આશિષ મિશ્રાને જામીન મળવાથી મૃતકોના પરિવારઃ ‘એમના છૂટવાના કારણે અમારા પર જોખમ, એમની સરકાર છે, કંઈ પણ કરી શકે’

    • લેેખક, અનંત ઝણાણે
    • પદ, બીબીસી સંવાદદાતા, લખીમપુરથી

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ગયા વર્ષે 3 ઑક્ટોબરે માર્યા ગયેલા ચાર ખેડૂતો (દલજિતસિંહ, ગુરવિંદરસિંહ, લવપ્રીતસિંહ, નક્ષત્રસિંહ) અને પત્રકાર રમન કશ્યપની હત્યાના મામલામાં ઇલાહબાદ હાઈકોર્ટે ગુરુવારે મુખ્ય આરોપી આશિષ મિશ્રાના જામીન મંજૂર કરી દીધા હતા.

લવપ્રીતસિંહ, નક્ષત્રસિંહ અને રમન કશ્યપના પરિવારજનો લખીમપુર ખીરીમાં જ રહે છે. ગુરવિંદરસિંહ અને દલજિતસિંહના પરિવારજનો બહરાઇચના નાનપરાના રહેવાસી છે.

મૃતક ગુરવિંદરસિંહના પરિવારજનોનો આરોપ હતો કે એમને ગોળી વાગી હતી પરંતુ સરકારે કરાવેલા પોસ્ટમૉર્ટમમાં એવું કશું જોવા નહોતું મળ્યું.

મુખ્ય આરોપી અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાને જામીન મળ્યા બાદ બીબીસીની ટીમ ગુરવિંદરસિંહના પરિવારને મળવા બહરાઇચના નાનપરામાં ગઈ હતી.

ગામમાં ગુરવિંદરના પિતા સુખવિંદરસિંહ અને એમનાં માતા દલજિત કૌર સાથે મુલાકાત થઈ. ગુરવિંદરસિંહના પિતા સુખવિંદરસિંહે જામીનના નિર્ણય પર સવાલ કરતાં કહ્યું, “હાલની સરકારોને અમારે તો એટલું જ કહેવું છે કે પાંચ પાંચ ખેડૂતોની એણે કચડીને હત્યા કરી નાખી, તો એને આટલી જલ્દી બેલ કઈ રીતે મળી ગઈ. આ બધું સરકારની મિલીભગત છે અને જ્યાં સુધી એમના (આશિષ મિશ્રાના) પિતા અજય મિશ્રા ટેની પોતાના પદ પર સ્થિર રહેશે ત્યાં સુધી અમને ન્યાય મળવાની કોઈ આશા નથી.”

એસઆઇટીની તપાસને ટાંકીને સુખવિંદરસિંહે જણાવ્યું કે, આરોપી આશિષ મિશ્રા ઘટનાસ્થળે પણ જોવા મળ્યા હતા, તેમ છતાં એમને જામીન મળી ગયા.

‘એમના છૂટવાના કારણે અમારા પર જોખમ છે, અમારા આખા પરિવાર પર જોખમ છે’

એમ તો કોર્ટના આદેશ પછીથી સુખવિંદરસિંહના ઘરે પોલીસનો જાપ્તો બેસાડી દેવાયો છે પરંતુ આશિષ મિશ્રાને જામીન મળ્યા પછી તેઓ પોતાની સલામતી બાબતે ચિંતિત છે.

તેમણે કહ્યું કે, “એમની સરકાર છે, કંઈ પણ કરી શકે છે. એ બહાર આવશે, કાલે અમને પણ મારશે તો અમે કંઈ નહીં કરી શકીએ. એના છૂટવાના લીધે અમારા પર જોખમ છે. અમારા આખા પરિવાર પર જોખમ છે.”

સમાચાર એજન્સી એએનઆઇને તાજેતરમાં જ અપાયેલા એક ઇન્ટરવ્યૂમાં લખીમપુર ખીરી સાથે સંકળાયલા સવાલો વિશે પૂછવામાં આવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલું કે, “સુપ્રીમ કોર્ટ જે કમિટી બનાવવા ઇચ્છતી હતી રાજ્ય સરકારે એને સંમતિ આપી દીધી, સુપ્રીમ કોર્ટ જે જજના નેતૃત્વમાં તપાસ કરાવવા માગતી હતી રાજ્ય સરકારે સંમતિ આપી. રાજ્ય સરકાર પારદર્શી રીતે કામ કરી રહી છે, ત્યારે તો સુપ્રીમ કોર્ટની ઇચ્છાનુસાર નિર્ણય કરે છે.”

સુખવિંદરસિંહે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંને તરફ પોતાની નારાજગી પ્રકટ કરતાં જણાવ્યું કે, “હવે મુખ્ય મંત્રી તો અમારા યોગીજી છે. અમે એમને જ વિનંતી કરી શકીએ. એમના સિવાય આગળ વધવાનો અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી, પરંતુ ના યોગીજીએ કે ના મોદીજીએ, આજ સુધી ભાજપના કોઈ નેતાએ અમને કોઈ ફોન નથી કર્યો, નથી અમારા દરવાજે આવ્યા કે નથી અમારા ખબરઅંતર પૂછ્યા.”

પરંતુ સુખવિંદરસિંહને સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળશે એવો પૂરો વિશ્વાસ છે.

તેમણે કહ્યું, “કેસ જો સુપ્રીમ કોર્ટની દેખરેખમાં છે તો સારી વાત છે. સુપ્રીમ કોર્ટની દેખરેખમાં ન હોત તો એને જેલ પણ ના થઈ હોત. પરંતુ સુપ્રીમ કોર્ટ પોતાના સ્થાને કામ કરી રહી છે અને એ પોતાની જગ્યાએ કામ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારનું કશુંક દબાણ છે, જેથી આટલી જલ્દી બેલ મળી ગઈ. એક ખૂનનો આરોપ હોય છે તો બેલ નથી મળતી, છ–છ મહિના, સાત–સાત મહિના, આખું વરસ થઈ જાય છે; અને એની ઉપર તો પાંચ છે.”

પ્રશ્ન પૂછતાં ગુરવિંદરસિંહનાં માતા દલજિત માત્ર રડતાં હતાં, તેમણે કહ્યું, “હવે ન્યાય ક્યાંથી મળશે અમને? ન્યાય મળવાનો હોત તો એને જામીન મળી જાત?”

‘અમને માત્ર ન્યાય જોઈએ’

સુખવિંદરસિંહના ઘરથી 12 કિલોમીટર દૂર નાનપરામાં જ દલજિતસિંહનું ઘર પણ છે. 37 વર્ષના દલજિતસિંહ પણ 3 ઑક્ટોબરે તિકુનિયામાં મરાયા હતા.

દલજિતસિંહના ભાઈ જગજિતસિંહે કહ્યું કે, “જ્યારે એ મુખ્ય આરોપી છે, કાવતરું કરનાર છે, કાવતરું કરીને અમારા પરિવારને બરબાદ કર્યો છે, તો પછી કઈ રીતે કહી શકાય કે એ તપાસ હેઠળ છે. પારદર્શિતા તો અમને દેખાતી નથી.”

ખેડૂત દલજિતસિંહનાં પત્ની પરમજિતસિંહ વાત કરતાં કરતાં રડી પડ્યાં.

તેમણે જણાવ્યું કે, “અમને માત્ર ન્યાય જોઈએ છે. મારા ‘આદમી’નો કોઈ વાંક બતાવો. જે ચૂપચાપ જતા હતા એમની ઉપર ગાડી… આ મારાથી સહન નથી થતું. નાનકડું બાળક છે મારી સાથે, પાંચ મહિના થયા છે એ સરખું ખાવાનું પણ નથી ખાતું.”

પરમજિતે કહ્યું કે, “દલજિત આંદોલનમાં જોડવા માટે દિલ્હી પણ ગયા હતા. પહેલાં પણ જતા હતા દેખાવો કરવા, પહેલી વાર નહોતા ગયા. પરંતુ એવી કોઈ માહિતી નહોતી કે સરકાર હોવા છતાં આવું પણ થઈ શકે છે. સરકાર કહે છે કે ગુંડારાજ ખતમ કરીશું. ક્યાં કરશે? ગુંડા તો એણે પાળી રાખ્યા છે. કશું નથી સરકાર.”

સવાલ એ પણ ઊભો થાય છે કે ચૂંટણીનું વાતાવરણ છે ત્યારે કોર્ટ દ્વારા આશિષ મિશ્રાને જામીન આપવા એ કેવી અસર જન્માવશે?

આ બાબતે જગજિતસિંહે કહ્યું કે, “ભાજપ જે કંઈ કામ કરી રહ્યો છે એ માત્ર ચૂંટણી છે તેથી કરે છે. મંત્રીને હજુ સુધી કાઢી નથી મુકાયા, એ પદ પર બેઠેલા છે અને રેલીઓ થઈ રહી છે, બધાં કામ થઈ રહ્યાં છે. એ દરમિયાન એને બેલ આપવી એ ખૂબ મોટો મુદ્દો છે.”

કેન્દ્રીય મંત્રીએ કોઈ ટિપ્પણી ના કરી

હમણાં તો કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની પોતાના વિસ્તારમાં જ છે અને ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત છે.

શુક્રવારે એમની સાથે પણ મુલાકાત થઈ. પરંતુ એમણે ચૂંટણીપ્રચારમાં ખૂબ વધારે વ્યસ્ત હોવાનું કહીને આ બાબતમાં કશું પણ કહેવાનો ઇનકાર કરી દીધો.

જામીન મંજૂર કરતાં કોર્ટે શું કહ્યું?

ઇલાહાબાદ હાઈકોર્ટે આશિષ મિશ્રાને જામીન આપતાં કહ્યું કે, “એ નિર્વિવાદ છે કે મૃત્યુ પામનાર ખેડૂતોનાં શરીર પર ગોળી વાગ્યાના ઘા નથી અને માત્ર ગાડીની ટક્કર વાગવાના લીધે થયેલી ઈજાનાં નિશાન છે.”

જસ્ટિસ રાજીવસિંહે એમ પણ કહ્યું કે, “કોર્ટ એ બાબતે આંખમીંચામણાં ન કરી શકે કે થાર ગાડીના ડ્રાઇવર અને એમાં બેઠેલા બે લોકોની દેખાવો કરનારાઓએ હત્યા કરી દીધી. તસવીરોમાં પ્રદર્શનકારીઓની નિર્દયતા ચોખ્ખી દેખાય છે. આ બાબતમાં ચાર પ્રદર્શનકારીઓની ઓળખ પણ થઈ છે અને એમની સામે ચાર્જશીટ પણ કરવામાં આવી છે.”

ગોળી છોડવા અને ગોળીથી કોઈના ઘાયલ થવા બાબતે કોર્ટે પોતાના ફેંસલામાં કહ્યું કે, “આ બધા સાક્ષીઓ અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, એફઆઇઆરમાં આશિષ મિશ્રા પર ફાયરિંગ કર્યાનો આરોપ કરાયો હતો પરંતુ ફાયરિંગથી થનારા ઘા મૃત્યુ પામનારા ખેડૂતોનાં શરીર પર કે ઘાયલોનાં શરીર પર જોવા મળ્યા નથી.”

કોર્ટે ઉમેર્યું છે કે, “ફરિયાદી પક્ષ તરફથી એવો આરોપ પણ કરાયો હતો કે આશિષ મિશ્રાએ પોતાના ડ્રાઇવર હરીઓમને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મારવા માટે ઉશ્કેર્યો પરંતુ ડ્રાઇવર અને ગાડીમાં બેઠેલા બે અન્ય લોકોને પ્રદર્શનકારીઓએ મારી નાખ્યા. આશિષ મિશ્રાને નોટિસ અપાઈ હતી અને એ તપાસ અધિકારી સમક્ષ હાજર થયા અને આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે. આ બધી પરિસ્થિતિઓને ધ્યાને લેતાં કોર્ટનું માનવું છે કે આશિષ મિશ્રાને જામીન પર મુક્ત કરવા જોઈએ.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો