે ડ્રેસને એ રીતે જોતા હતા કે સ્ત્રીઓને એક મજાની ગુલામડી તરીકે દેખાડવા માટેની ભૂમિકાને શોભે તેવો ડ્રેસ ગણાયો હતો. સ્ત્રીઓને જાણે ખરેખર પિંજરામાં પૂરી દીધેલા પક્ષી જેવી દેખાડવી હોય તેવો ડ્રેસ હતો. પરંતુ તે વખતના કેટલાક લેખકોએ તેને સ્ત્રીઓને મુક્ત કરનારો ડ્રેસ પણ ગણાવ્યો હતો.

તે વખતે સદીની શરૂઆતમાં એવા પ્રકારના સ્કર્ટ બનતાં હતાં કે તેને પહેરવામાં અને ચાલવામાં મુશ્કેલી થાય એટલાં બધાં ટાઇટ બનાવતાં હતાં.

એક્ઝામિનર નામના અઠવાડિકમાં 1863માં એક લેખકે લખ્યું હતું કે એ સ્કર્ટ "હકીકતમાં ટ્રાઉઝરના બે પગની બે બાંયની જગ્યાએ એક જ બાંય હોય એવાં હતાં."

તે પછીના દાયકામાં ધીમે ધીમે સ્કર્ટ થોડાં પહોળાં થાય તે પેટીકોટ બનવા લાગ્યા, પણ તેનો ઘેરાવો વધતો જ ગયો, વધતો જ ગયો અને સંભાળવો મુશ્કેલ બની જાય એટલો ઘેરદાર ઘાઘરો બની ગયો હતો.

તેના કારણે ક્રિનોલીન આવ્યું ત્યારે તેને સૌએ વધાવી લીધું કે આ નવી રીત છે. તે વખતે ઘણા બધા ઘેરદાર પડળ બનતા હતા અને તે જમીન પર ઢસડાતા રહેતા હતા, તેના બદલે અંદરની તરફ ખોખું બની જાય અને તેની ફરતે ઘેરદાર સ્કર્ટ ફેલાયેલું પથરાયેલું રહે.

આ લેખકે લખ્યું હતું કે "સ્વતંત્રતા અને મોકળાશનો નવો શબ્દ હતો ક્રિનોલીન."

અંદર એક ફ્રેમ બની જાય એટલે આખો ઘેરાવો તેના પર રહે અને જમીન પર ઢસડાય નહીં. સ્કર્ટના છેડા હવે ઊંચા થઈ જાય અને સ્ત્રીઓના પગ મોકળાશથી હરફર કરી શકે. તે વખતની ખેડૂત નારીઓને આ બહુ માફક આવે તેવું લાગ્યું હતું.

આ વાતની ફ્લોરેન્સ નાઇટિંગલને બહુ નવાઈ લાગેલી કે કેમ સ્ત્રીઓને માટે મોકળાશની વાત કહેવામાં આવી, કેમ કે આટલા ઘેરાવા સાથે ઘાઘરો પહેર્યો હોય તેના કારણે ઊલટાનું બહુ પ્રકારનું નડતર થવા લાગ્યું હતું.

જોખમી ડ્રેસ

કેટલાકને આ ડ્રેસ સામે કોઈ વાંધો નહોતો

જોખમી ડ્રેસ

જોકે નાઇટિંગલની એ વાતથી વિપરીત બીજા લોકો આ ડ્રેસ સારો છે એવું લોકો માનતા રહ્યા.

"વિક્ટોરિયન લોકો માટે આ ડ્રેસ કોઈ ગુલામડી થવાની વાત જેવું હતું નહીં. ઊલટાનું જંગી ઘેરાવા સાથેનો ઘાઘરો પહેરીને સ્ત્રીઓને બહુ મોટી અને પુરુષોને સાવ નાના દેખાડવાની વાત હતી," એમ ફેશન ઇતિહાસકાર ક્રિસ્ટિના વોકલી કહે છે.

વિક્ટોરિય યુગના ચિત્રોના નિષ્ણાત લોરેન જેન્સન કોએસ્ટ્રોના જણાવ્યા અનુસાર આ સ્કર્ટ બહુ પહોળાં હતાં અને "સ્ત્રીઓનો હક ગણાય તેના કરતાં વધારે પહોળી જગ્યા તે રોકી રાખતા હતાં."

"મહિલાઓના હકની વાત થવા લાગી હતી અને તેની સામે પુરુષ અકળાવા લાગ્યો હતો ત્યારે તેને વ્યક્ત કરવા માટે અખબારોમાં ક્રિનોલીનના પ્રતીકનો ઉપયોગ થતો હતો."

તેના કારણે જ કદાચ આ ડ્રેસ સામે એટલો બધા વાંધાવચકા વ્યક્ત થતા રહ્યા હતા.

પગને મોકળાશ રહે, હવા મળતી રહે અને બહુ જગ્યા રોકે એ બધી બાબતો સ્ત્રીઓને ફાવતી હતી અને પોતાની આસપાસની જગ્યા પર જાણે કબજો રહેતો હતો. કોઈ અણગમતી રીતે નજીક આવીને સ્પર્શી ના શકે, અને શું ઢાંકીને રાખવું અને શું દેખાડવું તે પણ સ્ત્રીઓ નક્કી કરી શકતી હતી.

કશુંક છુપાવવા માટે પણ આ ઘેરદાર વસ્ત્ર કામનું હતું, કેમ કે ઊપસેલું પેટ છુપાવીને રાખવાનું હોય, નશીલા પદાર્થો છુપાવવા હોય કે જાણે કોઈ રહસ્ય પ્રેમીથી છુપાવવાનું હોય તે માટેની જગ્યા એમાં જાણે હતી.

આ બધું તો ઠીક, પણ કેટલાકને એ અકળાવતું હતું કે બધા વર્ગની મહિલાઓ તે પહેરવા લાગી હતી. છેલ્લે છેલ્લે ગુલામીમાંથી મુક્ત કરાયેલી સ્ત્રી પણ તે પહેરી લેતી હતી. મુક્ત ગુલામ સ્ત્રી તેને પહેરીને હવે પોતે આસપાસની જગ્યાની માલકણ છે એવું દાખવી શકતી હતી.

આ ફૅશન ચાલતી રહી હતી અને પેટિકોટની શૈલી અને આકારમાં ફેરફારો થતા રહ્યા હતા. તે દરમિયાન 1869માં એક લેખ પ્રગટ થયો હતો કે "કોણે ક્રિનોલીનને ખતમ કરી નાખ્યું?"

"કેટલાક કહે છે કે લોકોમાં કૉમનસેન્સ આવી અને તેના પ્રવાહમાં આખરે ક્રિનોલીન તણાઈ ગયું."

કદાચ તે વાત સાચી હતી, પણ બહુ ખતરનાક સાબિત થયેલું અને પળોજણવાળું એ વસ્ત્ર એ જમાનામાં, ભલે આમ દેખાવમાં વાહિયાત પ્રકારનું હતું, પણ મહિલાઓ માટે બહુ મોટું સાંસ્કૃતિક પરિવર્તન લાવનારું સાબિત થયું હતું.

જોખમી ડ્રેસ
જોખમી ડ્રેસ