યોગી આદિત્યનાથ માટે ગોરખપુરની બેઠક જીતવી મુશ્કેલ બની રહી છે? ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા, ગોરખપુરથી

કહેવાય છે કે ગોરખપુરના રાજકારણમાં ગોરખનાથમઠની મરજી વગર એક પણ પાંદડું હલતું નથી.

વાત વર્ષ 2002ની છે જ્યારે યોગી આદિત્યનાથ ગોરખપુરમાં ભાજપની વિરુદ્ધ ઊભા રહ્યા હતા. વાસ્તવમાં, ભાજપે શિવપ્રતાપ શુક્લાને વિધાનસભાની ટિકિટ આપી અને તેઓ યોગી આદિત્યનાથને પસંદ નહોતા.

તેથી, એમની વિરુદ્ધમાં એમણે હિન્દુ સભા તરફથી ડૉક્ટર રાધામોહનદાસ અગ્રવાલને પોતાના ઉમેદવાર બનાવીને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા.

એવું પહેલી વાર બન્યું હતું કે ભાજપની વિરુદ્ધ મઠ ખુલ્લેઆમ હિન્દુ મહાસભાના ઉમેદવારને સમર્થન આપી રહ્યો હતો. થયું એવું કે જે ભાજપમાંથી શિવપ્રતાપ શુક્લા ચારચાર વાર જીતી ગયા હતા તેઓ આ વખતે ચૂંટણી હારી ગયા.

સાથે જ, આ ચૂંટણીએ ભાજપના હાઈકમાન્ડને એવો સંદેશો પણ પહોંચાડ્યો કે યોગી આદિત્યનાથ અને મઠ ગોરખપુરના રાજકારણમાં કેટલું પ્રભુત્વ ધરાવે છે.

20 વર્ષ પછી હવે યોગી ગોરખપુર શહેર સીટ પરથી પોતાની પહેલી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે અને આ વખતે એમની સામે એવા ઉમેદવાર ઊભા છે જે ક્યારેક એમની સાથે ઊભા હતા.

આ સીટ પર સમાજવાદી પાર્ટીએ સુભાવતી શુક્લાને પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. સુભાવતી, ગોરખપુર ભાજપના દિગ્ગજ નેતા રહેલા સ્વ. ઉપેન્દ્રદત્ત શુક્લાનાં પત્ની છે.

યોગી મુખ્યમંત્રી બન્યા બાદ 2018માં એમની લોકસભા સીટની પેટાચૂંટણીમાં ભાજપે ઉપેન્દ્ર શુક્લાને ટિકિટ આપી હતી પરંતુ તેઓ સપા-નિષાદ પાર્ટી ગઠબંધનના પ્રવીણ નિષાદ સામે હારી ગયા હતા.

28 વર્ષોમાં એવું પહેલી વાર બન્યું હતું કે ગોરખપુરની લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર અંગે રાજકીય વર્તુળોમાં એવી વાતો થવા લાગી કે શુક્લાને ભાજપના જ એક જૂથે સાથ ન આપ્યો.

હવે, આ ચૂંટણીમાં એમનાં પત્ની યોગીને પડકારી રહ્યાં છે, જેમનો ભૂતકાળમાં રાજકારણ સાથે કોઈ સંબંધ નથી રહ્યો.

ક્યારેક સાથે ઊભેલા લોકો આજે યોગીની સામે

ગોરખપુર શહેરના ઉર્દૂ બાઝારની પાસે એક ખૂબ સાંકડી ગલીમાં સુભાવતી શુક્લાના ઘરની પાસે ગળામાં સપાનો લાલ પટ્ટો પહેરેલા કાર્યકર્તાઓ દૂરથી જ નજરે પડે છે. જ્યારે અમે ઘરની અંદર દાખલ થયાં, તો એક ખૂબ ઓછા પ્રકાશવાળા રૂમમાં અમને બેસાડવામાં આવ્યાં.

થોડી વારમાં સુભાવતી શુક્લા એ રૂમમાં આવ્યાં. એમની બાજુમાં ઊભેલા એમના ભત્રીજાએ કહ્યું કે, "તેઓ સરખી રીતે વાત નહીં કરી શકે, ઘરેલુ મહિલા હતાં, અત્યાર સુધી તો એમને ખબર જ નથી કે મીડિયા સાથે કેવી રીતે વાત કરવી જોઈએ."

અત્યંત શાંત દેખાતાં સુભાવતી અમારા પહેલા પ્રશ્ને જ ભાવુક થઈ ગયાં. આંખોમાં આંસુ અને રૂંધાયેલા અવાજમાં એમણે કહ્યું, "મારા પતિના ગુજરી ગયાને બે વર્ષ થવા આવ્યાં છે પરંતુ યોગીજી અને પાર્ટીના મોટા નેતાઓ અમારા દરવાજે નથી આવ્યા, મને કોઈએ કશું નથી પૂછ્યું, હું શું કરું."

"અખિલેશજી પાસે ગઈ તો એમણે સન્માન આપ્યું, પોતાની માતા જેવાં ગણાવ્યાં, આ ચૂંટણી હું મારા પતિના સન્માન માટે લડી રહી છું."

સુભાવતીની વાતમાં ભાજપ પ્રત્યેની એમની હતાશા સ્પષ્ટ દેખાય છે. તેમણે કહ્યું કે, "મારા પતિએ 42 વર્ષ સુધી ભાજપમાં જે નેતાઓ માટે બધું જ કર્યું, એમના થેલા સુધ્ધાં ઉપાડ્યા, એ પાર્ટીના દરવાજે જ્યારે હું ગઈ તો જવાબ મળ્યો કે આ મૃતકોની પાર્ટી નથી."

"મારે અખિલેશને જિતાડવા છે. મારા પતિને વર્ષ 2018માં પેટાચૂંટણી નહોતી લડવી પરંતુ એમને જબરજસ્તી ટિકિટ આપીને ચૂંટણી લડાવ્યા અને હરાવ્યા પણ ખરા, એ બધું કોના ઇશારે થયું એ બધાને ખબર છે."

સુભાવતી, જેમનો પરિવાર વર્ષો સુધી યોગી આદિત્યનાથ માટે વોટ માંગતો રહ્યો, આજે યોગીની વિરુદ્ધ ઊભાં છે.

પરંતુ તેઓ એકલાં નથી, કૉંગ્રેસે પણ ગોરખપુરના રાજકારણમાં એના પર જ દાવ લગાવ્યો છે કે જેમનો ભૂતકાળ ક્યાંક ને ક્યાંક ભાજપ અને યોગી સાથે જોડાયેલો રહ્યો છે.

ચેતના પાંડે આ વખતે કૉંગ્રેસનાં ઉમેદવાર છે. વર્ષ 2005માં ગોરખપુર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી મંડળનાં ઉપાધ્યક્ષ રહેલાં ચેતના લાંબા અરસા સુધી આરએસએસ સાથે સંકળાયેલા વિદ્યાર્થી સંગઠન એબીવીપી સાથે જોડાયેલાં હતાં.

જ્યારે કૉંગ્રેસે એમના નામ પર મહોર મારી તો સોશિયલ મીડિયા પર રાજ્યના વર્તમાન સીએમ યોગી આદિત્યનાથની સાથેની એમની તસવીરો શેર થવા લાગી.

ચેતના 2019માં કૉંગ્રેસમાં જોડાયાં હતાં, પરંતુ એબીવીપી સાથે તેઓ 2005થી જ જોડાયેલાં હતાં.

ચેતના ભાજપ છોડીને કૉંગ્રેસ તરફ કેમ વળ્યાં, એ પણ એવા સમયે કે જ્યારે રાજ્યમાં કૉંગ્રેસની દુર્દશા બેઠી છે ત્યારે?

આ સવાલના જવાબમાં ચેતનાએ કહ્યું કે, "મેં એવા સમયે એબીવીપીમાંથી વિદ્યાર્થી મંડળની ચૂંટણી લડી જ્યારે છોકરીઓ વિદ્યાર્થી રાજકારણમાં આવતી પણ નહોતી, વરસો સુધી એ જ કર્યું જે ભાજપ અને એબીવીપીમાં કરવા માટે કહેવાયું."

"મેં તો એ વિચારધારાને સાથ આપ્યો જ, પરંતુ તમને ખબર છે કે તેઓ (યોગી આદિત્યનાથ) કેટલા પાવરફુલ છે, તેઓ પોતાની પાર્ટી જ નહીં, બીજી પાર્ટીના રાજકારણને પણ અહીં પ્રભાવિત કરવા માટે સક્ષમ મનાય છે."

"હું ભાજપની વિચારધારા સાથે જોડાયેલી હતી અને એના માટે રાતદિવસ એક કરતી રહી, પરંતુ પાર્ટી મને અપનાવી શકી નહીં. ભાજપના બધા વરિષ્ઠ નેતાઓને ખબર છે કે મેં શું કર્યું છે, પરંતુ એમાં રસ્તો અવરોધનારા ઘણા છે."

"હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે હું યોગીજીની સાથે નહીં, વિચારધારાની સાથે હતી. હું હંમેશા યોગીજીનાં બયાનોની વિરોધી રહી છું."

પોતાની ઉમેદવારી બાબતે ચેતનાએ કહ્યું કે, "હું બધાં કરતાં વધારે ભણેલી ઉમેદવાર છું, જનતા માટે પહેલાંથી કામ કરતી રહી છું, તેથી જનતા ચેતનાને જ પસંદ કરશે."

ગોરખપુરનું બ્રાહ્મણ વિ. ઠાકુર ફૅક્ટર

યોગીની વિરુદ્ધના બંને ઉમેદવાર બ્રાહ્મણ છે. ગોરખપુરમાં બ્રાહ્મણ વિરુદ્ધ ઠાકુરની લડાઈ દાયકા જૂની છે, જે અહીંના રાજકારણમાં સૌથી મોટું પરિબળ છે.

આ લડાઈ શરૂ થઈ મઠના મહંત દિગ્વિજયનાથના જમાનાથી. કહેવાય છે કે દિગ્વિજયનાથ અને એ સમયના બ્રાહ્મણોના નેતા સુરતિનારાયણ ત્રિપાઠી વચ્ચે અણબનાવ હતો અને ત્યાંથી જ આ લડાઈની શરૂઆત થઈ.

ત્યાર બાદ બ્રાહ્મણોના નેતા અને બાહુબલી હરિશંકર તિવારીએ બ્રાહ્મણ વિરુદ્ધ ઠાકુરની લડાઈમાં બ્રાહ્મણોનું નેતૃત્વ કર્યું અને ઠાકુરો તરફથી સૌથી મોટા નેતા હતા વીરેન્દ્રપ્રતાપ શાહી.

જાણકારો કહે છે કે, વર્ષ 1998માં ગૅન્ગસ્ટર શ્રીપ્રકાશ શુક્લાએ વીરેન્દ્રપ્રતાપ શાહીની હત્યા કરી, એના પછી ઠાકુરોના નેતૃત્વની ખાલી પડેલી જગ્યા યોગી આદિત્યનાથે ભરી. અહીંથી યોગી આદિત્યનાથના હાથમાં ઠાકુરોની કમાન આવી ગઈ.

મઠ અને હાતા (હરિશંકર તિવારીના ઘરને ગોરખપુરમાં હાતાના નામે ઓળખવામાં આવે છે.) વચ્ચે પ્રભત્વની લડાઈ વધી ગઈ. લાંબા સમય સુધી આ લડાઈ ચાલતી રહી અને છેવટે 90ના દાયકામાં યોગી આદિત્યનાથે મઠના પ્રભાવને વધારી દીધો અને હાતાનું વર્ચસ્વ ઓછું થતું ગયું.

દાયકાઓથી ગોરખપુરના રાજકારણના નિરીક્ષક પત્રકાર મનોજસિંહે જણાવ્યું કે, "ગોરખપુરના રાજકારણમાં ઠાકુર વિરુદ્ધ બ્રાહ્મણના વર્ચસ્વની લડાઈનો ઇતિહાસ ઘણો જૂનો છે, આ સંઘર્ષ ગોરખપુર વિશ્વવિદ્યાલય બનતી હતી ત્યારે શરૂ થયો."

"એ સમયના મહંત દિગ્વિજયનાથે વિશ્વવિદ્યાલય માટે જમીન દાન આપી અને તેઓ શહેર પર વર્ચસ્વ જમાવવા માગતા હતા, અને બીજી એક લૉબી પણ હતી જે બ્રાહ્મણોનો દબદબો હોય એમ ઇચ્છતી હતી. આગળ જતાં વર્ચસ્વની આ લડાઈ ખૂની ગૅન્ગવૉરમાં બદલાઈ ગઈ."

"આજે પણ એ રાજકીય દ્વંદ્વ અસ્તિત્વમાં છે અને આજે પણ બ્રાહ્મણોનો એક મોટો વર્ગ માને છે કે યોગી ઠાકુરોના નેતા છે."

ગોરખપુર સીટ યોગી આદિત્યનાથ માટે સુરક્ષિત સીટ છે. ભલે આ એમની પ્રથમ વિધાનસભા ચૂંટણી હોય પરંતુ તેઓ ગોરખપુરથી 1998થી 2014 સુધી પાંચ વાર સાંસદ રહી ચૂક્યા છે. વર્ષ 2002માં એક સૂત્ર ગુંજ્યું હતું જે આજ સુધી ગોરખપુરનાં ગલી-નાકાં પર સંભળાતું રહ્યું છે - 'ગોરખપુર મેં રહના હૈ તો યોગી-યોગી કહના હૈ.'

મનોજસિંહે કહ્યું કે, "ગોરખપુર શહેર સીટ પર ભાજપને હરાવવું મુશ્કેલ છે, ખાસ કરીને વર્ષ 2012માં જ્યારે મતક્ષેત્રોનાં નવાં સીમાંકન થયાં ત્યારે ગોરખપુર શહેર સીટનું જાતીય સમીકરણ કંઈક એવું થઈ ગયું કે આ સીટ પર ઉચ્ચ જ્ઞાતિના લોકોની સંખ્યા વધી ગઈ, જેઓ ભાજપના કોર વોટર છે, તો એનાથી એને હંમેશા લાભ થાય છે."

"તમે જોશો કે વર્ષ 2012થી આ સીટ માટે ભાજપનો વોટ શેર પણ વધ્યો છે. આ સીટ જીતવી આસાન બનવાનું એક કારણ એ પણ છે તે સમાજવાદી પાર્ટી હોય કે કૉંગ્રેસ કે બસપા - કોઈ પણ પાર્ટીએ અહીં મોટા નેતા ઊભા રાખવાની કોશિશ પણ નથી કરી."

"આ પાર્ટીઓ દર વર્ષે એક નવા ઉમેદવારને ઉતારે છે, તો એમના કોઈ નેતા અહીંનો ચહેરો નથી બની શક્યા, પરંતુ યોગી અહીંના લોકોમાં એક જાણીતું અને પોતીકું નામ છે."

જાણકારો કહે છે કે ગોરખપુર શહેર સીટના જાતીય સમીકરણમાં સૌથી વધારે કાયસ્થ છે જેમને ભાજપની વોટબૅન્ક માનવામાં આવે છે.

આ સીટ માટે લગભગ 4.50 લાખ મતદાતા છે. એક અનુમાન અનુસાર એમાં કાયસ્થ 95 હજાર, બ્રાહ્મણ 55 હજાર, મુસલમાન 50 હજાર, ક્ષત્રિય 25 હજાર, વૈશ્ય 45 હજાર, નિષાદ 25 હજાર, યાદવ 25 હજાર અને દલિત 20 હજાર છે.

ચંદ્રશેખરનો પડકાર

છેલ્લાં ઘણાં વરસોથી ગોરખપુરના રાજકારણમાં યોગીની સામે ચૂંટણીમાં કોઈ એવા ઉમેદવાર નથી ઊતરી શક્યા જે સમાચારોમાં ચમકી શકે, પરંતુ આ ચૂંટણીમાં યોગીની સાથેસાથે જે સૌથી વધારે ચર્ચાઓમાં રહ્યા છે એ છે ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ.

ચંદ્રશેખર પોતાની કરિયરની પહેલી ચૂંટણી લડી રહ્યા છે, અને એમની પહેલી જ લડાઈ મુખ્યમંત્રી સામે છે.

પરંતુ ગોરખપુરના માર્ગો પર એવો અનુભવ સુધ્ધાં નથી થતો કે અહીંના ચૂંટણીજંગમાં ચંદ્રશેખર પણ છે. તેઓ માર્ગો પરનાં હોર્ડિંગમાં નથી દેખાતા કે ના તો સ્થાનિક અખબારોનાં પાનાં પર અને કોઈ શેરી-ગલીના નાકા પર એમની ઉમેદવારીની કશી ચર્ચાઓ પણ નથી સંભળાતી.

જ્યારે અમે આ સવાલ ચંદ્રશેખરને પૂછ્યો તો એમણે કહ્યું, "તમે મને જ્યાં શોધી રહ્યાં છો એ તો પૈસાદારોની જગ્યા છે, હું પૈસા આપીશ તો અખબાર છાપી દેશે. હા, હું ઇચ્છતો હતો કે હોર્ડિંગ મુકાય પરંતુ અમને બૅનર લગાવવાની મંજૂરી નથી મળતી."

"અહીં અમે અમારાં પોસ્ટર્સ પણ ચોંટાડીએ છીએ તો એને ફાડી નાખવામાં આવે છે. પરંતુ હું લોકોને મળી રહ્યો છું અને લોકો કહી રહ્યા છે કે તેઓ મુખ્યમંત્રીના શાસનથી પરેશાન છે અને હવે પરિવર્તન લાવશે."

યોગીને પડકારના સવાલના જવાબમાં ચંદ્રશેખરે કહ્યું કે, "મને આસાન લડાઈ નથી ગમતી, મેં તો કહેલું કે જો યોગીજી અયોધ્યાથી ઊભા રહેશે કે મથુરાથી લડશે તો હું ત્યાંથી લડીશ પરંતુ તેઓ રિવર્સ ગિયરમાં ગોરખપુર આવી ગયા. જો યોગીજીએ પાંચ વર્ષ કામ કર્યું છે તો પોતાના માટે સુરક્ષિત સીટ શા માટે પસંદ કરી રહ્યા છે?"

યોગીનો લિટમસ ટેસ્ટ

ગોરખપુર જિલ્લામાં 9 વિધાનસભા સીટો છે - કૈમ્પિયરગંજ, પિપરાઇચ, ગોરખપુર શહેરી, ગોરખપુર ગ્રામીણ, સહજનવા, ખજની, ચૌરીચૌરા, બાંસગાંવ, ચિલ્લૂપાર.

એક અનુમાન અનુસાર કૅમ્પિયરગંજ વિધાનસભા બેઠકના જાતિગત સમીકરણનો આધાર 40 ટકા નિષાદ મતદારો છે, યાદવ અને કુર્મી મતદારો પણ અહીં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પિપરાઇચ વિધાનસભા બેઠકમાં નિષાદ જાતિના 90 હજાર મતદારો છે અને ઓબીસી જાતિના મતદારો પણ નિર્ણાયક છે.

ગોરખપુર ગ્રામીણ વિધાનસભા બેઠકના જાતિગત સમીકરણનો આધાર ગણાતા નિષાદ અને દલિત વોટો પર સૌનું સૌથી વધારે ધ્યાન હોય છે. ખજની સીટ પર દલિત વોટ નિર્ણાયક છે. બાંસગાંવ વિધાનસભા સીટના જાતિગત સમીકરણમાં બ્રાહ્મણ બહુમતી આધાર બને છે.

એની સાથે જ ચિલ્લૂપાર બેઠક પર જાતિના વર્ચસ્વથી અલગ હરિશંકર તિવારીના નામ પર વોટિંગ થાય છે.

મતલબ કે, જો ગોરખપુર શહેરની સીટને બાદ કરી દઈએ તો ગોરખપુરની અન્ય સીટો પર સવર્ણ જાતિઓ નિર્ણાયક ભૂમિકામાં નથી.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં આ 9 બેઠકોમાંથી 8માં ભાજપ ચૂંટણી જીત્યો હતો.

ગોરખપુરના રાજકારણને નજીકથી સમજનારા માને છે કે યોગીનો લિટમસ ટેસ્ટ માત્ર ગોરખપુર શહેરની સીટ પર જ નહીં, બલકે, જિલ્લાની બાકી 8 સીટોમાં પણ થશે.

મનોજસિંહે આ ચૂંટણીમાં યોગીની સામે મોટી ચૅલેન્જનો ઉલ્લેખ કરીને કહ્યું કે, "યોગી માટે ગોરખપુર શહેર સીટ જીતવી કંઈ મુશ્કેલ કામ નથી, પરંતુ એ જીત માત્ર એમની જીતથી નક્કી નહીં થાય, જોવાનું એ રહે છે કે એમની જીતમાં સરસાઈ કેટલી વધારે છે, અને એનાથી પણ વધારે મહત્ત્વની વાત એ છે કે લગભગ 6 સીટો પર એમને કટોકટીની ટક્કર મળી રહી છે."

"£જો યોગી ગોરખપુરની બાકીની સીટો ન જીતી શકે તો પોતાની સીટ જીત્યા બાદ પણ તેઓ હારેલા જ મનાશે. ગોરખપુર એમનો જિલ્લો છે, મુખ્યમંત્રી હોવા છતાં લગભગ દર 15 દિવસે તેઓ ત્યાં જાય છે, એ જોતાં જો તેઓ પોતાના જિલ્લામાં જ મોટી જીત ન અપાવી શક્યા તો એ એમની શાખ માટે યોગ્ય નહીં હોય. તેથી આ ચૂંટણી એમનો લિટમસ ટેસ્ટ છે."

યુપીના આ વીઆઇપી જિલ્લામાં શું યોગી પોતાનો લિટમસ ટેસ્ટ પાસ કરી શકશે?, જનતા એનો નિર્ણય 3 માર્ચે કરશે અને એની ખબર 10 માર્ચ પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો