તબલીગી જમાતઃ નિઝામુદ્દીન મરકઝના મૌલાના મોહમ્મદ સાદ કાંધલવી કોણ છે?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

તબલીગી જમાત અને તેના અમીર (નેતા) મૌલાના મોહમ્મદ સાદ કાંધલવી આજકાલ સમાચારોમાં ચમકી રહ્યા છે.

તેમના સમાચારમાં ચમકવાનું કારણ દિલ્હીમાં યોજાયેલો એક કાર્યક્રમ છે. એ કાર્યક્રમને પગલે દેશભરમાં કોવિડ-19ના અનેક કેસ બહાર આવ્યા છે.

દિલ્હી પોલીસે મૌલાના સાદ વિરુદ્ધ મંગળવારે એફઆઈઆર દાખલ કરી હતી.

પોલીસનું કહેવું છે કે મૌલાનાએ નિઝામુદ્દીન વિસ્તારમાં એક વિશાળ ધાર્મિક સભાનું આયોજન કરીને સરકારના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

મૌલાના ગૂમ થઈ ગઈ હોવાના સમાચાર મીડિયામાં આવવા લાગ્યા ત્યારે મૌલાનાએ મંગળવારે રાતે એક ઓડિયો મૅસેજ બહાર પાડીને જણાવ્યું હતું કે તેઓ પોતે આઇસોલેશનમાં છે.

હવે લોકો એ જાણવા ઇચ્છે છે કે 55 વર્ષની વયના મૌલાના સાદ છે કોણ?

તમે ગૂગલ કરશો તો તેમના વિશે ખાસ કોઈ માહિતી મળશે નહીં. તેમના ફોટોગ્રાફ્સ કે વીડિયો પણ જોવા મળશે નહીં. કેટલાક લેખો મળશે, જે ખોટી માહિતીને આધારે લખાયેલા છે.

તેનું કારણ એ નથી કે જમાત અને મૌલાના ગુપ્ત રીતે કામ કરે છે. તેનું કારણ એ છે કે જમાત ટેલિવિઝન, ફિલ્મ, વીડિયો અને ઇન્ટરનેટ વગેરેની વિરુદ્ધમાં છે.

નિઝામુદ્દીન વિસ્તારના 'લોકલબૉય'

મૌલાના સાદના સૌથી નજીકના સગા અને તેમના બનેવી મૌલાના ઝિયાઉલ હસને બીબીસીને ફોન પર કહ્યું હતું, "અમારા ઘરોમાં ટીવી ક્યારેય આવ્યું નથી. અમે ક્યારેય ટીવી જોતા નથી અને ફોટોગ્રાફ્સ પડાવતા નથી."

જમાતના લોકો ટીવી, ફોટોગ્રાફ અને ફિલ્મોની માયૂબ એટલે કે ધર્મ વિરુદ્ધનાં ગણે છે. જમાતના અનેક લોકો પાસે મોબાઇલ ફોન પણ નથી.

મૌલાના સાદના નજીકનાં સગાં અને તેમને વર્ષોથી ઓળખતા લોકો સાથે વાત કર્યા બાદ તેમની એક ચોક્કસ છબી ઊભરે છે.

-તેઓ નિઝામુદ્દીન બસ્તીના 'લોકલબૉય' છે.

-તબલીગી જમાતની નેતાગીરી તેમને વારસામાં મળી છે.

-તેઓ ઇસ્લામના મોટા જ્ઞાની નથી, પણ સંસ્થા પર જોરદાર પકડ ધરાવે છે.

-તેઓ બીજાની વાત બહુ ઓછી સાંભળે છે, પણ તેઓ એક સાધારણ વ્યક્તિ છે અને કોઈને પોતાનો દુશ્મન ગણતા નથી.

ઇસ્લામના વિદ્વાન ગણાતા નથી

મૌલાના સાદ, 1926માં તબલીગી જમાતની સ્થાપના કરી ચૂકેલા મૌલાના મોહમ્મદ ઇલિયાસ કાંધલવીના પ્રપૌત્ર છે. એક રીતે કહી શકાય કે મૌલાના સાદને જમાતની નેતાગીરી વારસામાં મળી છે.

તેમનો જન્મ નિઝામુદ્દીન બસ્તીના જે ઘરમાં 55 વર્ષ પહેલાં થયો હતો એ જ ઘરમાં તેઓ આજે પણ રહે છે. તેમનું ઘર જમાતના મુખ્યાલય એટલે કે મરકઝની એકદમ નજીક છે.

દુનિયાના 80 દેશોમાં જમાતના લાખો સભ્યો છે. એ દેશોમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, યુરોપ, ઑસ્ટ્રેલિયા અને અમેરિકા ખાસ છે.

મૌલાના સાદ તેમની જમાતના લાખો લોકોના આધ્યાત્મિક નેતા પણ છે.

તેમના પરદાદા મોહમ્મદ ઇલિયાસ અને દાદા મોહમ્મદ યુસૂફ ઇસ્લામના વિદ્વાન ગણાતા હતા, પણ મૌલાના સાદને એવા વિદ્વાન ગણવામાં આવતા નથી.

તેમના બનેલી મૌલાના હસનના જણાવ્યા અનુસાર, "મરકઝમાંના મદરસા કાશિફુલ ઉલૂમમાં મૌલાના સાદે શિક્ષણ લીધું હતું."

મદરેસામાં ઇસ્લામી શિક્ષણ મેળવ્યું હોવા છતાં મૌલાના સાદનો દરજ્જો જમાતમાં ઇસ્લામના વિદ્વાન અને મૌલાના ઇબ્રાહીમ દેઓલ તથા મૌલાના અહમદ લાટ નામના મહાનુભાવો જેવો નથી.

તેઓ પાંચ વર્ષ પહેલાં જમાતના અમીર બન્યા ત્યારે કદાચ આ કારણસર જ તેમને ઉપરોક્ત મહાનુભાવો પાસેથી એટલો આદર મળ્યો ન હતો, જેટલો એક સંસ્થાના નેતાને મળવો જોઈએ.

જમાતમાં ફાટફૂટ

પરિણામે એવું થયું કે તેમની વચ્ચેના મતભેદ વધવા લાગ્યા હતા. ત્રણ વર્ષ પહેલાં જમાતમાં ભાગલા પડી ગયા હતા અને તે બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી.

મૌલાના ઇબ્રાહીમ અને મૌલાના લાટ બન્ને ગુજરાતના છે અને તેમની વય 80 વર્ષથી વધારે છે.

તેઓ અલગ થયેલા જૂથના જાણીતા ચહેરા છે. તેમના જૂથમાં કેટલા લોકો છે તેની સાચી માહિતી ઉપલબ્ધ નથી.

કેટલાક લોકો કહે છે કે 60 ટકા લોકો અલગ થયેલા જૂથ સાથે ગયા હતા, પણ બીજા કેટલાક લોકો એવું કહે છે કે માત્ર 10 ટકા લોકો જ નવી જમાતમાં સામેલ થયા છે.

મૌલાના હસન જમાતમાં ફાટફૂટ માટે મૌલાના સાદને જવાબદાર ગણતા નથી.

તેઓ કહે છે, "મૌલાના ઇબ્રાહીમ અને મૌલાના લાટ દર અઠવાડિયે નવો નેતા બનાવવાના આઇડિયા આપતા હતા. તમે જ કહો, કોઈ સંસ્થા કે કોઈ કંપનીમાં દર અઠવાડિયે નવા નેતાની નિમણૂક થાય તો નિર્ણય કઈ રીતે કરી શકાય?"

જમાતના બન્ને જૂથોની નજીકનો સંબંધ ધરાવતા ઝફર સરેશવાલાના જણાવ્યા મુજબ, તેમણે બન્ને જૂથો વચ્ચે સમાધાનના પ્રયાસ કર્યા હતા, પણ તેમાં સફળતા મળી ન હતી.

ઝફર સરેશવાલા કહે છે, "હું મૌલાના સાદને છેલ્લાં 40 વર્ષથી ઓળખું છું. તેઓ સામાન્ય માણસ છે. એકદમ સાદા છે."

મૌલાનાના જિદ્દી સ્વભાવ બાબતે તેમના બનેવી મૌલાના હસન કહે છે, "આ આરોપ ખોટો છે. તેઓ આખી દુનિયામાં જમાતના નેતા છે અને તેમણે અનેક મુદ્દે નિર્ણય લેવાના હોય છે."

ભારતમાં પડેલા ફાટફૂટનો પ્રભાવ જમાતના આંતરરાષ્ટ્રીય શાખાઓ પર પણ પડ્યો છે.

દાખલા તરીકે બાંગ્લાદેશની તબલીગી જમાત પર હવે મૌલાના સાદનો પ્રભાવ બહુ ઓછો છે. પાકિસ્તાનમાં પણ એવી જ સ્થિતિ છે.

જોકે, યુરોપ અને અમેરિકામાં મૌલાનામાં વિશ્વાસ ધરાવતા સભ્યોની સંખ્યા આજે પણ ઘણી મોટી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો