કોરોના વાઇરસ: યુરોપમાં જ્યાં મનાવાયો હતો સંક્ટ ખતમ થયાનો જશન ત્યાં ફરી લૉકડાઉનની નોબત

યુરોપના અનેક દેશોમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યાં છે અને તેને લઈને ફરીથી પાબંદીઓ લાદવામાં આવી રહી છે.

બ્રિટનમાં ઇંગ્લૅન્ડને સંક્રમણની ગંભીરતાને આધારે મધ્યમ, ઉચ્ચ અને અતિઉચ્ચ એમ ત્રણ ભાગમાં વિભાજિત કરી દેવામાં આવ્યું છે અને સ્થિતિને આધારે પાબંદીઓ લાગુ કરવામાં આવી રહી છે.

બ્રિટન સરકારના વૈજ્ઞાનિક સલાહકારનું કહેવું છે કે હજી સાર્વજનિક સ્થળો પર વધારે કડક અમલ નથી કરાવવામાં આવી રહ્યો.

ચેક ગણરાજ્યે ત્રણ અઠવાડિયા માટે આંશિક લૉકડાઉન લાગુ કર્યું છે. શાળાઓ, બાર અને ક્લબોને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ચેકમાં ખૂબ માર્ચ મહિનામાં જ કડક લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ જૂન મહિનામાં ત્યાં રાહત આપવામાં આવી. આ પછી રાજધાની પ્રાગના ચાર્લ્સ બ્રિજ પર સંક્ટ સમાપ્ત થઈ ગયાનો જશન મનાવવામાં આવ્યો હતો.

યુરોપિયન દેશોમાં પ્રતિ લાખની વસતિને આધારે સૌથી વધારે કેસો ચેક ગણરાજ્યમાં આવી રહ્યા છે. ચેકના સ્વાસ્થ્ય મંત્રી કહ્યું કે લૉકડાઉનમાં રાહત આપવામાં આવી એ પછી લોકો વધારે પડતાં સામાન્ય થવા માંડ્યા હતા.

નેધરલૅન્ડમાં આવનારા ચાર અઠવાડિયા માટે આંશિક લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. ત્યાં સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો છે.

યુરોપના અનેક દેશોમાં હૉસ્પિટલ દરદીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

ફ્રાંસની રાજધાનીમાં પેરિસમાં સરકારી હૉસ્પિટલ સંગઠનોએ કહ્યું કે આવતા અઠવાડિયાના અંત સુધીમાં પેરિસમાં હૉસ્પિટલોની 90 ટકા પથારીઓ ભરાઈ જશે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુલ મેક્રોન પણ વધારે કડક લૉકડાઉનની જાહેરાત કરવા જઈ રહ્યા છે. પેરિસમાં અનેક સ્થળો પર રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવશે એમ માનવામાં આવી રહ્યું છે.

જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલે પણ કહ્યું કે તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. એમણે કહ્યું કે હું એ ચોક્કસ કહીશ કે સ્થિતિ ગંભીર છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો