International Women’s Day 2022 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે જ કેમ મનાવવામાં આવે છે?

મીડિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઉલ્લેખ તમારી નજરે ચડ્યો હશે અથવા તમે દોસ્તોને એ વિશે વાત કરતા સાંભળ્યા હશે, પણ મહિલા દિવસ છે શું? એ ઉજવણી છે કે વિરોધપ્રદર્શન? આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ જેવું કંઈ હોય છે?

100થી વધુ વર્ષોથી જગતભરના લોકો દર વર્ષે 8 માર્ચને મહિલાઓ માટેના એક વિશેષ દિવસ તરીકે ઊજવે છે પણ શા માટે?

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ - શરૂઆત ક્યારથી થઈ?

શ્રમિક ચળવળમાંથી શરૂ થયેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સ્વીકૃત વાર્ષિક ઘટના છે.

1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધારે પગાર અને મતાધિકારની માગણી સાથે ન્યૂયૉર્ક સિટીમાં કૂચ કરી, ત્યારે આ દિવસનું બીજ રોપાયું હતું. એ દિવસને અમેરિકાની સમાજવાદી પાર્ટીએ એક વર્ષ પછી પહેલા રાષ્ટ્રીય મહિલા દિવસની જાહેરાત કરી હતી.

એ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો આઇડિયા ક્લૅરા ઝૅટકિન નામનાં મહિલાનો હતો. 1910માં કૉપનહેગનમાં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સમાં ક્લૅરાએ આ વિચાર રજૂ કર્યો હતો. એ કૉન્ફરસન્માં હાજર રહેલાં 17 દેશોનાં 100 મહિલાઓએ તે વિચારનો સર્વાનુમતે સ્વીકાર કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌથી પહેલાં 1911માં ઑસ્ટ્રિયા, ડૅન્માર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડમાં કરવામાં આવી હતી. આ દિવસની શતાબ્દીની ઉજવણી 2011માં કરવામાં આવી હતી. તેથી આ વર્ષે ટેકનિકલી 109મા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે 1975માં ઉજવણી શરૂ કરી ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને સત્તાવાર સ્વરૂપ મળ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે 1996માં અપનાવેલી આ દિવસની સૌપ્રથમ થીમ હતીઃ 'અતીતનો ઉત્સવ, ભાવિનું આયોજન.'

સંયુક્ત રાષ્ટ્રનું આ વર્ષનું સૂત્ર છેઃ ' હું સમાનતાની પેઢી છું : મહિલા અધિકારોને અનુભવું છું.' આમાં સમાનતાની વાત સાથે મહિલા અધિકારો પ્રત્યે સભાનતાની હાકલ લોકોને કરવામાં આવી છે.

સમાજમાં, રાજકારણમાં તેમજ અર્થશાસ્ત્રમાં મહિલાઓએ કરેલી પ્રગતિની ઉજવણીનું પ્રતીક આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બની ગયો છે, જ્યારે તેનાં રાજકીય મૂળિયાં નિરંતર અસમાનતા બાબતે જાગૃતિ વધારવાના હેતુસરની હડતાળો અને વિરોધપ્રદર્શનોમાં રહેલાં છે.

8 માર્ચ જ કેમ?

આઠમી માર્ચે. ક્લૅરાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે કોઈ તારીખ નક્કી કરી ન હતી. 1917માં યુદ્ધ સમયની રશિયન મહિલાઓની 'ભોજન અને શાંતિ'ની માગણી સાથેની હડતાળ પહેલાં સુધી આ દિવસનો ઔપચારિક અમલ શરૂ થયો ન હતો.

રશિયાની મહિલાઓની ચાર દિવસની હડતાળને કારણે ઝારે પદ ત્યાગવું પડ્યું હતું અને વચગાળાની સરકારે મહિલાઓને મતાધિકાર આપવો પડ્યો હતો.

રશિયામાં ત્યારે જુલિયન કેલેન્ડરનો અમલ થતો હતો. મહિલાઓની હડતાળ શરૂ થઈ ત્યારે જુલિયન કેલેન્ડરમાં 23 ફેબ્રુઆરી અને રવિવાર હતો. ગ્રૅગોરિયન કેલેન્ડરમાં એ 8 માર્ચનો દિવસ હતો. તેથી 8 માર્ચે ઉજવણી કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પણ હોય છે?

હા. એ 19 નવેમ્બરે હોય છે અને તેની ઉજવણી 1990ના દાયકાથી કરવામાં આવે છે પણ સંયુક્ત રાષ્ટ્રસંઘે તેને સત્તાવાર માન્યતા આપી નથી.

બ્રિટન સહિતના 60થી વધુ દેશોમાં તેની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસનો ઉદ્દેશ 'છોકરાઓ તથા પુરુષોના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવાનો, સ્ત્રી-પુરુષના સંબંધમાં સુધારો કરવાનો, જાતિગત સમાનતાને વેગ આપવાનો અને સકારાત્મક પુરુષ પ્રેરણામૂર્તિને ઉભારવાનો છે.'

2019ના વર્ષ માટેની થીમ હતીઃ પુરુષો અને છોકરાઓ વચ્ચેના ભેદની પરખ.

વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે?

રશિયા સહિતના અનેક દેશોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાષ્ટ્રીય રજા હોય છે. એ દેશોમાં 8 માર્ચની આજુબાજુના ત્રણથી ચાર દિવસોમાં ફૂલોનું વેચાણ બમણું થઈ જાય છે.

ચીનમાં સ્ટેટ કાઉન્સિલની ભલામણ અનુસાર, 8 માર્ચે ઘણી મહિલાઓને અરધા દિવસની રજા આપવામાં આવે છે, પણ અનેક માલિકો મહિલા કર્મચારીઓને આ રજાનો લાભ આપતા નથી.

ઇટાલીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અથવા લા ફેસ્ટા ડેલ્લા ડોન્નાની ઉજવણી મિમોસા બ્લૉસમ આપીને કરવામાં આવે છે. આ પરંપરાના પ્રારંભનું મૂળ અસ્પષ્ટ છે, પણ તેની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ પછી રોમમાં થઈ હોવાનું માનવામાં આવે છે.

અમેરિકામાં માર્ચ મહિનો મહિલાઓના ઇતિહાસનો મહિનો હોય છે. અમેરિકન મહિલાઓની સિદ્ધિને દર વર્ષે રાષ્ટ્રપ્રમુખની ઘોષણા દ્વારા બિરદાવવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો