કોરોના વાઇરસ : તબલીગી જમાત કેસમાં 541 વિદેશી નાગરિકો સામેની ચાર્જશીટમાં શું છે?

દિલ્હીમાં તબલીગી જમાતના લોકો ભેગા થયા હતા તે અંગે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે 541 વિદેશી નાગરિકો સામે નવી 12 ચાર્જશીટ ફાઇલ કરી છે.

જેની સમાચાર સંસ્થા એએનઆઈએ આ માહિતી આપી હતી.

દિલ્હીની સાકેત કોર્ટમાં આજે 25 જૂનની નવી તારીખ આપવામાં આવી છે.

દિલ્હીનો નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી તબલીગ જમાતની મરકઝમાં માર્ચ મહિનામાં એક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. દેશનાં અલગ-અલગ રાજ્યોમાંથી પણ લોકો અહીં આવ્યા હતા અને વિદેશીઓએ પણ ભાગ લીધો હતો.

આ સ્થળેથી મોટા પ્રમાણમાં કેસો સામે આવતા તબલીગી જમાતની આ સભા કથિત રીતે દેશમાં કોરોના વાઇરસના સંક્રમણનું કેન્દ્ર બની ગઈ હતી.

તબલીગ જમાતનું કહેવું છે કે જનતા કર્ફ્યુના એલાન સમયે જ તેમણે આ ધાર્મિક કાર્યક્રમ રોકી દીધો હતો. સંપૂર્ણ લૉકડાઉનની ઘોષણાને કારણે ઘણા લોકો પાછા નથી જઈ શક્યા. તબલીગી જમાતે એમ પણ કહ્યું કે તેમણે પોલીસને જાણ કરી હતી પરંતુ પરિવહન બંધ થઈ જવાને કારણે લોકો અટવાઇ ગયા.

આ મામલો 17મી જૂને ચાર્જશીટ પર વિચારણા કરવા માટે સૂચિબદ્ધ અહેવાલ તૈયાર કરાયો હતો.

ચાર્જશીટ ફાઇલ કરતી વખતે ક્રાઇમ-બ્રાંચના અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં 900થી વધુ આરોપીઓ છે. બુધવારે 14 દેશોના 292 વિદેશી નાગરિકો સામે 15 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ત્યારે પોલીસે કહ્યું હતું કે ગુરુવારે બીજી ચાર્જશીટ પણ ફાઇલ કરવામાં આવશે.

આરોપીઓને બ્લૅક લિસ્ટ કરવામાં આવ્યા છે તેમજ તેમના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે.

ક્રાઇમ-બ્રાંચના અધિકારીએ કોર્ટમાં જણાવ્યું હતું કે એ વિદેશી નાગરિકો પ્રવાસી વિઝા પર આવ્યા હતા અને અહીં ભારતમાં ધાર્મિક પ્રચાર-પ્રસારનું કાર્ય કરી રહ્યા હોવાથી વિઝાના નિયમોનું ઉલ્લંઘન થયું છે.

ન્યાયાધીશે સંગઠનને મળેલા ભંડોળ વિશે પ્રશ્ન પૂછતા તપાસ અધિકારીએ કોર્ટને કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ(ED) અને સીબીઆઈ ભંડોળ વિશે વધુ તપાસ કરી રહ્યા છે.

ચાર્જશીટમાં જણાવ્ય મુજબ વિદેશી નાગરિકોમાં 8૦ નાગરિક મલેશિયાના 80 બાંગ્લાદેશના, 44 મ્યાનમારના, 39 થાઇલેન્ડના, નેપાળના 22, શ્રીલંકાના 17, બે ઓસીઆઈ કાર્ડ ધરાવતા યુકે અને ઑસ્ટ્રેલિયાના, બે બે નાગરિકો જીબુતી અને કેન્યાથી, એ સિવાય માલી, નાઇજીરીયા, તાન્ઝાનિયા અને દક્ષિણ આફ્રિકામાંથી એક-એક નાગરિકનો સમાવેશ થાય છે.

ચાર્જશીટમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ના સેક્શન 14 (બી) ફોરેનર્સ ઍક્ટ 1946, ધ એપેડેમિક ડિસીઝ ઍક્ટ 1897ની સેકશન 3, ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટ, 2005 સેકશન 51 અને સેકશન 188 (જાહેર સેવક દ્વારા અપાયેલા આદેશની અવગણના), 269 (જીવન માટે જોખમી બીમારીનું સંક્રમણ ફેલાવવા માટે લાપરવાહીથી કામ કરવાની સંભાવના), 271 (ક્વોરેન્ટાઇનના નિયમનો ભંગ કરવો) હેઠળ દાખલ કરવામાં આવી છે

આ તમામ વિદેશી નાગરિકોને વિઝાના નિયમોનો ભંગ બદલ પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું હતું કે તેઓ સભામાં હાજર રહેલા તમામ વિદેશી નાગરિકોની પૂછપરછ કરી ચૂક્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો