ગુજરાત ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સામે પક્ષના આંતરિક જૂથવાદ સહિત કેવા પડકારો છે?

બીબીસી ગુજરાતી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ સી આર પાટીલ જગદીશ વિશ્વકર્મા પંચાલ ઓબીસી

ઇમેજ સ્રોત, BJP Gujarat/fb

ઇમેજ કૅપ્શન, ભાજપે પોતાના નવા પ્રદેશ પ્રમુખ તરીકે મૂળ અમદાવાદના જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત કરી દીધી છે
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી

ભાજપે પોતાના નવા પ્રદેશ પ્રમુખ તરીકે મૂળ અમદાવાદના જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત કરી દીધી છે, જેઓ જગદીશ પંચાલ તરીકે પણ ઓળખાય છે. જગદીશ વિશ્વકર્માએ આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળી લીધો છે.

મૂળ ઓબીસી સમુદાયમાંથી આવતા જગદીશ વિશ્વકર્મા આર્થિક રીતે ઘણા સદ્ધર છે અને ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. વર્ષ 2012માં તેઓ સૌથી પહેલા વિધાનસભાની ચૂંટણી જીત્યા અને ત્યાર બાદ 2017 અને 2022માં પણ ચૂંટાયા છે.

ગુજરાતમાં હાલના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને ચૂંટણીઓમાં ભારે સફળતા મળી છે અને 2023માં તેમની ટર્મ પૂરી થયા પછી પણ ભાજપ તેમની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખ પસંદ કરી શક્યો ન હતો. તેથી પાટીલને બે વખત ઍક્સ્ટેન્શન અપાયું હતું.

હવે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરીને ભાજપે એક કાંકરે અનેક પક્ષી મારવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે તેમના માટે આગળનો માર્ગ સરળ નહીં હોય.

જગદીશ પંચાલ સમગ્ર ગુજરાતમાં જાણીતી વ્યક્તિ નથી

બીબીસી ગુજરાતી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ સી આર પાટીલ જગદીશ વિશ્વકર્મા પંચાલ ઓબીસી

ઇમેજ સ્રોત, Jagdish Vishwakarma/X

ઇમેજ કૅપ્શન, સી. આર. પાટીલની તુલનામાં જગદીશ વિશ્વકર્મા (પંચાલ) સમગ્ર ગુજરાતમાં જાણીતી વ્યક્તિ નથી તે તેમની એક નબળી બાજુ ગણવામાં આવે છે.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "જગદીશ વિશ્વકર્મા (પંચાલ) અમદાવાદમાં ભલે વારંવાર ચૂંટાતા હોય, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છ માટે તેઓ સાવ નવી વ્યક્તિ છે. આ ઉપરાંત તેઓ સંગઠનના માણસ નથી. પરિણામે હાઇકમાન્ડના આગ્રહથી તેમની નિમણૂક થવાની હોય તેવું લાગે છે."

તેઓ કહે છે, "અમિત શાહ ગઈકાલે સી. આર. પાટીલને મળ્યા હતા અને ત્યાર પછી જગદીશ વિશ્વકર્માનું નામ બહાર આવ્યું છે. તેથી એક અંદાજ એવો નીકળે છે કે પાટીલને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ના નામ સામે વાંધો હોઈ શકે, જેના કારણે ગૃહમંત્રી અમિત શાહે સી. આર. પાટીલને મળવા જવું પડ્યું હોય."

બીજી તરફ સરદાર પટેલ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક બળદેવ આગજાએ કહ્યું કે, "અમદાવાદ એ પહેલેથી ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અગાઉ ભાજપને શહેરી પક્ષ ગણવામાં આવતો હતો, પરંતુ હવે ગ્રામીણ મતદારો પણ ભાજપ તરફ વળ્યા છે."

તેઓ કહે છે કે, "જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમુદાયમાંથી આવે છે તે વાતનો ફાયદો થશે એવું પહેલી દૃષ્ટિએ લાગે છે. સી આર પાટીલ આર્થિક રીતે સદ્ધર હતા, તેવી જ રીતે જગદીશ વિશ્વકર્મા પણ નાણાકીય રીતે સક્ષમ છે."

પ્રોફેસર બળદેવ આગજા પણ માને છે કે, જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની ઓળખ અમુક વિસ્તાર પૂરતી મર્યાદિત છે, સમગ્ર ગુજરાતવ્યાપી નામ નથી. તેઓ કહે છે કે, "સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં તેમની વ્યક્તિગત કોઈ ઓળખ નથી. પરંતુ ભાજપના નામે આગળ આવી શકે છે."

ઍન્ટિ-ઇન્કમબન્સી ફૅક્ટર નડી શકે?

બીબીસી ગુજરાતી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ સી આર પાટીલ જગદીશ વિશ્વકર્મા પંચાલ ઓબીસી

ઇમેજ સ્રોત, Jagdish Vishwakarma/X

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જગદીશ વિશ્વકર્મા (પંચાલ)

જગદીશ વિશ્વકર્મા (પંચાલ) સામેના એક પડકારમાં ઍન્ટિ-ઇન્કમબન્સી ફૅક્ટરને પણ ગણવામાં આવે છે. પ્રૉફેસર બળદેવ આગજાએ કહ્યું કે ત્રણ-ત્રણ દાયકાથી પક્ષ સત્તા પર હોય ત્યારે સત્તાવિરોધી માહોલ નડતો હોય છે.

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય આ વિશે કહે છે કે, ઍન્ટિ-ઇન્કમ્બન્સી અથવા સત્તાવિરોધી મોજાંના કારણે જ વિજય રુપાણીને મુખ્ય મંત્રીપદેથી હટાવવામાં આવ્યા હતા. આજે ઍન્ટિ-ઇમ્કમ્બન્સીનું પરિબળ ફરીથી ઊભું છે, તેવામાં બધી જ્ઞાતિઓને સંગઠનમાં પ્રાધાન્ય આપવાનો અને વાતાવરણ સુધારવાનો પડકાર છે.

તેઓ કહે છે કે, "જગદીશ વિશ્વકર્મા ભલે સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોય છતાં તેઓ સંગઠનના માણસ નથી. ભાજપમાં અલગ અલગ લૉબીનો જૂથવાદ છે, તેવામાં કાર્યકરોને સંગઠીત રાખવા અને નેતાઓને ખુશ રાખવાનો પડકાર છે. તેના માટે સંગઠનમાં, પ્રધાનમંડળમાં અને બોર્ડ -નિગમોમાં પદ આપવા પડે."

આગામી ચૂંટણીઓમાં ખરી કસોટી થશે

બીબીસી ગુજરાતી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ સી આર પાટીલ જગદીશ વિશ્વકર્મા પંચાલ ઓબીસી

ઇમેજ સ્રોત, Jagdish Vishwakarma/X

ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જગદીશ વિશ્વકર્મા.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સી. આર. પાટીલે લગભગ છ વર્ષથી પ્રદેશ ભાજપનું પ્રમુખપદ સંભાળ્યું છે.

તેમની આગેવાનીમાં ભાજપ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, 2022ની વિધાનસભા ચૂંટણી અને 2024 લોકસભાની ચૂંટણી લડ્યો હતો. છેલ્લે લોકસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 26માંથી 25 બેઠકો મળી હતી. હવે આગામી વર્ષમાં ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. ત્યાર પછી 2027માં વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની કસોટી થશે.

પ્રોફેસર બળદેવ આગજાએ કહ્યું કે "તાજેતરમાં કડીમાં પેટાચૂંટણી યોજાઈ તેમાં જગદીશ વિશ્વકર્માને ભાજપે જવાબદારી સોંપી હતી. કડીમાં ભાજપનો વિજય થયો તેણે પણ વિશ્વકર્માને પ્રદેશ ભાજપ પ્રમુખ બનાવવામાં મદદ કરી હોઈ શકે છે."

જગદીશ આચાર્ય કહે છે કે, "સી. આર. પાટીલને ચોક્કસ એજન્ડા હેઠળ પ્રદેશ પ્રમુખપદે લાવવામાં આવ્યા હતા, જેનું કામ ભાજપમાંથી જૂથવાદ દૂર કરવાનું હતું. તેથી પાટીલે આક્રમક રીતે કામ કર્યું અને કેટલાય દિગ્ગજોને ઘરભેગા કરી દીધા. જગદીશ વિશ્વકર્માને એવી સત્તા આપવામાં આવી છે કે નહીં તે આગામી સમયમાં ખબર પડશે.

સી. આર. પાટીલને આખા ગુજરાતના કાર્યકરો ઓળખતા હતા, જગદીશ વિશ્વકર્મા (પંચાલ) માટે એવું નથી."

તેઓ કહે છે કે "નવા પ્રદેશ પ્રમુખની પસંદગી થયા પછી સૌથી પહેલું કામ પક્ષની અંદર સર્વસ્વીકાર્ય બનવાનું રહેશે. જગદીશ પંચાલે પક્ષમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવું પડશે અને સંગઠનના પાયાના કાર્યકરોનો વિશ્વાસ જીતવો પડશે."

'જગદીશ પંચાલ માટે માત્ર ઓબીસી આગેવાન હોવું પૂરતું નથી'

બીબીસી ગુજરાતી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ સી આર પાટીલ જગદીશ વિશ્વકર્મા પંચાલ ઓબીસી

ઇમેજ સ્રોત, CR Patil/X

ઇમેજ કૅપ્શન, સી. આર. પાટીલને ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે બે વખત ઍક્સ્ટેન્શન અપાયું હતું.

પ્રોફેસર આગજા કહે છે કે, "ગુજરાતમાં કોળી, ચૌધરી અને આહિર મતદારોની સંખ્યા બહુ મોટી છે, પરંતુ પંચાલ સમુદાયની સંખ્યા બહુ ઓછી છે અને અમુક વિસ્તારમાં જ તેમનું પ્રતિનિધિત્વ છે. તેથી ભાજપે જગદીશ વિશ્વકર્માને આવી મોટી જવાબદારી સોંપી તે થોડી નવાઈ પમાડે તેવું પણ છે."

જ્યારે જગદીશ આચાર્ય માને છે કે, "ઓબીસીની નિમણૂક કરી પરંતુ ગુજરાતમાં કોળી અને આહિર સમાજની વસતી મોટી છે. તેથી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની પસંદગીથી આખો ઓબીસી સમુદાય રાજી થઈ જાય તેવું માનવાને કારણ નથી."

"કુંવરજીભાઈ બાવળિયા કૉંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા તેને બાદ કરતાં બીજા કોળી નેતાઓ હાલમાં રહ્યા નથી. પુરુષોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકી ઘણા વખતથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે."

તેઓ કહે છે, "હવે જે નવા પ્રમુખ આવશે તેમણે મંત્રીમંડળના ફેરફાર અથવા સંગઠનના ફેરફારમાં બીજી જ્ઞાતિઓને પ્રાધાન્ય આપવું પડે. લેવા પટેલ સમુદાયને લઈને પ્રશ્ન થઈ શકે કારણ કે આખા સૌરાષ્ટ્રને અપીલ કરે તેવા દિગ્ગજ નેતા નથી. તેની સામે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા લેવા પટેલમાં આગળ ઊભરી આવ્યા છે. એક બાજુ આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવાનું પરિબળ છે, બીજી તરફ ગોપાલ ઇટાલિયા લેવા પટેલમાં પ્રભાવ ધરાવે છે. તેથી ભાજપે હવે તે મુજબ રણનીતિ ઘડવી પડશે અને તેની જવાબદારી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ના ખભે આવી છે."

'ચોક્કસ કોમના લોકો ગેરકાયદે બાંધકામ કરે છે'

બીબીસી ગુજરાતી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ સી આર પાટીલ જગદીશ વિશ્વકર્મા પંચાલ ઓબીસી

ઇમેજ સ્રોત, ANI

આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુજરાત સરકાર કેટલીક જગ્યાએ કથિત ગેરકાયદે બાંધકામો તોડતી હતી ત્યારે જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે "અમદાવાદ, દ્વારકા અને સોમનાથમાં ચોક્કસ સમુદાયના લોકો ગેરકાયદે બાંધકામો અને દબાણ કરવા માટે જવાબદાર છે."

તેમની આ ટિપ્પણીના કારણે વિવાદ થયો હતો અને ગુજરાતના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર પછી જગદીશ વિશ્વકર્માએ પોતાના બચાવમાં કહ્યું કે તેમણે કોઈ સમુદાયનું નામ નથી લીધું.

અગાઉ ઑક્ટોબર 2024માં જગદીશ વિશ્વકર્મા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વચ્ચેની વાતચીતનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં ભાજપના સભ્યપદ અભિયાનના ટાર્ગેટ વિશે વાત થઈ હતી.

તેમાં વિશ્વકર્મા ઋષિકેશ પટેલને એવું કહેતા સાંભળવા મળ્યા હતા કે "તમે કેટલા સભ્યો બનાવ્યા અને કેટલા વોટ મેળવ્યા તેનો રિપોર્ટ રાખવામાં આવે છે."

જવાબમાં ઋષિકેશ પટેલે કહ્યું કે "જે થાય તે, કાઢી મૂકતા હોય તો કાઢી મૂકે." જોકે, આ વીડિયોની વાતચીતની સત્તાવાર પુષ્ટિ થઈ શકી ન હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન