COP26 ક્લાઇમેટ ચેન્જ : ભારતની કરારમાં એક શબ્દ બદલવા માટે ટીકા કેમ થઈ રહી છે?

    • લેેખક, નવીનસિંહ ખડકા
    • પદ, પર્યાવરણ સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ

ગ્લાસગો પર્યાવરણ કરારને કારણે ભારત અને ચીન પર સૌની નજર હતી, કેમ કે આખરી કરાર માટે ચર્ચા કરતી વખતે આ દેશોએ કોલસાને "તબક્કા વાર દૂર કરવાની" વાતનો વિરોધ કર્યો હતો.

કોલસાને દૂર કરવાના બદલે "તબક્કા વાર તેનો વપરાશ ઘટાડવા" માટે જ સહમતી આપવામાં આવી, જેના કારણે નિરાશા જાગી હતી. એવી ચિંતા પણ જાગી છે કે વિશ્વના સરેરાશ તાપમાનમાં વધારાને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરી શકશે કે કેમ.

COP26ના પ્રમુખ આલોક શર્માએ કહ્યું કે "ચીન અને ભારતે આનો જવાબ આપવો પડશે અને સમજાવવું પડશે કે તેમણે ક્લાઇમેટની બાબતમાં સૌથી મુશ્કેલીમાં મુકાયા દેશોને કેવી તકલીફમાં મૂકી દીધા છે."

શર્માએ આ માટે થયેલા કરારને "ઐતિહાસિક" ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે તેના કારણે "1.5 ડિગ્રી સુધી તાપમાન વૃદ્ધિને મર્યાદિત રાખી શકવાની શક્યતા વધશે."

અગાઉ કરાર માટેના જે મુસદ્દા તૈયાર કરાયા હતા, તેમાં કોલસાના ઉપયોગને તબક્કા વાર ઘટાડો કરવા માટેનો આગ્રહ રખાયો હતો. (કોલસાનો અમાપ ઉપયોગ એવો શબ્દપ્રયોગ કરાયો હતો, જેનો અર્થ એ થાય કે કાર્બનને કૅપ્ચર કરનારી કે તેને સ્ટોર કરનારી ટેકનૉલૉજી વિના જ કોલસાનો ઉપયોગ કરવો.)

ખરેખર શું થયું?

પરિષદના પ્રારંભે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું કે 2070 સુધીમાં ઉત્સર્જનને નેટ ઝીરો કરવામાં આવશે. 2030 સુધીમાં કાર્બનનું ઉત્સર્જન એક અબજ ટન ઓછું કરવાનું તથા વીજઉત્પાદન માટે વૈકલ્પિક સ્રોતોનો 50 ટકા સુધી ઉપયોગ કરવાનાં વચનો પણ આપ્યાં હતાં.

તે વખતે આવી મહત્ત્વાકાંક્ષી જાહેરાત કરાઈ તેને આવકાર મળ્યો હતો, પરંતુ છેલ્લી ઘડીએ મુસદ્દામાં કોલસાની બાબતમાં દુરાગ્રહને ઓછો કરવા માટે ભારતે કરેલા પ્રયાસોને વિરોધાભાસી તરીકે જોવામાં આવી રહ્યા છે.

ભારત સાથે આમ તંગદિલીભર્યા સંબંધો ધરાવતા ચીને પણ આ બાબતમાં વાટાઘાટમાં છેક સુધી ભારતને સાથ આપ્યો હતો.

શુક્રવારે જ પરિષદનું સમાપન થવાનું હતું, પરંતુ કોઈ સમાધાન થઈ શક્યું નહીં તેના કારણે પરિષદને વધારે સમય ચલાવવી પડી હતી. છેક શનિવારે રાત્રે આખરે કરાર થઈ શક્યો હતો.

છેલ્લા દિવસે વાટાઘાટ ચાલી તેમાં ચીને CBDR માટે દલીલો કરી હતી એટલે કે "કૉમન બટ ડિફરન્શિયેટેડ રિસ્પોન્સિબિલીટીઝ અને રિસ્પેક્ટિવ કેપેબિલિટી."

CBDRનો અર્થ એ થાય છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘના ક્લાઇમેટ કરારમાં જે દેશોએ સહી કરી હોય તે બધા દેશોની જળવાયુ પરિવર્તન સામે લડત આપવાની સમાન જવાબદારી છે, પરંતુ તે દેશો આર્થિક વિકાસના જુદા-જુદા તબક્કે છે એટલે તેમની લડત આપવાની ક્ષમતા એકસમાન નથી.

ચીન અને ભારત સાથે આવ્યા

ચીને કહ્યું કે જુદા-જુદા દેશો તાપમાનમાં વધારો દોઢ ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાના લક્ષ્ય પર કામ કરે ત્યારે ગરીબી નાબૂદી માટેના તે દેશોના પ્રયાસોના સંદર્ભમાં તેને જોવા જોઈએ.

ભારતે ચીનની વાત સાથે સહમતી દાખવી હતી. "વિકાસશીલ દેશોને કોલસો અને અશ્મીભૂત ઊર્જામાં સબસિડીઝ આપવામાં આવે છે, તેને તબક્કા વાર દૂર કરવાનું વચન આપવામાં આવે તેવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય? વિકાસશીલ દેશોએ હજી તેમના ગરીબી નિવારણના કાર્યક્રમોને ચલાવવાના છે," એમ ભારતના પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું.

કરારમાં "અનબેટેડ કોલસાને તબક્કા વાર હઠાવવો" એવો શબ્દપ્રયોગ થયો તેના કારણે દલીલો જાગી હતી.

આ મુદ્દે સહમતી ના થઈ શકી એટલે હવે મુસદ્દાને શબ્દાવલીઓ સાથે આખરી સ્વરૂપ આપી શકાશે નહીં. તેનો બીજો અર્થ એ થશે કે આ પરિષદ નિષ્ફળ જશે.

આના કારણે મુખ્ય વિષ્ટિકારો હવે ભેગા મળીને ચર્ચા કરી રહ્યા છે કે કઈ રીતે કરારને આગળ વધારવો અને કઈ રીતે તેને તૈયાર કરવો, જેથી આખરી સેશન પહેલાં તેના પર ઠરાવ કરી શકાય.

સૌ પહેલાં સૌનું ધ્યાન ચીનના પ્રતિનિધિઓ પર ગયું થયું હતું, જેમાં તેમના વડા શીએ ઝેન્હૂઆ પણ હતા.

તેમણે અમેરિકાના ક્લાઇમેટના વિશેષ પ્રતિનિધિ જૉન કેરી સાથે વાતચીત કરી હતી. તે બંનેએ શર્મા સાથે પણ ચર્ચાઓ કરી હતી.

તે પછી ભૂપેન્દ્ર યાદવ અને શર્મા વચ્ચે પણ વાતચીત થઈ હતી. આખરી સેશન શરૂ થાય તેની સૌ રાહ જોઈ રહ્યા હતા ત્યારે યાદવ અને શર્મા વચ્ચે કમસે કમ બે વાર વાતચીત થઈ હતી.

સેશનની શરૂઆત થઈ ત્યારે ભારતે માગણી કરી કે તેમને એક દરખાસ્ત મૂકવા દેવામાં આવે.

ભૂપેન્દ્ર યાદવે દરખાસ્ત મૂકી કે "ફેઝ આઉટ" તબક્કા વાર હઠાવવાને બદલે આખરી મુસદ્દામાં "ફેઝ ડાઉન કૉલ" તબક્કા વાર વપરાશ ઘટાડવો એવો શબ્દપ્રયોગ કરવો જોઈએ.

સૂચન સાથે કરારના મુસદ્દાને આખરી સ્વરૂપ આપી દેવાયું તે પછી ઘણા બધા દેશોએ સંબોધન કર્યું અને આ રીતે શબ્દો બદલવામાં આવ્યા તેની સામે નિરાશા વ્યક્ત કરી હતી.

તેમની દલીલ હતી કે તાપમાનમાં વધારો દોઢ ડિગ્રી સેલ્સિયસ મર્યાદિત રાખવા માટે "કોલસાને તબક્કા વાર હઠાવવો" એ અગત્યનું પગલું હતું.

સ્વિટ્ઝર્લૅન્ડે સમગ્ર કામગીરી પારદર્શિતા સાથે નથી થઈ તેવી ટીકા કરીને કહ્યું કે "આપણે કોલસાનો વપરાશ ઘટાડવાની નહીં, હઠાવવાની જરૂર છે."

યુરોપીયન યુનિયનના પ્રતિનિધિ ફ્રાન્સ ટીમરમેન્સે કહ્યું કે "કોલસાનો વપરાશ દૂર કરવામાં તમે જેટલો વધારે સમય લગાવશો એટલો તમે પર્યાવરણ પર અને તમારા અર્થતંત્ર પર બોજ મૂકી રહ્યા છો."

તેમના આ વાક્યને તાળીઓથી વધાવી લેવામાં આવ્યું હતું.

'ટાપુ રાષ્ટ્રો માટે ફાંસીની સજા જેવું'

ઘણા ટાપુ રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ પણ ચિંતા વ્યક્ત કરી કે તાપમાનમાં દોઢ ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ મર્યાદિત રાખવાની દિશામાં પ્રગતિ નહીં થાય તેનો અર્થ એ થયો કે તેમના માટે ફાંસીની સજા જેવું થશે.

આંખમાં લગભગ આંસુ સાથે શર્માએ કહ્યું કે કઈ રીતે આખી વાતે આકાર લીધો તે બાબતે તેઓ માફી માગે છે.

જોકે કેટલાક જાણકારો કહે છે કે સમગ્ર બાબતને કેટલાક દેશોએ વધારે સારી રીતે સંભાળી લેવાની જરૂર હતી.

ઍક્શન એઇડ કેમ્પેઇનના ડિરેક્ટર બ્રેન્ડન વૂ કહે છે ખનીજ તેલ અને ગૅસને બાજુએ રાખીને માત્ર કોલસાની બાબતમાં જ આગ્રહ રાખવાના કારણે ભારત અને ચીન જેવા દેશોને વધારે પડતી અસર પડે તેમ હતી.

ગ્રીનપીસ ઇન્ડિયાના અવિનાશ ચંચલ કહે છે, "માત્ર કોલસો જ નહીં, બધા જ અશ્મીભૂત બળતણને 'તબક્કા વાર હઠાવી દેવામાં' આવે તેવી વાત જ અમને ગમી હોત."

તેમણે ઉમેર્યું કે "મુસદ્દાને મોળો પાડી દેવાયો તેના પરથી ખ્યાલ આવે છે કે ધનિક અને ગરીબ દેશો વચ્ચે વિશ્વાસનો અભાવ છે. ભૂતકાળનાં વચનોને પણ પૂરાં કરવામાં આવ્યાં નથી."

ભારતનો તર્ક - ભંડોળ આપવાની વાતનો કશો ઉલ્લેખ નથી

ભારત જેવા વિકાસશીલ દેશોની દલીલ છે કે તેમને અશ્મીભૂત બળતણની જગ્યાએ વૈકલ્પિક ઊર્જા સ્રોતો અપનાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે વિકસિત દેશો સામી બાજુએ તેમને ભંડોળ અને ટેકનૉલૉજીની બાબતમાં મદદ કરી રહ્યા નથી.

યાદવે જણાવ્યું કે "મુસદ્દામાં ઉત્સર્જન ઘટાડવા માટે ઘણું બધું કહેવાયું છે. દેશોએ શું કરવું જોઈએ, ક્યારથી દર વર્ષે હિસાબો આપવા અને આગામી ઉચ્ચ કક્ષાની બેઠકોની માહિતી આપવી વગેરે. પરંતુ ભંડોળ આપવાની વાતનો કશો ઉલ્લેખ નથી. આને આપણે સંતુલિત મુસદ્દો કેવી રીતે કહી શકીએ?"

વિશ્વ બૅન્ક સહિતના ઘણાના અભ્યાસોમાં જણાયું છે કે ચીન અને અમેરિકા પછી કાર્બન ઉત્સર્જન કરનારો ભારત ત્રીજો સૌથી મોટો દેશ છે, પરંતુ ભારતની માથાદીઠ સરેરાશ અમેરિકા કરતા સાત ગણી ઓછી છે.

કોરોના અને મંદીની સ્થિતિનો સામનો કરી રહેલા ભારતના અર્થતંત્ર માટે ઊર્જાની બાબતમાં સલામતી જરૂરી છે અને તેમાં કોલસો સૌથી અગત્યનો છે.

વર્લ્ડ રિસોર્સિઝ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયાના ઊર્જા બાબતના નિષ્ણાત ચિરાગ ગજ્જર કહે છે, "લોકોને ભોગવવું ના પડે તે રીતે તબક્કા વાર ઓછા કાર્બન તરફ જવાની વાતને પાર પાડવાનો પડકાર રહેલો છે."

"વૈકલ્પિક ઊર્જાની બાબતમાં ભારતનો જોરદાર રેકર્ડ રહેલો છે. 2010 સુધીમાં 20 ગીગાવૉટ વીજળીનું એ રીતે ઉત્પાદન કરવાનું લક્ષ્ય હતું, પણ 2016 સુધીમાં જ 175 ગીગાવૉટનું ઉત્પાદન થવા લાગ્યું છે. તેથી ભારત જો યોગ્ય સંદેશ આપી શકે તો વૈકલ્પિક ઊર્જા ઝડપથી આગળ વધી શકે છે."

જો એમ થશે તો ભારતની પ્રશંસા થશે, પરંતુ અત્યારે તો ટીકા સામનો કરવો પડ્યો છે. વૈશ્વિક તાપમાનના સામના માટે (જરૂરી વચન) જેમને ઘણા માનતા હતા, તે બાબતમાં ભારતે આગ્રહ મોળો કરાવ્યો છે તેના કારણે ટીકા થઈ રહી છે.

જોકે આખી વાતને ભૂપેન્દ્ર યાદવ જુદી રીતે જુએ છે.

તેમણે ટ્વિટ કરતાં કહ્યું કે "COP26 સમાપન ભણી છે, ત્યારે હું ગ્લાસગ્લો ખાતેની મારી સંપૂર્ણ ટીમનો આભાર માનું છું કે તેમણે જહેમત ઉઠાવીને ભારત માટે પરિષદને સફળ બનાવી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો