You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
2050માં આપણે શું ખાઈશું, ભવિષ્યનો ખોરાક કેવો હશે?
- 4 અબજથી વધુ લોકો માટે માત્ર ત્રણ પાક મુખ્ય ખોરાક છે.
- યુક્રેન યુદ્ધે સમજાવી દીધું છે કે જો કોઈ વૈશ્વિક પાક પર આધાર રાખીએ અને તે ન મળે તો શું થાય.
- દુનિયામાં 7 હજાર કરતાં પણ વધારે પાક થાય છે જે ખાવાલાયક છે, પરંતુ તેમાંથી 417 જ છે જેની મોટાપાયે ખેતી થાય છે અને ભોજનમાં વપરાય છે.
4 અબજ લોકોનો ખોરાક માત્ર ચોખા, મકાઈ અને ઘઉં પર જ આધારિત છે ત્યારે જાણો ભવિષ્યના એ ખોરાક વિશે જે જળવાયુ સંકટનો સામનો કરતાં રસોડાનો ભાગ બની શકે છે.
નજીકના ભવિષ્યમાં એવું બની શકે છે કે સવારના નાસ્તામાં આપણે નકલી કેળું ખાઈએ અથવા અગાઉ કદી ન જેને ખાવાલાયક ન ગણ્યું હોવ એવા કોઈ વૃક્ષનું ફળ ખાવા લાગીએ.
જળવાયુ સંકટના પગલે જે ખાદ્યસંકટ આવી શકે છે તેના માટે વૈજ્ઞાનિકોએ કામ કરવાનું શરૂ કરી દીધું છે.
યુક્રેન યુદ્ધે સમજાવી દીધું છે કે જો કોઈ વૈશ્વિક પાક પર આધાર રાખીએ અને તે ન મળે તો શું થાય.
બ્રિટનસ્થિત રૉયલ બોટનિક ગાર્ડનના નિષ્ણાતોના મતે આપણી 90 ટકા કૅલરી માત્ર 15 પ્રકારના પાકમાંથી આવે છે. તેઓ એ સામગ્રીઓ પર વિચાર કરી રહ્યા છે જે 2050માં ભોજન બનાવવા માટે મદદ કરી શકે છે.
ક્યુ ગાર્ડન્સના સંશોધક સેમ પ્રિનિયન જણાવે છે કે આપણે જે ખાદ્યપદાર્થો ખાઈએ છીએ તેમાં વૈવિધ્ય લાવવું એ ભૂખને દૂર કરવા, જૈવવિવિધતાના નુકસાનનો સામનો કરવા અને જળવાયુ સંકટ સામે સંતુલન સાધવાનો એક ઉપાય છે.
તેઓ કહે છે, "આપણે જાણીએ છીએ કે દુનિયામાં ખાવાલાયક પાકની હજારો પ્રજાતિઓ છે જે દુનિયાની જુદી જુદી વસતી દ્વારા ખાવામાં આવે છે, અને તેમાં જ આપણે ભવિષ્યના વૈશ્વિક પડકારોનું સમાધાન શોધી શકીએ છીએ."
દુનિયામાં 7 હજાર કરતાં પણ વધારે પાક થાય છે જે ખાવાલાયક છે, પરંતુ તેમાંથી 417 જ છે જેની મોટા પાયે ખેતી થાય છે અને ભોજનમાં વપરાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાંડાનસ
પાંડાનસ એક નાનું ઝાડ છે જે ફિલિપાઇન્સથી પૅસિફિક આઇલૅન્ડ સુધીના કાંઠાના વિસ્તારોમાં ઉગે છે. તેના પાંદડાં દક્ષિણપૂર્વી એશિયાની ઘણી બધી ખાટી-મીઠી વાનગીઓમાં ફ્લેવર ઉમેરવા માટે વાપરવામાં આવશે. અનાનસ જેવું તેનું ફળ કાચું અથવા રાંધીને પણ ખાઈ શકાય છે.
ક્યૂ ગાર્ડન્સના સંશોધક મેરીબેલ સોટો ગોમેઝ કહે છે કે આ વૃક્ષ વિપરિત પરિસ્થિતિઓ જેવી કે, દુષ્કાળ, ઝડપી પવન અને સૉલ્ટ સ્પ્રેને સહન કરી શકે છે. આ વૃક્ષના ફળ જળવાયુ સંકટનો સામનો કરી શકે છે અને તે પોષણ પણ આપે છે, સાથે જ તે ખાવામાં સ્વાદિષ્ટ પણ હોય છે.
તેઓ કહે છે, "આપણા મેન્યુમાં વિવિધતા લાવવા માટે એ ખોરાકનો ઉમેરો કરવો સારો રહેશે કે જે પારંપરિક રીતે યોગ્ય હોય, પૌષ્ટિક હોય અને સાથે જ દુનિયાભરમાં સંકટની સ્થિતિમાં પણ તેને ઉગાડી શકાય."
કઠોળ
કઠોળ પણ ભવિષ્યનો ખોરાક છે. તે સસ્તાં છે, તેમાં પ્રોટીન વધારે મળે છે અને સાથે જ તેમાં વિટામિન બી હોય છે. તે વિવિધ પ્રકારના વાતાવરણમાં મળવા શક્ય છે જેમ કે દરિયાકાંઠાના વિસ્તારમાં પણ મળી શકે છે અને પહાડોમાં પણ.
દુનિયામાં કઠોળના 20 હજાર જેટલાં પ્રકાર છે, પરંતુ તેમાંથી આપણે માત્ર થોડાંનો જ ઉપયોગ કરીએ છીએ.
બીબીસીના પર્યાવરણ સંવાદદાતા હેલેન બ્રિગ્સ કહે છે. "એવું માનવામાં આવે છે કે કઠોળનાં હજુ સેંકડો પ્રકાર છે જેની વૈજ્ઞાનિકોને પણ ખબર નથી."
મોરામા બીન એ બોત્સ્વાના, નામિબિયા અને દક્ષિણ આફ્રિકાનો મુખ્ય ખોરાક છે જેમાં તેઓ બીન્સને મકાઈ સાથે બાફે છે અથવા તેને પીસીને તેનો પાઉડર તૈયાર કરીને તેમાંથી પીણું બનાવે છે.
વાઇલ્ડ સિરિયલ
સિરિયલ (નાસ્તામાં લેવાતા અનાજ) ઘાસમાંથી આવે છે અને તેમાં ઘણી વિવિધતા હોય છે. તેના 10 હજાર કરતાં વધારે પ્રકાર હોય છે અને તે દુનિયાનું નવું ભોજન બનવાની ક્ષમતા ધરાવે છે.
ઉદાહરણ તરીકે ફોનિયો એ એક પૌષ્ટિક આફ્રિકન સિરિયલ છે જે કૂસકૂસ, રાબ કે પીણું તૈયાર કરવા માટે વપરાય છે. તેની ખેતી દુષ્કાળમાં પણ થઈ શકે છે.
નકલી કેળા
નકલી કેળા એ કેળાની નજીકનો પ્રકાર છે પરંતુ તેને અત્યાર સુધી માત્ર ઇથિયોપિયાના ભાગોમાં જ ખાવામાં આવે છે. તેનું ફળ ખાવાલાયક નથી હોતું, પરંતુ સ્ટાર્ચ ધરાવતી ડાળખીઓ અને તેનાં મૂળિયાંને આથીને તેમાંથી રાબ અને બ્રેડ બનાવી શકાય છે.
સંશોધનોમાં જાણવા મળ્યું છે કે આ પાક દુનિયાના 10 કરોડ કરતાં વધુ લોકોનું પેટ ભરી શકે છે.
આપણે અત્યાર સુધી દુનિયાના લોકોને જમાડવા માટે થોડાં જ પાકો પર નિર્ભર છીએ, જેના કારણે કુપોષણની સમસ્યા ઊભી થઈ છે અને જળવાયુ સંકટ પણ વધ્યું છે.
એક અનુમાન પ્રમાણે આશરે 4 અબજ લોકોનો ખોરાક માત્ર ચોખા, મકાઈ અને ઘઉં પર જ આધારિત છે. તેનાથી વૈશ્વિક ફૂડ સિસ્ટમ પર ખતરો આવી ગયો છે.
આ સમસ્યાઓને પગલે પાંડાનસ અને તેના જેવા બીજા ભવિષ્યના પાક થોડા દાયકાઓમાં આપણા રસોડામાં જોવા મળી શકે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો