નવાબોના વંશજોને આજે પણ મળે છે એકથી દસ રૂપિયાનું પેન્શન, જાણો આખી કહાણી

ઇમેજ સ્રોત, AMAN
- લેેખક, અમન
- પદ, બીબીસી હિંદી માટે, લખનઉથી
ફૈયાઝઅલી ખાનની ઉંમર 90 વર્ષ છે. તેઓ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં અવધના નવાબ મહમદઅલી શાહે બનાવેલી ઇમારતમાં પોતાનું નવ રૂપિયા અને 70 પૈસાનું વસીકા લેવા પહોંચ્યા છે. સફેદ કુર્તામાં ફૈયાઝઅલી ખાનને ચાલવામાં તકલીફ પડે છે અને હાથ ધ્રૂજે છે, પરંતુ તેમની આંખમાં ચમક યથાવત્ છે.
વસીકા એટલે અવધના નવાબો સાથે જોડાયેલા લોકોને મળતું પેન્શન. 'વસીકા' એ ફારસી ભાષાનો શબ્દ છે. જેનો મતલબ 'લેખિત સમજૂતિ' એવો થાય છે. નવાબો તથા ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થયેલા કરારને કારણે આ પરંપરા શરૂ થઈ હતી. ગુજરાતી ભાષામાં પણ 'વસીકા' શબ્દ છે, જેનો મતલબ વ્યાજ એવો થાય છે. નવાબના વારસદારોને જે આપવામાં આવે છે, તેને "અમાનતી વસીકા" કહેવામાં આવે છે.
અવધના નવાબોએ સમયાંતરે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની પાસે અમુક રકમ જમા કરાવી હતી અથવા તો તેમને વ્યાજે આપી હતી. સાથે જ શરત મૂકી હતી કે તેમાંથી મળનારું વ્યાજ તેમના ખાનદાન અને તેમની સાથે જોડાયેલા લોકોને પેન્શન પેટે આપવામાં આવે.
1857ની લડાઈ બાદ વર્ષ 1874માં ઈસ્ટ ઇન્ડિયા કંપની બંધ થઈ ગઈ. સાત દાયકા બાદ વર્ષ 1947માં ભારત સ્વતંત્ર થયું, અંગ્રેજ જતા રહ્યા, પરંતુ આ પરંપરા આજે પણ ચાલુ છે.
ન કેવળ અવધ, પરંતુ દેશના અન્ય કેટલાક ભાગોમાં પણ આ પ્રકારની વ્યવસ્થા ચાલુ છે. કેરળ અને રાજસ્થાનના અમુક પૂર્વ રાજવી પરિવારોને પણ આ પ્રકારનું પેન્શન મળે છે.
નવાબોને પેન્શન મળવાની પરંપરા ક્યારે શરૂ થઈ?

ઇમેજ સ્રોત, AMAN
ફૈયાઝઅલી ખાન અવધના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ 13 મહિના પછી પેન્શન લેવા માટે આવ્યા છે, એટલે તેમને રૂ. 130 મળ્યા છે.
તેઓ કહે છે, "આ વસીકા અમને પરદાદા અને પરનાનીના સમયથી મળે છે. આ રકમ એટલી ઓછી છે કે હું વર્ષ પછી જ લેવા માટે આવું છું."
ઉંમર થઈ ગઈ હોવાથી ફૈયાઝ હવે એકલા નથી આવતા અને તેમના દીકરા શિકોહ આઝાદ પણ સાથે આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિકોહ કહે છે, "હુસેનાબાદ ટ્રસ્ટ પાસેથી નવ રૂપિયા અને 70 પૈસા લેવા માટે મારે મારી ગાડીનું પાંચસો રૂપિયાનું પેટ્રોલ ખર્ચવું પડી રહ્યું છે. અમે અનેક વખત પેન્શનમાં વધારો કરવાની માગ કરી, પરંતુ કોઈએ અમારી વાત કાને નથી ધરી."
વર્ષ 1817માં પેન્શન-વિતરણની વ્યવસ્થા શરૂ થઈ હતી. ઇતિહાસકાર ડૉ. રોશન તકી કહે છે, "અવધના નવાબ શુજાઉદદૌલાનાં પત્ની બહૂ બેગમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બે હપ્તામાં લગભગ રૂપિયા ચાર કરોડ જેટલી રકમ આપી હતી. સાથે જ શરત મૂકી હતી કે તેમના સંબંધીઓ અને પરિવાર સાથે સંકળાયેલા લોકોને દર મહિને પેન્શન આપવામાં આવે."
ઉત્તર પ્રદેશ સરકારના વસીકા અધિકારી એસ. પી. તિવારીના કહેવા પ્રમાણે, "સ્વતંત્રતા સમયે બહૂ બેગમના લગભગ રૂ. 30 લાખ કોલકતા રિઝર્વ બૅન્કમાં જમા હતા. પહેલાં આ રકમ કાનપુર રિઝર્વ બૅન્કને મોકલવામાં આવી હતી. અને હવે લગભગ રૂ. 26 લાખ લખનઉસ્થિત સિન્ડિકેટ બૅન્કમાં જમા છે. જેના વ્યાજમાંથી પેન્શન આપવામાં આવે છે."
આઝાદી પછી આજે પણ અંદાજે 1200 લોકોને પેન્શન મળે છે

બહૂ બેગમ પછીના સમયમાં પણ નવાબોએ અલગ-અલગ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને રકમ ધીરી હતી.
ડૉ. તકી કહે છે, "નવાબ વઝીર ગાઝીઉદ્દીન હૈદર તથા તેમના દીકરા નસીરુદ્દીન હૈદરે લગભગ રૂ. ચાર કરોડની 'પર્પેચ્યુઅલ લોન' કંપનીને આપી હતી. જેનો મતલબ એવો હતો કે મુદ્દલ ક્યારેય પરત કરવામાં નહીં આવે, પરંતુ તેનું વાયજ વારસદારો તથા તેમની સાથે સંકળાયેલા લોકોને પેઢી દર પેઢી મળતું રહેશે."
વસીકા દફતરમાં રાખવામાં આવેલા મૅન્યુઅલ પ્રમાણે, નસીરુદ્દીન હૈદરના ઉત્તરાધિકારી કિંગ મહમદઅલી શાહે પણ બ્રિટિશ ટ્રેઝરીમાં રૂ. 12 લાખ જમા કરાવડાવ્યા હતા.
સ્વતંત્રતા પછી આજે પણ લગભગ 1200 લોકોને આ પેન્શન મળે છે. આને માટે પિક્ચર ગૅલરીમાં બે કચેરીઓ આવેલી છે. એક હુસેનાબાદ ટ્રસ્ટ અને બીજું ઉત્તર પ્રદેશ સરકારની વસીકા કચેરી.
સરકારી કચેરીમાંથી જે પેન્શન આપવામાં આવે છે, તે ઑનલાઇન સીધું જ વ્યક્તિના ખાતામાં જમા થાય છે, જ્યારે હુસેનાબપાદ ટ્રસ્ટ દ્વારા આજે પણ રોકડમાં રકમ આપવામાં આવે છે. બંને કચેરીઓમાંથી દર વર્ષે કુલ રૂ. પાંચ લાખ 60 હજારનું પેન્શન આપવામાં આવે છે.
ઓળખ તથા વર્તમાન સમયની મુશ્કેલીઓ

ઇમેજ સ્રોત, AMAN
અનેક લોકોને આ બંને કચેરીઓમાંથી પેન્શન મળે છે, પરંતુ તેનો કુલ સરવાળો રૂ. 10 જેટલો પણ નથી થતો. શાહિદઅલી ખાન વ્યવસાયે વકીલ છે.તેમના દાદા નવાબ મહમદઅલી શાહના વઝીર હતા.
શાહિદ કહે છે, "મને એક પેન્શનમાં દર ત્રણ મહિને ચાર રૂપિયા અને 80 પૈસા મળે છે. જ્યારે બીજામાં મહિને ત્રણ રૂપિયા અને 21 પૈસાનું પેન્શન મળે છે."
આટલી ઓછી રકમના પેન્શન અંગે શાહિદ કહે છે, "આ વસીકાને રૂપિયામાં આંકી ન શકાય, એ અમારી ઓળખ છે, જે કરોડો રૂપિયાથી પણ વધુ છે. અમુક જ લોકોને આ પેન્શન મળે છે."
રકમ ઓછી હોય તો પણ વસીકેદાર આજે પણ લેવા માટે આવે છે, કારણ કે તેને નવાબો સાથે જોડાયેલી ઓળખ અને સન્માનની વાત માને છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શાહિદ આ પેન્શનની રકમને તબર્રુક (પ્રસાદ) માને છે. તેઓ કહે છે, "હું વર્ષમાં એક વખત મોહર્રમના 15-20 દિવસ પહેલાં લેવા માટે આવું છું. જેથી કરીને આ રૂપિયાને મોહર્રમના કામમાં વાપરી શકું. હું વર્ષ દરમિયાન આ રકમ લેવા નથી આવતો, નહીં ને મારાથી એક પૈસો પણ અન્ય કોઈ કામમાં વપરાય જાય, તો ગુનેગાર ઠરું."
શિકોહ આઝાદ કહે છે, "પેન્શનના પૈસાથી અમારા પાનદાનનો ખર્ચ પણ કાઢી ન શકીએ, ન તો અમારું ઘરખર્ચ નીકળે તથા ન તો અમારા બાળકોની પૉકેટ મની નીકળે પરંતુ અમને ગર્વ છે કે અમારા પૂર્વજોએ અહીં શાસન કર્યું હતું. માત્ર એક પૈસો મળશે, તો પણ અમે એક હજાર રૂપિયા ખર્ચીને પણ પેન્શનની રકમ લેવા માટે ચોક્કસથી આવીશું."
કેટલાક લોકો વિદેશથી આવીને પણ પેન્શન લઈ જાય છે. શિકોહ કહે છે, "મારા પિત્રાઈ ઑસ્ટ્રેલિયાથી આવ્યા અને બે વર્ષનું પેન્શન લઈ ગયા. અમેરિકા અને ઇંગ્લૅન્ડથી પણ લોકો આવે છે."
જોકે, તમામ વસીકેદારોની પરિસ્થિતિ સારી નથી.70 વર્ષના એઝાજ આગા પોતાને મહમદઅલી શાહના વારસદાર કહે છે. તેઓ કહે છે :
"અમારી પાસે અનેક પેન્શન હતાં, પરંતુ મુશ્કેલીમાં અમે તેમાંથી અમુક સંબંધીઓને વેચી દીધાં. હવે દર ત્રણ મહિને માત્ર 19 રૂપિયા અને 80 પૈસાનું પેન્શન મળે છે. જે અમે દાનધર્મના કામમાં વાપરીએ છીએ."
'પેઢી દર પેઢી પેન્શનની રકમ ઘટતી ગઈ'

ઇમેજ સ્રોત, AMAN
ડૉ. રોશન તકી પેન્શનની રકમ ઘટવા અંગેનું કારણ જણાવે છે. તેઓ કહે છે, "જો કોઈ નવાબને રૂ. 500નું પેન્શન મળતું હોય અને નવાબને પાંચ દીકરા હોય, તો નવાબનાં મૃત્યુ પછી તેમનું પેન્શન પાંચ ભાગમાં વહેંચાઈ જશે અને દરેક દીકરાને 100-100 રૂપિયા મળશે."
"આવી જ રીતે પેઢી દર પેઢી પેન્શનની રકમ ઘટતી ગઈ. છઠ્ઠી અને સાતમી પેઢી આવી, ત્યાર સુધીમાં કોઈને પાંચ તો કોઈને 10 રૂપિયા મળશે. બીજું કારણ એ પણ છે કે પહેલાં ચાંદીના સિક્કામાં પેન્શન મળતું હતું. એના બદલે હવે રૂપિયામાં પેન્શન મળે છે એટલે આ રકમ ખૂબ જ ઘટી ગઈ છે."
ફૈયાઝઅલી ખાન કહે છે, "અમને નવાબોના સમયથી ચાર ટકા જ પેન્શન મળે છે, બીજી બાજુ, બૅન્કોમાં વ્યાજ ખૂબ જ વધી ગયું છે."

ઇમેજ સ્રોત, AMAN
હવે વસીકાની રકમ અંગે વિરોધ પણ શરૂ થઈ ગયો છે. શાહિદઅલી ખાન કહે છે, "પેન્શનની રકમ વધારવા અંગે લડાઈ ચાલી રહી છે. હું પોતે આ મામલે હાઇકોર્ટમાં જવાનો છું. અમે અમારો તર્ક રજૂ કરીશું કે શા માટે અમને ચાંદીના સિક્કામાં પેન્શન આપવામાં નથી આવતું. જો ચાંદી ન આપી શકાય, તો કમ સે કમ ચાંદીના ભાવ જેટલી રકમ આપવામાં આવે."
અવધના નવાબોના પતનનાં 170 વર્ષ બાદ આજે પણ પેન્શન આપવામાં આવે છે, પરંતુ તેની રોનક ઘટી ગઈ છે. મસૂદ અબ્દુલ્લાના ખાનને પેન્શન મળતું રહ્યું છે. એ સમયને યાદ કરતા તેઓ કહે છે :
"પહેલાં લોકો પેન્શન લેવા આવતો તો અલગ જ નજારો જોવા મળતો. એવું લાગતું કે જાણે મેળો ભરાયો છે. જાત-જાતના સરબત વેચાતા. ઉનાળાના સમયમાં ફાલ્સા અને તરબૂચનું સરબત મળતું. શિયાળામાં કાશ્મીરી ચા મળતી."
"લોકો બગ્ગી, ઘોડાગાડી કે હાથગાડીમાં બેસીને આવતા. પર્દાનશીન મહિલાઓ માટે રિક્ષા, બગ્ગી કે ઘોડાગાડીની ઉપર પડદા ચઢાવાયેલા રહેતા. હવે, એવું નથી રહ્યું."
જૂના સમયને યાદ કરતા ફૈયાઝઅલી કહે છે, "મારા પિતા કહેતા કે પહેલાં પેન્શન વિતરણ સમયે મેળા જેવો નજારો જોવા મલતો. જાત-જાતના ખુમચાવાળા આવતા. બજાર જેવું ભરાતું. ખાવાપીવાનો સામાન મળતો. પિક્ચર ગૅલરીમાં સેંકડો વસીકેદાર એકઠા થતા. હવે એવો માહોલ નથી."
આજે પણ સરકાર દ્વારા વસીકાના વિતરણ અંગે ઉત્તર પ્રદેશ સરકારના અલ્પસંખ્યક કલ્યાણ બાબતોના મંત્રી દાનિશ અંસારીના કહેવા પ્રમાણે, "પેન્શનની પરંપરા અવધના નવાબોના સમયથી ચાલી રહી છે. આજે પણ નવાબના ખાનદાન સાથે જોડાયેલા લોકો હયાત છે."
"આજે પણ સરકાર પાસે એક કૉર્પસ અમાઉન્ટ છે, જે કેટલીક સરકારી નીતિઓના આધારે પેન્શન આપવામાં આવે છે."
કેટલાક લોકો આ પેન્શનોને સામંતી સમયની બાકી રહેલી નિશાની માને છે અને સવાલ ઉઠાવે છે કે આજના સમયમાં તેનું કોઈ ઔચિત્ય નથી. પરંતુ સમર્થકોનું કહેવું છે કે પેન્શન એ માત્ર નાણાકીય બાબત નથી, પરંતુ એક ઐતિહાસિક વાયદો અને સન્માનની બાબત છે, જેને સરળતાથી અવગણી ન શકાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












