'રોમનો એ બ્રાહ્મણ' જેણે ભારતમાં હિંદુઓનું ધર્મપરિવર્તન કરાવ્યું અને ખ્રિસ્તી ધર્મ ફેલાવ્યો

ઇમેજ સ્રોત, Penguin Random House India
- લેેખક, જી. એ. મણીકુમાર
- પદ, બીબીસી માટે
યુરોપમાં સુધારણા વિરોધી ચળવળના ઉદયથી જ જેસુઈટ્સ (ખ્રિસ્તી ધર્મપ્રચારકો) ભારત આવતા હતા. ગોવાને આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર માનવામાં આવતું હોવાથી પોર્ટુગીઝ ગવર્નર અલ્ફોન્સો ડી. આલ્બુકર્કે 1510માં બીજાપુરના સુલતાન પાસેથી ગોવા કબજે કર્યું હતું અને ત્યાં પોર્ટુગીઝ શાસન સ્થાપિત થયું હતું.
એ સમયે ત્યાંના તમામ હિન્દુ મંદિરો તોડી પાડવામાં આવ્યાં હતાં. હિન્દુ ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. લાચાર લોકોનું અપહરણ કરીને તેમનું ધર્માંતરણ કરવામાં આવતું હતું. નોબિલી (1542) પહેલાં આવેલા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરે પોર્ટુગીઝ સરકાર અને લશ્કરી અધિકારીઓના અત્યાચાર, લૂંટ તથા ભ્રષ્ટાચાર વિશે હોલી સીના આર્કબિશપને ફરિયાદ કરી હતી. તેમણે પોર્ટુગલના રાજા જોન ત્રીજાને પત્ર લખીને જણાવ્યું હતું કે "અહીંના લોકો માટે અમે જે કામ કર્યું હતું તેનો પોર્ટુગીઝોની લાલચ અને અનૈતિકતાથી નાશ થયો છે. તેને જોઈને મને દુઃખ થયું છે. તેથી હું અહીં મારો સમય બગાડીશ નહીં અને જાપાન જઈશ."
જોકે, ફ્રાન્સિસ ઝેવિયરના આગમન સાથે દરિયાકાંઠાના માછીમારી કરતા ભરથા, કેરળ મુક્કુવાસ અને ખારવા સહિતના વિસ્તારોમાં ધર્માંતરણ કરનારાઓની સંખ્યા વધીને 50,000 થઈ ગઈ હતી.
રૉબર્ટ ડી નોબિલીનો ધાર્મિક જુસ્સો

ઇમેજ સ્રોત, Getty Images
રૉબર્ટ ડી નોબિલીનો જન્મ રોમમાં (1577) એક ઉમદા પરિવારમાં થયો હતો. તેઓ જુલિયસ ત્રીજા અને માર્સેલસ બીજા નામના બે પોરના સગા હતા. તેઓ રોમના એક ભાગના સ્વામી હતા. તેઓ સોસાયટી ઑફ જીસસમાં જોડાય અને ધાર્મિક સેવા આપે તેવું તેમનાં માતાપિતા ઇચ્છતાં ન હતાં, પરંતુ નોબિલી 17 વર્ષની વયે જ સોસાયટી ઑફ જીસસમાં જોડાવા કૃતનિશ્ચય હતા.
માતાપિતાની પરવાનગી મળે તેમ ન હતી તેથી એક દિવસ તેઓ ઘરેથી નીકળીને નેપલ્સ ગયા હતા. તેમને ત્યાંથી શોધી કાઢવામાં આવ્યા ત્યારે તેમના સંબંધી મારફત એક પત્ર લખાવ્યો હતો. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે તેમને કૌટુંબિક સંપત્તિમાંથી કશું જોઈતું નથી. માતાપિતાની પરવાનગી મળ્યા પછી તેમણે નેપલ્સમાં ધાર્મિક કાર્ય માટે ઔપચારિક તાલીમ લીધી હતી.
ઈસ્ટ ઇન્ડિઝમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરીને 1604માં તેઓ ગોવા માટે રવાના થયા હતા.
મુસાફરી દરમિયાન મુશ્કેલીઓ
નોબિલીએ જેસુઇટ નેતા ક્લાઉડિયો અગુઈયાને લખેલા એક પત્રમાં, લિસ્બનથી ગોવા સુધીના 14 મહિનાની સફર દરમિયાન તેમણે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેનું વર્ણન કર્યું છે.
તેમણે લખ્યું હતું, "ત્યાં ગયેલું પહેલું જહાજ મોઝાન્બિક નજીક રેતીમાં ફસાઈ ગયું હતું. તેથી અમે માલસામાન સાથેનું જહાજ ત્યાં જ છોડીને હોડીમાં ગયા હતા. એ પણ તૂટેલી હોવાથી અમે મેલિન્ડેના કિનારે આવેલા પોર્ટુગીઝ કિલ્લામાં ગયા હતા અને ત્યાંના લોકોની મદદથી ગોવા પહોંચ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોવા પહોંચ્યા પછી ઘણીવાર બગડેલા બિસ્કિટ ખાવાને અને અશુદ્ધ પાણી પીવાને કારણે નોબિલીને ભારે તાવ આવ્યો હતો. નોબિલીના રહેવાની વ્યવસ્થા ગોવાની સેન્ટ પૉલ કૉલેજમાં કરવામાં આવી હતી. ત્યાં તેમણે પાંચ વર્ષ સુધી ખ્રિસ્તી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો.
ગોવાથી કોચી સુધીની યાત્રા

ઇમેજ સ્રોત, Getty Images
ગોવા એક એવું સ્થળ હતું, જ્યાં અંગત વિવાદો પણ ઘણીવાર મોટા વિવાદો તથા તકરારનું કારણ બનતા હતા. તેથી નોબિલીએ દક્ષિણ તરફ જવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ગોવાથી કોચી ગયા હતા અને ફરીથી બીમાર પડ્યા હતા. ત્યાં એક કૉલેજમાં રહીને તેમને ફ્રાન્સિસ્કન તથા ડૉમિનિકન ઑગસ્ટિનિયન સાધુઓનાં મઠોની મુલાકાત લેવાની તથા ધાર્મિક બાબતોની ચર્ચા કરવાની તક મળી હતી.
ત્રણ મહિના પછી તેઓ કન્યાકુમારીથી રામેશ્વરમ સુધીના દરિયાકાંઠાના માછીમાર વિસ્તારોમાં ગયા હતા. ફ્રાન્સિસ ઝેવિયરે ત્યાં ભરતવારોને દીક્ષા આપી હતી.
નોબિલીની મદુરાઈ મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નોબિલી મદુરાઈની મુલાકાતે ગયા હતા. મદુરાઈમાં એ વિસ્તારના મોટા ખ્રિસ્તી સમુદાયના નેતા કોન્સેજો ફર્નાન્ડો એક સ્કૂલ અને એક હૉસ્પિટલનું સંચાલન કરતા હતા. દક્ષિણ કિનારા પરના ટ્રેડ રૂટ્સ પર સોળમી સદીના અંત સુધીમાં કેથૉલિક ચર્ચ સ્થપાઈ ગયાં હતાં.
મદુરાઈમાંથી પસાર થતા ભરતવાસીઓ અને પોર્ટુગીઝ વેપારીઓને તેમણે વેદના પાઠ ભણાવ્યા હતા. તેઓ ત્યાં પહોંચ્યાને 11 વર્ષ થઈ ગયાં હતાં. મદુરાઈના લોકો ખ્રિસ્તી ધર્મને ભગવાનવિહોણો, જાતિહીન ધર્મ માનતા હતા.
ભરતવાસીઓ કે પોર્ટુગીઝો બંને સંસ્કૃત, બૌદ્ધ કે જૈન ધર્મ વિશે કશું જાણતા ન હતા. ફર્નાન્ડો કાયમ ભરતો સાથે રહ્યા હોવાથી તેમની પાસે કોઈ પહોંચ્યું ન હતું કે તેમની સાથે કોઈએ ચર્ચા પણ કરી ન હતી. તેઓ મદુરાઈમાં એક પણ વ્યક્તિનું ખ્રિસ્તી તરીકે ધર્માંતર કરાવી શક્યા ન હતા.
રેતાળ કિનારા પરનાં ભરતોનાં રહેઠાણો જોતા રહેલા નોબિલીની આંખો ભવ્ય મિનાક્ષી અમ્મન મંદિર તથા કળાત્મક રીતે શણગારેલી ઇમારતો નિહાળીને ગદગદ થઈ ગઈ હતી. પોતાની સાવકી બહેન કેથરિનને લખેલા પત્રમાં નોબિલીએ મદુરાઈને ઉષ્માભર્યા લોકો સાથેનું શહેર ગણાવ્યું હતું. ખ્રિસ્તી ધર્મના પ્રસાર પહેલાં મદુરાઈ રોમ જેવું લાગે છે. મદુરાઈ શક્તિશાળી નાયક રાજાઓના શાસન હેઠળ હતું અને એ સમયના રાજા કૃષ્ણપ્પા નાયક દ્વિતીય ખ્રિસ્તી ધર્મ તથા ખ્રિસ્તી સંસ્થાઓના સમર્થક હતા, એવું નોબિલીએ પત્રમાં જણાવ્યું હતું.
પ્રારંભિક જીવન

ઇમેજ સ્રોત, Getty Images
મદુરાઈ પહોંચેલા નોબિલી એક શ્રીમંતે આપેલા નાનકડા મકાનમાં રહેતા હતા. તેઓ એકાંતમાં તપ કરતા હતા. કોઈને મળતા ન હતા. તેઓ ભાત, દૂધ અને કેળાના પાન પર પીરસવામાં આવતી હર્બલ ટી જેવો સાદો આહાર કરતા હતા. એ શાકાહારી ખોરાક તેમને ખૂબ જ અનુકૂળ થઈ ગયો હતો. નોબિલી વારંવાર બીમાર પડતા હતા, પરંતુ મદુરાઈ પહોંચ્યા પછી તેમની તબિયત સારી થઈ ગઈ હતી.
નોબિલીએ એક બ્રાહ્મણ રસોઈયો અને એક ઉચ્ચ જાતિના, બિન-બ્રાહ્મણ વર્ગના જેસુઈટ સ્કૂલના શિક્ષક એમ બે વ્યક્તિ મારફત બહારની દુનિયા સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો.
તમિલ ભાષા અને સાહિત્યનો અભ્યાસ કર્યો
યહુદી લોકો રોમનોની વચ્ચે કામ કરતા હતા ત્યારે ધાર્મિક કાર્યકરોએ જેવા પડકારોનો સામનો કરવો પડતો હતો તેવું જ વાતાવરણ અહીં હોવાનું નોબિલી માનતા હતા. નાયક રાજાઓ અને સ્થાનિક બ્રાહ્મણોનું સૌપ્રથમ ધર્માંતરણ કરાવવાને નોબિલીએ પોતાનું મુખ્ય કાર્ય ગણ્યું હતું.
તેઓ માનતા હતા કે બ્રાહ્મણ તપસ્વી મૉડલ, ફર્નાન્ડોના "બંદરસ્વામી" અભિગમનો યોગ્ય વિકલ્પ હશે. તેમને ખાતરી હતી કે તેઓ ભરતવાસીઓને બાયપાસ કરીને ચર્ચા તથા ઉપદેશો દ્વારા બ્રાહ્મણો તેમજ વેલ્લાલોનું ધર્માંતરણ કરાવી શકશે. તેમને ખ્રિસ્તી બનાવી શકશે.
તેમણે શાળાના એક શિક્ષક પાસેથી સંસ્કૃત ભાષા તથા સાહિત્ય શીખવા એક બ્રાહ્મણને નોકરીએ રાખ્યો હતો. તેઓ તમિલ તથા તેલુગુ શીખ્યા હતા. ડિસેમ્બર 1606માં પોતાના એક મિત્રને લખેલા પત્રમાં નોબિલીએ જણાવ્યું હતું, "મારી ઇટાલિયન ભાષા ખરાબ થયાનું જાણીને આશ્ચર્યચકિત થશો નહીં. હું પોર્ટુગીઝ અને તમિલ ભાષાનો અભ્યાસ કરતાં કરતાં ઇટાલિયન ભૂલી ગયો છું."
અહીં નોંધવું જોઈએ કે નોબિલી પોર્ટુગીઝને બદલે શુદ્ધ તમિલમાં બોલતા હતા.
નોબિલીનો નવો અભિગમ
નોબિલી પવિત્રતા, નમ્રતા, શિસ્ત અને ભક્તિ જેવા ગુણો કેળવવાને પોતાનું સર્વોચ્ચ કર્તવ્ય ગણતા હતા. તેમણે તેમનું માથું મુંડાવી નાખ્યું હતું અને બ્રાહ્મણ જેવો પોશાક પહેરતા હતા. તેઓ ચામડાના જૂતાને બદલે પીળો ઝભ્ભો, પાઘડી, સફેદ કે લાલ દુપટ્ટો, પાઘડી અને લાકડાના સેન્ડલ પહેરતા હતા. એ કારણે તેઓ સાધુ જેવા દેખાતા હતા.
પોતે જાણે કોઈ બરાંગે કે પોર્ટુગીઝ નહીં, પરંતુ રોમન સમ્રાટ હોય તેમ એક ભક્ત છત્રી પકડીને મદુરાઈમાં ફરતો હતો. તેમણે ખુદના ચર્ચને ફર્નાન્ડો ચર્ચથી અલગ કરી દીધું હતું.
ધર્માંતરણ કર્યું હોય તેવા લોકોને શીખા રાખવાની અને જનોઈ પહેરવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ બ્રાહ્મણ ખ્રિસ્તી બને એ પછી તેમણે અગાઉ પહેરેલી જનોઈ કાઢી નાખવામાં આવતી હતી. તેમને પાદરીના આશિર્વાદયુક્ત જનોઈ આપવામાં આવતી હતી. પછી આવા ધર્માંતરિત ખ્રિસ્તીઓ બૅપ્ટિઝમ પૂર્વે સ્નાન કરતા હતા અને કપાળ પર ચંદન લગાવતા હતા.
નોબિલીના નેતૃત્વ હેઠળના કેથૉલિક ચર્ચોમાં ધર્માંતરણ કરનાર લોકો માટે આવી વિધિઓ કરવામાં આવતી હતી.
જ્ઞાન વડે બ્રાહ્મણોનું મન જીત્યું
નોબિલીએ તેમના વિવાદાસ્પદ વર્તનને કારણે સ્થાનિક બ્રાહ્મણોના જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
મદુરાઈના બ્રાહ્મણોએ તેમના સંસ્કૃત શિક્ષક દ્વારા પૂછવામાં આવેલા બધા સવાલોના જવાબ આપવાનો પડકાર ફેંક્યો પછી તેમણે એક ચર્ચા સભાનું આયોજન કર્યું હતું. સંસ્કૃત શિક્ષક દ્વારા આયોજિત ચર્ચા સભામાં 800 બ્રાહ્મણોએ ભાગ લીધો હતો.
નોબિલીને શૈવ ધાર્મિક વિધિઓ, સિદ્ધાંત શાસ્ત્રો, વૈષ્ણવોના 4,000 દિવ્ય લોક, હિન્દુ વેદ અને ઉપનિષદોનું ઊંડુ જ્ઞાન હતું. તેથી તેઓ બ્રાહ્મણોએ પૂછેલા બધા સવાલોના જવાબ સ્પષ્ટ રીતે આપી શક્યા હતા.
ધર્માંતરણની શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
નોબિલી દ્વારા આયોજિત 20 દિવસની ચર્ચા સભામાં જે બ્રાહ્મણોએ ભાગ લીધો હતો તે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમણે નોબિલીની "વિચિત્ર તપસ્વી" તરીકે પ્રશંસા કરી હતી. તેમની વૈચારિક તેજસ્વીતાથી ખુશ થઈને સૌપ્રથમ ધર્માંતર કરનાર તેમના સંસ્કૃત શિક્ષક શિવધર્મ હતા. તેમના પછી એલેક્સિસ નાયક, તેમનાં માતા અને તેમના ભાઈ ફ્રાન્સિસ સોસાયટી ઑફ જીસસમાં જોડાયા હતા. ત્યાર બાદ ઈન્નાસી નાયકથી શરૂ કરીને પ્રથમ જ પ્રયાસમાં 10 લોકો સોસાયટી ઑફ જીસસમાં જોડાયા હતા.
એ પછીનાં બે વર્ષમાં (1611) ધર્માંતરિત લોકોની સંખ્યા વધીને 150 થઈ ગઈ હતી.
આ લોકો હિન્દુ હતા ત્યારે ભગવાનને જેટલો પ્રેમ કરતા હતા એટલો જ પ્રેમ ખ્રિસ્તી બન્યા પછી ભગવાન ઈસુને કરતા હતા એ જોઈને નોબિલી ભારે રોમાંચિત થયા હતા.
નોબિલીએ તેમના પત્રોમાં કેટલીક વ્યક્તિઓની ધર્મ પ્રત્યેની નિષ્ઠા અને ચર્ચ પ્રત્યેની તેમની વફાદારીનો ઉલ્લેખ કર્યો છે. દાખલા તરીકે, ઈરુકુવેલ વેલ્લાર જાતિના સભ્ય કાલિસ્ત્રીએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો અને યેસુપટ્ટન બન્યા હતા. તેમણે ખુદનું જ નહીં, પરંતુ તેમના પિતા (જે ધર્માંતર બાદ ખ્રિસ્તી સંત બન્યા હતા) અને તેમના બે પુત્રોનું પણ ધર્માંતરણ કરાવ્યું હતું. નોબિલીએ લખ્યું છે કે તેઓ નિર્ભયતાથી જીવતા હતા. સંબંધીઓ, સમાજ તથા મહેલના યોદ્ધાઓ દ્વારા તેમને હેરાન કરવામાં આવતા હતા, ધમકીઓ આપવામાં આવતી હતી. એ બધાનો તેઓ સામનો કરતા હતા.
ફર્નાન્ડો સાથે અભિપ્રાય ભેદનો સંઘર્ષ
નોબિલી થોડાં વર્ષો જ મદુરાઈમાં રહ્યા હતા. 65 વર્ષના ફર્નાન્ડો એક વરિષ્ઠ જેસુઈટ હતા. તેઓ 11 વર્ષથી મદુરાઈમાં હતા. તેમણે નોબિલી પર ઈસુ સમાજના ઉપદેશોની વિરુદ્ધ જવાનો આરોપ મૂક્યો હતો. તેમણે આર્કડિયોસીસને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે વિરોધ વ્યક્ત કર્યો હતો અને અન્ય લોકો પાસેથી જે સાંભળ્યું હતું તે લખ્યું હતું.
નોબિલીએ ફર્નાન્ડોના વાંધાઓનો જવાબ લૅટિન ભાષામાં 39 પાનાંમાં આપ્યો હતો. તેમાં સંસ્કૃત તથા તમિલ અવતરણોનો પણ સમાવેશ થતો હતો.
નિકોલો પિમેન્ટોને 1611માં મલબાર આર્કડિયોસીસના પોપના વારસદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે નોબિલીના અભિગમની સખત ટીકા કરી હતી. તેમણે જેસુઈટ નેતૃત્વને એક વિગતવાર પત્ર પણ લખ્યો હતો. નોબિલી દ્વારા હિન્દુ ધાર્મિક વિધિઓના પાલન અને ફર્નાન્ડોથી તેઓ અલગ થવાને કારણે જેસુઈટો ગુસ્સે થયા હતા.
દોરાના ઉપયોગ, કપાળમાં ચંદન અને લાકડાના ચંપલ એમ ત્રણ ગુનાઓ માટે જેસુઈટોએ 1613માં નોબિલીને દોષિત જાહેર કર્યા હતા. જોકે, નોબિલીએ જેસુઈટોનો અભિપ્રાય સ્વીકારવાનો અને પોતાનો અભિગમ છોડવાનો ઇનકાર કર્યો હતો.
સિક્રેટ સ્ટેટના વડાનું સમર્થન

ઇમેજ સ્રોત, Getty Images
તત્કાલીન આર્કબિશપ આલ્બર્ટ લાસિવોને સમજાયું હતું કે નોબિલીના અભિગમની અસરોનું મૂલ્યાંકન કરવા માટે થોડો સમય જરૂરી છે. તેમણે ફર્નાન્ડોને સ્થાનાંતરિત કર્યા હતા. એ કારણે નોબિલીને વધુ મુક્તપણે કાર્ય કરવાની મોકળાશ મળી હતી. એ દરમિયાન પોપે ભારતમાં ધર્માંતરણના મુદ્દે સ્પષ્ટ વલણ અપનાવવા માટે ગોવામાં એક પરિષદનું આયોજન કરવાની વિનંતી કરી હતી. નોબિલીને તેમના વલણને યોગ્ય ઠેરવવાની તક આપવામાં આવી હતી.
નોબિલી થોડા સમય માટે કોડુંગલ્લુર (હાલના ત્રિશુર જિલ્લા) ગયા હતા અને ગોવા કૉન્ફરન્સની રાહ જોઈ હતી. એ કૉન્ફરન્સ 1619માં પૂર્ણ થઈ હતી. પોપે ચર્ચાના મુદ્દા તરીકે મોકલવામાં આવેલા ઠરાવો કૉન્ફરન્સમાં પસાર કરવામાં આવ્યા હતા અને તેને વેટિકન મોકલવામાં આવ્યા હતા.
દક્ષિણમાં રાજકીય ઊથલપાથલ
1614માં વિજયનગરના સમ્રાટ વેંકટપતિ રાયના મૃત્યુ પછી ઉત્તરાધિકાર માટે યુદ્ધ થયું હતું. તંજાવુર અને મદુરાઈના નાયક રાજાઓ વચ્ચે લડાઈ થઈ હતી. પરિણામે મદુરાઈના નાયક રાજા મુથુ વીરપ્પા નાયકે તેમની રાજધાની તિરુચિલાપલ્લી ખસેડવી પડી હતી.
એ જ સમયે દક્ષિણ ભારતમાં પોર્ટુગીઝ શાસનને ડચ લોકો તરફથી ખતરો હતો. પોર્ટુગીઝ રાજાઓ વેપારમાં નુકસાનને કારણે ખાસ કરીને ભારતમાં તેમની કેથોલિક ધાર્મિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડી શક્યા ન હતા. ડચ લોકો આર્થિક રીતે સદ્ધર હોવાથી નાયક રાજાને પોતાની બાજુમાં ખેંચીને પોર્ટુગીઝને સરળતાથી એકલા પાડી શક્યા હતા.
1622ના મહાદુષ્કાળથી પરિસ્થિતિ વધુ વણસી હતી. દુકાળને કારણે એટલા લોકો મૃત્યુ પામ્યા હતા કે મૃતદેહોને યોગ્ય રીતે દફનાવવાનું મુશ્કેલ બન્યું હતું. જેસુઈટ રેકૉર્ડ મુજબ, મોટાભાગના મૃતદેહો વૈગાઈ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા અને તે પાણીના પ્રવાહમાં વહી ગયા હતા.
એ સમયગાળા દરમિયાન કોઈ ધર્માંતરણ થયું ન હતું. તેના બદલે એવી અફવા ફેલાઈ હતી કે નોબિલીના વિવાદાસ્પદ ધર્માંતરણને કારણે દુકાળ પડ્યો હતો. નોબિલી અને તેમના સાથી ધાર્મિક કાર્યકરોને મદુરાઈ છોડી જવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ તેનો નોબિલીએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
નોબિલીના અભિગમની સફળતા

ઇમેજ સ્રોત, Getty Images
પોપની જે મંજૂરીની રાહ લાંબા સમયથી જોવાતી હતી તે આખરે 1624માં મળી હતી. એ પછી નોબિલી સમગ્ર તમિલનાડુમાં ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરવા નીકળી પડ્યા હતા. બ્રાહ્મણ તપસ્વીના અભિગમમાં માનતા માર્ટિન, પોપની મંજૂરી મળ્યા પછીના વર્ષે (1625) નોબિલીને મદદ કરવા પહોંચ્યા હતા.
એ પછીનાં થોડાં વર્ષો સુધી નોબિલીએ મદુરાઈની બહાર તિરુચિરાપલ્લી, સાલેમ અને મારા મંગલમ જેવા સ્થળોનો પ્રવાસ કર્યો હતો. તિરુચિરાપલ્લીમાં તેમનો બેઝ પહેલેથી જ હતો. ત્યાંથી તેઓ તપસ્વીના પોશાકમાં સાલેમ પલાયકાર ચેલ્લાપ્પા નાયકને મળવા ગયા હતા. ત્યાં તેમનું સ્વાગત કરવા કોઈ આવ્યું ન હતું. તેથી તેઓ એક ભોજનશાળામાં રહ્યા હતા.
સંથામંગલમ નામના એક નાના રજવાડાના શાસકને તેમના ભાઈએ પદભ્રષ્ટ કર્યા હતા. તેઓ નોબિલીને મળ્યા હતા અને ખ્રિસ્તી ધર્મ અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ પછી અન્ય લોકો પણ નોબિલીને મળવા આવવા લાગ્યા હતા.
સાલેમ પલૈયાક્કરનો ટેકો
નોબિલીના આગમનની જાણ થતાં ચેલપ્પા નાયકરે તેમને મહેલમાં બોલાવ્યા હતા અને તેમને ટેકો આપ્યો હતો. તેમણે પલૈયાક્કરને એમ પણ કહ્યું હતું કે તેઓ તેમની પાસેથી કંઈ પણ માંગી શકે છે. તેઓ તેમને બધું આપવા તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ માત્ર તેમની મિત્રતા ઇચ્છે છે. તેમણે તેમને સાલેમના બ્રાહ્મણોના વિસ્તારમાં એક ઘર ઑફર કર્યું હતું. તેઓ સમયાંતરે તેમની સલાહ પણ લેતા રહ્યા હતા.
1627માં કેથૉલિક ધર્મના ઇતિહાસમાં બીજો એક વળાંક આવ્યો હતો. જન્મે પરૈયાર જાતિના એક બુદ્ધિંમત માણસને નોબિલીએ ઉદય પામેલા સૂર્ય તરીકે ઓળખાવ્યા હતા. તેઓ તેમની ક્ષમતાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમને ખ્રિસ્તી ધર્મી બનાવ્યા હતા. બધા તેમને હિલેરી કહેતા હતા. તેમના દ્વારા તેમના 2000 શિષ્યોનું કેથૉલિકમાં ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. ત્રિચીમાં તેમના માટે એક કેથૉલિક ચર્ચ પણ બનાવવામાં આવ્યું હતું.
હિલેરીના ભૂતપૂર્વ શાકાહારી સાથીઓ ગુસ્સે ભરાયા હતા અને તેમણે ચર્ચમાં તોડફોડ કરી હતી. હિંસા રોકવા માટે નોબિલી તથા લોકો એકઠા થયા હતા.
એ પછી બંદારાસામી અભિગમ હેઠળ ચર્ચની રચના કરવામાં આવી હતી. નોબિલીએ વિચાર્યું કે આ વ્યૂહરચના દલિત લોકોને મોટા પ્રમાણમાં ધર્મમાં જોડવામાં ઉપયોગી થશે.
સવારે બ્રાહ્મણોને અને રાતે બંદારાસામી પેરિશિયનોને ધાર્મિક ઉપદેશ આપવામાં આવતો હતો. માર્ટિન સત્યમંગલની મુલાકાતે ગયા ત્યારે તેમણે પોતાની સગી આંખે જોયું હતું કે દલિતો અને શુદ્રોનું ધર્માંતરણ કરાવવામાં બંદારાસામીઓની સરખામણીએ બ્રાહ્મણ તપસ્વીઓ વધારે સક્ષમ હતા. તેનું કારણ એ હતું કે બ્રાહ્મણ તપસ્વીઓ સાથે સંબંધ રાખવાની બાબતને તેઓ ગર્વની વાત માનતા હતા.
આ સમયગાળા દરમિયાન નોબિલીના સમર્થક આર્કબિશપ ફ્રાન્સિસ્કો રોસને, તેઓ કોલ્લમથી ઉત્તર તરફ પ્રવાસ કરતા હતા ત્યારે ચાંચિયાઓએ પકડી લીધા હતા. તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો. બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ આઘાતમાંથી બહાર આવી શક્યા ન હતા અને 1630માં તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુથી નોબિલીને ખૂબ દુઃખ થયું હતું.
રાજા તિરુમલાઈ સાથે મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
મદુરાઈના નાયક રાજા મુથુવીરપ્પા નાયકનું અવસાન થયું હતું અને તિરુમલાઈ નાયક 1627માં સિંહાસન પર બિરાજ્યા હતા. સોસાયટી ઓફ જીસસ વતી તેમને સૌપ્રથમ મળેલી વ્યક્તિ થુથુકુડીના આર્કબિશપ એન્ટોનિયો રુબિનો હતા. થિરુમલાઈ નાયકે પોતાના અંકુશ હેઠળના તમામ વિસ્તારમાં મુસાફરી કરવાની પરવાનગી તેમને આપી હતી અને ભરતવાસીઓ પાસેથી ત્રણ વર્ષ સુધી કર વસૂલી પણ માફ કરી હતી.
1630માં તેઓ નોબિલીને મળ્યા હતા, પરંતુ પોર્ટુગીઝ અને ડચ લોકો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાને કારણે મુલાકાત વિસ્તરી શકી ન હતી.
થિરુમલાઈ નાયકનું સ્થાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું. એવી જ રીતે માર્ટિન પોર્ટુગીઝ હતા અને નોબિલી તથા ઍન્ટોનિયો વિગો પોર્ટુગીઝ રાજાના માણસો હતા. તેથી તેઓ અગાઉ જેવું કામ કરી શક્યા નહીં. તંજાવુરના રાજા અને રામનાથપુરમના રાજા ડચ લોકોના પક્ષમાં હોવાથી પોર્ટુગીઝો કશું કરી શક્યા નહીં.
1638માં ડચ લોકોએ શ્રીલંકામાંના એક મુખ્ય વેપારી મથક પટ્ટીકૂલાને કબજે ક્યું હતું અને ત્યાંથી પોર્ટુગીઝોને હાંકી કાઢવા માટે કાંધ્યાનના રાજા સાથે સંધિ કરી હતી.
1640માં એક શ્રીમંત શિવપંથી પરૈયર એક નવા ધર્માંતરિત ખ્રિસ્તીની પુત્રી સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા ત્યારે ગુસ્સે ભરાયેલા ખ્રિસ્તીઓએ તેમના પર હુમલો કર્યો હતો. શિવલિંગ પૂજક પરૈયરના સમર્થનમાં બધા બંદારા (શૈવ સાધુઓ) એકઠા થયા ત્યારે મોટું હુલ્લડ ફાટી નીકળ્યું હતું.
નાયક દરબારના વગદાર વ્યક્તિ વેંકટરાયર પિલ્લઈને તેમણે અપીલ કરી એ પછી માર્ટિનની ધરપકડ કરવામાં આવી હતી. રાજાએ નોબિલીને પણ કેદ કરવાનો આદેશ આપ્યો હતો. જેલમાં બન્નેને 16 દિવસ સુધી પૂરતા ખોરાક વિના ત્રાસ આપવામાં આવ્યો હતો.
મારવાઓના આક્રમણમાંથી પાછા ફર્યા બાદ તિરુમલાઈન નાયકે વેંકટરાયર પિલ્લઈના નિર્ણયની વાત સાંભળીને તેમને ઠપકો આપ્યો હતો એટલું જ નહીં, પરંતુ માર્ટિન અને નોબિલીને મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો હતો. જોકે, રાજા તિરુચિરાપલ્લી ગયા ત્યારે પિલ્લઈના આદેશથી બંનેને ફરીથી કેદ કરવામાં આવ્યા હતા. 1641માં રાજા પાછા ફર્યા પછી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી માર્ટિન દિવસ દરમિયાન બ્રાહ્મણ તપસ્વી અને રાતે બંદારા સ્વામી તરીકે પોતાની ફરજ બજાવી શક્યા ન હતા.
નોબિલીનું મૃત્યુ
બીજાપુરના સુલતાને મદુરાઈ પર આક્રમણ કર્યું હતું અને તંજાવુર તથા મદુરાઈ શહેરો લૂંટી લીધા હતાં. ચર્ચો તોડી પાડવામાં આવ્યા હતા.
પરિસ્થિતિ વણસતી જોઈને નોબિલી જાફના ગયા હતા અને ત્યાં બે વર્ષ રહ્યા હતા. બાળકો માટે પુસ્તકો લખ્યા હતા. ત્યાંથી મદુરાઈ નહીં, પરંતુ માયલાપોર ગયા હતા. ત્યાં તેઓ આઠ વર્ષ રહ્યા હતા. 1656માં તેમણે હસ્તરેખાશાસ્ત્રના 20 ગ્રંથોના સંગ્રહની અંતિમ પંક્તિઓ લખી હતી. એ જ વર્ષે 16 જાન્યુઆરીએ માયલાપોરમાં નોબિલીનું અવસાન થયું હતું. તેમનો મૃતદેહ ત્યાં જ દફનાવવામાં આવ્યો હતો.
તમિલનાડુમાં તેમનું કોઈ સ્મારક નથી, પરંતુ તેઓ ધર્મથી આગળ, તેમણે લખેલા પુસ્તકોને લીધે દરેકની સ્મૃતિમાં જીવંત રહ્યા છે. રોબર્ટ ડી નોબિલીને રોમનો બ્રાહ્મણ અને ગોરાઓનો બ્રાહ્મણ એવું ઘણું બધું કહેવામાં આવ્યું હતું, પરંતુ ફિલોસોફર ઉપનામ તેમને સૌથી વધારે અનુકૂળ છે.
(લેખક મનોમનિયમ સુંદરનાર યુનિવર્સિટીમાં ઈતિહાસના નિવૃત્ત પ્રાધ્યાપક છે)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












