7 લાખ રૂપિયાનો એ ડ્રેસ જેને કોઈ અડકી પણ નથી શકતું

ઇમેજ સ્રોત, SHOGO KIMURA
- લેેખક, કોડી ગોડવિન
- પદ, ટેકનૉલૉજી ઑફ બિઝનેસ રિપોર્ટર, સાન ફ્રાન્સિસ્કો
સાન ફ્રાન્સિસ્કો સ્થિત સુરક્ષા કંપની ક્વાન્ટસ્ટૅમ્પના મુખ્ય કાર્યકારી રિચર્ડ માએ આ વર્ષની શરૂઆતમાં તેમનાં પત્ની માટે એક ડ્રેસ બનાવડાવ્યો હતો, આ ડ્રેસ પાછળ તેમણે 9,500 અમેરિકન ડૉલર એટલે કે અંદાજે 7 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
રસપ્રદ વાત તો એ છે કે જે ડ્રેસ પાછળ આટલો બધો ખર્ચ કરાયો છે, તેને અડકીને અનુભવી પણ નથી શકાતો, કારણ કે તે એક ડિજિટલ ડ્રેસ છે.
'ધ ફેબ્રિકેંટ' નામના ફૅશન હાઉસ દ્વારા આ ડ્રેસ તૈયાર કરાયો હતો, જેમાં રિચર્ડનાં પત્ની મેરી રેનની એક છબિ પ્રસ્તુત કરાઈ છે, જેનો બાદમાં સોશિયલ મીડિયા પર ઉપયોગ કરી શકાશે.
ડ્રેસ વિશે મા જણાવે છે, "નિશ્ચિતપણે આ ડ્રેસ ખૂબ જ મોંઘો છે, પરંતુ આ એક રોકાણ સમાન છે."
તેઓ જણાવે છે કે તેઓ અને તેમનાં પત્ની સામાન્ય પણે મોંઘાં કપડાં ખરીદતાં નથી, પરંતુ તેઓ આ ડ્રેસ એટલા માટે બનાવડાવવા માગતા હતા કારણ કે તેમને લાગતું હતું કે આ ડ્રેસનું મૂલ્ય ભવિષ્યમાં વધશે.
તેમણે કહ્યું કે, "10 વર્ષ બાદ બધા 'ડિજિટલ ફૅશન'ને અપનાવી લેશે. તેથી આ ડ્રેસ એક યાદગાર રહેશે. આ એક સમયનું પ્રતીક છે."
રેને પોતાના ફેસબુક પેજ અને વી-ચેટ પર આ ફોટો શૅર કર્યો છે. જોકે, તેમણે અન્ય સાર્વજનિક પ્લૅટફૉર્મ્સ પર આ ફોટો શૅર કર્યો નથી.

ડિજિટલ સંગ્રહ

ઇમેજ સ્રોત, CARLINGS
ડિજિટલ ડ્રેસ ડિઝાઇન કરનાર એક અન્ય ફૅશન હાઉસનું નામ કાર્લિંગ્સ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કંપનીએ ગયા વર્ષે ઑક્ટોબરમાં લગભગ 9 પાઉન્ડ (11 ડૉલર)માં એક ડિજિટલ સ્ટ્રીટ વેર કલેક્શન જાહેર કર્યું હતું. જે એક મહિનામાં વેચાઈ ગયું હતું.
કાર્લિંગ્સ બ્રાન્ડના ડિરેક્ટર રોની મિકલ્સને કહ્યું કે સૈદ્ધાંતિક રીતે એવું કહેવું અસંભવ છે કે અમારો બધો માલ 'વેચાઈ ચૂક્યો છે'.
તેમણે કહ્યું કે, "જ્યારે તમે ડિજિટલ કલેક્શનમાં કામ કરો છો ત્યારે તમે જેટલું ઇચ્છો એટલું ઉત્પાદન કરી શકો છો. અમે એ ઉત્પાદનોની માત્રાની એક સીમા નક્કી કરી હતી, હવે અમે પહેલાં કરતાં પણ વધારે વિશેષ ડિઝાઇન તૈયાર કરવા જઈ રહ્યાં છીએ."
ડિજિટલ ડિઝાઇનર માત્ર એવી જ આઇટમ બનાવે છે જે અસાધારણ કે સંભાવનાઓની સીમાથી પર હોય.
તેમણે કહ્યું કે, "તમે ડિજિટલી એક સફેદ ટી-શર્ટ નહીં ખરીદો, સાચું ને? કારણ કે તેનો કોઈ અર્થ નથી, તે દેખાડો માત્ર છે."
"તેથી આ રીતે તૈયાર કરાયેલ વસ્ત્રો કંઈક એવાં હોવાં જોઈએ જેને તમે વાસ્તવમાં બતાવવા માગતા હોવ કે પછી એક એવી આઇટમ જેને આપ ખરીદવાની હિંમત નહીં કરો."
કાર્લિંગ્સે ડિજિટલ સંગ્રહ તેમનાં અસલી, ફિઝિકલ ઉત્પાદનો માટે રજૂ કર્યો હતો. જોકે, કંપનીને લાગે છે કે આ આઇડિયામાં દમ છે, તેથી હવે તેઓ 2019ના અંત સુધીમાં ડિજિટલ કપડાંનું બીજું કલેક્શન રજૂ કરવાના છે.
'ધ ફેબ્રિકેંટ' કંપની દર મહિને પોતાની વેબસાઇટ પર નવાં, નિ:શુલ્ક ડિજિટલ કપડાં રજૂ કરે છે. જોકે, પોતાની તસવીરો તેમાં સેટ કરવા માટે યોગ્ય કૌશલ્ય અને સૉફ્ટવેરની ગ્રાહકોને જરૂર પડે છે.
તેનો અર્થ એ પણ છે કે જ્યાં સુધી ડિજિટલ ફૅશન વધુ લોકપ્રિય ન થઈ જાય ત્યાં સુધી પૈસા કમાવવા માટે કોઈ બીજો માર્ગ શોધવો પડશે.
ધ ફેબ્રિકેંટના સંસ્થાપક કેરી મર્ફી જણાવે છે, "અમે ફૅશન બ્રાન્ડ અને રિટેલરને તેમની માર્કેટિંગ જરૂરિયાતો સંતોષીને, ઉપકરણ વેચીને અને ડિજિટલ ફૅશનના સૌંદર્ય પ્રમાણે ઉત્પાદન તૈયાર કરીને કમાણી કરીએ છીએ."
જોકે, કાર્લિંગ્સ પાસેથી કોણ ડિજિટલ કપડાં ખરીદી રહ્યું છે કે કોણ ધ ફેબ્રિકેંટથી કપડાં ડાઉનલોડ કરી રહ્યું છે એ સ્પષ્ટ નથી.
મિકલ્સે કહ્યું કે કાર્લિંગ્સે 200-250 ડિજિટલ ડ્રેસ વેચ્યા છે, પરંતુ આ ડ્રેસ કોણે ખરીદ્યા છે તેની તપાસ કરતાં ઇંસ્ટાગ્રામ પર માત્ર 4 જ લોકો મળ્યા, જેમણે સ્વતંત્રપણે કલેક્શનમાંથી ખરીદી કરી હતી.
જોકે, તે પૈકી કેટલાક ડ્રેસ અંગત પણે શૅર કરાયા હશે.

લોકો ડિજિટલ ડ્રેસ અજમાવવા માગે છે

ઇમેજ સ્રોત, CARLINGS
ધ ફેબ્રિકેંટના સહ-સંસ્થાપક અને ડિઝાઇનર એમ્બર જે સ્લોટેને માન્યું કે આ ડ્રેસ મુખ્યત્વે ઇંડસ્ટ્રીના પ્રૉફેશનલ લોકો માટે છે કે જેઓ સીએલઓ 3ડી સૉફ્ટવેરનો ઉપયોગ કરે છે અને પોતાનાં કપડાં ડાઉનલોડ કરી શકે છે.
તેમણે કહ્યું, "આ માત્ર એવા લોકો માટે જ છે જેઓ એ જાણવા માટે ઉત્સુક છે કે આખરે ડિજિટલ ડ્રેસ કેવો દેખાય છે. જ્યારથી એક પોશાક 9,500 ડૉલરમાં વેચાયો છે, ત્યારથી જ લોકો આ પોશાકને જાતે અજમાવવા માગે છે."
માર્કેટ રિસર્ચ કંપની એનડીપી ગ્રૂપના મુખ્ય રિટેલ વિશ્લેષક માર્શલ કોહેન ડિજિટલ ફૅશનના આ પરિવર્તનને એક 'અદ્ભુત ઘટના' ગણાવે છે. જોકે, તેઓ તેના લાંબાગાળાન પ્રભાવને લઈને હાલ આશ્વસ્ત જણાતા નથી.
તેમણે કહ્યું કે, "શું મને એ વાત પર વિશ્વાસ છે કે આ પરિવર્તન ખૂબ જ મોટું હશે અને હંમેશાં માટે જળવાઈ રહશે? તો આ પ્રશ્નનો જવાબ છે 'ના'."
તેમણે જણાવ્યું, "આ તકનીક એવા લોકો માટે કામ કરે છે જેઓ પરફેક્ટ ઇમેજ ઇચ્છે છે."
તેમણે કહ્યું, "તમે જે કપડાં પહેરી રહ્યા છો તે તમને પસંદ નથી, પરંતુ જે કપડાં તમે જુઓ છો એ તમને પસંદ છે તો હવે તમે તમારા કબાટમાં ફેરફાર કરી શકો છો અને ડિજિટલ સ્વરૂપે તમે શાનદાર કપડાં પહેર્યાં છે એવી તસવીર તમે બતાવી શકો છો."
લાંબા ગાળાથી કૉમ્પ્યુટર ગેઇમનાં પાત્રોનાં કપડાં પાછળ ખર્ચ થતો રહ્યો છે. જેના પરથી આંશિકપણે ધ ફેબ્રિકેંટે ડિજિટલ સ્પેસમાં કામ કરવાની પ્રેરણા મેળવી હતી.
મિક્લ્સને જણાવ્યું કે અમે આ ક્ષેત્રમાં આગળ વધવા માટે ફોર્ટનાઇટ પાસેથી પ્રેરણા મેળવી છે.
તેમણે કહ્યું કે, "ટેકનૉલૉજીની વાત આવે છે ત્યારે અને જે પ્રકારે લોકો પોતાનું જીવન પસાર કરી રહ્યા છે, આપણને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે દુનિયા બદલાઈ રહી છે."
ગેઇમ માટે સ્ક્રીન પર કામ કરી રહેલા ડિઝાઇનરોને વધારાના પડકારોનો સામનો કરવો પડે છે. તેમણે એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે જે તે પોશાક કહાણી અને પાત્ર પર ફિટ બેસે.
આ પ્રકારની ગેઇમના પોશાક સલાહકાર જેનેલ જિમેનેઝ પ્રમાણે, એક આઉટફિટ તૈયાર કરવા માટે એક વાર કે 70 વાર પ્રયાસ કરવા પડે છે, જે સૌથી મુશ્કેલ કામ હોય છે.
ગેઇમ એક એવું માધ્યમ છે જેમાં ડિજિટલ ફૅશનથી વિરુદ્ધ હંમેશાં ચાલવું, લડવું કે ડાન્સ કરવું પડે છે.
તેમણે કહ્યું કે, "લીગ ઑફ લેજેન્ડ્સ જેવી ગેઇમ માટે તમારે 3ડીનો ઉપયોગ કરવો પડશે, અવાજનો પ્રભાવ સામેલ કરવા પડશે, એનિમેશનનો ઉપયોગ કરવો પડશે, જેથી આ તમામ વસ્તુઓને સાથે ભેળવીને પાત્ર એવું લાગી શકે કે તે પોતે એક કલ્પના છે."
તેમણે કહ્યું, "આ કામ કપડાં બદલવા કરતાં વધુ એક અભિનેતાને એક અલગ ભૂમિકા ભજવતા જોવા જેવું છે."
ગેઇમનો પ્રભાવ અને ગ્રાહકોની બદલાતી રુચિથી ફૅશનજગતમાં વિશ્વાસ પેદા થાય છે કે ડિજિટલ કપડાં લાંબાગાળાનો પ્રભાવ ઉત્પન્ન કરશે.
લંડન કૉલેજ ઑફ ફૅશન ઇનોવેશન એજન્સીના પ્રમુખ મેથ્યુ ડ્રિંકવાટર જણાવે છે, "ડિજિટલ ફૅશન દરેક ફૅશન બિઝનેસનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની જશે."
તેમણે કહ્યું કે આ ચલણ સર્વસ્વ બદલી શકશે એવું નથી, પરંતુ તે હાલના ચલણનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની જશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












