You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અજીનોમોટો : ચાઇનીઝ ફૂડને ચટાકેદાર બનાવનાર 'ચાઇનીઝ મીઠું' સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક?
- લેેખક, બિયાંકા નોગ્રાડિ
- પદ, બીબીસી સંવાદદાતા
- સમગ્ર વિશ્વમાં વ્યાપક રીતે ચાઇનીઝ ફૂડમાં અજીનોમોટો વપરાતું હોય છે.
- અજીનોમોટોમાં રહેલા એમએસજી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય તેવું સામે આવતા પહેલાં પણ વિવાદ થયો છે.
- અજીનોમોટોનો અર્થ થાય છે 'સ્વાદનો આત્મા.'
- ભારતમાં પણ એમએસજીને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
- અમેરિકન ખાદ્ય અને ઔષધિ પ્રશાસનનું કહેવું છે કે તે 'સામાન્ય રીતે સુરક્ષિત' શ્રેણીમાં આવે છે.
- તો ખરેખર અજીનોમોટો આરોગ્ય માટે નુકસાનકારક છે? વાંચો આ અહેવાલમાં.
મોનોસોડિયમ ગ્લૂટામેટ અથવા તો એમએસજી, જે આપણા દેશમાં અજીનોમોટો તરીકે પ્રચલિત છે, વર્ષોથી આહાર વિશેષજ્ઞો તેને ઘાતકી ગણાવતા આવ્યા છે. પરંતુ શું ચાઇનીઝ ફૂડમાં સ્વાદ વધારવા માટે વપરાતું આ ઘટક જેટલું કહેવામાં આવે છે, તેટલું હાનિકારક છે કે કેમ?
થોડાંક વર્ષો પહેલાં તેને 'ચાઇનીઝ રૅસ્ટોરાં સિન્ડ્રોમ' કહેવામાં આવતું હતું. કારણ કે તેનાં ઘણાં લક્ષણો અચાનક જ સામે આવી જતાં હતાં. ચાઇનીઝ ફૂડ ખાધા બાદ ઘણા લોકોને માથામાં દુખાવો, બેચેની લાગવા સહિતની ઘણી સમસ્યાઓ ઊભી થતી હતી.
આ સમસ્યાઓ વાસી કે બગડેલું નહીં પરંતુ તાજું ચાઇનીઝ ફૂડ લીધા બાદ થતી હતી. સમય જતાં ચાઇનીઝ ફૂડમાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા મોનોસોડિયમ ગ્લૂટામેટ એટલે કે એમએસજીને તેના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું.
વર્ષ 1968માં પહેલી વખત એમએસજીની આડઅસરો વિશે માહિતી સાર્વજનિક થઈ હતી. ડૉ. રૉબર્ટ હો મૅન વોકે ઇંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં લખ્યું કે એમએસજીની ઘણી આડઅસરો હોઈ શકે છે. તેમણે એક ચાઇનીઝ રૅસ્ટોરાંમાં ભોજન કર્યા બાદ પોતાના અનુભવ વર્ણવ્યો હતો.
તેમણે લખ્યું હતું કે તેમને ગરદનમાં ઝણઝણાટી, સુન્નતા અનુભવાતી હતી. જે ધીમેધીમે તેમની પીઠ અને કમર સુધી ફેલાઈ હતી. આ સિવાય હ્રદયના ધબકારા વધી જતા હતા અને અચાનક શારીરિક નબળાઈ આવી ગઈ હતી.
વોકે લખ્યું કે કદાચ આ સોયા સોસના કારણે થયું હશે, પરંતુ તેમણે એ વિચારને ફગાવી દીધો અને કહ્યું કે જ્યારે તે ઘરે ચાઇનીઝ ફૂડ રાંધે છે, ત્યારે તેમને આ સમસ્યા થતી નથી. બાદમાં તેમણે વિચાર્યું કે હૉટેલીયર્સ તેમના ભોજનમાં વધુ ચાઇનીઝ કૂકિંગ વાઇનનો ઉપયોગ કરતા હશે.
અંતે તેમણે એમએસજીનું નામ લીધું અને કહ્યું કે આવું આ મસાલાને કારણે થયું હોઈ શકે છે. જેનો હંમેશાથી ચાઇનીઝ ફૂડમાં ઉપયોગ થતો આવે છે.
આ પછી એમએસજી વિશે ચર્ચાઓ શરૂ થઈ. તેમાંથી મોટા ભાગના પૈસા એમએસજી કેટલું ખરાબ છે, હાનિકારક છે, તેનો પ્રયાર કરવા પાછળ ખર્ચવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વોકના પત્ર બાદ એમએસજીને લઈને ઘણા વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવ્યા હતા. એમએસજી સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે, તે દર્શાવતા પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. બાદમાં ઘણા ચાઇનીઝ રસ્ટોરાંએ જાહેરાત કરી કે અમે અમારા ખોરાકમાં એમએસજીનો ઉપયોગ કરતા નથી.
કેવી રીતે બને છે અજીનોમોટો?
મોનોસોડિયમ ગ્લુકોમેટ એ મીઠું છે જે ગ્લુટામિક એસિડમાંથી બને છે. 1908માં ટોક્યો યુનિવર્સિટીના રસાયણશાસ્ત્રના પ્રૉફેસર કિકુન ઇકેડાએ નોંધ્યું હતું કે એમએસજી એ ગ્લુટામિક એસિડમાંથી બનેલું સૌથી સ્થિર મીઠું છે અને પૂર્વ એશિયામાં લોકપ્રિય એવો 'ઉમાગી' સ્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ છે.
ઉમાગી શબ્દનો અર્થ થાય છે સ્વાદિષ્ટ પરંતુ આ સ્વાદ સામાન્ય રીતે માંસ રાંધ્યા પછી અપેક્ષિત છે. પ્રો. ઇકેડાએ શોધ્યું કે આ સ્વાદ સામાન્ય મીઠા કરતાં અલગ છે.
એમએસજીમાં જાદુઈ ઘટક ગ્લુકામેટ છે. ગ્લુકામેટ એ એક સામાન્ય ઍમિનો એસિડ છે. જે ઘણા કુદરતી ખાદ્યપદાર્થોમાં જોવા મળે છે, જેવા કે ટમેટાં, પાર્મેસન ચીઝ, સૂકાયેલાં મશરૂમ, સોયા સૉસ સહિત કેટલીક શાકભાજી, ફળો અને માતાનું દૂધ.
ઇકેડાએ તેમનાં ઘરના રસોડામાં દરિયાઈ શેવાળમાંથી આ એસિડ અલગ કર્યું હતું. કોમ્બુ નામની આ દરિયાઈ શેવાળ જાપાનીઝ રસોઈમાં ઘણી વપરાય છે.
હવે જ્યારે આ એમિનો એસિડમાં સોડિયમ ઉમેરવામાં આવે ત્યારે ગ્લુટામેટ પાવડર બને છે. આ મિશ્રણમાંથી જ મોનોસોડિયમ ગ્લુટામેટ એટલે કે એમએસજી મળે છે.
એમએસજી બનાવવાનો અકેડાનો પ્રયાસ સફળ રહ્યો હતો. તેમાંથી તેમણે અજીનોમોટા નામનું ઉત્પાદન બનાવ્યું. અજીનોમોટોનો અર્થ થાય છે 'સ્વાદનો આત્મા.'
હાલમાં અજીનોમોટો વિશ્વભરમાં વ્યાપક પ્રમાણમાં વપરાય છે.
પ્રાણીઓ પર થયેલા પ્રયોગોમાં શું સામે આવ્યું ?
હવે ચલો, વોકના પત્ર પર પાછા આવીએ. તેમના પત્ર બાદ પ્રાણીઓ અને કેટલાક માણસો પર ઘણા પ્રયોગો કરવામાં આવ્યા. આ પ્રયોગમાં ભોજન અને ઇંજેક્શન વડે જુદાજુદા પ્રમાણમાં એમએસજી આપવામાં આવ્યું હતું.
જ્યારે આ પ્રયોગનાં તારણો બહાર આવ્યાં ત્યારે વોકની વાત સાચી ઠરી હતી. યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનના સંશોધક ડૉ. જૉન ઓન્લીએ શોધ્યું કે વધુ પ્રમાણમાં મોનોસોડિયમ ગ્લુટામેટના ઇન્જેક્શનના કારણે નવજાત ઉંદરના મગજના કોષોમાં મૃત કોષો પેદા થાય છે.
જેમ-જેમ ઉંદરો મોટા થયા ગયા, તેમ-તેમ સામે આવ્યું કે તેમનો વિકાસ રુંધાઈ ગયો હતો. તેમાંથી કેટલાકનું વજન વધારે હતું તો કેટલાક સંવર્ધન કરવામાં અસમર્થ હતા.
ત્યાર બાદ ઓન્લીએ ઇન્ફસ પ્રજાતિના નવજાત શિશુ વાંદરાઓ પર આ પ્રયોગ કર્યો. તેમણે આ વાંદરાઓમાં પણ સમાન લક્ષણો જોવાં મળ્યાં હતાં. પરંતુ અન્ય વૈજ્ઞાનિકોએ પણ આવા જ પ્રયોગો કર્યા. વાંદરાઓ પર થયેલા અન્ય 19 પ્રયોગોમાં આવાં કોઈ તારણો જોવાં મળ્યાં ન હતાં.
મનુષ્યો પર થયેલા પ્રયોગો માં શું સામે આવ્યું?
મનુષ્યો પર કરાયેલા પ્રયોગોમાં પણ કશું નક્કર મળ્યું નથી. એક પ્રયોગમાં 71 સ્વસ્થ લોકો પર સંશોધન કરવામાં આવ્યું હતું. તેમાંથી કેટલાક લોકોને વધુ પ્રમાણમાં એમએસજી આપવામાં આવ્યું હતું. જ્યારે અન્ય લોકોને પ્લેસિબો અસર કરે છે કે કેમ તે ચકાસવા માટે માત્ર ખાલી કૅપ્સ્યુલ્સ આપવામાં આવી હતી.
પ્લેસિબો ઇફેક્ટ એ છે જ્યારે વ્યક્તિના શરીરમાં કોઈ પદાર્થ કે દવા ન ગઈ હોવા છતાં તેમને લાગે કે તે વસ્તુ તેમને પરેશાન કરી રહી છે.
આ પ્રકારની ચકાસણી પ્રયોગો દરમિયાન એટલા માટે કરવામાં આવે છે જેથી લોકોને ખરેખર અસર થઈ છે કે નહીં, તે જાણી શકાય. આ હકીકતમાં મગજમાં ઉદ્ભવતા ડરથી ઊભું થાય છે.
તેથી જ્યારે મનુષ્યો પર પ્રયોગો કરવામાં આવ્યા. ત્યારે એમએસજી મેળવનારાં અને ન મેળવનારાં જૂથોનાં પરિણામો એકસરખાં હતાં.
છેલ્લે વિવાદનો કાયમ માટે અંત લાવવા 1995માં યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશને ફૅડરેશન ઑફ અમેરિકન સોસાયટીઝ ફૉર ઍક્સપરિમેન્ટલ બાયોલૉજીને તમામ પુરાવાઓ, અભ્યાસો અને પ્રયોગનાં તારણોનો અભ્યાસ કરવા કહ્યું કે શું એમએસજી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં.
નિષ્ણાતોની એક પેનલ 'ચાઇનીઝ રૅસ્ટોરાં સિન્ડ્રોમ' શબ્દને અયોગ્ય ગણાવીને તેને રદ કરવાની હાકલ કરી હતી. તેમણે આ લક્ષણોને 'એમએસજી સિમ્પટમ કૉમ્પ્લેક્સ' નામ આપ્યું. તેમનું કહેવું છે કે એમએસજીનું સેવન કરવાથી તે પ્રકારના લક્ષણો થઈ શકે છે.
'સામાન્ય રીતે સુરક્ષિત' શ્રેણીમાં
ગ્લુટામેટમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં એવા પદાર્થો હોય છે જે માનવ શરીર માટે ઝેરી બની શકે છે. એક ઉંદર તેના શરીરના વજનના કિલોગ્રામદીઠ 15થી 18 ગ્રામ ગ્લુટામેટ ખાઈ શકે છે અને મરશે નહીં. પરંતુ જો પાંચ કિલો વજન ધરાવતો ઉંદર 75 ગ્રામથી વધુ ગ્લુટામેટ ખાય તો તે મરી શકે છે. આ કિસ્સામાં એ પણ નોંધવું જોઈએ કે ઉંદર એમએસજી માટે વધુ સંવેદનશીલ હોય છે.
વર્ષ 2018માં એમએસજીની કહાણીમાં વધુ એક વળાંક આવ્યો. ન્યૂ યૉર્કની કોલગેટ યુનિવર્સિટીમાં ભાષા, અર્થ અને લેખનશૈલીના પ્રૉફેસર જેનિફર લેમિસુરને એક નિવૃત્ત ડૉક્ટરનો ફોન આવ્યો. તેમણે હૉવર્ડ સ્ટીલ તરીકે પોતાની ઓળખાણ આપી અને દાવો કર્યો કે એમએસજી વિશે રૉબર્ટ હો મૅન વોક દ્વારા ન્યૂ ઇંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિનને લખવામાં આવેલો પત્ર એક મજાક હતો. તેમણે એ પત્રને એક મજાક તરીકે લખ્યો હતો.
પરંતુ સ્ટીલના આ દાવાને રૉબર્ટ હો મૅન વોકનાં સંતાનો અને તેમના પૂર્વ સહયોગીઓએ ટીવી શો 'ધિસ અમેરિકન લાઇફ'ના એક એપિસોડમાં રદિયો આપ્યો હતો. તમામે કહ્યું હતું કે પત્ર અને વ્યક્તિ બંને વાસ્તવિક હતા.
જ્યાં સુધી હાલની પરિસ્થિતિનો પ્રશ્ન છે, ડૉ. જૉન ઓન્લીએ પોતાનું જીવન એમએસજી પર પ્રતિબંધ લાગે તેના પ્રયાસમાં વીતાવ્યું હતું. પરંતુ અમેરિકન ખાદ્ય અને ઔષધિ પ્રશાસનનું કહેવું છે કે તે 'સામાન્ય રીતે સુરક્ષિત' શ્રેણીમાં આવે છે.
હવે જ્યારે અમેરિકન ખાદ્ય અને ઔષધિ પ્રશાસને આવું કહ્યું હોય તો ચાઇનીઝ ફૂડના શોખીનો રાહતનો શ્વાસ લઈ શકે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો