શેન વૉર્નનું મૃત્યુ કેવી રીતે થયું હતું? થાઈલૅન્ડની પોલીસે કર્યો ખુલાસો

ઑસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર શેન વૉર્નનું 52 વર્ષની વયે થાઈલૅન્ડમાં મૃત્યુ થયું હતું. થાઈલૅન્ડની પોલીસે તેમના મૃત્યુના કારણ અંગે ખુલાસો કર્યો છે.

થાઈલૅન્ડના એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે વોર્નના મૃતદહેના પોસ્ટમૉર્ટમમાં કંઈ જ વાંધાજનક મળી આવ્યું નથી.

શેન વૉર્નનું મૃત્યુ હાર્ટઍટેકથી થયું હોવા અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

થાઈલૅન્ડના એક વિલામાંથી વૉર્ન મૂર્છિત અવસ્થામાંથી મળી આવ્યા હતા, તેઓ રજાઓ માણવા માટે ત્યાં ગયા હતા.

જોકે હવે તેમના મૃતદેહને પરત લાવવાની પ્રક્રિયા ઑસ્ટ્રેલિયાની સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

પોલીસે શું કહ્યું?

થાઈલૅન્ડના ડેપ્યુટી પોલીસ સ્પોક્સપર્સને નિવેદનમાં કહ્યું છે કે, "તપાસ દરમિયાન કરવામાં આવેલી ઑટોપ્સીનો રિપોર્ટ આજે આવ્યો છે."

"જેના આધારે ડૉક્ટરોએ જણાવ્યું છે કે વૉર્નનું મૃત્યુ કુદરતી રીતે થયું હતું. "

તેમના કહેવા પ્રમાણે આ અંગે પોલીસે વૉર્નના પરિવારને જાણ કરી છે અને તેમણે આ તારણોને સ્વીકારી લીધાં છે.

તેમણે એવું પણ કહ્યું છે કે તેઓ કોરોનાથી સંક્રમિત નહોતા અને 'હત્યા કે હુમલાની કોઈ સાબિતી મળી નથી.'

સદીનો સર્વશ્રેષ્ઠ બૉલ

1993ના જૂન મહિનામાં માન્ચેસ્ટરના ઑલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઍશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ રમાતી હતી.

ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન માઇક ગેટિંગ બૅટિંગ કરી રહ્યા હતા અને કાંગારું કૅપ્ટન ઍલન બૉર્ડરે બૉલિંગમાં પરિવર્તન કરીને શેન વૉર્નને આક્રમણ સોંપ્યું.

માઇક ગેટિંગ સ્પિનર સામે મજબૂત બૅટિંગ કરવા માટે જાણીતા હતા પણ આ વખતે તેમનો મુકાબલો શેન વૉર્ન સામે હતો.

વૉર્નનો એક બૉલ લૅગ સ્ટમ્પથી દૂર પીચ ખાઈને ટર્ન થયો અને ગેટિંગ કાંઈ સમજે તે પહેલાં તો સ્ટમ્પ ઉડાવી ગયો. ગેટિંગના પગની પાછળથી બૉલ સ્ટમ્પ સુધી પહોંચ્યો હતો.

આ લૅગ સ્પિન બૉલ એટલો અદ્ભુત હતો કે આઇસીસીએ તેને સદીનો સર્વશ્રેષ્ઠ બૉલ જાહેર કર્યો હતો. શેન વૉર્ન લૅગ સ્પિનર હતા.

સામાન્ય રીતે લેગ સ્પિનર ગુગલી પર આધારિત હોય છે પરંતુ વૉર્ને ક્યારેય ગુગલી પર આધાર રાખ્યો નહોતો.

તેઓ હંમેશાં લૅગ સાઇડથી ટર્ન થતાં બૉલ પર જ વિકેટો ખેરવતા હતા.

'સચીન તેંડુલકર મને સપનામાં આવે છે'

ભારત સામે કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે તો શેન વૉર્નને નિષ્ફળતા તો સાંપડી હતી પરંતુ એ પછીનાં પાંચેક વર્ષમાં તેઓ વિશ્વના સૌથી ખતરનાક બૉલર બની ગયા હતા.

એવામાં 1998માં ઑસ્ટ્રેલિયન ટીમ ભારત આવી. આ વખતે વૉર્ન સ્થાપિત બૉલર બની ગયા હતા તો સામે છેડે સચીન તેંડુલકર ગજબ ફૉર્મમાં હતા.

બંને વચ્ચેની મેદાન પરની હરિફાઈની રાહ જોવાતી હતી.

આ વખતે સચીન સફળ રહ્યા. ત્યાર બાદ શેન વૉર્ને ઑસ્ટ્રેલિયા જઈને જાહેરમાં કબૂલ્યું હતું કે 'મને રાત્રે ઊંઘમાં પણ સચીન સપનામાં આવે છે.'

આમ શેન વૉર્ન એક રીતે ખેલદિલ પણ હતા કેમ કે કદાચ તેઓ એવા પહેલા હરીફ બૉલર હતા જેમણે સામે ચાલીને સચીનની મહાનતાને કબૂલી હતી.

એ સિરીઝમાં સચિન તેંડુલકરે ચેન્નાઈમાં 155 અને બેંગ્લુરુમાં 177 રન ફટકાર્યા હતા અને બંને ઇનિંગ્સમાં શેન વૉર્નની બૉલિંગમાં તેમણે આક્રમક વલણ અપનાવ્યું હતું.

જેને કારણે શેન વૉર્ને કબૂલવું પડ્યું હતું કે સચીને તેમને એ રીતે ફટકાર્યા કે તેઓ તેમના સપનામાં પણ આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો