યુક્રેન સંકટ : રશિયા પર અન્ય દેશોએ કેવા પ્રતિબંધો લાદ્યા? પુતિનને એકલા પાડવાની રણનીતિ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

યુક્રેન પર રશિયાના આક્રમણને એક અઠવાડિયું થઈ ગયું છે. આમ છતાં અમેરિકા, યુરોપિયન દેશો કે પશ્ચિમી દેશોના સંગઠન નાટોએ રશિયન સેનાની સામે સશસ્ત્ર કાર્યવાહી હાથ નથી ધરી.

પશ્ચિમી દેશોની ધમકીઓ પછી પુતિને રશિયાના અણુહથિયારોને 'ઍલર્ટ' પર મૂકી દીધાં છે. બીજી બાજુ અમેરિકા, યુરોપિયન સંઘ, યુકે, કૅનેડા તથા જાપાને રશિયાની સામે 'પ્રતિબંધ'નું હથિયાર અજમાવ્યું છે.

જેની અસર પણ દેખાવા માંડી છે. રશિયાનાં શહેરોમાં લોકો નાણાં ઉપાડવા માટે લાઇનો લગાવી રહ્યા છે તથા આયાત બંધ થવાથી અમુક ચીજવસ્તુઓ મળવી મુશ્કેલ બની જશે, એવું રશિયનોને લાગે છે અને એટલે તેની ખરીદી કરી રહ્યાં છે.

ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે અને હજુ પણ વધશે તેવી આશંકા છે. રશિયાનું ચલણ રૂબલ 30 ટકા જેટલું ગગડી ગયું છે.

2014માં રશિયાએ યુક્રેનની જેમ જ ક્રિમિયા સામે સૈન્યકાર્યવાહી હાથ ધરી હતી, ત્યારથી જ રશિયાએ પોતાના અર્થતંત્રને નિષેધથી સુરક્ષિત બનાવવા કવાયત હાથ ધરી હતી.

આજે રશિયા પરના આર્થિક પ્રતિબંધો પશ્ચિમી દેશો માટે બેધારી તલવાર બની ગયા છે અને તેઓ પણ આડઅસરોમાંથી મુક્ત રહી શકે તેમ નથી.

પ્રતિબંધો એટલે...

જેમ સ્કૂલમાં કોઈ છોકરો તોફાન કરે તો તેને સજા આપવામાં આવે, એવી જ રીતે આક્રમકતા દેખાડનાર અથવા આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ કરનારા કોઈ દેશને અટકાવવા માટે પ્રતિબંધનું શસ્ત્ર ઉગામવામાં આવે છે.

ખતા કરનાર દેશની આર્થિકવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાના હેતુથી આ પ્રતિબંધો લાદવામાં આવે છે.

આ સિવાય દેશ, દેશના રાજકારણીઓ, સૈન્ય અધિકારીઓ, ઉદ્યોગપતિઓ તથા અન્ય વિખ્યાત વ્યક્તિઓ પર પ્રવાસપ્રતિબંધ કે હથિયારોની આપૂર્તિ નહીં કરવા, જેવાં નિયંત્રણો પણ લાદવામાં આવે છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તથા વિદેશમંત્રી સર્ગેઈ લાવારોવ સહિતના નેતાઓ પર વ્યક્તિગત પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. અગાઉ રશિયાના સૈન્યઅધિકારીઓ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.

પશ્ચિમી દેશોની સરકારો, મધ્યસ્થ-બૅન્કો, ખાનગી બૅન્કો તથા સરકારી-ભંડોળોએ રશિયા સાથેના આર્થિકવ્યવહારો તોડી નાખવાની જાહેરાત કરી છે.

રશિયાની અમુક બૅન્કો તથા નાણાંસંસ્થાઓને આર્થિક લેવડ-દેવડની વ્યવસ્થા SWIFTમાંથી બાકાત કરી દેવામાં આવ્યું છે, જેથી કરીને રશિયાની બૅન્કો આંતરરાષ્ટ્રીય વ્યવહારો ન કરી શકે.

1973માં SWIFTની સ્થાપના કરવામાં આવી હતી અને 200 દેશની 11 હજાર જેટલી બૅન્કો તથા નાણાકીયસંસ્થા આ વ્યવસ્થા સાથે જોડાયેલી છે. વિશ્વભરની સરકારો, સરકારી-ખાનગી કંપનીઓ અને ધનવાનો વચ્ચે દર વર્ષે લાખો કરોડના આર્થિકવ્યવહાર થાય છે.

જે પરંપરાગત બૅન્ક જેવાં કામ નથી કરતું, પરંતુ SWIFT દ્વારા નાણાં જમા થયાના તથા ચૂકવાયાના સંદેશ આપવામાં આવે છે. દરરોજ લગભગ આવા ચાર કરોડ મૅસેજ મોકલવામાં આવે છે.

બેલ્જિયમની મુખ્ય બૅન્ક દ્વારા તેની કામગીરી કરવામાં આવે છે અને ઇંગ્લૅન્ડ તથા અમેરિકાની બૅન્કો તેમાં મદદ કરે છે. SWIFTની માલિકી વિશ્વભરની લગભગ બે હજાર નાણાસંસ્થાઓ પાસે છે.

રશિયા પરના પ્રતિબંધ યુરોપિયન દેશો માટે બેધારી તલવાર સાબિત થઈ શકે છે. SWIFTમાંથી રશિયાની બાદબાકી થતાં પશ્ચિમી દેશોની નાણાકીયસંસ્થાઓને ચૂકવવાનાં નીકળતાં નાણાં રશિયા (અને ત્યાંની કંપનીઓ) ચૂકવી નહીં શકે અથવા નહીં ચૂકવે.

માત્ર સરકારો જ નહીં પરંતુ યુક્રેન પરના હુમલા બાદ કેટલીક ખાનગી કંપનીઓએ પણ રશિયા સાથે સંબંધ તોડવાની જાહેરાત કરી છે.

આઈફોન બનાવતી કંપની ઍપલે તેમની પ્રોડક્ટ્સના રશિયામાં વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

ડિઝની, વૉર્નર બ્રધર્સ, પિક્સર તથા સોની સ્ટુડિયોએ યુક્રેનમાં રશિયાની સૈન્યકાર્યવાહીના પગલે તેમની નવી ફિલ્મોની રિલીઝને હાલ પૂરતી અટકાવી દીધી છે.

આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ સંગઠન ફીફા તથા યુરોપના ફૂટબૉલ સંઘ યુએફાએ તમામ ચૅમ્પિયનશિપથી રશિયાની રાષ્ટ્રીય ટીમો તથા ફેડરેશનોની માન્યતા રદ કરી દીધી છે.

પશ્ચિમી દેશો દ્વારા અગાઉ ઈરાન તથા વેનેઝુએલા પર પણ આવા જ આર્થિકપ્રતિબંધ લાદવામાં આવ્યા હતા

આ સિવાય સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અશદ તથા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલ મદુરો પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા. જોકે, રશિયા જેવા મોટા દેશ પર અગાઉ ક્યારેય આવા પ્રતિબંધ લાદવામાં નથી આવ્યા.

રશિયાનો 'ખજાનો'

ઉપલબ્ધ સાર્વજનિક માહિતી પ્રમાણે, જાન્યુઆરી-2022માં રશિયા પાસે 630 અબજ ડૉલરનો વિદેશી મુદ્રાભંડાર (લગભગ ભારત જેટલો જ) હતો. જે ડૉલર, પાઉન્ડ, યુરો તથા સોના સ્વરૂપે દેશ-વિદેશમાં સંગ્રહાયેલો છે. તેનો 16 ટકા ભંડાર ડૉલરમાં તથા 13 ટકા ચાઇનિઝ ચલણમાં સંગ્રહાયેલો છે.

રશિયાના અર્થતંત્રમાં 20 ટકાનું તથા નિકાસમાં 50 ટકાનું પ્રદાન ક્રૂડઑઈલ અને ગૅસનું છે. તે યુરોપિયન દેશોનું સૌથી મોટું ઊર્જાભાગીદાર છે.

જર્મની દ્વરા રશિયા સાથે મળીને નૉર્ડ સ્ટ્રીમ 2 પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, પરંતુ યુક્રેન પરના આક્રમણ બાદ તે પ્રોજેક્ટનું ક્લિયરન્સ અટકાવી દીધું છે.

આ ભંડોળનો મોટો ભાગ રશિયાએ યુરોપિયન દેશોને ગૅસ તથા ક્રૂડઑઇલ વેંચીને ઊભો કર્યો છે. આ સિવાય તે ભારત સહિત વિશ્વના અનેક દેશોને હથિયાર વેંચે છે.

ભારતે અમેરિકા અને ઇઝરાયલ પાસેથી હથિયાર ખરીદવાનું શરૂ કર્યું, તે પહેલાં રશિયા ભારતના હથિયારબજાર પર લગભગ ઇજારો ભોગવતું હતું. આજે પણ આયાત કરાતાં 60 ટકા કરતાં વધુ હથિયારો રશિયાથી આવે છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સ્વાભાવિક રીતે પોતાના નામે વિદેશમાં સંપત્તિ ન ખરીદી શકે, તેમના વતી આ કામ નજીકના ધનવાનો કરે છે, જેઓ ઑલિગાર્ચ (Oligarch) તરીકે ઓળખાય છે.

સોવિયેટ સંઘનું વિઘટન થયું, તે પછી સરકારી નિયંત્રણ હેઠળના અલગ-અલગ ધંધામાં તેમણે ઝંપલાવ્યું અને ધનવાન બન્યા. પુતિન સાથેની નિકટતાને કારણે તેમને લાભ થયો છે.

રશિયાની બૅન્કિંગવ્યવસ્થા પડી ભાંગશે, મોંઘવારી માજા મૂકશે તથા મહામંદીમાં ધકેલાઈ જશે, તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે, પરંતુ યુરોપે પણ તેની કિંમત ચૂકવવી પડશે.

યુરોપ ચૂકવશે કિંમત

રશિયા દ્વારા 'વળતાં પગલાં' તરીકે યુરોપિયન દેશોની ઊર્જા આપૂર્તિને અટકાવી દેવામાં આવશે. ક્રૂડઑઈલના ભાવ બૅરદીઠ 101 ડૉલર પર પહોંચી ગયા છે. લોકોએ ડૉલર તથા સોના જેવા સલામત વિકલ્પો તરફ નજર દોડાવી છે. આ સિવાય ગૅસના ભાવો વધી ગયા છે.

રશિયાની સુરક્ષાપરિષદના નાયબ વડા દિમિત્રિ મેદવેવે ટ્વિટર ઉપર લખ્યું કે "જર્મન ચાન્સેલરના આદેશ બાદ જે ગૅસ એક ડૉલરમાં એક ક્યુબિક મીટર મળી શકે તેમ છે, તે બે ડૉલરમાં મળશે."

અન્ય એક ટ્વીટમાં તેમણે આર્થિક યુદ્ધ એ વાસ્તવિક યુદ્ધમાં બદલી શકે તેવી ધમકી પણ આપી હતી.

છેલ્લા એક અઠવાડિયામાં ગૅસના ભાવ 40 ટકા જેટલી વધી જવા પામ્યા છે. કૅનેડાએ રશિયાથી ક્રૂડઑઈલની આયાત અટકાવી દેવાની જાહેરાત કરી છે.

જોકે, તે ખાસ મોટું ગ્રાહક નથી અને ગત વર્ષે 29 કરોડ કૅનેડિયન ડૉલર જેટલી આયાત કરી હતી. કૅનેડા પોતે વિશ્વનું ચોથા ક્રમાંકનું ઑઇલ ઉત્પાદક રાષ્ટ્ર છે.

રશિયા અને યુક્રેનથી આવતા ઘઉંનો પુરવઠો અટકી જશે, એવી આશંકાએ તેના ભાવોમાં એક દાયકાનો સૌથી મોટો એકદિવસીય ઉછાળો જોવાયો હતો.

યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિયા, પશ્ચિમી તથા એશિયાઈ શૅરબજારો પર માઠી અસર જોવા મળી હતી અને તે ગગડી ગયા હતા.

પશ્ચિમી શૅરબજારોમાં નોંધાયેલી રશિયન કંપનીઓ અથવા રશિયાના ધનવાનોની કંપનીઓના શૅરોના ભાવ 50 ટકા સુધી ગગડી ગયા હતા, જેના કારણે સામાન્ય રોકાણકારની મૂડી ધોવાઈ હતી.

બ્રિટિશ પેટ્રોલિયમે (બીપી) રશિયા સાથેના સંયુક્તસાહસોમાંથી હઠી જવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે તેને 25 અબજ ડૉલરનું નુકસાન થાય તેમ છે.

આ અહેવાલને પગલે કંપનીના શૅરના ભાવ છ ટકા જેટલા ગગડી ગયા હતા. અમેરિકાના સિટી જૂથે જાહેરાત કરી હતી કે રશિયામાં તેની 10 અબજ ડૉલરનું રોકાણ છે, આ પછી કંપનીના શૅર સાડા ચાર ટકા જેટલા ઘટી ગયા હતા.

રશિયાના ધનવાનો દ્વારા બ્રિટનના લંડન સહિત અનેક પશ્ચિમી દેશોમાં સંપત્તિ, કાર અને વિમાન જેવી વૈભવી ખરીદીઓ કરવામાં આવે છે. તેમને આર્થિકવ્યવહારોમાંથી બાકાત કરાતા તેની સીધી અસર રિયલઍસ્ટેટ પર પડશે.

એક અનુમાન પ્રમાણે, એકલા લંડનમાં રસિયાના ધનવાનોની લગભગ દોઢ અબજ ડૉલરની સંપત્તિ છે. આ સિવાય રશિયાના ધનવાનો નાણાં આપીને બ્રિટનમાં રોકાણ કરીને નાગરિકત્વ ખરીદે છે.

જે પશ્ચિમી દેશો માટે આવકનો નજીવો સ્રોત છે. પશ્ચિમી દેશોએ આવી સંપત્તિઓને ઓળખી કાઢવા માટે ટાસ્કફોર્સનું ગઠન કર્યું છે.

યુરોપિયન દેશોએ સૈન્ય તથા નાગરિક એમ 'બેવડા ઉપયોગ'ની વસ્તુઓ જેમ કે લેસર, હાઈટેક ઉપકરણો તથા કેમિકલનું રશિયાને વેચાણ અટકાવવાની જાહેરાત કરી છે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગોને સીધી અસર થશે.

યુરોપિયન સેન્ટ્રલ બૅન્કને લાગે છે કે રશિયાની સરકારી બૅન્ક સબરબૅન્કના SBER ક્રોએશિયા તથા સ્લૉવેકિયાના એકમોમાંથી લોકોએ થાપણો ઉપાડી લીધી છે અને હવે આ યુરોપિયન એકમો આગામી દેવાં ચૂકવી નહીં શકે.

રશિયાની ઍરલાઇન્સ કંપનીઓને વિમાન તથા તેના પાર્ટ્સ નહીં વેંચવાની પણ જાહેરાત કરવામાં આવી છે. યુરોપિયન સંઘ તથા યુકેએ રશિયાના વિમાનો તથા ઍરલાઇન્સના વિમાનોની અવર-જવર પર પ્રતિબંધ લાદી દીધો છે. જેના કારણે ફ્લાઇટોનો સમય વધી જવા પામ્યો છે તથા ટિકિટો મોંઘી બની છે.

ઈયુ દ્વારા રશિયાની મીડિયાસંસ્થા સ્પુતનિક તથા રશિયા ટુડે ઉપર પ્રતિબંધ લાદી દીધા છે. રશિયા દ્વારા પશ્ચિમી દેશોના મીડિયાગૃહો ઉપર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરવામાં આવી છે.

શરણાર્થીઓનો ધસારો

રશિયાના આક્રમણ પછી લગભગ સાડા છ લાખ લોકો યુક્રેન છોડીને પાડોશના દેશોમાં ધસી ગયા છે. અગાઉથી જ મધ્ય-પૂર્વ એશિયાની અસ્થિરતાને કારણે નિરાશ્રિતોની સમસ્યાનો સામનો કરી રહેલા પશ્ચિમી દેશો માટે યુરોપિયન દેશોના શરણાર્થીઓની સમસ્યા ઊભી થઈ શકે તેમ છે.

લિથુઆનિયાએ કટોકટીની જાહેરાત કરી દીધી છે. સ્વીડન તથા ફિનલૅન્ડ નાટોના સભ્યદેશ નથી, છતાં તેની બેઠકમાં સામેલ થયા છે. પોલૅન્ડે તેની યુક્રેન સાથેની સરહદ પર સૈનિકો વધારી દીધા છે.

નાટોએ પોતાની 'એક-એક ઇંચ' જમીનની સુરક્ષા કરવાની જાહેરાત કરી છે, પરંતુ રશિયા સામે હજુ સુધી કોઈ સૈન્ય પગલાની જાહેરાત નથી કરાઈ. અફઘાનિસ્તાનમાં સત્તા પર તાલિબાનના કબજા તથા અમેરિકાના નેતૃત્વમાં નાટોની ચેતવણી છતાં રશિયાની કાર્યવાહીને કારણે અમેરિકાના મહાસત્તાના દરજ્જા ઉપર સવાલ ઊભા થશે.

નિષ્ણાતો એક વાત સાથે સહમત થાય છે કે રશિયા પર લાદવામાં આવેલાં નિયંત્રણોની કિંમત યુરોપિયનો તથા પશ્ચિમી દેશોએ પણ ચૂકવવી પડશે.

2014થી હતી રશિયાની તૈયારી

2014માં રશિયાએ ક્રિમિયાને પોતાની સાથે જોડી લીધું, ત્યારથી જ તેણે SWIFT પ્રતિબંધોની તૈયારી શરૂ કરી લીધી હતી. તેમણે પશ્ચિમી દેશો આધારિત અર્થતંત્રને બદલે પ્રતિબંધોની અસરથી મુક્ત વૈકલ્પિક અર્થતંત્ર બનાવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી. ચીન તેમાં મોટું ભાગીદાર હતું.

રશિયા પાસેથી ભારતે લગભગ પાંચ અબજ ડૉલરના ખર્ચે એસ-400 મિસાઇલ સિસ્ટમ ખરીદી છે, જે શત્રુઓની મિસાઇલ્સ તથા વિમાનોને ઓળખીને તેને હવામાં જ તોડી પાડવા માટે સક્ષમ છે.

આ કરાર 2014 પછી કરવામાં આવ્યા હોવાથી રશિયાએ 'વૈકલ્પિક માધ્યમ'થી આર્થિક લેવડ-દેવડ કરી હતી.

છેલ્લા એક દાયકા દરમિયાન રશિયાના અર્થતંત્રનો વિકાસ માત્ર એક ટકાના દરે થયો છે, પરંતુ તે વધુ આત્મનિર્ભર બન્યું છે.

આ સિવાય SWIFTના કુલ એક ટકા જેટલા વ્યવહાર રશિયા સાથેના છે. છતાં તે દેશના અર્થતંત્રને પાંચ ટકા જેટલું નુકસાન પહોંચાડી શકે છે, એવું રશિયાના પૂર્વ નાણામંત્રી ઍલેક્સી કુદરીનનું અનુમાન છે.

રશિયા ચીનપ્રેરિત ક્રૉસબૉર્ડર ઇન્ટરબૅન્ક પૅમૅન્ટ સિસ્ટમ તથા રશિયાની પોતાની નેશનલ પૅમૅન્ટ કાર્ડ સિસ્ટમ દ્વારા આર્થિકવ્યવહારો કરી શકે છે. જોકે, વિશ્વના બહુ થોડા દેશ તેનો ઉપયોગ કરે છે. રશિયાનાં સસ્તાં ક્રૂડ ઑઇલ તથા સસ્તી ધાતુઓ માટે ચીન મોટું બજાર બની શકે તેમ છે.

રશિયાનો રૂબલ રોળાયો

રશિયા દ્વારા યુક્રેન સામે કરવામાં આવેલી સૈન્યકાર્યવાહી બાદ પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધોની અસર દેખાઈ રહી છે. રશિયાનાં અનેક શહેરોમાં લોકો પૈસા ઉપાડવા માટે એટીએમ તથા બૅન્કોની બહાર લાઇન લગાવી રહ્યા છે.

રશિયાની મધ્યસ્થ બૅન્કે વ્યાજનો દર 9.5 ટકાથી વધારીને 20 ટકા કરી દીધો છે, જેથી કરીને બૅન્કોમાંથી નાણા ઉપાડવા માટે નાગરિકો ઉતાવળા ન બને અને આર્થિક અંધાધૂંધી ન સર્જાય. સામાન્ય રશિયનોની બચત ધોવાઈ જાય તેમ છે. મંગળવારે સતત બીજા દિવસે મૉસ્કોનું શૅરબજાર બંધ રહ્યું હતું.

આ સિવાય પુતિન દ્વારા વિદેશમાં નાણાં મોકલવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એટલે સુધી કે વિદેશમાંથી લીધેલી લૉન પણ પરત નહીં ચૂકવી શકાય.

રાષ્ટ્રપતિ પુતિન તથા તેમના આર્થિક સલાહકારોની એક બેઠક મૉસ્કોમાં મળી, જેમાં પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો તથા તેની સંભવિત અસરની સમીક્ષા કરવામાં આવી.

ક્રૅમલિનના પ્રવક્તા દિમિત્રે પેસ્કૉવના કહેવા પ્રમાણે, "પ્રતિબંધો ખૂબ જ કડક છે, પરંતુ રશિયા તેને પહોંચી વળવા માટે સક્ષમ છે."

કેટલાક નિષ્ણાતો માને છે કે પુતિને પોતાની સૈન્ય તાકતને વધારે આંકી હતી અથવા તો યુક્રેનની સેનાને ઓછી આંકી હતી. આર્થિક મુશ્કેલીઓને પહોંચી વળવા માટે પુતિન કેટલા સજ્જ છે કે આ અંધાધૂંધીનો આરંભ છે, તે સમય આવ્યે સ્પષ્ટ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો