You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સંજય રાઉતની ધરપકડ : ક્રાઇમ રિપોર્ટરથી ઈડીની કોટડી સુધીની સફર
- લેેખક, હર્ષલ આકુડે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
મની લૉન્ડ્રિંગના કેસમાં શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતને ચોથી ઑગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તપાસનીશ સંસ્થાએ આઠ દિવસની કસ્ટડીની માગ કરી હતી,પરંતુ માત્ર ચાર દિવસની કસ્ટડી આપવામાં આવી છે.
રાઉતની ધરપકડ બાદ શિવસેનામાં સોપો પડી ગયો છે. પૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ આરોપ મૂક્યો હતો કે 'રાજકીય કિન્નાખોરીપૂર્વક' રાઉતની સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેથી કરીને કોઈ બોલવાની હિંમત ન કરે. સાથે જ તેમણે આ પ્રકારના દબાણ સામે નહીં ઝુકવાની વાત પણ કરી હતી.
રાઉતના કદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેમની ધરપકડ બાદ ખુદ શિવસેના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરે તેમના નિવાસસ્થાને ગયા હતા અને સંજય રાઉતનાં માતા અને પત્ની સાથે મુલાકાત કરીને વાતચીત કરી હતી.
બીજી બાજુ, મહારાષ્ટ્રના નાયબમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો છે કે પુરવાના આધારે રાઉતની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
બીજી બાજુ, સ્વપના પાટકર સાથેનો તેમનું કૉલ રેકર્ડિંગ વાઇરલ થયું છે. જેમાં તેઓ કથિત રીતે પાટકર સાથે ગેરવ્યવહાર કરતા જણાય છે. આ અંગે વકોલા પોલીસસ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદને કારણે રાઉતની મુશ્કેલીઓ વધી શકે છે.
2019ની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપ અને શિવસેના સાથે મળીને લડ્યા હતા, પરંતુ મુખ્ય મંત્રીપદ માટે બંને વચ્ચે મતભેદ થયા હતા.
છેવટે ચૂંટણીમાં એકબીજા સામે લડનારા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ, કૉંગ્રેસ તથા શિવસેના એકસાથે આવ્યા હતા. તેમની વચ્ચે રાજકીય અને વૈચારિક મતભેદ હોવા છતાં 'મહા વિકાસ અઘાડી'ના નેજાં હેઠળ તેઓ સાથે આવ્યા હતા.
જો આ ગઠબંધન કરવામાં શરદ પવારે મુખ્ય ભૂમિકા ભજવી હતી તો શિવસેના વતી વાટાઘાટોની કમાન સંજય રાઉતે સંભાળી અને ભાજપને સત્તાથી વિમુખ કરી દીધો. પાર્ટીના મુખપત્ર સામનાના સંપાદક તથા રાજ્યસભાના સંસદસભ્ય રાઉતે તેમની કારકિર્દીની શરૂઆત ક્રાઇમ રિપોર્ટર તરીકે કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પત્રકારથી નેતા સુધી
સંજય રાઉત કારકિર્દીની શરૂઆતથી રાજનેતા ન હતા, પરંતુ તેમણે 'લોકપ્રભા' સાપ્તાહિકમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે કૅરિયર શરૂ કરી હતી, જ્યાંથી તેઓ શિવસેનાના મુખપત્ર 'સામના'ના ઍક્ઝિક્યુટિવ ઍડિટરના પદ સુધી પહોંચ્યા છે.
વરિષ્ઠ પત્રકાર દીનકર રાયકરના કહેવા પ્રમાણે, "સાપ્તાહિક 'લોકપ્રભા'માં રાઉતે એવી ઘણી સ્ટોરીઝ કરી કે જે શિવસેનાની વિચારસરણીને માફક આવે તેવી હતી. આથી, બાળાસાહેબ ઠાકરેને લાગ્યું કે સંજય રાઉતને સાથે લેવા જોઈએ. 1989માં 'સામના' શરૂ થયું, તે સમયે અશોક પડબિદ્રી કાર્યકારી સંપાદક હતા, એ પછી 1993માં રાઉત તેમના અનુગામી બન્યા."
'ઠાકરે વિરુદ્ધ ઠાકરે' નામના પુસ્તકના લેખક ધવલ કુલકર્ણીના મતે, "બહુ થોડા પત્રકારો ક્રાઇમ રિપોર્ટરથી ઍડિટરના પદ સુધી પહોંચી શકે છે. રાજકીય રિપોર્ટિંગ કરનાર પત્રકાર સંપાદક બન્યા હોય, તેવા અનેક દાખલા છે, પરંતુ રાઉત તેમાં અપવાદ છે. સંપાદકીય લેખ દ્વારા 'સામના'એ આગવી ઓળખ ઊભી કરી છે. જે તેમની તાકત છે."
સામનાના સંપાદકીય લેખ સાંપ્રત વિષયો ઉપર હોય છે. જેમાં ચાબખાં, કટાક્ષ અને વ્યંગ પણ હોય. બાળાસાહેબ ઠાકરેની છટાને રાઉતે આત્મસાત્ કરી લીધી છે.
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક પ્રકાશ આકોલકરના મતે, "સામનામાં જોડાયા પછી રાઉતે બાળાસાહેબ સાથેની વાતચીતના આધારે તેમના જેવી જ લેખનશૈલી વિકસાવી હતી. કોઈપણ વિષય ઉપર બાળાસાહેબ ઠાકરેએ કેવું વલણ અખત્યાર કર્યું હોત, તે વિચારીને રાઉત લખે છે. રાઉતે બાળાસાહેબની શૈલીને એટલી હદે અપનાવી લીધી હતી કે લોકોને લાગતું કે બાળાસાહેબ બોલે છે એમ સંજય રાઉત લખે છે કે પછી સંજય રાઉત લખે છે એવી રીતે બાળાસાહેબ બોલે છે."
વિશ્લેષકોના મતે રાઉત હજુ પણ બાળાસાહેબની શૈલી મુજબ જ લખે છે અને શિવસૈનિકો આ પ્રકારની છટાથી ટેવાઈ ગયા છે.
રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે રાઉત દિલ્હીમાં પ્રતિનિધિ તરીકે હાજર થતા. મીડિયાકર્મી હોવાને કારણે તેઓ મીડિયાને શું ગમશે તથા શેનાથી ચર્ચા ઊભી થશે, તે વાત તેઓ સારી રીતે જાણતા હતા. એટલે જ તેઓ એ પ્રકારનું નિવેદન આપતા. તેનાથી પાર્ટી તથા તેમના વિશે ચર્ચા ઊભી થતી.
રાજ ઠાકરેનું રાજીનામું લખ્યું
'ઠાકરે વિરુદ્ધ ઠાકરે' નામનું પુસ્તક લખનારા ધવલ કુલકર્ણીના કહેવા પ્રમાણે, "વર્ષ 2005માં જ્યારે રાજ ઠાકરેએ શિવસેનામાંથી રાજીનામું આપ્યું, ત્યારે તેમનું રાજીનામું સંજય રાઉતે લખ્યું હતું. બાળાસાહેબ રાઉતની લેખનશૈલીથી વાકેફ હતા, એટલે જ્યારે તેમના હાથમાં રાજ ઠાકરેનું રાજીનામું આવ્યું, ત્યારે તેઓ પારખી ગયા હતા કે આ સંજય રાઉતે લખ્યું છે. અને તેમણે કહ્યું હતું, 'સંજય, લાગે છે કે આ તારું કામ છે.' વાસ્તવમાં રાઉત અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી મનોહર જોશી રાજ ઠાકરેને મનાવવા માટે ગયા હતા. કેટલાક ઉશ્કેરાયેલા શિવસૈનિકોએ સંજય રાઉતની ગાડીની તોડફોડ પણ કરી હતી."
કુલકર્ણીના મતે શિવસેનામાં કેટલાક નેતાઓને એવું લાગતું હતું કે ભાજપના કારણે પાર્ટીનો સફાયો થઈ શકે છે. જાન્યુઆરી-2017માં વર્લી (મુંબઈ) ખાતે આયોજિત એક સભામાં ખુદ રાઉતે પ્રસ્તાવ મૂક્યો હતો કે શિવસેનાએ લોકસભા સહિતની આગામી તમામ ચૂંટણીઓ જાતે જ લડવી. કદાચ પાર્ટી જીતી ન શકે તો પણ ભાજપને નુકસાન થશે, પરંતુ રાજકીય સ્થિતિને કારણે એમ થઈ શક્યું ન હતું.
બાળાસાહેબના નિધન પછીથી જ બંને પાર્ટી વચ્ચે મતભેદ ઊભા થવા લાગ્યા હતા, 2014ની લોકસભા ચૂંટણી બંને પક્ષ સાથે મળીને લડ્યા હતા, જ્યારે વિધાનસભા ચૂંટણી અલગ-અલગ. ચૂંટણીપરિણામો બાદ ભાજપ અને શિવેસનાનું ગઠબંધન થયું હતું. દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી બન્યા અને તેમણે કાર્યકાળ પણ પૂર્ણ કર્યો હતો.
ધવલ કુલકર્ણીના મતે સંજય રાઉત રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી પ્રત્યે કૂણું વલણ ધરાવે છે. કુલકર્ણી તેમના પુસ્તકમાં લખે છે, "2008માં સંજય રાઉતે વિચાર વહેતો મૂક્યો હતો કે શિવસેના તેના સાથીપક્ષ ભાજપને છોડી દે, જ્યારે એનસીપી દ્વારા કૉંગ્રેસનો સાથ છોડવામાં આવે અને બંને ગઠબંધનનો પ્રયોગ કરે, પરંતુ તે વિચાર સફળ થઈ શક્યો ન હતો."
એનસીપીના અધ્યક્ષ શરદ પવાર તથા તેમના વ્યક્તિગત સંબંધ સાર્વજનિક છે. જોકે, વેંકટેશ કેસરી જેવા વિશ્લેષકોનું માનવું છે કે તેમના વ્યક્તિગત સંબંધોને રાજકીય રીતે ન જોવા જોઈએ.
ત્રણ પેઢી, એક સંપાદક
રાયકરના મતે રાઉત એવા નેતા છે કે જે સમય પ્રમાણે પોતાની જાતને ઢાળી શકે છે. તેઓ કહે છે, "શિવસેનાને આક્રમક લેખનશૈલી અને સંપાદકીય જોઈતા હતા, જે રાઉતે આપ્યા. સંપાદકોએ માલિકોની મરજી પ્રમાણે ચાલવું પડે, એવું જ શિવસેનામાં પણ છે. પહેલાં તેમણે બાળાસાહેબ ઠાકરે અને પછી ઉદ્ધવ ઠાકરેની વિચારસરણી મુજબ પોતાને ઢાળ્યા."
"જ્યારે આદિત્ય ઠાકરેએ ચૂંટણી લડવાનો વિચાર વ્યક્ત કર્યો, ત્યારે રાઉતે તેમનું સમર્થન કર્યું. શિવસેના જેવા પક્ષમાં આમ કરવું જરૂરી છે."
સંજય રાઉત ક્યારેય પાર્ટી વિરુદ્ધ નિવેદનબાજી નથી કરી. જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ-શિવસેનાની યુતિ હતી, ત્યારે જીએસટી, નોટબંધી સહિત અનેક મુદ્દે ભાજપ સરકાર પર સામનાના માધ્યમથી નિશાન સાધવામાં આવતું હતું. જે ઉદ્ધવ ઠાકરેના સમર્થન વગર શક્ય ન હતું.
બીજી બાજુ પાર્ટીએ તેમને 'સામના' મુદ્દે છૂટોદોર આપ્યો છે. એકનાથ શિંદે તથા તેમના સાથીઓએ બળવો ન કર્યો, તે પહેલાં સુધી પાર્ટીમાં સંજય રાઉત સામે બોલવું પણ મુશ્કેલ હતું. જે લોકો ઉદ્ધવ ઠાકરેને મળી શકે તેમ ન હોય, તેઓ રાઉતને જ મળતા હતા.
બળવાના દિવસો દરમિયાન શિંદે જૂથે રાઉતની ઉપર આરોપ મૂક્યો હતો કે તેમણે ઉદ્ધવને પાર્ટીના નેતાઓની વિમુખ કરી દીધા હતા અને મુખ્ય મંત્રી સાથે મળવું મુશ્કેલ બની ગયું હતું.
ભાષા પર સવાલ
પત્રકાર વૈભવ પુરાંદરેના કહેવા પ્રમાણે, "જ્યારે સામનાની સ્થાપના થઈ, ત્યારે તેનો વાચકવર્ગ ખૂબ જ મર્યાદિત હતો. અયોધ્યાની ઘટના પછી હુલ્લડો ફાટી નીકળ્યા. સામનાએ બાળાસાહેબ ઠાકરેનો અવાજ હતો, જેણે પાર્ટીના મુખપત્રને વ્યાપક વાચકવર્ગ અપાવવાનું કામ કર્યું હતું."
હેમંત દેસાઈના મતે, "સામનામાં પ્રકાશિત થતાં લેખો શિવસેનાના પૂરક હતા. તેના અગ્રલેખો વિશ્લેષણોથી ભરપૂર હોય છે, જે શિવસૈનિકોને આકર્ષે તેવી શૈલી છે. તેનાથી પાર્ટીની વિચારધારા તો આગળ વધે છે, પરંતુ તે પત્રકારત્વ માટે લાભકારક નથી."
સામનાના સંપાદકીય લેખો શિવસેના તથા શિવસૈનિકોની કાર્યપદ્ધતિને છાજે તેવા હોય છે, છતાં સમયાંતરે તેની ભાષા વિશે ટીકા થતી રહે છે. વરિષ્ઠ પત્રકાર હેમંત દેસાઈના કહેવા પ્રમાણે:
"જેઓ શિવસેના વિરુદ્ધ બોલે અથવા જાય તો તેમની સામે સંપાદકીય લેખોમાં ખૂબ જ સસ્તાં પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. ચાહે તે 'મહાનગર' નામનું અખબાર હોય, શરદ પવાર જેવા વિરોધી કે પછી શિવસેના છોડી જનારા છગન ભૂજબળ તથા નારાયણ રાણે જેવા નેતાઓ."
તાજેતરમાં એકનાથ શિંદે જૂથ દ્વારા બળવો કરવામાં આવ્યો ત્યારે રાઉત તથા સામાનાના અગ્રલેખોમાં તેમના માટે વાંધાજનક કહી શકાય તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
દેસાઈના મતે, 1992માં મુંબઈમાં હુલ્લડ ફાટી નીકળ્યા ત્યારે 'સામના' દ્વારા મુસ્લિમવિરોધી વલણ અપનાવવામાં આવ્યું હતું, જેણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું.
શિવસેના છોડ્યા બાદ કૉંગ્રેસ અને પછી ભાજપમાં જોડાનારા નારાયણ રાણે સંજય રાઉતને 'પગારદાર નેતા' ગણાવે છે, તેઓ અનેક વખત સાર્વજનિક રીતે કહી ચૂક્યા છે કે તેઓ રાઉતના સંપાદકીય લેખોને ગંભીરતાથી નથી લેતા.
(વર્ષ 2019માં બીબીસી મરાઠીમાં પ્રકાશિત લેખના આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો