You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોશિયલ એન્જિનિયરિંગના સહારે ચૂંટણીની વૈતરણી તરવાની બસપાની આશા કેટલી કારગત નિવડશે?
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા, આગ્રા અને લખનૌની મુલાકાત પછી
ગત વર્ષે 9 ઑક્ટોબરે પાર્ટીના સંસ્થાપક કાંશીરામની પુણ્યતિથિ પર બહુજન સમાજ પાર્ટીએ લખનૌમાં એક મોટી જાહેરસભાનું આયોજન કર્યું હતું.
આ સભામાં ભાષણ આપતાં બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના લોકો સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીથી નાખુશ છે અને હવે બસપાના શાસનને યાદ કરી રહ્યા છે. તે જ સમયે, માયાવતીએ દાવો કર્યો કે જનતાએ સત્તાપરિવર્તન માટે પોતાનું મન બનાવી લીધું છે અને આ વખતે તેમની પાર્ટી સરકાર બનાવશે એ નિશ્ચિત છે.
આ જાહેર સભા પછી માયાવતી કેટલાંક અઠવાડિયાં સુધી કોઈ મોટી ચૂંટણી કાર્યક્રમમાં જોવાં ન મળ્યાં અને સાથે એ ચર્ચાએ જોર પકડ્યું કે માયાવતી ચૂંટણીપ્રચારમાં કેમ અદૃશ્ય છે?
થોડા દિવસો પહેલાં જ્યારે બીબીસીની ટીમ લખનૌમાં બીએસપીના મુખ્યાલય પહોંચી ત્યારે ત્યાં સન્નાટો છવાયેલો હતો. પાર્ટીના ત્રણ-ચાર કર્મચારીઓ સિવાય કોઈ નહોતું.
પાર્ટી હેડ ક્વાર્ટરને જોઈને એ કહેવું મુશ્કેલ હતું કે આ ઉત્તર પ્રદેશમાં આગામી સરકાર બનાવવાનો દાવો કરી રહેલા રાજકીય પક્ષનું કાર્યાલય છે.
પરંતુ બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશચંદ્ર મિશ્રાએ કહેવું પડ્યું હતું કે તેમની પાર્ટીનો જમીની સ્તરનો ચૂંટણીપ્રચાર તેના પ્રતિસ્પર્ધીઓ કરતાં માઇલો આગળ છે.
બસપાના ગઢમાં માહોલ
આ દાવાની તપાસ કરવા અમે આગ્રાના રાજનગર વિસ્તારમાં પહોંચ્યા.
આગ્રામાં બહુમત દલિત વસ્તી રહે છે અને તેથી જ તેને ભારતની દલિત રાજધાની પણ કહેવામાં આવે છે. રાજનગર ચામડાના ઉદ્યોગનું કેન્દ્ર છે અને અહીં જાટવ સમુદાયનું વર્ચસ્વ છે. એ જ જાટવ સમાજ કે જેની ગણતરી બહુજન સમાજ પાર્ટીના મુખ્ય મતદાર તરીકે થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમે આ વિસ્તારના લોકોનાં મન કળવા માટે જુતાં બનાવતાં બે ઓરડાના એક યુનિટમાં ગયા.
યુનિટના માલિક ગુરુદેવ ગૌતમે કહ્યું કે કોવિડ મહામારીને કારણે તેમના વ્યવસાય પર માઠી અસર થઈ છે અને રાજ્ય સરકારે તેમના જેવા લોકોની કોઈ ખબર લીધી નથી.
તેમણે કહ્યું, "લૉકડાઉનને કારણે અમારી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે અમે દરરોજ સો કે દોઢસો જોડી જૂતાં બનાવતા હતા પણ આજે પચાસ જોડી પણ બનતી નથી. અમને ખાવાના ફાંફાં છે. કામદારો છોડીને ચાલ્યા ગયા છે. શું કરવું?'
ગુરુદેવ ગૌતમની બધી આશા એના પર ટકી છે કે રાજ્યમાં ફરી એક વાર માયાવતીની સરકાર બનશે અને સૌ સારાં વાનાં થશે. તેઓ કહે છે, "2007માં બહેનજી જીત્યા અને બસપાની સરકાર બની. તેમણે માત્ર જૂતાઉદ્યોગ માટે જ નહીં પરંતુ દરેક માટે સારું કામ કર્યું. તેમણે ભેદભાવ ન રાખ્યો. તેમણે બધાને સરખા ગણ્યા હતા."
આવું માનતા ગુરુદેવ ગૌતમ એકલા નથી. રાજનગરમાં અમને ડઝનેક લોકો મળ્યા જેઓ 2007માં બનેલી બીએસપી સરકારની સમાજવાદી પાર્ટીની સરકાર અને ભાજપની સરકાર સાથે સરખામણી કરતા જોવા મળ્યા હતા.
રાજનગરમાં રહેતી મહિલાઓએ કહ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં અસુરક્ષાની લાગણી વધી છે અને માત્ર માયાવતીની સરકાર જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે એમ છે.
રાજનગરમાં રહેતાં ગીતાદેવીએ મોંઘવારી અને બેરોજગારી તેમજ મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો.
તેમણે કહ્યું, "બહેનજીના જમાનામાં એટલી બધી સુરક્ષા હતી કે તે અડધી રાતે પણ ગમે ત્યાં સલામત જઈ શકતાં હતાં. હવે છ વાગી જાય તો એવું લાગવા માંડે છે કે બદમાશો ન આવી જાય. દિલમાં ડર છે. અમે ઇચ્છીએ છીએ કે બહેનજીની જ સરકાર બને."
બહુજન સમાજ પાર્ટીના કાર્યકર અનિલ સોનીનું કહેવું છે કે પાર્ટી સાથે જોડાયેલા લોકોએ ઘરે-ઘરે પ્રચાર કર્યો છે.
તેઓ કહે છે, "અમે ચાલીને મતદારો સુધી પહોંચ્યા. અમે એક નહીં પરંતુ તમામ જ્ઞાતિઓ સુધી પહોંચ્યા. બ્રાહ્મણોથી લઈને વાલ્મીકિઓ સુધી અમારા ઉમેદવારો દરેક ઘરે ગયા. ચાર મહિના પહેલાં જ માનનીય બહેનજીએ ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી. હોમવર્ક એકદમ તૈયાર છે, હવે માત્ર પરીક્ષાની તૈયારી છે અને અમે તૈયાર બેઠા છીએ."
અનિલ સોની કહે છે કે કોવિડ મહામારી દરમિયાન લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે આ ચૂંટણીઓમાં જોવા મળશે.
તેઓ કહે છે, "જે માણસ હજાર કિલોમીટર ચાલીને આવ્યો તે શું પોતાના પગ પર પડેલા ફોલ્લાને ભૂલી ગયો છે? લોકોને ઓક્સિજન સિલિન્ડર નહોતાં મળ્યાં, દવાઓ નહોતી મળી, રૅશન નહોતું મળ્યું, રોજગારી નથી મળી. શું લોકો ભૂલી જશે? નહીં ભૂલે. માણસ પોતાની પીડા ભૂલી શકતો નથી."
બ્રાહ્મણ મત પર નજર
સાંકડી શેરીઓથી ભરેલા અને મૂળભૂત સુવિધાઓથી વંચિત આગ્રાના રાજનગર જેવા વિસ્તારોને બહુજન સમાજ પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.
અહીંના મોટા ભાગના મતદારો આજે પણ કહે છે કે તેઓ બસપાને જ મત આપશે. પરંતુ આ વખતે પાર્ટીએ બ્રાહ્મણ મતો પર નજર માંડી છે. તેમને લાગે છે કે જો બ્રાહ્મણ મતદારો તેમની સાથે આવશે તો 2007ની જેમ જ તેમની સરકાર પાછી આવશે.
બહુજન સમાજ પાર્ટીના નેતૃત્વનો આરોપ છે કે છેલ્લી બે સરકારોમાં બ્રાહ્મણોની ઉપેક્ષા કરવામાં આવી છે અને અત્યાચારો થયા છે અને તેથી જ આ વખતે બ્રાહ્મણો બસપાને સમર્થન આપશે.
પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશચંદ્ર મિશ્રા કહે છે, "યોગી સરકારની નીતિ હેઠળ 500થી વધુ બ્રાહ્મણોની હત્યા કરવામાં આવી અને 100થી વધુ બ્રાહ્મણોને ગોળીએ દેવામાં આવ્યા. બ્રાહ્મણ સમાજે તે નરી આંખે જોયું છે."
"બ્રાહ્મણો ખૂબ જ વિચારશીલ પ્રજા છે. તે જોઈ રહ્યા છે કે બસપાનું શાસન હતું તે પહેલાં બ્રાહ્મણોની શી હાલત હતી અને બસપા તેને ક્યાંથી ક્યાં લઈ ગઈ હતી. એમણે જોયું કે સમાજવાદી પાર્ટીની સરકારમાં શું થયું. જે ભારતીય જનતા પાર્ટી પાસેથી તેમને અપેક્ષા હતી તેણે તો તેમને હાંસિયામાં જ ધકેલી દીધા."
2007ની વિધાનસભા ચૂંટણીમાં, બસપાએ ઉત્તર પ્રદેશમાં કુલ 403 બેઠકોમાંથી 206 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી.
એવું માનવામાં આવે છે કે આ ચૂંટણીમાં બીએસપીની જીતનું મુખ્ય કારણ સોશિયલ એન્જિનિયરિંગ હતું જેના હેઠળ પાર્ટી બ્રાહ્મણ મતદારોને આકર્ષવામાં સફળ રહી હતી.
બસપાને બ્રાહ્મણોનું સમર્થન મળશે?
પ્રોફેસર અપૂર્વાનંદ દિલ્હી યુનિવર્સિટીમાં હિંદી વિભાગમાં ભણાવે છે અને જાણીતા રાજકીય વિશ્લેષક અને કટારલેખક છે. તેમના મતે બહુજન સમાજ પાર્ટી માટે 2007ના સમીકરણનું પુનરાવર્તન કરવું મુશ્કેલ બનશે.
તેઓ કહે છે, "જો તમે બ્રાહ્મણોને જાતિવાદી દૃષ્ટિકોણથી જોતા હો તો તેમને ભારતીય જનતા પાર્ટીના રૂપમાં વિચારધારાવાળો પક્ષ મળ્યો છે, જે તેમના માટે આસાનીથી છોડવો શક્ય નહીં બને."
પ્રોફેસર અપૂર્વાનંદ કહે છે, "એવું કહેવામાં આવી રહ્યું છે કે યોગી આદિત્યનાથના મુખ્ય મંત્રી બન્યા પછી રાજપૂતો અને બ્રાહ્મણો વચ્ચેની દુશ્મનાવટ ઊભરી છે, તેનાથી બ્રાહ્મણો પક્ષ બદલશે. જો એમ થાય તો પણ તેઓ એવી પાર્ટી તરફ જશે જેની સાથે સત્તામાં તેમને વધુ ભાગીદારી મળે."
"વર્તમાન પરિસ્થિતિમાં બહુજન સમાજ પાર્ટીનો જનાધાર અન્ય કોઈ જ્ઞાતિ-સમૂહને વિશ્વાસ અપાવી શકશે નહીં કે તે સત્તામાં આવશે. તેથી મને નથી લાગતું કે આ સમીકરણનું પુનરાવર્તન થઈ શકે."
પ્રોફેસર અપૂર્વાનંદના મતે, જો બીએસપીની ચૂંટણી જીતવાની તમામ આશા અને વ્યૂહરચના બ્રાહ્મણોના મતો આકર્ષવા પર નિર્ભર હોય તો "તે સુસ્ત અને બેકાર વ્યૂહરચના છે."
તેઓ કહે છે, "2007 અને 2022 વચ્ચે ઘણું બધું બદલાઈ ગયું છે. શું બ્રાહ્મણો પણ એક જ દિશામાં જશે? વળી એક પ્રશ્ન એ પણ છે કે હિન્દુત્વની સમગ્ર પરિયોજનામાં બ્રાહ્મણોએ પોતાને કઈ બાજુએ મૂક્યા છે? જો બસપા એ જ જૂની ફૉર્મ્યુલા પર કામ કરશે તો હવે બ્રાહ્મણ એ નથી રહ્યા, બ્રાહ્મણ પણ બદલાઈ ગયા છે. હજુ આપણી પાસે તેની પૂરી સમજ નથી."
પ્રબુદ્ધ સંમેલનોની અસર?
છેલ્લા ઘણા મહિનાઓમાં બહુજન સમાજ પાર્ટીએ બ્રાહ્મણોને આકર્ષવા માટે રાજ્યમાં અનેક પ્રબુદ્ધ સંમેલનોનું આયોજન કર્યું હતું. શું આ સંમેલનો પક્ષને કોઈ ચૂંટણીલક્ષી લાભ અપાવશે?
પ્રોફેસર અપૂર્વાનંદ કહે છે, "આ બધા એક સંદેશ આપવા માટેના પ્રતીકાત્મક કાર્યક્રમો હોય છે. આપણે જોઈએ છીએ કે ઉત્તર પ્રદેશ સરકારમાં બ્રાહ્મણ-ઠાકુર વિવાદની ચર્ચા થાય છે. એટલે બધા પક્ષો તેના પર કામ કરવાનો પ્રયાસ કરે છે અને માની લે છે કે જો બ્રાહ્મણોને સાથમાં લઈ લીધા તો બાજી જીતી લીધી. મને નથી લાગતું કે આવું થશે."
તેમનું કહેવું છે કે ચૂંટણીનાં પરિણામ મોટા ભાગે પછાત અને અતિ પછાત જાતિઓ કઈ બાજુએ જાય એના પર બધું નિર્ભર રહેશે.
"સામાજિક જૂથો વચ્ચે મોટું ગઠબંધન ન થાય ત્યાં સુધી ચૂંટણીમાં જીત મળશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. અને બહુજન સમાજ પાર્ટી તરફથી આમ કરવાનો કોઈ પ્રયાસ થયો હોય એવું દેખાતું નથી. ભારતીય જનતા પાર્ટી સામે સામાજિક જૂથોને પક્ષમાં જોડવાની સ્પર્ધામાં માત્ર સમાજવાદી પાર્ટી જ દેખાય છે."
પ્રોફેસર રવિકાંત ચંદન લખનૌ યુનિવર્સિટીના હિંદી વિભાગમાં કાર્યરત છે અને દલિત રાજનીતિના જાણકાર છે.
તેઓ કહે છે, "અયોધ્યામાં પાર્ટી દ્વારા આયોજિત પ્રબુદ્ધ સંમેલનમાં પહેલી વાર એવું બન્યું કે બસપાના મંચ પરથી 'જય ભીમ'ને બદલે 'જય શ્રીરામ'ના નારા લાગ્યા. આના પરથી એવું લાગી રહ્યું હતું કે માયાવતીએ પોતાની આખી વિચારધારાને ઊંધી કરી નાખી છે. પરંતુ આ વાસ્તવમાં તેમની વ્યૂહરચનાનો એક ભાગ છે."
"તેમને લાગે છે કે યોગી આદિત્યનાથની સરકારમાં અવગણનાને કારણે બ્રાહ્મણો ફરીથી બસપા સાથે જઈ શકે છે."
'બસપા નબળી નથી'
પ્રોફેસર રવિકાંતના કહેવા પ્રમાણે, સમાજવાદી પાર્ટીનો એક ઈતિહાસ છે જેમાં યાદવો અને મુસ્લિમોનું વર્ચસ્વ જોવા મળ્યું છે અને તેના કારણે બ્રાહ્મણ સમુદાય બીએસપી સાથે જઈ શકે છે.
તેઓ કહે છે કે ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીને માત્ર બે પક્ષો વચ્ચેની લડાઈ તરીકે રજૂ કરી છે અને દર્શાવ્યું છે કે તે માત્ર સપા સાથે લડી રહી છે.
"ભાજપનો પ્રયાસ છે કે ઉચ્ચ જ્ઞાતિને વિકલ્પહીન બનાવી દેવામાં આવે. બ્રાહ્મણો નારાજ છે અને ઠાકુરો પણ બહુ ખુશ નથી. એમાં કોઈ શંકા નથી કે ઠાકુરોને વહીવટમાં ઘણી જગ્યા મળી કે તેમના માફિયાઓને રક્ષણ મળ્યું પરંતુ સામાન્ય ઠાકુરો કંઈ મેળવી શક્યા નથી."
"તેથી સરકારથી નારાજ ઉચ્ચ જાતિના લોકો એસપી પાસે જઈ શકતા નથી, કારણ કે તેઓ અચકાય છે કે યાદવોની દાદાગીરી શરૂ થઈ જશે અથવા મુસ્લિમોને સરકાર તરફથી સંરક્ષણ મળવા માંડશે."
પ્રોફેસર રવિકાંતના મતે માયાવતીનું મૌન વ્યૂહાત્મક છે, કારણ કે તેઓ ઉચ્ચ જાતિઓને કોઈ ખોટો સંદેશો જાય એવું ઇચ્છતાં નથી
તેઓ કહે છે, "જેમ જેમ ચૂંટણીઓ આગળ વધી રહી છે, તેમ તેમ બસપા વધુ મજબૂત થતી જોવા મળી રહી છે. છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં ઘણું બદલાઈ ગયું છે. બસપાને જેટલી નબળી માનવામાં આવતી હતી, તે એટલી નબળી નથી. આ તેની વ્યૂહરચના છે."
"સીધી ચૂંટણી માત્ર બે પક્ષો વચ્ચે જ લાગે અને બસપા થોડી મજબૂત દેખાય, આમ થાય તો ઉચ્ચ જાતિના, ખાસ કરીને બ્રાહ્મણોના મતો બસપા તરફ જઈ શકે છે. તેમનામાં આત્મવિશ્વાસનું કારણ જ આ છે કે સમીકરણો એવાં રચાશે કે બ્રાહ્મણો બસપા તરફ જશે. પરંતુ તેમ થશે કે નહીં એમાં થોડી શંકા છે."
તેઓ કહે છે કે ભાજપ માટે સપા સામે ધ્રુવીકરણ કરવું સરળ છે અને ભાજપ માત્ર એટલું જ ઈચ્છે છે કે લડાઈમાં બસપા ક્યાંય ન દેખાય.
"પરંતુ બીએસપીને બિલકુલ ઓછી આંકી શકાય નહીં."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો