અઝરબૈજાન-આર્મેનિયા યુદ્ધ : આ ભારતીય પરિવાર શરણાર્થીઓની મદદ કરી રહ્યો છે

    • લેેખક, ગુરુપ્રીત સૈની
    • પદ, બીબીસી સંવાદદાતા

અઝરબૈજાન અને આર્મેનિયાના યુદ્ધનું કેન્દ્ર બનેલા નોગોર્નો-કારાખાબ વિસ્તારના સામાન્ય લોકોનું જનજીવન વિખેરાઈ ગયું છે.

લોકોને ઘર છોડવાં પડ્યાં છે. એક તરફ પુરુષોએ જંગમાં ઝંપલાવવા કૂચ કરી છે તો બીજી તરફ મહિલાઓ અને બાળકો સુરક્ષિથ આશ્રયસ્થાનોની શોધમાં નિકળી પડ્યા છે.

વિસ્થાપિત થયેલા લોકો શરણ માટે બસ મારફતે આર્મેનિયાની રાજધાની યેરેવન પહોંચ્યા છે. જ્યાં સરકારે તેમના રહેવાની વ્યવસ્થા કરેલી હતી. તેમના માટે કૅમ્પ બનાવાયા હતા.

વળી યેરેવનના સ્થાનિય લોકોએ પણ મદદનો હાથ આગળ કર્યો છે અને ઘરો તથા હોટલોના દ્વાર શરણાર્થીઓ માટે ખોલી દીધા છે.

સ્થાનિક લોકો અલગ-અલગ રીતે નાગોર્નો-કારાખાબથી આવેલા લોકોની મદદ પણ કરી રહ્યા છે. તેમના માટે દવાઓ અને કપડાંની વ્યવસ્થા પણ કરી રહ્યા છે.

ભારતીય પરિવાર કરી રહ્યો છે મદદ

છેલ્લાં છ વર્ષોથી યેરેવનમાં પરિવાર સાથે રહેતા 45 વર્ષીય ભારતીય પરવેઝ અલી ખાન પણ પોતોના તરફથી શરણાર્થીઓ માટે કંઈક કરવા માગે છે.

જ્યારે તેઓ કૅમ્પમાં પહોંચ્યા તો તેમણે જોયું કે શરણાર્થીઓને ખાદ્યસામગ્રી આપવામાં આવી છે, પરંતુ તેમની પાસે રાંધવા માટેનાં કોઈ સાધનો જ નથી. જેથી નાગોર્નો-કારાખાબથી આવેલા થાકેલા લોકો ભૂખ્યા જ બેઠા છે. આ શરણાર્થીઓમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો છે.

આ પરિસ્થિતિમાં 'ઇન્ડિયન મહક'નામથી રેસ્ટોરાં ચલાવતા પરવેઝ અને તેમનાં પત્નીએ વિચાર્યું કે આ રીતે તેઓ શરણાર્થીઓની મદદ કરી શકે છે અને તેમણે નક્કી કર્યુ કે તેઓ તેમને રાંધેલો ખોરાક પૂરો પાડશે.

પરવઝે અલી ખાને ફોન પર બીબીસીને જણાવ્યું, "અમે રેસ્ટોરા ચલાવીએ છીએ, વિચાર્યું કે આનાથી લોકોને કઈક મદદ કરી શકીએ છે. એટલે નક્કી કર્યું કે લોકોને રાંધેલો ખોરાક આપીશું."

પંજાબના મલેરકોટલાથી...

પરવેઝ ભારતમાં પંજાબના મલેરકોટલાના છે. તેઓ છેલ્લાં છ વર્ષોથી પોતાનાં પત્ની, બે દીકરી અને ભત્રીજી સાથે યેરેવનમાં રહે છે.

તેઓ કહે છે કે તેમનાં દીકરીઓ સ્થાનિક ભાષા બોલી, વાંચી અને લખી પણ શકે છે. તેમનાં પુત્રીએ રેસ્ટોરાંના ફેસબુક પેજ પર 4 ઑક્ટોબરે એક પોસ્ટ મૂકી હતી, "કૃપા કરીને માહિતી પ્રસરાવો કે જો નાગોર્નો-કારાખાબથી આવનારા લોકો માટે તૈયાર ભોજનની જરૂર હોય તો ભારતીય મહક રેસ્ટોરાનો સંપર્ક કરી શકો છો. અમે મદદ કરીશું."

આ ફેસબુક પોસ્ટ સાથે ફોન નંબર પણ શૅર કરવામાં આવ્યો હતો. જેના પર સંખ્યાબંધ લોકોએ પ્રતિક્રિયા આપી છે અને બે હજારથી વધુ લોકોએ તેને શૅર પણ કરી છે.

પરવેઝ જણાવે છે કે પહેલા જ દિવસો અમારી પાસે 500 લોકોનું બુકિંગ આવ્યું અને તેમણે તથા તેમનાં પુત્રીઓએ ખુદ જઈને શરણાર્થીઓને ભોજન પહોંચાડ્યું.

એ દિવસથી સતત પરવેઝનો પરિવાર જરુરિયાતમંદ શરણાર્થીઓ સુધી રાંધોલું ભોજન પહોંચાડી રહ્યો છે. તેમના અનુસાર હવે દરરોજ વધુમાં વધુ 700 બૉક્સ શરણાર્થીઓ સુધી પહોંચાડી રહ્યા છે.

પરવેઝ કહે છે, "40થી 50 હજાર શરણાર્થી છે. તમામ માટે તો અમે વ્યવસ્થા નથી કરી શકતા. સ્ટાફ પણ ઓછો છે. કોરોના શરૂ થતા સ્ટાફને ભારત મોકલી દીધો હતો. આર્થિક ગતિવિધિ શરૂ થવાની વાત થઈ તો અહીં બીજી તરફ યુદ્ધ શરૂ થઈ ગયું એટલે સ્ટાફ નથી આવતી શકતો. તેઓ ત્યાંથી આવવા માટે તૈયાર છે. તેઓ આવી જશે એટલે હજુ વધુ લોકો સુધી અમે ખાવાનું પહોંચાડીશું."

હાલ તેમનો પરિવાર અને સ્ટાફ મળીને તમામ ભોજન તૈયાર કરે છે. પરવેઝનાં 18 વર્ષીય દીકરી અલસા ખાન જણાવે છે કે સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી તેઓ આમાં વ્યસ્ત રહે છે.

ફોન પર વાત કરવાથી લઈને યાદી તૈયાર કરવી, ખાવાનું પહોંચાડવાની તૈયારી સહિતનું કામ અલસા જાતે જ સંભાળે છે.

તેઓ જણાવે છે કે તેમણે હમણાં જ 12મું ધોરણ પાસ કર્યું છે અને તેમનાં મોટી બહેન અકસા સાથે તેઓ પહેલાં ક્યારેકક્યારેક રેસ્ટોરાંમાં પિતા સાથે કામમાં મદદ કરતાં. પરંતુ હવે તેઓ સંપૂર્ણ રીતે આ કામમાં જોતરાઈ ગયાં છે.

આ બધામાં થતો ખર્ચ તેઓ કઈ રીતે ઉઠાવી રહ્યા છે?

તેના જવાબમાં તેમણે કહ્યું કે ચેક રિપબ્લિકના પ્રાગમાં એક રોસ્ટોરાં ખોલવાની તેમની ઇચ્છા હતી. તેની તૈયારી તેમણે નવેમ્બરમાં પૂરી કરી લીધી હતી અને આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં તેમણે રેસ્ટોરાં શરૂ કરવાનું કામ શરૂ કરવાનું હતું.

પરંતુ કોરોનાને કારણે તેઓ શરૂ કરી શક્યા નહીં અને તેના માટે રખાયેલું અડધુ ભંડોળ કોરોનાના સમયમાં ખર્ચ થઈ ગયું અને 50 ટકા ભંડોળને તેઓ હાલની પહેલમાં વાપરી રહ્યાં છે.

પરવેઝ કહે છે, "એક રૂપિયો પણ જે ખર્ચાઈ રહ્યો છે તે અમે અમારા ખિસ્સામાંથી જ ખર્ચી રહ્યા છે. જ્યાં સુધી પૈસા બચશે ત્યાં સુધી લોકોની સેવા કરતા રહીશું. આના બદલામાં અમને જે પ્રેમ મળી રહ્યો છે તે અમારી કમાણી છે."

કેટલાય લોકો મદદ માટે આગળ આવ્યા...

ખાવાનું બનાવવાથી લઈને ડિલિવરી કરવા સુધીનું કામ કરવા માટે પરવેઝનો પરિવારને અન્ય લોકોની જરૂર અનુભવાઈ.

જેથી તેમણે ફેસબુક પેજ પર એક બીજી પોસ્ટ લખી જેમાં લખ્યું કે તેમને રસોડામાં કામ કરી શકે અને ડિલિવરી પહોંચાડી શકે તેવા સ્વંયસેવકની જરૂર છે.

તેઓ કહે છે,"ત્યાર પછી અમારી પાસે એક જ દિવસમાં 50 લોકોના નંબર આવ્યા હતા. સ્વંયસેવકો આવી રહ્યા હતા. તેઓ અમને રસોડામાં મદદ કરી રહ્યા છે અને શાક સમારવામાં તથા ભોજન તૈયાર કરવામાં જેટલી પણ મદદ થાય એટલી મદદ કરી રહ્યા છે."

"વળી ડિલિવરી માટે મદદ કરવા પણ ઘણા લોકો આવી રહ્યા છે. યુવકો આવી રહ્યા છે. પરિવારો આવી રહ્યા છે. એક પતિ-પત્ની ગાડી લઈને આવે છે અમે તેમને ત્રણ સરનામાં આપી દઈએ છીએ અને તેઓ ત્યાં જઈને ભોજનની ડિલિવરી કરી દે છે."

'આર્મેનિયાના લોકોનું ઋણ ઉતારી રહ્યા છી...'

પરવેઝનો પરિવાર કહે છે કે તેમની આ કોશિશને આર્મેનિયાના લોકોનો બેહદ પ્રેમ મળી રહ્યો છે.

ફેસબુક પેજ અને વેબસાઇટ પર સંખ્યાબંધ લોકોએ તેમને આભાર વ્યક્ત કરતા સંદેશા મોકલ્યા છે. તેઓ તમામનો રિપ્લાય નથી કરી શકતા પણ તેઓ માર્કેટમાં કે બહાર જાય તો લોકો તેમને ત્યાં પણ ઓળખી લે છે અને ઘણો આદર અને સ્નેહ આપે છે.

આ ભારતીય પરિવારનું કહેવું છે કે તેઓ આર્મેનિયાથી તેમને જેટલો સ્નેહ મળ્યો તેનું ઋણ માત્ર ઉતારવાની કોશિશ કરી રહ્યા છે. વળી જે પ્રેમ અને આદર મળી રહ્યો છે જેનાથી તેઓ ઘણા અભિભૂત પણ છે એટલે જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી તેઓ શરણાર્થીઓ માટે આ સેવા કરતા રહેશે.

પરવેઝ કહે છે,"અમે જ્યારથી આર્મેર્નિયા આવ્યા છીએ, અહીંના લોકો પાસેથી ઘણો પ્રેમ મળ્યો છે. તેમણે અમને આજ સુધી નથી પૂછ્યું કે તમે કોણ છો. અમને અહીં ભારતીય ગણવામાં આવે છે, એવું નથી પૂછતા કે અમે હિંદુ છીએ કે મુસલમાન કે કોઈ અન્ય. આ લોકોએ છેલ્લાં છ વર્ષોમાં એટલો સ્નેહ આપ્યો છે કે અમને તેમના ઋણી છીએ. અમે આ જ ઋણને આજે ચૂકવી રહ્યા છીએ."

પરવેઝ કહે છે કે પહેલા લાગતુ હતુ કે માત્ર 100-200 લોકોનું ખાવાનું બનાવવું પડશે. પરંતુ હવે જેટલા વધુ લોકોને ખાવાનું પહોંચાડીએ છીએ એટલી વધુ ખુશી મળી રહી છે.

તેમનાં પુત્રી અલસા કહે છે કે શરણાર્થીઓમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો છે. કેટલાંક ગર્ભવતી મહિલા છે અને 50 ટકા બાળકો છે. આથી બાળકોને ધ્યાનમાં રાખીને ખાવાનું બનાવાવમાં આવે છે. વળી બૉક્સમાં હોટડૉગ અને ઈંડાં પણ મૂકવામાં આવે છે. સાથે જ વૅફર્સ પણ.

અલસા કહે છે કે તેમને સૌથી વધુ ખુશી ત્યારે મળે છે જ્યારે ખાવાનાની સાથે ચૉકલેટ અને ચિપ્સ જોઈને બાળકો એકદમ ખુશ થઈ જાય છે.

"તેમનાં માતા ઘણા ખુશ થઈ જાય છે, એ સૌથી ખુશીની વાત છે."

આ સિવાય ખાવામાં ચોખાની મુખ્ય વાનગીઓ જેમ કે સ્ટીમ રાઇસ, જીરા રાઇસ અને વૅજ પુલાવ હોય છે. તેની સાથે એક શાક હોય છે. સલાડ પણ હોય છે. તે સિવાય બ્રેડ પણ. વળી ક્યારેક સૅન્ડવિચ, નાન, હૉટડૉગ સાથે ક્યારેકક્યારેક નાન અથવા પૂરી પણ રાખવામાં આવે છે.

જે શરણાર્થીઓ સુધી ખાવાનું પહોંચે છે તે પરિવારો પરવેઝના પરિવારનો આભાર કરતા થાકતા નથી. કેટલાક દિવસો પહેલાં નાગોર્નો-કારાખાબથી આવેલો એક પરિવાર ખુદ પરવેઝ ખાનના રેસ્ટોરાંમાં ખાવાનું બનાવવામાં મદદ કરવા પહોંચી ગયો હતો.

પરવેઝ કહે છે કે તેમને ભારતીય હોવાનો ગર્વ છે અને તેમણે મહેમાનનવાઝી તથા કંઈક કરવાની બાબત પોતાના દેશ પાસેથી જ શીખી છે.

હાલ નાગોર્નો-કારાખાબમાં સ્થિતિ તણાવપૂર્ણ છે અને શરણાર્થી જલદી ત્યાં પરત ફરે એવી શક્યતા નથી.

પરવેઝ કહે છે કે તેઓ કોશિશ કરશે કે તેઓ ભવિષ્યમાં આ પહેલને આગળ વધારે અને બીજી લોકોના સહયોગથી ત્યાં જે લોકોનાં ઘર તબાહ થઈ ગયાં છે તેને ફરી બનાવાવમાં મદદ કરે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો