ભારત-ચીન સીમાવિવાદ : ચીનના વૈશ્વિક વિવાદોમાં ભારત ચૂપ કેમ રહે છે?

    • લેેખક, કમલેશ
    • પદ, બીબીસી સંવાદદાતા

હાલ ભારત-ચીન વચ્ચે આ સમયે સીમાવિવાદ તણાવ છે. ગલવાનમાં 20 ભારતીય સૈનિકોના મૃત્યુ બાદ સૈન્યસ્તરની વાતચીત અગાઉ ભારતે ચીની સાથે સંબંધિત ટિકટૉક સહિત 59 ઍપ પ્રતિબંધિત કરી છે.

બે દેશો વચ્ચેના ટકરાવમાં એકબીજાના વિવાદિત મુદ્દાઓનો રણનીતિની દૃષ્ટિએ ઉપયોગ કરવો એ આંતતરાષ્ટ્રીય રાજકારણનો એક ભાગ હોય છે.

ભારત પાકિસ્તાન વચ્ચે કાશ્મીર, ગિલગિટ-બાલટિસ્તાન અને બલૂચિસ્તાનને લઈને અનેક વખત આવું જોવા મળે છે.

બંને દેશો આ વિવાદિત મુદ્દા આંતતરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવે છે અને તેના પર અન્ય દેશોનો ટેકો મેળવવાનો પ્રયત્ન કરે છે. આવું અમેરિકા અને ચીન વચ્ચે જોવા મળ્યું છે.

પરંતુ ભારત અને ચીન વચ્ચે આવા મુદ્દાના માધ્યમથી દબાણ ઊભું કરવાનો પ્રયત્ન બહુ ઓછો જોવા મળે છે.

હૉંગકૉંગમાં વિરોધપ્રદર્શન હોય, તાઇવાન સાથે વિવાદ હોય કે તિબેટની નિર્વાસિત સરકાર હોય, આ બધા મુદ્દા ચીનના ગળામાં ફાંસ જેવા છે. એ સિવાય માનવાધિકારના ઉલ્લંઘનથી લઈને કોરોના વાઇરસની ઉત્પત્તિ માટે પણ ચીન સામે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે.

પરંતુ ભારત ચીન સાથે જોડાયેલા આવા મુદ્દા પર આંતરરાષ્ટ્રીય સ્તર પર મૌન કેમ સેવે છે. આ મુદ્દાઓને ભારત રણનીતિક દૃષ્ટિએ કેમ નથી ઉપયોગ કરતું?

હાલમાં જ ચીન હૉંગકૉંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવા જઈ રહ્યું છે જેનો અમેરિકાએ પણ વિરોધ કર્યો છે પરંતુ ભારતે આના પર પ્રતિક્રિયા નથી આપી.

1962નું યુદ્ધ હોય, ચીન અને પાકિસ્તાનના સંબંધ અથવા ડોકલામ જેવા ગતિરોધ વખતે ભારતે સમાધાન માટે વાતચીતને લઈને વેપાર પ્રતિબંધ સુધીના રસ્તા અપનાવ્યા છે પરંતુ ચીનના વિવાદિત મુદ્દા પર મૌન રાખ્યું છે. ચીનને લઈને ભારતની આ નીતિનું કારણ શું છે અને આમાં શું ફેરફાર સંભવ છે?

ભારતની જૂની નીતિ

જવાહર લાલ નેહરુ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર સ્વર્ણ સિંહ કહે છે કે ભારત હંમેશા ‘એક ચીન’ને માન્યતા આપતું રહ્યું છે. આ નીતિમાં ફેરફાર ભારતની વિદેશ નીતિમાં મોટું પરિવર્તન હશે.

સ્વર્ણ સિંહ કહે છે, “ચીનમાં આંતરિક વિરોધ અને તાઇવાનને ચીનનો ભાગ કહેવાના વિવાદને કારણે ચીન હંમેશા ‘એક ચીન’ની નીતિને આગળ ધપાવે છે. ચીન હંમેશા એ વાત પર જોર આપે છે કે કોઈ પણ દેશ જે ચીન સાથે સંબંધ રાખવા માગે છે તે પહેલા એક ચીનની નીતિને માન્યતા આપે. આ શરતને ભારતે પણ માન્યતા આપી છે. ”

તાઇવાન સાથે થયેલા લાંબા વિવાદમાં ચીનને માન્યતા મેળવવામાં ઘણો સમય લાગી ગયો હતો. 20-25 વર્ષ સુધી દુનિયા તેને ચીન માનતી પણ નહોતી. પરંતુ ચીનની વધતી શક્તિ અને પ્રભાવને કારણે મોટા-મોટા દેશોએ તેને માન્યતા આપી હતી.

સ્વર્ણ સિંહ કહે છે કે ભારત અને ચીન બંને દેશ ઉપનિવેશ રહ્યા છે એટલે તેમનામાં સંપ્રભુતા માટે ઝનૂન પણ ઘણું વધારે છે. બંધારણીય રીતે ભારત પણ માને છે કે કોઈ પણ દેશની આંતરિક બાબતમાં અન્ય દેશે હસ્તક્ષેપ ન કરવો જોઈએ. પોતે ભારત પણ કાશ્મીરને લઈને અન્ય કોઈ દેશનો હસ્તક્ષેપ સ્વીકાર નથી કરતું. ચીન પણ ભારતના આ વલણને માને છે અને તે કાશ્મીર વિશે પ્રમુખતાથી કંઈ બોલવાથી બચે છે.

જોકે તિબેટના વિવાદમાં ભારતે જરૂર ચીનની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ કર્યો છે. ભારતે એક તરફ તિબેટને ચીનનો ભાગ માન્યો છે તો બીજી તરફ દલાઈ લામાને શરણ પણ આપી છે.

આ વિશે સ્વર્ણ સિંહ કહે છે કે તિબેટનો વિવાદ થોડો અલગ છે. ભારત તેનાથી પોતાને અલગ નથી કરી શકતું. ભારતમાં તિબેટના લાખો શરણાર્થીઓ છે એટલે ભારત આ મુદ્દાની અવગણના ન કરી શકે કારણકે તેની અસર ભારત પર જ થશે.

દલાઈ લામાને ભારતના લોકો એક રાજનેતા નહીં પરંતુ એક ધર્મગુરુ તરીકે જુવે છે. તેમની સાથે એક ભાવનાત્મક જોડાણ છે અને તિબેટ ભારતની સરહદ સાથે જોડાયેલું છે.

આર્થિક નિર્ભરતા

નિષ્ણાતો માને છે કે બંને દેશો વચ્ચે આ પરસ્પર સમજણનું એક કારણે આર્થિક નિર્ભરતા પણ છે. બંને દેશોની એકબીજા પર આર્થિક નિર્ભરતા વધી છે જેને કારણે તેઓ મોટા ટકરાવથી બચવા માગે છે.

પ્રોફેસર સ્વર્ણ સિંહ કહે છે, “1962 પછી એક દાયકા સુધી બંને દેશો વચ્ચે વાતચીત નહોતી થઈ. 1990માં ભારતમાં વેપાર વધ્યો અને આર્થિક સુધાર પણ થયા. બંને દેશોમાં જે આર્થિક વૃદ્ધિ થઈ અને સંભાવનાઓ વધી, તેનાથી એકબીજા પ્રત્યે તેમનું વલણ પણ બદલાયું. હવે ટકરાવ કરતા આર્થિક લાભ પર વધારે ભાર મૂકવામાં આવે છે. બંને દેશો એકબીજામાં આર્થિક સંભાવના શોધે છે જેથી પરસ્પર સહાયથી વિશ્વમાં પોતાનો પ્રભાવ વધારી શકે.”

તેઓ કહે છે, “આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણાં એવા મંચ છે જ્યાં ચીન અને ભારત એકમેક થઈને એક જ રણનીતિ પર કામ કરે છે. ભારત અને પાકિસ્તાનની જેમ તેમની વચ્ચેનો તણાવ બધી જગ્યાએ પ્રગટ નથી થતો. એટલે સરકારની નીતિમાં આટલું મોટું પરિવર્તન ઉતાવળમાં નહીં જોવા મળે. જોકે, વિદેશ નીતિ સમય અને પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે.”

પંચશીલના સિદ્ધાંત

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સેન્ટર ફૉર ચાઇનીઝ ઍન્ડ સાઉથ ઈસ્ટ એશિયન સ્ટડીઝમાં આસિસ્ટેન્ટ પ્રોફેસર ગીતા કોચર માને છે કે ભારતને પોતાની આ નીતિમાં ફેરફાર ન કરવો જોઈએ.

તેઓ કહે છે, પંચશીલની સમજૂતી પ્રમાણે બંને દેશો એક બીજાના આંતરિક મુદ્દામાં હસ્તક્ષેપ ન કરી શકે. જો તમે આવું કરશો તો વિરોધ માટે પણ તૈયાર રહેવું પડશે. ભવિષ્યમાં ચીન પણ કાશ્મીર અંગે પ્રશ્નો ઉઠાવી શકે છે. પાકિસ્તાન સાથે સંબંધ સારા હોવા છતાં તેઓ હાલ આ મુદ્દા પર બોલવાથી બચે છે.

પંચશીલ સમજૂતી પર 1954માં ભારત અને ચીને હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી ચીનના તિબેટ ક્ષેત્ર અને ભારત વચ્ચે વેપાર અને પરસ્પર સંબંધ અંગે થઈ હતી. આ સમજૂતીની પ્રસ્તાવનામાં પાંચ સિદ્ધાંત હતા, જેમાં ત્રીજો સિદ્ધાંત કહે છે કે બંને દેશ એકબીજાની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ નહીં કરે.

જોકે, સંયુક્ત રાષ્ટ્રમાં અનેક વખત ચીને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે આના માટે અલગ રસ્તો અપનાવ્યો હતો. ક્યારેક માનવાધિકાનો મુદ્દો ઉઠાવ્યો તો ક્યારેક કાશ્મીર પર પાકિસ્તાન કંઈ બોલે તો તેના પર ચીને વિચાર પ્રગટ કર્યા છે. પરંતુ ચીને ક્યારેય કાશ્મીરને લઈને ભારત સામે સીધા પ્રશ્નો નથી ઊભા કર્યા.

પશ્ચિમી દેશોનો સાથ

અમેરિકા અને યુરોપના અનેક દેશોએ કોરોના વાઇરસને લઈને ચીન સામે ખુલીને પ્રશ્નો કર્યા છે.

જૈવિક હથિયારથી લઈને કોરોનાની ઉત્પત્તિના સવાલ ઊભા થયા છે પરંતુ ભારતે આ વિશે બહુ સંયમિત વલણ અપનાવ્યું છે.

આ વિશે સ્વર્ણ સિંહનું કહેવું છે કે અમેરિકાની પરિસ્થિતિ અલગ છે. તેની સરહદ ચીન સાથે નથી મળતી એટલે તેને યુદ્ધનું સીધું જોખમ નથી. અમેરિકા ચીનને પોતાનું પ્રતિદ્વન્દ્વી માને છે. તેને લાગે કે ચીન થોડા દાયકાઓમાં તેના કરતાં આગળ નીકળી જશે. ચીનની સુપરપાવર બનવાની મહત્ત્વાકાંક્ષા પણ છુપાયેલી નથી. એવામાં અમેરિકા ચીન પર જાહેરમાં દોષારોપણ કરી શકે છે.

જોકે નિષ્ણાતો માને છે કે ભારત બધા મુદ્દાઓની અવગણના નથી કરતું. આ મુદ્દા ભારતના હાથમાં કાર્ડની જેમ છે, તે જ્યારે ચાહે કાર્ડ ચલાવી શકે છે.

ગીતા કોચર કહે છે કે વ્યક્તિગત રીતે આ પાર્ટીના સ્તર પર કોઈ નિવેદન આપે એ અલગ વાત છે. તમે સરકારની બહાર રહીને એમ કહો કે ચીનના આંતરિક મુદ્દા ઉઠાવીને તેના પર દબાણ કરવું જોઈએ. પરંતુ બંને દેશોની સરકારો વાત કરે ત્યારે સમજૂતીને ધ્યાનમાં રાખવામાં આવે.

જો ભારત આ સમજૂતીને તોડશે તો ચીન તેને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જશે અને તેને બીજી સમજૂતીઓ તોડવાનો મોકો મળી જશે. ચીનની સાથે સિક્કિમને લઈને સમજૂતી થઈ છે જેમાં તેણે સિક્કિમને ભારતના ભાગ તરીકે માન્યતા આપી છે. એટલે કોઈ પણ નિર્ણય લેતા પહેલા અનેક પક્ષોને ધ્યાનમાં રાખવા જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો