વાવાઝોડું શક્તિ : અરબી સમુદ્રમાં આગળ જઈ ગુજરાત તરફ વળાંક લેશે વાવાઝોડું, કયા જિલ્લા પર ખતરો?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું અરબી સમુદ્ર વાવાઝોડું શક્તિ સાઈક્લોન

ઇમેજ સ્રોત, IMD

વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાત પરથી હજુ ચોમાસાએ સંપૂર્ણ વિદાય નથી લીધી ત્યાં એક વાવાઝોડું રચાયું છે જે ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે અરબી સમુદ્રમાં એક વાવાઝોડાનું સર્જન થયું છે અને તે વળાંક લે તો ગુજરાત તરફ આગળ વધી શકે છે, જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો ખતરો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું સક્રિય રહ્યું છે. જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે.

સાઉથ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ થયો છે. ગુરુવારે ગુજરાતમાં રાતના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તાપમાન સામાન્ય કરતા થોડું વધારે નોંધાયું હતું. રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનમાં વધારો થયો છે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું અરબી સમુદ્ર વાવાઝોડું શક્તિ સાઈક્લોન

ઇમેજ સ્રોત, IMD

ઇમેજ કૅપ્શન, અરબી સમુદ્રમાં વાવાઝોડા શક્તિનું લોકેશન દર્શાવતો નકશો

હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબી સમુદ્ર પર આ સિઝનનું પ્રથમ સાઇક્લોનિક વાવાઝોડું તીવ્ર બન્યું છે અને તેને 'શક્તિ' નામ આપવામાં આવ્યું છે.

હાલમાં આ વાવાઝોડું ગુજરાતના દ્વારકાથી લગભગ 360 કિમી પશ્ચિમ દક્ષિણમાં આવેલું છે. શનિવાર સુધીમાં તે તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે. હવે તે ક્યારે લૅન્ડફૉલ કરે છે તેના પર બધો આધાર રહેશે.

શુક્રવારે શક્તિ વાવાઝોડું નલિયાથી 360 કિમી દક્ષિણ પશ્ચિમમાં અને પોરબંદરના દરિયાથી 420 કિમી પશ્ચિમમાં આવેલું હતું જ્યારે કરાચીથી તેનું અંતર 360 કિમી હતું.

આ સિસ્ટમ આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે છે. પાંચમી ઑક્ટોબરે મધ્ય અરબી સમુદ્રમાં તેની અસર જોવા મળશે તેમ માનવામાં આવે છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં પરિસ્થિતિ બહુ જ રફ રહેવાની શક્યતા છે. પાંચમી ઑક્ટોબરે ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર અને પાકિસ્તાનનો દરિયો બહુ તોફાની રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ચોથી ઑક્ટોબરે વાવાઝોડાની અંદર પવનની ઝડપ વધુમાં વધુ 100થી 125 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને પાંચમી ઑક્ટોબરે તેની ઝડપ આટલી જ રહેશે. ત્યાર પછી તેની ઝડપ 90થી 100 કિમી સુધી પહોંચે તેવી શક્યતા છે. સાતમી ઑક્ટોબરે ઝડપ ઘટીને 80 કિમી પ્રતિ કલાક થઈ જશે.

આ દરમિયાન માછીમારોને સાતમી ઑક્ટોબર સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે. ખાસ તરીને ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં દરિયામાં ન જવાની સલાહ છે.

ચોવીસ કલાકમાં ક્યાં ભારે વરસાદ પડ્યો?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું અરબી સમુદ્ર વાવાઝોડું શક્તિ સાઈક્લોન

ઇમેજ સ્રોત, IMD

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં લગભગ 124 જગ્યાએ ભારેથી હળવો વરસાદ નોંધાયો છે. તેમાં જૂનાગઢના વંથલીમાં સૌથી વધુ 3.43 ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે સુરેન્દ્રનગરના ચોટિલામાં 3.11 ઇંચ, જૂનાગઢના મેંદરડામાં 2.24 ઇંચ, જૂનાગઢમાં 2.13 ઇંચ, મોરબીમાં 1.89 ઇંચ, કેશોદમાં 1.77 ઇંચ, દ્વારકામાં 1.73 ઇંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત ગોંડલ, કુકાવાવ, અંજાર, માળિયા હાટીના, જામજોધપુર, વીસાવદર, મહુવા, સાયલા, માણાવદર, ગાંધીધામ, રાપર, ચુડા, ભચાઉ, ભુજ, જોડિયામાં પણ દોઢ ઇંચથી એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

હવે કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, 'વાવાઝોડું શક્તિ' અરબી સમુદ્રમાં મજબૂત બન્યું, ગુજરાત પર થશે અસર?

ગુજરાતમાં આગામી ત્રણ-ચાર દિવસ સુધી કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

તેમાં ચોથી ઑક્ટોબર, શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

પાંચમી ઑક્ટોબર, રવિવારે પણ આ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ચોથી ઑક્ટોબરે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે જ્યારે લઘુતમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન