આ રાજ્યમાં ખેડૂતો પોતાની ડુંગળી વેચવાને બદલે રસ્તા પર ફેંકી કેમ રહ્યા છે?

બીબીસી ગુજરાતી ડુંગળી ખેડૂત આંધ્ર પ્રદેશ ખેતી પાક ગુજરાત કાંદા ઓનિયન
ઇમેજ કૅપ્શન, કુરનૂલના ખેતીવાડી બજારમાં ડુંગળીનો પાક આવી રીતે ફેંકવામાં આવ્યો છે.
    • લેેખક, બલ્લા સતીશ
    • પદ, બીબીસી સંવાદદાતા

આંધ્ર પ્રદેશના કુરનૂલ કૃષિ બજાર સમિતિના પરિસરમાં તમે જ્યાં જોશો ત્યાં તમને ડુંગળીનાં ઢગલા અને ગુણીઓ જોવા મળશે.

એ પૈકીની મોટાભાગની ડુંગળી સડેલી છે અને બજાર સમિતિ તેને ટ્રક્સમાં ભરીને કચરામાં નાખી રહી છે.

કેટલાક લોકો સડેલી ડુંગળીના જથ્થામાંથી કેટલીક સારી ડુંગળી બહાર કાઢી રહ્યા છે.

કેટલાક નાના વેપારીઓએ સરકાર પાસેથી ડિસ્કાઉન્ટ પર ડુંગળી ખરીદી હતી. તેઓ સડેલી ડુંગળી ઉપાડવા માટે મજૂરોનો ઉપયોગ કરી રહ્યા છે.

એ વિશાળ માર્કેટના પરિસરમાં સેંકડો ટન ડુંગળી હજુ એમની એમ પડી છે, જ્યારે બીજી તરફ ખેડૂતો હજુ પણ મોટી તથા નાની ટ્રકોમાં ડુંગળી લાવી રહ્યા છે.

કુરનૂલથી થોડે દૂર ચાલો તો રસ્તાની બન્ને બાજુ અને ખેતરોમાં તમને કાપેલી ડુંગળી જોવા મળશે. કેટલાંક સ્થળોએ કાપ્યા વિનાની ડુંગળી પડી છે અને કેટલાક ખેતરોમાં ઘેટાં-બકરાં ડુંગળી ચરી રહ્યાં છે.

એક અઠવાડિયા અગાઉ કુરનૂલ વિસ્તારમાં રસ્તાની બાજુએ ડુંગળી ફેંકવામાં આવ્યાના વીડિયો અને ખેડૂતો ડુંગળીનો પાક લઈ રહ્યા હોય તે પ્રકારનાં દૃશ્યો બધે જ જોવા મળતાં હતાં.

એક સમયે ડુંગળીની કિંમત પ્રતિ કિલો પચાસ પૈસા હતી, પરંતુ તેલુગુ રાજ્યોની મોટાભાગની માર્કેટ્સમાં ડુંગળીની કિંમત પ્રતિ કિલો 20 રૂપિયાથી ઓછી નથી.

બીજી તરફ, કુરનૂલની માર્કેટમાં ડુંગળીના ઢગલા થઈ જાય છે અને તેને ટ્રકોમાં ભરીને કચરામાં ફેંકવી પડે છે.

તેઓ ડુંગળી મફતમાં આપે તો પણ કોઈ લેશે નહીં.

ખેડૂત પણ ખુશ નથી અને વેપારી પણ ખુશ નથી. ગ્રાહકોને પણ કશું સસ્તું મળતું નથી.

ડુંગળીના પાકમાં આવી વિચિત્ર પરિસ્થિતિ કેમ સર્જાઈ છે?

પાક લણાઈ ગયો છે

બીબીસી ગુજરાતી ડુંગળી ખેડૂત આંધ્ર પ્રદેશ ખેતી પાક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વર્ષે કુરનૂલમાં ડુંગળીનું ભારે ઉત્પાદન થયું છે.

આંધ્ર પ્રદેશના કુરનૂલ વિસ્તારમાં ડુંગળીની ખેતી મોટા પાયે કરવામાં આવે છે. એક ચોક્કસ પ્રકારની ડુંગળીને પાણીની અછત ધરાવતાં ખેતરોમાં ઉગાડવામાં આવે છે અને બીજા પ્રકારની ડુંગળીને ઓછાં પાણી ધરાવતાં ખેતરોમાં ઉગાડવામાં આવે છે.

સિંચાઈની વ્યવસ્થાવાળા જે ખેતરોમાં ડુંગળી ઉગાડવામાં આવી હતી, તે હવે બજારમાં આવી છે.

આ વખતે મોટો પાક થયો છે અને અપેક્ષા કરતાં ઘણા વધારે પ્રમાણમાં એ પાક કુરનૂલ માર્કેટમાં પહોંચ્યો હતો.

  • એપ્રિલથી સપ્ટેમ્બર 2024 સુધીમાં કુરનૂલ માર્કેટમાં 1,49,132 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી.
  • તેની સામે એપ્રિલ 2025થી સપ્ટેમ્બર 2025 સુધીમાં અહીં 2,03,618 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ છે.
  • ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પ્રતિ કિલો ડુંગળીનો ઉચ્ચતમ ભાવ રૂ. 43 અને સરેરાશ ભાવ રૂ. 35 રહ્યો હતો.
  • સપ્ટેમ્બર 2025માં તેનો સર્વોચ્ચ ભાવ રૂ. 13 અને સરેરાશ ભાવ રૂ. પાંચની સપાટીએ પહોંચ્યો હતો.
  • ભાવ ઘટતાં સરકારે હસ્તક્ષેપ કર્યો હતો અને ખેડૂતો માટે પ્રતિ 100 કિલો ડુંગળીના રૂ. 1,200 અથવા પ્રતિ ક્વિન્ટલ રૂ. 12ના ટેકાના ભાવની જાહેરાત કરી હતી.
  • ટેકાના ભાવની યોજના 31 ઑગસ્ટથી 20 સપ્ટેમ્બર સુધી અમલી બનાવવામાં આવી હતી.
  • એ યોજના હેઠળ 1,272 ખેડૂતોએ તેમનો પાક વેચ્યો હતો.
  • સરકારે ટેકાના ભાવે કુલ 69,310 ક્વિન્ટલ કાંદા ખરીદ્યા હતા.
  • એ પછી ટેકાના ભાવની યોજના બંધ કરીને ડુંગળીના ખેડૂતોને પ્રતિ એકર રૂ. 20,000 લેખે વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ભાવમાં ઘટાડાનું કારણ શું છે?

બીબીસી ગુજરાતી ડુંગળી ખેડૂત આંધ્ર પ્રદેશ ખેતી પાક
ઇમેજ કૅપ્શન, માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભારે જથ્થો આવ્યો છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સામાન્ય રીતે ખરીફ એટલે ઑગસ્ટ, સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં લણવામાં આવતા ડુંગળીના પાકની કિંમત રવિ સિઝનની સરખામણીએ વધારે હોય છે.

સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, ખેડૂતોને ગયા વર્ષે પણ ડુંગળીના 55 રૂપિયા લેખે ભાવ મળ્યા હતા, પરંતુ આ વર્ષે સતત વરસાદને કારણે ડુંગળીની કિંમતમાં ઘટાડો થયો છે.

આ આશ્ચર્યજનક છે, પણ સત્ય છે.

અન્ય પાકોથી વિપરીત વધારે પડતો વરસાદ ડુંગળીને નુકસાન કરતો હોય છે.

કાપણી દરમિયાન અથવા ખેતરોમાં પાણી ભરાયેલું રહેવાને કારણે કે વરસાદને કારણે ડુંગળી સુકાઈ શકી નહીં.

એ કારણે ડુંગળી મોટા પ્રમાણમાં બગડી રહી છે.

કુરનૂલ કૃષિ બજાર સમિતિનાં સચિવ જયલક્ષ્મીએ કહ્યું હતું, "ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. કુરનૂલની ડુંગળી સારી ગુણવત્તાવાળી છે અને તેને યોગ્ય રીતે સૂકવવામાં આવે તો તેનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. જોકે, ભીની ડુંગળી લાંબો સમય ટકતી નથી. તેથી વેપારીઓ તેને ખરીદવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. એ ઉપરાંત આ વખતે ઉત્પાદનમાં પણ વધારો થયો છે."

ભાવમાં ઘટાડાનું કારણ સમજાવતાં તેમણે કહ્યું હતું, "મહારાષ્ટ્રમાં પણ આવી જ પરિસ્થિતિ છે. બધા માટે બે મહિના માટે પર્યાપ્ત મહારાષ્ટ્ર ડુંગળી જ ઉપલબ્ધ છે. મહારાષ્ટ્ર ડુંગળી માત્ર કદમાં જ મોટી નથી, તેની શેલ્ફ લાઇફ પણ લાંબી હોય છે. સામાન્ય રીતે આ સિઝન સુધીમાં મહારાષ્ટ્ર ડુંગળીનો સ્કૉક ખતમ થઈ જાય છે અને કુરનૂલ ડુંગળી આવી જાય છે, પરંતુ તેમનું કહેવું છે કે તેમનો સ્ટૉક ડિસેમ્બર સુધીમાં આવે તેવી શક્યતા છે. મહારાષ્ટ્ર ડુંગળીને ઓછામાં ઓછા છ મહિના સુધી સંઘરી શકાય છે, જ્યારે કુરનૂલ ડુંગળીને 20 દિવસથી વધુ સંઘરી શકાતી નથી. એ પણ એક સમસ્યા છે."

સામાન્ય રીતે સારી ગુણવત્તાવાળી કુરનૂલ ડુંગળીને ઓડિશા, બંગાળ અને બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવે છે.

તે ટૂંકા ગાળા માટે સંઘરી શકાય એવી જાતની હોય તો તેને મોટાભાગે આંધ્ર પ્રદેશમાં જ વેચવામાં આવે છે.

જયલક્ષ્મીએ કહ્યું હતું, "25 ઑગસ્ટે એક જ દિવસમાં કુરનૂલ માર્કેટમાં 35,000 ગુણી ડુંગળી આવી હતી, જ્યારે માર્કેટની ક્ષમતા 15-20,000 ગુણીની છે. એ પછી ડુંગળી સતત આવી રહી છે. અત્યાર સુધી ખેડૂતોને પ્રતિ કિલો પાંચ રૂપિયાથી ઓછો ભાવ મળતો હતો. સરકારે હસ્તક્ષેપ કર્યો અને પ્રતિ કિલો ઓછામાં ઓછા 12 રૂપિયા ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. એ પછી 30 ઑગસ્ટથી વધુ ડુંગળી આવવા લાગી હતી."

આવું શા માટે થયું?

બીબીસી ગુજરાતી ડુંગળી ખેડૂત આંધ્ર પ્રદેશ ખેતી પાક
ઇમેજ કૅપ્શન, એપ્રિલથી 24 સપ્ટેમ્બર 2025 સુધીમાં 2.03 લાખ ક્વિન્ટલથી વધુ ડુંગળીની આવક થઈ.

કુરનૂલ માર્કેટમાં રોજ હજારો ટન ડુંગળી આવે છે.

માર્કેટમાં કોઈ ખરીદનાર ન હોવાથી સરકારે ડુંગળી ખેડૂતોની મંડીઓમાં પહોંચાડી દીધી. કેટલીક ડુંગળી હૈદરાબાદ મોકલવામાં આવી. તેમ છતાં ડુંગળીનો મોટો હિસ્સો બચ્યો.

એ જથ્થો સંઘરવા યોગ્ય સ્થિતિમાં નથી. તેનું કારણ ખેડૂતોની ભૂલ છે.

માર્કેટિંગ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકાર ડુંગળી ખરીદી રહી હોવાથી ખેડૂતો તેનું ગ્રેડિંગ કરાવ્યા વિના માર્કેટમાં લાવ્યા હતા.

ખેડૂતો સામાન્ય રીતે ખરાબ ડુંગળીને કાઢી નાખતા હોય છે. સારી રીતે સૂકાયેલી ડુંગળીને થેલાઓમાં ભરતા હોય છે. તેને માર્કેટમાં લાવતા હોય છે અને વેપારીઓને વેચતા હોય છે.

વેપારીઓ ગુણવત્તાને આધારે તે ડુંગળીની કિંમત નક્કી કરતા હોય છે.

આ વખતે થયું એવું કે ખેડૂતો ગ્રેડિંગ કર્યા વિના જથ્થાબંધ ડુંગળી લાવ્યા. તેમને ખાતરી હતી કે સરકાર તેનો અસ્વીકાર નહીં કરે.

પરિણામ એ આવ્યું કે મોટાભાગની ડુંગળી સડી ગઈ. તેને સાચવવાનું અશક્ય થઈ ગયું. એક ડુંગળી સડે તો તેની આસપાસની બીજી ડુંગળી પણ સડી જાય છે.

ખેડૂતોએ પૈસા લઈને ડુંગળીનો જથ્થો બજારમાં જ છોડી દીધો.

આખરે સરકારે ઓછી કિંમત શક્ય હોય તેટલી વધારે ડુંગળી વેચવી પડી અને બાકીની ડુંગળીને કચરાની જેમ ડમ્પિંગ યાર્ડમાં ફેંકી દેવી પડી.

ડુંગળી મફતમાં આપવામાં આવતી હોવાના પ્રચારથી એક સમયે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ હવે કોઈ તે ડુંગળી લઈ જવા તૈયાર નથી.

કુરનૂલ ડુંગળીને ભેજ વિના સરેરાશ માત્ર 25 દિવસ સંઘરી શકાય છે અને હાલમાં જે સ્ટૉક આવ્યો છે, તે ખૂબ ભેજવાળો હોવાથી તેની દૂરના વિસ્તારોમાં નિકાસ કરવાનું અસંભવ બની ગયું છે.

એક વર્ષ સુધી ઓછો ભાવ રહેશે તો બધા એક જ પાક લેશે

બીબીસી ગુજરાતી ડુંગળી ખેડૂત આંધ્ર પ્રદેશ ખેતી પાક ગુજરાત
ઇમેજ કૅપ્શન, સતત વરસાદના કારણે ઘણો પાક નુકસાન પામ્યો છે

સામાન્ય રીતે એવું થાય છે કે પાકનો ભાવ વધે છે ત્યારે ખેડૂતો આગામી સિઝનમાં તે પાક વધારે પ્રમાણમાં ઉગાડે છે.

ડુંગળીના કિસ્સામાં પણ આવું જ બન્યું હતું.

ગયા વર્ષે ખેડૂતોને ડુંગળી માટે પ્રતિ કિલો 55-60 રૂપિયા મળ્યા હતા. તેથી આ વર્ષે ખેડૂતોએ મોટા વિસ્તારમાં ડુંગળીની ખેતી કરી હતી.

તેની ભાવ પર માઠી અસર થઈ.

કોડુમુરના મોટા ખેડૂત શિવ રેડ્ડીએ કહ્યું હતું, "આ વર્ષે ભાવ ઊંચા હતા ત્યારે ખેડૂતોએ સાથે મળીને ડુંગળી વાવી હતી. ભાવ ઘટ્યા ત્યારે બધાએ ડુંગળીની વાવણી બંધ કરી દીધી. પરિણામે આવતા વર્ષે ભાવમાં નાટ્યાત્મક વધારો થશે. તેનાથી બચવાનો કોઈ રસ્તો જ નથી. ખેડૂતો એકમેકની દેખાદેખી કરીને પાક વાવતા હોય છે. તેનાથી નુકસાન થાય છે. નુકસાન થાય છે ત્યારે તેઓ વિચારે છે કે હવે વધારે ચિંતા ન કરવી જોઈએ. પછી અછત સર્જાય છે અને ભાવમાં વધારો થાય છે. પછી એ સામાન્ય બાબત બની જાય છે. માત્ર ડુંગળી સાથે જ નહીં, અન્ય ઘણા પાક સાથે આવું થાય છે."

કેટલાક મોટા ખેડૂતો માને છે કે તેમને ટેકાના ભાવ કરતાં પ્રતિ એકર રૂ. 20,000 ચૂકવવામાં આવ્યા હોત તો સારું થાત.

શિવા રેડ્ડીએ કહ્યું હતું, "ખેડૂતને રૂ. 20,000નો નફો થયા બાદ તેણે બાકીની ઉપજને પસંદગી મુજબ વર્ગીકૃત કરી હોત અને વેપારીઓને વેચી શક્યા હોત. સરકારે ખરીદી કરી હોત તો વેપારીઓને કોઈ ફાયદો ન થયો હોત. પાક પણ બરબાદ થાય. ખેડૂતોએ તેનું ગ્રેડિંગ ન કરીને ભૂલ કરી છે."

ખેડૂત અને વેપારી બન્ને ખુશ નથી

બીબીસી ગુજરાતી ડુંગળી ખેડૂત આંધ્ર પ્રદેશ ખેતી પાક ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કુરનૂલ ખેતીવાડી બજારના કર્મચારીઓએ ડુંગળીનો પાક કચરામાં ફેંકી દીધો.

તાજેતરના ઘટનાક્રમથી ખેડૂતો કે વેપારીઓ ખુશ નથી.

ખેડૂતો ઈચ્છે છે કે તેમના માટે ટેકાની ભાવની યોજના ચાલુ રહેવી જોઈએ. તેમની દલીલ છે કે પ્રતિ એકર રૂ. 20,000નો ભાવ નફાકારક નથી.

વર્કુર ગામના ખેડૂત મદ્દીલેટીએ બીબીસીને કહ્યુ હતું, "તેમણે 1200 રૂપિયા ટેકાનો ભાવ આપ્યો અને પછી તેને બંધ કરી દીધો. હવે તેઓ કહે છે કે તેઓ રૂ. 20,000 આપશે. તેનો કોઈ અર્થ નથી. તેનાથી મજૂરીનો ખર્ચ પણ નીકળતો નથી. તેના બદલે રૂ. 1,200 પૂરતા છે. રોપાઓ રોપવાનો અને પછી તેને 40 દિવસ સુધી ઉગાડવાનો ખર્ચ, ખાતરનો ખર્ત, વચ્ચે મજૂરીનો ખર્ચ, લણણીનો ખર્ચ, લણેલા પાકને બોરીઓમાં પેક કરવાનો ખર્ચ અને પરિવહનનો ખર્ચ. આ બધાનો સરવાળો કરો તો સરકારે જાહેર કરેલો રૂ. 20,000નો ટેકાનો ભાવ પૂરતો નથી."

મદ્દીલેટી તેમના ખેતરમાંના પાકને લણ્યા વિના સારા ભાવની રાહ જોઈ રહ્યા છે.

ઘણા ખેડૂતોએ પાક વાવવાનું છોડી દીધું છે.

મદ્દીલેટીએ કહ્યું હતું, "મને ખબર છે કે ઘણા ખેડૂતો કાં તો હળ ચલાવી રહ્યા છે અથવા તો ઘેટાંઓના ચરવા માટે ખેતર છોડી રહ્યા છે. અમને આશા હતી કે સરકાર ટેકાના ભાવ આપશે. હવે ટેકાના ભાવની યોજના સમાપ્ત થઈ ગઈ છે ત્યારે અમે પણ હળ ચલાવીશું અથવા ઘેટાંઓના ચરવા માટે ખેતર છોડી દઈશું."

મદ્દીલેટીએ ઉમેર્યું હતું, "વરસાદ બંધ થઈ જાય તો ફાયદો થઈ શકે. સૂર્ય ઉગતો નથી. થોડા દિવસ વરાપ નીકળે તો સારું. મજૂરોને પણ 500 રૂપિયા જ મળે છે. આખો પરિવાર કામ કરે તો પણ અમને એટલા પૈસા મળે નહીં."

તમને સરકારે રૂ. 20,000 ચૂકવ્યા પછી બાકીની ઉપજ વેચી શકો કે નહીં, એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે બાકીની ઉપજ વેચીએ તો પણ તેનાથી ખાસ કશું વળવાનું નથી.

તેમણે દલીલ કરી હતી કે ભાવ પ્રતિ કિલોગ્રામ ત્રણથી પાંચ રૂપિયાથી વધુ નહીં હોય. તેથી તેનો કોઈ ફાયદો નથી.

જોકે, સરકાર આ દલીલ સાથે સંમત નથી.

બાગાયત વિભાગના અધિકારીઓના મતાનુસાર, પ્રતિ એકર સરેરાશ રોકાણ રૂ. 60,000 છે અને સરેરાશ ઉત્પાદન 80થી 100 ક્વિન્ટલ છે.

આ રીતે જોઈએ તો પણ સરકારનો તર્ક છે કે તેમણે પ્રતિ ક્વિન્ટલ રૂ. 1,200 ચૂકવ્યા હતા, જ્યારે ખેડૂતને 80 ક્વિન્ટલ માટે રૂ. 96,000 મળ્યા હતા. તેથી ખેડૂતને નુકસાન થવાની કોઈ શક્યતા નથી.

કેટલાક અધિકારીઓના કહેવા મુજબ, આ યોજના તાજેતરમાં બંધ કરવામાં આવી હોવા છતાં હજુ પણ લાભદાયક છે, કારણ કે પાકને બહાર રૂ. 20,000થી વધુને ભાવે વેચી શકાય તેમ છે.

વેપારીઓ માટે પણ આ સાચું છે

બીબીસી ગુજરાતી ડુંગળી ખેડૂત આંધ્ર પ્રદેશ ખેતી પાક ગુજરાત બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખેડૂતોનું કહેવું છે કે વાવેતર વિસ્તાર વધવાથી ભાવ ઘટી ગયા છે

કુરનૂલ માર્કેટ સમિતિના ડુંગળીના વેપારી વેંકટેશ્વરલુએ બીબીસીને કહ્યું હતું, "સરકારે રૂ. 1,200માં ડુંગળી ખરીદવાને બદલે પ્રતિ એકર રૂ. 20,000નો ભાવ પહેલાંથી જ નક્કી કર્યો હોત તો સારું થાત. ખેડૂતે 20,000 રૂપિયા લઈને સારી રીતે પાકની છટણી કરી હોત અને વેપારીઓને માલ વેચ્યો હોત. બંને માટે પૂરતું હોત. ખેડૂતને પણ સારી કિંમત મળત. અમે પણ સારા પાક માટે 10 રૂપિયા (પ્રતિ ક્વિન્ટલ રૂ. 1,200)નો ભાવ આપ્યો છે."

તેમણે ઉમેર્યું હતું, "અમે ભલે ગમે તે રાજ્યમાં ડુંગળી મોકલીએ, પણ કુરનૂલથી સામાન ઉતરતો નથી. ખેડૂતોની સાથે વેપારીઓને પણ નુકસાન થયું છે. ઘણો માલ બરબાદ થઈ ગયો છે. ડુંગળીને યોગ્ય રીતે કાપવામાં આવે તો સારી રહે છે. એક કે બે ડુંગળી બગડે તો પણ બધી ડુંગળી ખરાબ થઈ જાય છે. ટ્રાન્સ્પૉર્ટેશન દરમિયાન તે વધારે બગડે છે. હવે સરકાર ખરીદી કરી રહી છે એટલે વેપારીઓએ ખરીદી ઘટાડી દીધી છે. વેપારીઓએ તો સ્ટોક પણ રાખ્યો નથી."

કેટલાક નાના વેપારીઓએ આ બજારમાંથી જથ્થાબંધ ડુંગળી ખરીદી, મજૂરો પાસે શ્રેષ્ઠ ડુંગળી ચૂંટીને સ્થાનિક સ્તરે વેચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કહ્યું હતું કે તેમને નુકસાન થયુ છે.

વેંકટેશ્વરલુએ કહ્યું હતું, "મહારાષ્ટ્રમાં ડુંગળીને સૂકી રાખવામાં આવે છે. તેનો અર્થ એ નથી કે કુરનૂલમાં ડુંગળી સારી નથી. ખેડૂત પાસેથી ખરીદી કર્યા પછી મજૂરી, ગ્રેડિંગ, ટ્રક ટ્રાન્સ્પૉર્ટેશન અને બજાર કર જેવો ખર્ચ થાય છે. વેપારીઓને પણ નુકસાન થયું છે."

ખેડૂત વધુ ડુંગળી ઉગાડે તો પણ વરસાદ, સંગ્રહ ક્ષમતાનો અભાવ અને ઉપલબ્ધ માલની ગુણવત્તાની ચકાસણીના અભાવે ગ્રાહક સુધી તેને પહોંચાડવામાં કિંમત વધી જાય છે, કારણ કે તેમાં બધો ખર્ચ ઉમેરવો પડે છે. ટનબંધ ડુંગળીનો બગાડ થાય છે.

એએમસીના સચિવ જયલક્ષ્મીએ કહ્યું હતું, "વરસાદ ફરી ઓછો થાય અને હવામાન થોડું સૂકું બને તો સૂકા માલની કિંમતમાં વધારો થવાની શક્યતા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન