ચીન ઈ-કોમર્સ : સુપ્રીમ કોર્ટમાં ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કાર મામલે પિટિશન

ભારત સરકારે ટિકટૉક સહિતની 59 ચાઇનીઝ ઍપ પર પ્રતિબંધ લાદ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં ચીનની વસ્તુઓનાં બહિષ્કારને લઈને એક પિટિશન દાખલ કરાઈ છે.

ઈ-કોમર્સ કંપનીઓને તેમની પાસે ઉપલબ્ધ દરેક સામાનનાં નિર્માતા દેશની જાણકારી આપવા માટે બાધ્ય કરવામાં આવે એવી માગ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કરાઈ છે.

સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતા દિવ્યજ્યોતિ સિંહ નામના વકીલે આ અરજી દાખલ કરી છે.

અરજીકર્તાની દલીલ છે કે દેશમાં લોકો ચીનમાં બનેલા સામાનનો બહિષ્કાર કરવા માંગે છે, સ્વદેશી વસ્તુઓ જ ખરીદવા માંગે છે પરંતુ ઈ-કોમર્સ કંપનીઓ આ વિચારની આડે આવી રહી છે.

લાઇવ લૉ વેબસાઇટના અહેવાલ પ્રમાણે અરજીકર્તાની માગ છે કે સુપ્રીમ કોર્ટ સરકારને એમ નિર્દેશ આપે કે તે ઈ-કોમર્સ કંપનીઓ અને ઉત્પાદન વેચનારાં અન્યોને ઉત્પાદન કરનાર દેશની જાણકારી લોકોને ઉપલબ્ધ કરાવવા કહે.

આ જાણકારી બિલકુલ સ્પષ્ટ રીતે લોકો જોઈ શકે એની વ્યવસ્થા કરવી જોઈએ જેનાથી લોકો કોઈ પણ સામાન ખરીદતા પહેલાં પોતે જ સમજી વિચારી નિર્ણય લઈ શકશે.

અરજીમાં એમ સલાહ પણ આપવામાં આવી છે કે સરકાર આ મામલે નવો કાયદો બનાવે અને જો નવો કાયદો બનાવવા ન પણ માગતી હોય તો ગ્રાહક સુરક્ષા કાયદાની કલમ 2(9)માં ફેરફાર કરીને પણ સામાનના ઉત્પાદક દેશની જાણકારી લોકોને આપી શકાય છે.

અરજી કરનારનું કહેવું છે કે, હાલ આ કલમ હેઠળ કોઈપણ વસ્તુની ગુણવત્તા, માત્રા, શુદ્ધતા અને મૂલ્ય જેવી જાણકારી મેળવવી જ લોકોનો અધિકાર માનવામાં આવ્યો છે અને સામાનનો ઉત્પાદન કરનાર દેશની જાણકારી મેળવવાને પણ ગ્રાહકને અધિકાર હોવો જોઈએ.

જોકે, લાઇવ મિન્ટના ગઈ કાલના એક અહેવાલ પ્રમાણે દેશમાં હાલ ઑનલાઇન શૉપિંગ કરનારા 37 ટકા લોકો જ ઉત્પાદન કરનાર દેશની વિગત પર નજર કરે છે, જ્યારે 82 ટકા લોકો એમઆરપી અને ડિસ્કાઉન્ટની વિગતો પર અને 62 ટકા લોકો 'બેસ્ટ બિફૉર ડેટ'ની વિગતો પર નજર કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો