You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનનાં ઘરોમાંથી પ્રદર્શનકારીઓ ક્યારે નીકળશે?
- પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના આવાસમાં ઘૂસી ગયા, PMના અંગત નિવાસને આગ ચાંપી.
- રાષ્ટ્રપતિ ભવનમાં લોકો પૈસા ગણતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
- ભવનમાં લોકો રસોડામાં મિજબાની માણતા, સોફા અને પલંગ પર કૂદકા મારતા જોવા મળે છે.
- વિદેશી ચલણનું ભંડોળ ઝડપથી ખૂટી જવાના કારણે શ્રીલંકામાં આર્થિક સંકટ સર્જાયું છે.
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનનાં ઘરોમાં દાખલ થયેલા પ્રદર્શનકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી બંને નેતાઓ સત્તાવારી રીતે રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેઓ બહાર નહીં નીકળે.
સંસદના સ્પીકરે શનિવારે આપેલા નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ કહ્યું છે કે તેઓ 13 જુલાઈએ રાજીનામું આપશે, પણ રાષ્ટ્રપતિએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
તો વડા પ્રધાન રનિલ વિક્રમાસિંઘેએ શનિવારે વિરોધ બાદ કહ્યું હતું કે તેઓ પોતાનું પદ છોડી દેશે. તેમણે આ અંગે ટ્વીટ પણ કર્યું હતું.
પ્રદર્શનકારીઓના નેતા લાહિરુ વીરાસેકરાએ ન્યૂઝ એજન્સી એએફપીનું કહ્યું કે "અમારો સંઘર્ષ હજુ ખતમ નથી થયો. જ્યાં સુધી તેઓ (રાજપક્ષે) જશે નહીં ત્યાં સુધી અમારો સંઘર્ષ અમે ખતમ નહીં કરીએ."
શનિવારે શ્રીલંકાના વડા પ્રધાન રનિલ વિક્રમાસિંઘેના ઘરને પ્રદર્શનકારીઓએ આગ ચાંપી દીધી હતી.
આ ઘટના બાદ રનિલ વિક્રમાસિંઘેની યુનાઇટેડ નેશનલ પાર્ટીના મુખ્ય મંથક શ્રી કોથા ખાતે પાર્ટીના સભ્યોની એક ખાસ મિટિંગ યોજાઈ હતી.
આ મિટિંગમાં શ્રીલંકાના વડા પ્રધાન રનિલ વિક્રમાસિંઘેએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું, "મને મારી માલમિલકતને જે નુકસાન થયું તે બાબતની ચિંતા નથી, પરંતુ મારાં પુસ્તકોને પણ આગ ચાંપી દેવાઈ એ મારા માટે ચિંતાજનક હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે તેમની પાસે ત્રણ રૂમમાં દસ હજાર કરતાં પણ વધુ પુસ્તકો હતાં, જે તેમણે ત્રણ પેઢીથી સાચવ્યાં હતાં. શનિવારે આ પુસ્તકોને આગ ચાંપી દેવાઈ હતી.
આ સિવાય તેમણે પોતાનું ઘર પહેલાંથી જ કોલંબોની રૉયલ કૉલેજને આપી દીધું છે.
તેમણે આ સિવાય એવું પણ નિવેદન આપ્યું કે તેમણે શ્રીલંકાની આર્થિક કટોકટીના નિવારણ માટે શક્ય તમામ પગલાં લીધાં છે.
તેમણે કહ્યું કે તેમણે ઈંધણની અછતને પહોંચી વળવા માટે અને IMF લૉન સ્કીમ માટે પણ અંતિમ પગલાં લીધાં છે.
ભારતે શ્રીલંકાને મદદ કરી
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે શ્રીલંકાને આ વર્ષે 3.8 બિલિયન ડૉલરની મદદ પહોંચાડી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે એ પડકારોથી અવગત છીએ જેનો શ્રીલંકા અને ત્યાંના લોકો સામનો કરી રહ્યા છે. આ કઠિન સમયમાંથી ઊગરવાની કોશિશમાં અમે શ્રીલંકાના લોકો સાથે ઊભા છીએ.
બાગચીએ કહ્યું કે "નેબરહૂડ ફર્સ્ટ નીતિના કેન્દ્રમાં શ્રીલંકા છે અને તેને જોતાં ભારતે આ વર્ષે શ્રીલંકામાં ગંભીર આર્થિક સ્થિતિને સુધારવા માટે 3.8 બિલિયન અમેરિકન ડૉલરથી વધુનું અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે."
તો ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે ભારત આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાની મદદ કરી રહ્યું છે.
રવિવારે કેરળ પહોંચેલા વિદેશમંત્રીએ કહ્યું કે ભારત હંમેશાં શ્રીલંકાનું સમર્થન કરતું રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે હાલમાં કોઈ શરણાર્થી સંકટ નથી.
શ્રીલંકાની વર્તમાન આર્થિક સંકટ પર પુછાયેલા સવાલ પર જયશંકરે કહ્યું કે "હાલ તેઓ પોતાની સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આથી આપણે રાહ જોવી પડશે અને એ જોવું પડશે કે તેઓ શું કરે છે."
શ્રીલંકામાં હાલ શું ચાલી રહ્યું છે?
શ્રીલંકામાં શનિવારે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના સરકારી આવાસમાં ઘૂસી ગયા અને તોડફોડ કરી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રદર્શનકારીઓને રાષ્ટ્રપતિ ભવનમાંથી લાખો રૂપિયા મળ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં રાષ્ટ્રપતિ આવાસમાં પ્રવેશેલા લોકો નોટો ગણી રહ્યા છે.
શ્રીલંકન મીડિયા ડેલી મિરરના અહેવાલ મુજબ આ પૈસા સિક્યૉરિટી યુનિટ્સને સોંપવામાં આવ્યા છે.
પ્રશાસનનું કહેવું છે કે તેઓ મામલાની તપાસ બાદ હાલની પરિસ્થિતિની જાણકારી આપશે.
શનિવારે કોલંબોમાં હજારો લોકો રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માગ સાથે રાજધાની કોલંબોમાં એકઠા થયા અને રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા હતા.
આ ઘટનાના બહાર આવેલા વીડિયો અને તસવીરોમાં લોકો રાષ્ટ્રપતિ ભવનનાં રસોડા, સોફા અને ટૉઇલેટનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા.
ત્યાર બાદ પ્રદર્શનકારીઓએ વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેના અંગત નિવાસસ્થાનને પણ આગ લગાવી દીધી હતી. પ્રદર્શનકારીઓના હલ્લાબોલ સમયે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન બંને જ પોતાના આવાસસ્થાનોમાં ન હતા.
સેના દ્વારા શાંતિ જાળવવા માટે કરાઈ અપીલ
દેશની ખરાબ આર્થિક પરિસ્થિતિથી નારાજ લોકો મહિનાઓથી વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
શ્રીલંકામાં શનિવારે થયેલા હિંસક પ્રદર્શનો બાદ સેનાએ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા માટે સુરક્ષાબળોને સહયોગ આપવા અપીલ કરી છે.
શ્રીલંકના ચીફ ઑફ ડિફૅન્સ સ્ટાફે કહ્યું કે રાજનૈતિક સંકટના શાંતિપૂર્વક સમાધાનની તક છે.
લોકોને હિંસા કરવાથી રોકવા માટે પોલીસ અને સેનાએ ટિયરગૅસ અને વૉટર કૅનનનો પણ ઉપયોગ કર્યો હતો. તેમ છતાં વિરોધપ્રદર્શન ચાલુ રહ્યું હતું.
શનિવારના હિંસક પ્રદર્શનો બાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ 13 જુલાઈએ રાજીનામું આપશે.
પ્રદર્શનકારીઓ પર સુરક્ષાબળોની કાર્યવાહી માનવાધિકારનું ઉલ્લંઘન
હિંસક વિરોધપ્રદર્શનને ખતમ કરવા માટે અને હજારો પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા માટે પોલીસે કર્ફ્યૂ લાદ્યો હતો. જોકે, તેનો ખાસ ફાયદો થયો ન હતો.
આ કર્ફ્યૂ અને છેલ્લા કેટલાક દિવસોથી શ્રીલંકામાંથી સામે આવી રહેલા માનવાધિકાર ઉલ્લંઘનના મામલે આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિક્રિયા આવી છે.
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે સરકાર અને લોકો વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને લઈને એક નિવેદન જાહેર કરીને ભીડ પર નિયંત્રણ મેળવવા માટે સંયમ જાળવવાની સલાહ આપી છે.
આ સિવાય માનવાધિકાર સંસ્થા ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે પણ એક વીડિયો જાહેર કરીને શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા લોકો પર સુરક્ષાબળો અને પોલીસના હુમલાની નિંદા કરી છે.
શ્રીલંકાની માનવાધિકાર પરિષદે પણ શનિવારે રાત્રે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ઇન્સપૅક્ટર જનરલ ઑફ પોલીસ દ્વારા શનિવારે લાદવામાં આવેલો કર્ફ્યૂ ગેરકાયદેસર હતો.
ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેઓ શ્રીલંકાના રાજનૈતિક સંકટના સમાધાનની આશા રાખી રહ્યા છે. જેથી બેલઆઉટ પૅકેજને લઈને વાતચીત ફરીથી શરૂ કરી શકાય.
શનિવારે શું થયું?
શ્રીલંકન સંસદના સ્પીકર મહિંદા યાપા અભયવર્ધનાએ કહ્યું કે રાષ્ટ્રપતિએ તેમને જણાવ્યું કે તેઓ 13 જુલાઈએ રાજીનામું આપી દેશે.
અગાઉ શ્રીલંકાના વડા પ્રધાન કાર્યાલય તરફથી જાણકારી આપવામાં આવી હતી કે વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘે રાજીનામું આપવા તૈયાર થઈ ગયા છે.
પાછલા અમુક દિવસોથી રાજકીય અને આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહેલા શ્રીલંકામાં શનિવાર સવારથી ફરી વખત પ્રદર્શન ઉગ્ર બન્યું હતું.
પ્રદર્શનકારીઓએ પાટનગર કોલંબોમાં વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેના નિવાસસ્થાનને આગ ચાંપી દીધી હતી.
આ દરમિયાન નિવાસસ્થાન બહાર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણમાં વધારો થયો છે.
કોલંબોમાં સરકારવિરોધી પ્રદર્શનકારી શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સરકારી આવાસમાં દાખલ થઈ ગયા. પ્રદર્શનકારી 'ગોટા ગો હોમ'ના નારા લગાવી રહ્યા હતા.
કોલંબોમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે સેના તહેનાત છે. આર્થિક સંકટ વચ્ચે ઈંધણની અછતના કારણે આ પ્રદર્શનો વધુ ભડક્યાં છે.
શ્રીલંકામાં સંકટનું કારણ
શ્રીલંકામાં આર્થિક સંકટ દેશમાં વિદેશી ચલણનું ભંડોળ ઝડપથી ખૂટી જવાના કારણે પેદા થયું છે.
આવું સરકારના આર્થિક ક્ષેત્રના આયોજનમાં રહેલી ત્રુટીઓ અને કોરોના મહામારીની અસરના કારણે થયું હોવાનો લોકોનો આરોપ છે.
વિદેશી મૂંડીભંડોરની કમીના કારણે શ્રીલંકા તેલ, ખાવા-પીવાનો સામાન અને દવા જેવી જરૂરિયાતના સામાનની આયાત કરવા સક્ષમ રહ્યું નથી.
શ્રીલંકા ચાલુ વર્ષના મે માસમાં ઇતિહાસમાં પહેલી વાર દેવાનો હપ્તો ચૂકવવા બાબતે નિષ્ફળ રહ્યું હતું.
એ સમયે શ્રીલંકાએ સાત કરોડ 80 લાખ ડૉલરની ચુકવણી કરવાની હતી પરંતુ 30 દિવસ વધુ સમય અપાયા છતાં પણ તે ચુકવણી નહોતું કરી શક્યું.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો