હૉંગકૉંગ સુરક્ષા બિલને ચીનની સંસદનું સમર્થન, અમેરિકાનો વિરોધ

ચીનની સંસદમાં હૉંગકૉંગના એ નવા સુરક્ષા કાયદાને મંજૂરી આપી દેવામાં આવી છે જેમાં કેન્દ્રની સરકારની સત્તા નબળી પાડવાને હવે અપરાધ માનવામાં આવશે. હવે આ વિધેયક ચીનના વરિષ્ઠ નેતૃત્વને પાસે જશે.

આ કાયદાને લઇને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે, તેમનું કહેવું છે કે આ કાયદાથી હૉંગકૉંગનો વિશેષ દરજ્જો સમાપ્ત થઇ જશે. નવા સુરક્ષા કાયદા હેઠળ હૉંગકૉંગની અંદર ચીનને પોતાની સુરક્ષા એજન્સીઓનું ગઠન કરવાનો અધિકાર રહેશે. હૉંગકૉંગ માટે આ એકદમ નવી વાત છે.

અમેરિકાએ ચીનના આ પગલાનો વિરોધ કર્યો છે. સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પૉમ્પિયોએ કહ્યું કે આ હૉંગકૉંગ હવે ચીનની સ્વાયત્ત નહીં રહે.

આ કાયદા વિરૂધ્ધ હૉંગકૉંગમાં પહેલાથી જ વિરોધપ્રદર્શનો જોવા મળી રહ્યા હતાં.

આ પહેલા બુધવારે હૉંગકૉંગમાં સુરક્ષા દળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે સંધર્ષ પણ થયો હતો.

તે દિવસે હૉંગકૉંગની સંસદમાં એક બીજા પ્રસ્તાવિત કાયદા પર ચર્ચા થઇ રહી હતી. જે હેઠળ ચીનના રાષ્ટ્રગાનનું અપમાન ગુનો ગણવામાં આવશે.એવી વાત હતી.

ગુરૂવારે ઓછામાં ઓછા બે લોકશાહી તરફી કાઉન્સેલર્સને હાંકી કાઢવામાં આવ્યા હતાં. એક કાઉન્સેલર ટૅજ હુઇએ, ચેમ્બરમાં સડેલા છોડ ફેંકયા હતાં અને કહ્યું આ છોડની જેમ હૉંગકૉંગની રાજનૈતિક વ્યવસ્થા કેટલી સડી ગઇ છે.

તેમણે કહ્યું "હું સ્પીકરને અનુભવ કરાવવા માંગતો હતો કે સડાનો અર્થ શું થાય છે."

સ્પીકરે તેને "અજાણ્યો જોખમી પદાર્થ" ગણી પોલીસ અને ફાયર ક્રુને બોલાવ્યા હતાં.

બુધવારે હૉંગકૉંગમાં સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હૉંગકૉંગની સંસદમાં ગુરુવારે પણ પ્રસ્તાવિત કાયદા પર ચર્ચા ચાલુ છે સાથે સુરક્ષા દળો એલર્ટ પર છે.

રવિવારે પણ હૉંગકૉંગમાં પ્રસ્તાવિત નવા સુરક્ષા કાયદા પર સેંકડો લોકોએ પ્રદર્શન કર્યું હતું. ત્યારે પોલીસે લોકતંત્ર સમર્થક વિરોધી પર ટીયર ગૅસનો મારો કર્યો હતો.પ્રદર્શનને જોતા હૉંગકૉંગના પ્રશાસનિક કાર્યાલયની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવમાં આવ્યો હતો.

ત્યારબાદ કેવી પ્રતિક્રિયાઓ આવી?

આ નવા કાયદા હેઠળ કયા પ્રકારના વર્તનને ગેરકાયદેસર અને જોખમી ગણાશે તેની સંપૂ્ર્ણ વિગતો હજી બહાર નથી આવી. સપ્ટેમ્બર કે તે પહેલા તેનું અમલીકરણ લાગુ કરવામાં આવશે.

બુધવારે અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે "હૉંગકૉંગમાં હાલમાં થયેલા બદલાવને લીધે હવે તેને મૂખ્ય ભૂમિ ચીનથી 'ઉચ્ચ સ્વાતંત્ર્ય ધરાવતા' નહી માનવામાં આવે."

તેનો અર્થ એ હતો કે અમેરિકાના કાયદાઓ પ્રમાણે હૉંગકૉંગને ચીનથી જુદુ નહી ગણવામાં આવે.

આ જાહેરાતને લીધે હૉંગકૉંગના વ્યાપાર વાણિજ્ય પર મોટી અસર પડી શકે છે.જેનાથી બેજીંગને કદાચ વધુ ગુસ્સો પણ આવી શકે.

આગળ શું બની શકે?

કોરોના વાઇરસને લીધે બે મહિનાના વિલંબ પછી મળેલી નેશનલ પીપલ્સ કૉંગ્રેસ (NPC) એ સુરક્ષા બિલને 2878 મત સાથે પસાર કર્યો સામે પક્ષે એક વિરોધ મત હતો અને છ ગેરહાજર.

NPC એવા કાયદાઓ જ પસાર કરે છે જેને સરકારનો સહયોગ હોય છે. એટલે શંકા નથી કે આ બિલને સરકારની મંજૂરી ન મળે.

બિલને હાલ ડ્રાફટ ડિઝીસન કહેવાય છે. હવે તેને કમ્યુનિસ્ટ પક્ષની સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલવામાં આવશે.

જોકે બિલની સંપૂર્ણ વિગતો હજુ સુધી બહાર નથી તેમ છતાં ગુનો ગણવામાં આવી શકે તેવી બાબતો છે.

- સંબંધભંગ/ વિચ્છેદ - દેશથી નાતો તોડવો

- વિધ્વંસ - કેન્દ્ર સરકારની સત્તાને અવગણવી અથવા નબળી પાડવી

- આંતકવાદ/ચરમપંથ - ધાક ધમકી અથવા હિંસોના પ્રયોગ

- હૉંગકૉંગમાં દખલ કરતી વિદેશી દળોની પ્રવૃત્તિ

બિલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે "જયારે જરૂર પડે ત્યારે 'કેન્દ્રની સરકારના રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનુસાર તેમની સુરક્ષા એજન્સીઓ હૉંગકૉંગમાં કાયદા અને સુરક્ષાની જાળવણી માટે પોતોની એજન્સી સ્થાપિત કરશે.'

એનો અર્થ એ થયો કે હૉંગકૉંગમાં તેની પોતાની એજન્સીઓ હોવાની સાથે ચીન પોતાની કાયદા અને સુરક્ષાની એજન્સીઓ શહેરમાં સ્થાપિત કરશે.

હૉંગકૉંગના સત્તાધીશોનું કહેવું છે કે આ કાયદો શહેરમાં વધતા આંતકવાદ અને હિંસા માટે જરૂરી છે. સ્થાનિકોએ તેનાથી જરાય ગભરાવાની જરૂર નથી.

ચીને આવુ શામાટે કર્યું?

1997માંથી બ્રિટીશ સત્તા પાસેથી હૉંગકૉંગ ચીનને પરત કરવામાં આવ્યું. પરતું એક જુદા જ કરાર સાથે. જેમાં બેઝિક લૉ નામક નાનું સંવિધાન તૈયાર કરવામાં આવ્યું હતું. જે મુજબ એક દેશ બે વ્યવસ્થાનું સ્થાપન હતું.

તે વ્યવસ્થા હૉંગકૉંગની સ્વાયતતા જળવાય રહે તે માટે બનાવવમાં આવી હતી. વિધાનસભા અને વાણીની સ્વતંત્રતા, તેમ જ ન્યાયતંત્ર અને કેટલાક લોકશાહીના અધિકાર અંહી મળે છે જે મૂખ્ય ભૂમિ ચીનના કોઇ ભાગમાં નથી મળતાં.

તે જ કરાર હેઠળ હૉંગકૉંગે પોતાનો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો બનાવ્યો હતો જે મૂળભૂત કાયદાની કલમ 23 હેઠળ આવે છે.

સરકારે 2003માં તેને નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો હતો પરતું વિરોધ પ્રદર્શનોને લીધે પીછેહઠ કરવી પડી હતી.

તેમ જ ગત વર્ષે પ્રત્યાપર્ણ બિલને લઇને પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન થતા એન્ટી ચીન અને લોકશાહી તરફી ચળવળો શરૂ થઇ.

ચીન હવે આ બનાવોનું પુનરાવર્તન કરવાનું ટાળવા માંગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો