હૉંગકૉંગ સુરક્ષા બિલ : અમેરિકા અને બ્રિટનની ના છતાં ચીને ઘડી કાઢ્યો આ વિવાદાસ્પદ કાયદો

ચીનની સંસદે મંગળવારે હૉંગકૉંગ માટે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પસાર કરી દીધો છે અને આ લગભગ ત્રીસ વર્ષ પહેલાં ચીની શાસનમાં પરત ફરેલા હૉંગકૉંગ માટે આ એક મોટું મૌલિક પરિવર્તન માનવામાં આવી રહ્યું છે.

ચીનની નૅશનલ પીપલ્સ કૉંગ્રેસની સ્થાયી સમિતિએ સર્વસંમતિથી આ કાયદો પસાર કરી દીધો. આ બદલાવને અમેરિકા, બ્રિટન અને અન્ય પશ્ચિમી દેશોની સરકારો સાથે ઘર્ષણના રસ્તે ચીનનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આનાથી વૈશ્વિક આર્થિક કેન્દ્રોમાં ગણના પામતા હૉંગકૉંગની સ્વાયત્તતામાં ઘટાડો થશે.

જોકે, આ કાયદાની રૂપરેખા હજુ સુધી પ્રકાશિત થઈ નથી. ચીનનું કહેવું છે કે આ કાનૂન આતંકવાદ, અલગતાવાદ અને તેના વિદેશી તાકાતો સાથે મેળાપીપણાને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યો છે.

આ કાયદા પર ચર્ચા શરૂ થયા પછી દેશમાં લોકતંત્રના સમર્થનમાં હૉંગકૉંગમાં અનેક વાર હિંસક પ્રદર્શનો થયા છે.

બ્રિટનના હાથમાંથી જ્યારે હૉંગકૉંગની સત્તા ચીનને 1997માં સોંપાઈ હતી ત્યારે કેટલાક કાયદા બનાવવામાં આવ્યા હતા જે હેઠળ હૉંગકૉંગને કેટલીક ખાસ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી હતી જે ચીનમાં લોકો પાસે નથી.

પાછલા મહિને જ ચીનને ઘોષણા કરી હતી કે તે આ કાયદો લાગુ કરશે. આ કાયદા પ્રમાણે જે લોકો વિદેશી તાકાતોની મદદથી હૉંગકૉંગમાં અલગતા, તોડફોડ અથવા આતંકવાદ જેવી ગતિવિધિઓમાં સક્રિય ઠેરવાશે તો એમના પર ગુનાહિત કલમો લગાવીને એમને દંડિત કરી શકાશે.

ટીકાકારોનું કહેવું છે કે આ નવો કાયદો હૉંગકૉંગની ઓળખ માટે એક મોટું જોખમ છે. તેમણે ચેતવણી આપી છે કે આ કાયદો હૉંગકૉંગની ન્યાયિક સ્વતંત્રતાને નબળી કરી નાખશે અને શહેરની એ સ્વતંત્રતાને નષ્ટ કરી દેશે જે ચીનમાં રહેનારા લોકોને ઉપલબ્ધ નથી.

1997માં હૉંગકૉંગને બ્રિટિશ નિયંત્રણમાંથી ચીનને પરત સોંપી દેવાયું હતું. પરંતુ આના માટે એક ખાસ સમજૂતી થઈ હતી. જે પ્રમાણે હૉંગકૉંગના લોકોને ચીનની સરખામણીમાં કેટલીક વધારાની સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવી હતી.

મેમાં જ્યારે ચીને કહ્યું હતું કે તે આ કાયદાને લાગુ કરશે તો આ બિલના વિરોધમાં હૉંગકૉંગમાં વિરોધ પ્રદર્શન તેજ થઇ ગયા હતા અને આંતરરાષ્ટ્રીય સ્તર પર આ કાયદાની નિંદા કરવામાં આવી હતી.

પરંતુ ચીનનું કહેવું છે કે અલગતાવાદી ગતિવિધિઓ અને આતંકવાદને પહોંચી વળવા માટે આ કાયદો જરૂરી છે. સાથે જ ચીનનું વલણ એ રહ્યું છે કે આ એમનો આંતરિક મામલો છે અને એના પર તે કોઈપણ હસ્તક્ષેપના રૂપમાં થતી ટીકાને રદિયો આપે છે

ચીનના વહીવટીતંત્ર અનુસાર આ કાયદાને બુધવાર સુધી લાગુ કરવા માટે ઘણી ઝડપથી કામ કરવામાં આવ્યું કારણ કે બુધવારે બ્રિટન તરફથી હૉંગકૉંગ ચીનને સોંપાવાની ઘટનાની વર્ષગાંઠ પણ છે અને આ પ્રસંગે ત્યાં મોટા રાજનૈતિક પ્રદર્શન થઈ રહ્યાં છે.

આ કાયદો છે કેવો?

ચીને હજુ સુધી અધિકારીક રીતે આ કાયદાના પસાર થવાની પુષ્ટિ કરી નથી અને આ કાયદાની રૂપરેખાને પણ સાર્વજનિક કરાઈ નથી પરંતુ આના કેટલાક વિવરણ સામે આવ્યા છે.

આ કાયદો કોઈ પણ એવી ગતિવિધિ જેમાં વિદેશી અથવા બહારની તાકાતો સાથે મેળાપીપણામાં હૉંગકૉંગ અથવા ચીનમાં અલગતા અને આતંકવાદની કોશિશને અપરાધિક ગણે છે.

આ માટે હૉંગકૉંગમાં એક નવું રાષ્ટ્રીય સુરક્ષા કાર્યાલય સ્થાપિત કરવામાં આવશે જે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધી મામલાઓ જોશે. આ એજન્સી પાસે કેટલાક અન્ય અધિકારો પણ હશે જેમ કે હૉંગકૉંગની શાળાઓમાં રાષ્ટ્રીય સુરક્ષા વિશેના શિક્ષણની દેખરેખ કરવી.

નવા કાયદા પ્રમાણે હૉંગકૉંગની સરકારે જ સૌથી વધુ વહીવટ કરવાનો રહેશે પરંતુ કેટલાક મામલાઓમાં ચીનને હૉંગકૉંગના અધિકારીઓના આદેશને બદલવાનો અધિકાર મળી જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો