મેડિકલના અભ્યાસ માટે વિદેશ કેમ જવું પડે છે અને પશ્ચિમમાં શિક્ષણ કેટલું મોંઘું છે?

મેડીકલ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty

    • લેેખક, સારદા વી
    • પદ, બીબીસી તમિલ

દર વર્ષે, ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા માટે વિદેશ જાય છે.

ભારતમાં તબીબી અભ્યાસમાં રસ અને ડૉક્ટરના વ્યવસાય સાથે જોડાયેલા સામાજિક મૂલ્યને કારણે દર વર્ષે તબીબી અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. ભારતમાં, 2024માં 13,15,853 ઉમેદવારોએ તબીબી અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષા નીટ પાસ કરી હતી.

ભારતમાં સરકારી અને ખાનગી કૉલેજોમાં ફક્ત એક લાખથી થોડી વધુ બેઠકો હોવાથી બધાને મેડિકલ કૉલેજોમાં સ્થાન મળતું નથી.

તે ઉપરાંત, ખાનગી મેડિકલ કૉલેજો દ્વારા લેવામાં આવતી ઊંચી ફી પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશ જવાનું એક કારણ છે.

રશિયામાં મેડિસિનનો અભ્યાસ કરનારા અને હાલમાં તામિલનાડુમાં કાર્યરત્ ડૉ. અરુલ વર્મન કહે છે, "મેં 2014માં મારું 12મું ધોરણ પાસ કર્યું. તે સમયે NEETની પરીક્ષા નહોતી. મારા સ્કૂલના માર્ક્સમાંથી મળેલા કટ-ઑફ સ્કોરથી હું સરકારી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવી શક્યો નહીં.''

''જ્યારે મેં ખાનગી મેડિકલ કૉલેજો વિશે પૂછપરછ કરી, ત્યારે તેઓએ ફક્ત 'ડોનેશન' ફી તરીકે 30થી 35 લાખ માગ્યા અને પછી જ્યારે મેં કોર્સ પૂર્ણ કરવાના કુલ ખર્ચની ગણતરી કરી, ત્યારે ખબર પડી કે તેનો ખર્ચ લગભગ 80 લાખ થશે. તેથી મેં એન્જિનિયરિંગમાં જોડાવાનું વિચાર્યું.''

અરુલ આગળ કહે છે, ''મારા પિતા ખેડૂત હતા અને મારી માતા મજૂરી કરતી હતી. મારા પિતાએ વિદેશમાં મેડિકલ અભ્યાસ વિશે અખબારમાં જાહેરાત જોઈ અને ઇચ્છતા હતા કે હું મેડિસિનનો અભ્યાસ કરું. એજન્ટે જાહેરાત આપી હતી કે હું દર વર્ષે લગભગ 1.5 લાખમાં અભ્યાસ કરી શકું છું. જોકે, રહેવા અને ખાવાનો ખર્ચ સહિત કુલ ખર્ચ 10થી 15 લાખ રૂપિયા હતો."

'25 લાખ રૂપિયાનો અંદાજ હતો પણ...'

મેડીકલ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ફિલિપાઇન્સમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરનાર અને હાલમાં તામિલનાડુમાં કાર્યરત્ ડૉક્ટર લાખંડીએ કહ્યું, "મારા 12મા ધોરણના માર્ક્સ સાથે મને ડેન્ટલનો અભ્યાસ કરવા માટે જગ્યા મળી. એક ખાનગી કલેજમાં તેઓએ 50 લાખ રૂપિયા માગ્યા અને બીજી કૉલેજમાં તેમણે ફક્ત 25 લાખ રૂપિયાની 'ડૉનેટ' ફી માગી. મારી માતા ફાર્માસિસ્ટ છે અને મારા પિતા એક ઉદ્યોગપતિ છે."

"એક એજન્સીની જાહેરાત જોયા પછી અમે તેમનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે ફિલિપાઇન્સમાં ભારત જેવું જ વાતાવરણ છે, તેથી ત્યાંના રોગો લગભગ અહીંના જેવા જ છે. મને ફિલિપાઇન્સની દાવોઓ મેડિકલ સ્કૂલમાં પ્રવેશ મળ્યો. તેમણે કહ્યું કે તેનો ખર્ચ 25 લાખ રૂપિયા થશે, પરંતુ અંતે તેનો ખર્ચ 35 લાખ રૂપિયા થયો."

ડૉક્ટર લાખંડી

ઇમેજ સ્રોત, Dr Lagandhi

ઇમેજ કૅપ્શન, ડૉક્ટર લાખંડી

તબીબી શિક્ષણ માટેની ફી નિયમન માટે અનેક પગલાં લેવામાં આવ્યાં છે. સરકારી મેડિકલ કૉલેજોમાં લેવામાં આવતી ફી સંબંધિત રાજ્ય સરકારો નક્કી કરે છે.

સરકારી સહાય ન મેળવતી ખાનગી કૉલેજોમાં સંબંધિત રાજ્ય સરકારો દ્વારા રચાયેલી નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશની આગેવાની હેઠળની સમિતિ ફી નક્કી કરે છે.

રાષ્ટ્રીય તબીબી આયોગે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીઓમાં ખાનગી કૉલેજોમાં 50% મૅનેજમૅન્ટ શ્રેણીની બેઠકો માટે ફી માર્ગદર્શિકા જારી કરી છે.

જોકે, તબીબી અભ્યાસ માટેની ફી આસમાને પહોંચી રહી છે. આ એક મુખ્ય કારણ છે કે જે વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા માગે છે તેઓ વિદેશ જાય છે.

આર્થિક સર્વેક્ષણ 2024-25 અનુસાર, "ખાનગી મેડિકલ કૉલેજો, જે 48% બેઠકો ધરાવે છે, તે 60 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા કે તેથી વધુ ફી લે છે... પરિણામે, દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ચીન, રશિયા, યુક્રેન, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ વગેરે જેવા ઓછા ફીવાળા લગભગ 50 દેશોમાં અભ્યાસ કરવા જાય છે."

વિદેશમાં મેડિકલ અભ્યાસનો ખર્ચ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2021માં નૅશનલ મેડિકલ કમિશને એવી શરત મૂકી હતી કે વિદેશમાં તબીબી અભ્યાસનો સમયગાળો ઓછામાં ઓછો 54 મહિનાનો હોવો જોઈએ.

સંબંધિત દેશની ભાષા શીખવા માટે છ મહિનાનો અભ્યાસ કોર્સનો ભાગ હશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભાષા શીખવાનો સમયગાળો આ 54 મહિનામાં સામેલ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત, એક વર્ષનો વ્યવહારુ તાલીમ પૂર્ણ કરવી જોઈએ.

સામાન્ય રીતે, વિદ્યાર્થીઓ પૂર્વ યુરોપિયન દેશોમાં રસ ધરાવતા હોય છે. તમે જ્યૉર્જિયા, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન વગેરે દેશોમાં ભારતમાં અભ્યાસ કરતાં ઓછા ખર્ચે મેડિકલનો અભ્યાસ કરી શકો છો.

જ્યારે ભારતમાં કેટલીક ખાનગી મેડિકલ કૉલેજોનો ખર્ચ લગભગ એક કરોડ છે, ત્યારે વિદ્યાર્થીઓને વિદેશ મોકલવામાં મદદ કરતી એજન્સીઓ કહે છે કે તમે આ દેશોમાં 50% કરતાં ઓછા ખર્ચે તમારો અભ્યાસ પૂર્ણ કરી શકો છો.

વિદેશમાં તબીબી શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓને મોકલતી સંસ્થા, IMDBના ડિરેક્ટર, સસિથરન નામ્બિયાર કહે છે, "પૂર્વ યુરોપિયન દેશોમાં તમે તમારું સંપૂર્ણ તબીબી શિક્ષણ 40 લાખ રૂપિયાથી ઓછી કિંમતે પૂર્ણ કરી શકો છો. આ દેશોમાં જો તમે ધોરણ 12માં 50 ટકાથી 60 ટકા ગુણ મેળવો છો, તો તમે મેડિકલનો અભ્યાસ કરવા માટે લાયક બની શકો છો."

કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, જે લોકપ્રિય થઈ રહ્યા છે

શશિધરન કહે છે, "કોરોના પહેલાં ઘણા વિદ્યાર્થીઓ ચીન જતા હતા. તેઓ ત્યાં 25 લાખથી 30 લાખ રૂપિયામાં મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરી શકતા હતા, પરંતુ કોરોના મહામારી અને ભારત-ચીન સરહદ વિવાદોને કારણે તાજેતરમાં ત્યાં જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેવી જ રીતે યુદ્ધને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુક્રેન જઈ શકે તેવા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.''

''તાજેતરનાં વર્ષોમાં વિદ્યાર્થીઓ માટે પસંદગીના દેશો કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાન, પૂર્વ યુરોપિયન દેશો છે. ત્યાં ફી ખૂબ ઓછી છે. તેઓ પોતાનો સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કરી શકે છે અને 25 લાખ રૂપિયાથી ઓછા ખર્ચે ઘરે પરત ફરી શકે છે.''

''તેવી જ રીતે, કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને કેટલાક ઉત્તરીય રાજ્યોના વિદ્યાર્થીઓ બાંગ્લાદેશ અને નેપાળમાં મેડિકલનો અભ્યાસ કરવા જાય છે. દક્ષિણ રાજ્યોમાંથી થોડા લોકો ત્યાં જાય છે.''

શશિધરન કહે છે કે, ''હાલમાં રાજકીય પરિસ્થિતિને કારણે તે સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. એશિયાના આ દેશો ઉપરાંત, વિદ્યાર્થીઓ છેલ્લાં બેથી ત્રણ વર્ષમાં વિયેતનામ જવા લાગ્યા છે. અહીં પણ તેઓ 25 લાખ રૂપિયાથી ઓછા ખર્ચે મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે,"

વિદેશમાં મેડિકલના અભ્યાસ અંગે વિદ્યાર્થી સલાહકાર થાઇપ્રભુ કહે છે, "રશિયા-યુક્રેન યુદ્ધ પછી, ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવા માટે તાજેતરમાં વિયેતનામમાં તબીબી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. તે ભારતીય અભ્યાસક્રમ જેવું જ છે.''

''તેવી જ રીતે બાંગ્લાદેશમાં અભ્યાસ કરવો એ લગભગ કોલકાતામાં અભ્યાસ કરવા જેવું છે, પરંતુ રાજકીય પરિસ્થિતિને કારણે તાજેતરમાં ઘણા વિદ્યાર્થીઓ ત્યાં જવા માગતા નથી. તેઓ મલેશિયા અને સિંગાપુરમાં પણ મેડ અભ્યાસ કરે છે, પરંતુ અન્ય દેશોની તુલનામાં ફી વધારે છે."

શશિધરન ઉલ્લેખ કરે છે કે, ''ઉઝબેકિસ્તાનમાં એપોલો ગ્રૂપ ભારતીયોનો ઉપયોગ કરીને ભારતીય વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ પૂરું પાડી રહ્યું છે અને તેઓ ત્યાં લગભગ 40 લાખ રૂપિયામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે અને પરત ફરી શકે છે.''

પાર્ક ઇન્ટરનૅશનલ ઍજ્યુકેશન નામની એક એજન્સીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોકકુમાર કહે છે, "રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી યુક્રેનમાં અભ્યાસ કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓને ઉઝબેકિસ્તાન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારથી ઉઝબેકિસ્તાન જતા લોકોની સંખ્યા વધવા લાગી છે."

થાઇપ્રભુ કહે છે, "ફિલિપાઇન્સ ભારતીય વિદ્યાર્થીઓ માટે મેડિકલનો અભ્યાસ કરવા માટે એક લોકપ્રિય સ્થળ છે, કારણ કે તે અંગ્રેજી બોલતો દેશ છે. ત્યાંનું વાતાવરણ ભારત જેવું જ છે. પરિણામે, ભારતમાં અને ફિલિપાઇન્સમાં રોગો લગભગ સમાન છે. તેથી તે વિદ્યાર્થીઓ સરળતાથી શીખી શકે છે. સ્થાનિક સ્તરે અંગ્રેજી બોલાતી હોવાથી, તેઓ દર્દીઓ સાથે સીધી વાત પણ કરી શકે છે."

અશોકકુમાર કહે છે, "ફિલિપાઇન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ દર વર્ષે તેમના વિઝા રિન્યૂ કરાવવા માટે ભારત આવવાની જરૂર નથી, તેઓ તેમના અભ્યાસ દરમિયાન ત્યાં તેમને રિન્યૂ કરાવી શકે છે.

''ઉપરાંત, ફક્ત તે દેશમાં જ વિદ્યાર્થીઓ મૃત વ્યક્તિઓના સાચવેલા મૃતદેહોનો ઉપયોગ કરીને શીખી શકે છે. અન્ય દેશોમાં, માનવ શરીરના મૉડલનો ઉપયોગ કરવામાં આવે છે. ફિલિપાઇન્સને પસંદ કરવાનું આ પણ એક કારણ છે."

ફૉરેન મેડિકલ ગ્રૅજ્યુએટ એકઝામ

કોચિંગ, બીબીસી, ગુજરાતી

જો ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરે છે અને ભારતમાં ડૉક્ટર બનવા માગે છે, તો તેમણે દેશમાં પાછા ફર્યા પછી ફૉરેન મેડિકલ ગ્રૅજ્યુએટ ઍક્ઝામ (FMGE) આપવી પડશે.

FMGE પરીક્ષા આપનારાઓની વિગતોના આધારે 2024માં કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરનારા 15,000થી વધુ લોકોએ પરીક્ષા આપી હતી.

ત્યાર બાદ ચીનમાં અભ્યાસ કરનારા 14,000થી વધુ લોકો રશિયામાં અભ્યાસ કરનારા લગભગ 12,000 લોકો અને ફિલિપાઇન્સમાં અભ્યાસ કરનારા 9,000 લોકો હતા.

2019માં પરીક્ષા આપનારાઓમાં મોટા ભાગના લોકો એવા હતા જેઓ ચીનથી પાછા ફર્યા હતા.

ચીનમાં અભ્યાસ કરનારા 10,000થી વધુ લોકોએ પરીક્ષા આપી હતી. તે સમયે, કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરનારા 3,000થી વધુ લોકોએ પરીક્ષા આપી હતી. ફિલિપાઇન્સમાં અભ્યાસ કરનારા ફક્ત 1,460 લોકોએ પરીક્ષા આપી હતી.

આ ડેટા દર્શાવે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં વિદ્યાર્થીઓ પૂર્વ યુરોપિયન દેશોમાં વધુને વધુ જઈ રહ્યા છે.

પશ્ચિમી દેશો તરફ કેમ ઓછો ઝુકાવ?

મેડીકલ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

શશિધરન નામ્બિયાર કહે છે કે, ''અમેરિકા અને બ્રિટન સહિતના દેશોમાં મેડિકલ ડિગ્રી પૂર્ણ કરવા માટે 2.5 કરોડ રૂપિયાથી 5 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. વધુમાં તમારે ધોરણ 12માં 90% ગુણ મેળવ્યા હોવા જોઈએ. તેથી, ત્યાં મેડિકલનો અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી છે. જે લોકો ત્યાં અભ્યાસ કરે છે તેઓ મોટે ભાગે તે દેશમાં ડૉક્ટર તરીકે અભ્યાસ કરે છે અને ભારત પાછા ફરવા માગતા નથી."

પરંતુ આ દેશોમાં અભ્યાસ કરવાનો બીજો રસ્તો પણ છે, તેઓ કહે છે, "મલેશિયામાં ખાનગી શૈક્ષણિક સંસ્થામાં જોડાઈને તમે ત્યાંથી પશ્ચિમમાં મેડિકલનો અભ્યાસ કરી શકો છો. તમે તમારા અભ્યાસનો પહેલો ભાગ મલેશિયામાં અને પછીનાં વર્ષો અન્ય દેશોમાં અભ્યાસ કરી શકો છો. મલેશિયામાં અભ્યાસ કરવા માટે, તમારે ધોરણ 12માં 86% ગુણ મેળવવાની જરૂર છે."

જર્મનીમાં સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં તબીબી અભ્યાસ મફત હોવા છતાં ઘણા વિદ્યાર્થીઓ ત્યાં જતા નથી, કારણ કે તેમને ભાષા શીખવી જરૂરી છે.

સ્ટુડન્ટ કન્સલ્ટન્ટ થાઇપ્રબુ કહે છે, "તમારે B2 અથવા C3 સ્તર પર જર્મનમાં નિપુણ હોવું જોઈએ. મેડિકલ અભ્યાસક્રમો જર્મનમાં શીખવવામાં આવે છે."

અશોકકુમાર કહે છે, "વિદેશમાં મેડિસિનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ દેશમાં પાછા ફર્યા પછી FMGE પરીક્ષા આપવી પડે છે. તે પરીક્ષા ખૂબ જ મુશ્કેલ હતી.''

''પરંતુ હવે જ્યારે સરકાર બધા માટે એક કૉમન પરીક્ષા યોજવાનું વિચારી રહી છે, ત્યારે ભારતમાં અભ્યાસ કરતા અને વિદેશમાં અભ્યાસ કરતા બંને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભારતમાં ઘણા પૈસા ખર્ચવાને બદલે વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી શકે છે."

બીબીસી માટે એક કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન