ઓછી ઊંચાઈને કારણે મેડિકલમાં ઍડમિશન ન મળતા સુપ્રીમ કોર્ટ સુધી લડીને વિશ્વના સૌથી ઠીંગણા ડૉક્ટર બનવાની કહાણી

ઇમેજ સ્રોત, ALPESH DABHI/BBC
- લેેખક, અલ્પેશ ડાભી
- પદ, બીબીસી ગુજરાતી માટે, ભાવનગરથી
ભાવનગરના તળાજા તાલુકાના ગોરખી ગામમાં જન્મેલા ડૉ.ગણેશ બારૈયા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. 23 વર્ષીય ગણેશ બારૈયાએ વિશ્વના સૌથી ઓછી ઉંચાઈ ધરાવતા ડૉક્ટર તરીકેનું ગૌરવ હાંસલ કર્યું છે.
તેઓ ભાવનગરની સરકારી મેડિકલ કૉલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ હવે ઈન્ટર્નશિપ કરી રહ્યાં છે.
માત્ર ત્રણ ફૂટ ઊંચા અને 18 કિલો વજન ધરાવતા ડૉ.ગણેશની ઇન્ટર્નશિપ હજુ થોડા દિવસ પહેલાં જ શરૂ થઈ છે.
ડૉ.ગણેશની ઇન્ટર્નશિપ આગામી એક વર્ષમાં એટલે કે માર્ચ 2025માં પૂર્ણ થશે.
ડૉ. ગણેશ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે નીટની પરીક્ષા આપીને મેડિસિન, બાળરોગ, ત્વચારોગ વિજ્ઞાની અથવા મનોચિકિત્સાના ક્ષેત્રમાં અભ્યાસ કરવાનું લક્ષ્ય રાખીને આગળ વધી રહ્યા છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ઈન્ટર્નશિપ બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે નીટની પરીક્ષા 2025માં આપવા માંગે છે અને પછી મેડિસિન, પેડિયાટ્રિક્સ, ડર્મેટોલોજી કે સાયકિયાટ્રીના ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવા ઈચ્છે છે.
ડૉક્ટર બનવા સુધીની સફર

ઇમેજ સ્રોત, ALPESH DABHI/BBC
ડૉ.ગણેશ બારૈયાની અહીં સુધીની સફર ખૂબ જ રસપ્રદ છે.
ડૉક્ટર બનવાની આ સફરમાં ગણેશને શાળાના ડાયરેક્ટર, મેડિકલ કૉલેજના ડીન, પ્રોફેસર સહિતના મિત્રોનો ઘણો સહયોગ મળ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગણેશ વર્ષ 2018માં ધો.12 સાયન્સ સાથે નીટની પરીક્ષામાં પણ સફળ થયા હતા.
જોકે, ત્રણ ફૂટની ઉંચાઈના કારણે એમસીઆઈએ તેમને એમબીબીએસમાં એડમિશન આપવાનો ઇનકાર કર્યો હતો. તેમની ઊંચાઈના કારણે તેમને ઇમર્જન્સી કેસ હૅન્ડલ કરવા માટે અસમર્થ ગણવામાં આવ્યા હતા.
ત્યારબાદ તેઓ જ્યાં ભણ્યા ત્યાંની શાળાના સંચાલકોએ તેને એમસીઆઈના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાનું કહ્યું અને તેની મદદ પણ કરી.
ડૉ.ગણેશ બરૈયાએ કહ્યું, “એમસીઆઈએ મને એમબીબીએસમાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો ત્યારે તળાજાની નીલકંઠ વિદ્યાલયના શાળા સંચાલકોએ જ હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં જવા માટે મને ટેકો આપ્યો હતો. અમે હાઈકોર્ટમાં કેસ હારી ગયા પછી હું ખૂબ જ નિરાશ થયો હતો.”
“જોકે, મેં હિમ્મત ન હારી અને વિશ્વાસ સાથે સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું. 23 ઑક્ટોબર, 2018ના રોજ સુપ્રીમ કોર્ટે રાહત આપતા કહ્યું હતું કે ઊંચાઈ ઓછી હોવા છતાં હું તબીબી ક્ષેત્રમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવી શકીશ.”
સુપ્રીમના આદેશથી ભાવનગર સ્થિત મેડિકલ કૉલેજમાં ઍડમિશન લીધું. 1 ઑગસ્ટ, 2019થી પ્રવેશ પછી તેમણે એમબીબીએસનો અભ્યાસ શરૂ કર્યો. તે સમયે ત્રણ ફૂટ ઊંચા ગણેશનું વજન માત્ર 16 કિલો હતું.
હવે, તેમણે એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ભાવનગરની સર તખ્તસિંહજી હૉસ્પિટલ ખાતે ઇન્ટર્નશિપ કરી રહ્યા છે.
ઓછી ઉંચાઈને કારણે થતી સમસ્યાઓ

ઇમેજ સ્રોત, ALPESH DABHI/BBC
ઓછી ઉંચાઈને કારણે તેમને જે સમસ્યા હતી તેમાં પહેલા શાળામાંથી, પછી કૉલેજમાંથી અને મિત્રો તરફથી મદદ મળી.
ડૉ. ગણેશ કહે છે, “ટૂંકી ઉંચાઈને કારણે રોજિંદા કામમાં થોડી મુશ્કેલીઓ આવે છે. શાળા સમય દરમિયાન ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેમાં મોટાભાગે શાળાના સંચાલકોએ સંપૂર્ણ સહકાર આપ્યો હતો. સંચાલકો દ્વારા અલગથી સગવડો પૂરી પાડવામાં આવી હતી.”
જ્યારે કૉલેજમાં પ્રેક્ટિકલ પરીક્ષામાં સમસ્યાઓ આવી ત્યારે તેમાં પણ મને કૉલેજના ડીનનો સહયોગ મળ્યો. જ્યારે કૉલેજના પ્રોફેસરો દ્વારા પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે ત્યારે વિશેષ સહયોગ મળે છે.
તેમણે ઉમેર્યું કે જ્યારે જરૂર પડે છે ત્યારે મને મારા કૉલેજના મિત્રોનો પણ સહયોગ મળે છે. મિત્રો મને હંમેશાં પરીક્ષામાં આગળ બેસવાનું કહે છે. કોઈ જગ્યા પર જરૂર પડે ત્યારે નાનું ટેબલ વાપરું છું.
દર્દીઓ પામે છે આશ્ચર્ય

ઇમેજ સ્રોત, ALPESH DABHI/BBC
ગણેશ બારૈયાનું માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના સૌથી નાની ઉંચાઈ ધરાવતા ડૉક્ટર હોવાના કારણે સમયાંતરે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં તાઇવાનના રાષ્ટ્રપતિ દ્વારા ડૉ. ગણેશ બારૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સહિત સામાજિક કે અન્ય કાર્યક્રમોમાં ડૉકટર ગણેશનું સન્માન કરવામાં આવ્યું હતું.
ડૉ. ગણેશ કહે છે કે તેમણે પહેલાથી જ ડૉક્ટર બનવાનું સપનું જોયું હતું.
તેમણે કહ્યું, “શાળામાં મને કહેવામાં આવ્યું કે તું સખત મહેનત કરીશ અને જો તું આટલી નાની ઉંચાઈ સાથે ડૉક્ટર બનીશ તો વર્લ્ડ રેકૉર્ડ બની જશે. આથી મને પ્રેરણા મળી હતી અને મેં વધુ મહેનત કરી હતી. સખત મહેનત બાદ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે.”
ડૉ. ગણેશ હંમેશાં ચહેરા પર સ્મિત સાથે લોકોને મળે છે. તેમના પરિવારમાં માતાપિતા, સાત મોટી બહેનો અને એક નાનો ભાઈ છે.
પિતા ખેતીકામ કરે છે. ડૉ. ગણેશની સાતેય બહેનો લગ્ન કરીને સાસરે જતી રહી છે. નાનો ભાઈ બી.ઍડ.નો અભ્યાસ કરે છે. ડૉ. ગણેશ ઉપરાંત તેમના કાકાઓના કુલ પાંચ પુત્રો પણ ડૉક્ટર છે.
શરૂઆતમાં મિત્રોને પણ ગણેશની સફળતા અંગે શંકા હતી. જોકે, ડૉ. ગણેશે આ તમામ મુશ્કેલીઓમાંથી સફળતાના શિખરો સર કર્યાં છે.
ગણેશને જ્યારે દર્દીઓ પ્રથમવાર જોવે છે ત્યારે ઉંચાઈ નાની હોવાથી આશ્ચર્ય પામે છે, પરંતુ પછી વાતચીત કર્યા બાદ દર્દીઓને સારવાર લેવાની સાથે સાથે આનંદ પણ થાય છે. કારણ કે ખૂબ જ મિલનસાર પ્રકૃતિ ધરાવતા ડૉકટર ગણેશ કાળજીપૂર્વક દર્દીઓની સારવાર કરે છે.
હાલ, તો તેઓ શારીરિક વિકલાંગ લોકોને પ્રેરણા અને ઉદાહરણ પૂરું પાડી જણાવે છે, “તમારામાં રહેલી શક્તિ અને પ્રતિભાને કોઈપણ પ્રકારની ખોડખાંપણ નડતી નથી. બસ મનમાં વિશ્વાસ અને પોતાના પર ભરોસો રાખી આગળ વધશો તો હંમેશાં સફળતા મળશે.”












