કોરોના વાઇરસ : ગુજરાતમાં છ કરોડથી વધુ લોકોનો સર્વે, ઊભા થયેલા સવાલો અને રજૂ થયેલાં તારણો

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના વાઇરસને પગલે સૌપ્રથમ રાજ્ય સરકારે 31 માર્ચ સુધી લૉકડાઉન જાહેર કર્યું હતું. એ પછી કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉન જાહેર કર્યું હતું. કોરોના વાઇરસની ગંભીરતાને લઈને રાજ્ય સરકારે રાજ્યના નાગરિકોના સર્વેલન્સ-ટ્રૅકિંગની કામગીરી શરૂ કરી દીધી હતી.

24 માર્ચ સુધીમાં 30 લાખ લોકોનું સર્વેલન્સ - ટ્રૅકિંગ થયું હતું અને એક એપ્રિલ સુધીમાં 6,30,47,407 લોકોનો રાજ્યમાં ડોર-ટુ-ડોર સર્વે થયો હતો એવું ગુજરાત સરકારે જણાવ્યું હતું.

આશાવર્કર બહેનો તેમજ આંગણવાડીની બહેનો આ સર્વેની કામગીરીમાં જોડાયાં હતાં.

24 માર્ચે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે કહ્યું હતું કે રાજ્યમાં જ્યાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસ મળ્યા છે એવા વિસ્તારમાં 30 લાખથી વધુ નાગરિકોનું સર્વેલન્સ ટ્રૅકિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.

એમણે કહ્યું કે, આગામી બે સપ્તાહમાં રાજ્યના તમામ નાગરિકોને સર્વેલન્સ-ટ્રૅકિંગ હેઠળ આવરી લેવામાં આવશે.

25 માર્ચે રાજ્યના આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ જયંતી રવિએ કહ્યું હતું કે કોરોના વાઇરસને આગળ વધતો તેમજ તેના સંક્રમણને અટકાવવા સરકારે સર્વેલન્સ અને ટ્રૅકિંગ વધુ સઘન બનાવ્યું છે અને આજ સુધીમાં રાજ્યમાં 1,07,62,012 લોકોનું સર્વેલન્સ-ટ્રૅકિંગ કરવામાં આવ્યું છે.

એક એપ્રિલ સુધીમાં 6,30,47,407 લોકોનો રાજ્યમાં ડોર-ટુ-ડોર સર્વે થયો છે એવી વિગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આપી હતી.

એ અગાઉ 30 માર્ચે 5,90,06711 લોકોનો સર્વે થયો હતો. 31 માર્ચે 6,15,86,860 લોકોનો ડોર-ટુ-ડોર સર્વે થયો હતો.

સર્વેના આ આંકડાની સાથે રોગનાં લક્ષણ ધરાવતી તેમજ રાજ્યના અને વિદેશના પ્રવાસે ગયેલી વ્યક્તિના આંકડા પણ દર્શાવાતા હતા.

સર્વેના આંકડા સામે સવાલો

સર્વેના આંકડા રાજ્યનાં આરોગ્ય સચિવ જયંતી રવિ રોજ પ્રેસ-કૉન્ફરન્સમાં આપી રહ્યાં હતાં.

આ આંકડા બહાર પડ્યા હોવા છતાં કેટલાય વિસ્તારોમાં સર્વે થયો ન હોવાનો સવાલ પણ કેટલાક પત્રકારોએ 30 માર્ચે જયંતી રવિને પૂછ્યો હતો.

એ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે "આપણે ગીચ વિસ્તારોને પ્રાધાન્ય આપ્યું હતું કે જ્યાં વસતી વધુ હોય. કેટલાક કિસ્સામાં એવું પણ થયું છે કે સોસાયટીએ સર્વે માટે પ્રવેશ ન આપ્યો હોય, તેથી એ તમામ મુદ્દા ઉકેલવામાં આવશે."

ટૂંકમાં રાજ્ય સરકાર જેને સર્વે કે ટ્રૅકિંગ કહે છે એને લીધે ખૂબ ઊહાપોહ થયો હતો.

એની સામે કેટલાક સવાલો પણ ઊભા થયા હતા કે આટલા ઓછા સમયગાળામાં કરોડો નાગરિકોનું સર્વેલન્સ શક્ય છે? અને જો થયું હોય તો કેવી રીતે થયું?

આ વિશે અમદાવાદનાં માહિતી અધિકાર કર્મશીલ તેમજ સામાજિક કાર્યકર પંક્તિ જોગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે "રાજ્યમાં એક હજારની વસતીદીઠ એક આશાવર્કર બહેન છે. તેથી આટલા દિવસમાં આ પ્રકારનો સર્વે થઈ શકે. સરકાર માટે આ અશક્ય બાબત નથી."

"સવાલ એ છે કે એ કયા પ્રકારનો સર્વે છે એ સરકારે જાહેર કરવું જોઈએ. સર્વેનો પાયાનો નિયમ એ છે કે સરકારે એની પદ્ધતિ દર્શાવવી પડે. એના આંકડા જાહેર થાય ત્યારે એની પાછળના તર્ક, વિગત અને જવાબદારી જણાવવી જોઇએ. સર્વેનો આંકડો કોઈ મૅજિક ફીગરની જેમ જાહેર ન થવો જોઈએ. જો એમ થાય તો પારદર્શિતાના સવાલ ઊભા થાય છે."

તેઓ એમ પણ કહે છે, "સર્વે માટે જે શબ્દો ઉપયોગમાં લેવાયા છે એ પણ સમજફેર ઊભી કરે છે. સરકારે ક્યાંક સર્વેલન્સ - ટ્રૅકિંગ શબ્દ વાપર્યો છે અને ક્યાંક માત્ર સર્વે એવો શબ્દ વાપર્યો છે. તમે કઈ પદ્ધતિથી સર્વે કરવો છો એ જણાવવું પડે. તમે ઑનલાઇન કર્યો કે નોંધણી કરી એ તમારે જણાવવું પડે."

ટેકો ઍપ્લિકેશનના ઉપયોગથી સર્વે થઈ રહ્યો છે એવું સરકારે જણાવ્યું હતું.

આ વિશે પંક્તિબહેને કહ્યું કે "ટેકો ઍપ્લિકેશનની વાત કરીએ તો ગર્ભવતી બહેનોને પોષણને લગતી સમસ્યાના ઉકેલરૂપે ટેકો ઍપ્લિકેશન શરૂ થઈ હતી. એ રાજ્યના કેટલાક જિલ્લામાં અને તાલુકામાં છે. સરકારે એ પ્રયોગરૂપે કર્યું છે."

"સગર્ભા બહેનોના પોષણ આકલન માટે જે ટેકો ઍપ્લિકેશન છે એ આમાં કઈ રીતે ઉપયોગમાં લેવાઈ છે એની સ્પષ્ટતા કરવી જોઈએ. શક્ય છે કે કેટલાક વિસ્તારો એ ઍપ્લિકેશનની સીમામાં ન હોય. તો આવા સવાલો છે જેના મુદ્દે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ."

"આવા તાકીદના સમયમાં સરકારના ઉચ્ચ હોદ્દેદાર આંકડા રજૂ કરે અને એની પાછળની વિગતો ન રજૂ થાય તો એનાથી સરકારની વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થાય છે."

'આંકડા વાસ્તવિકતાથી જોજનો દૂર'

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ સરકારના સર્વેના આંકડાને વાસ્તવિકતાથી જોજનો દૂર દર્શાવ્યા હતા.

તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "લૉકડાઉનમાં દરેક વ્યક્તિ ચિંતામાં બેઠી છે એવા સમયે પણ સરકાર આંકડાની માયાજાળ રચે છે. એક બાજુ સરકાર કહે છે કે અમે સર્વે કર્યો અને બીજી બાજુ વિદેશથી આવેલા કેટલાય લોકોને સરકાર શોધી શકતી નથી. જો સરકારે ડોર-ટુ-ડોર સર્વે કર્યો હતો તો દિલ્હીના નિઝામુદ્દીનમાં મરકઝમાં ભાગ લેવા ગયેલા ગુજરાતના લોકોની વિગતો પણ સરકાર પાસે હોવી જોઈતી હતી."

"લૉકડાઉનના ગાળામાં ત્રણ દિવસમાં હજારો શ્રમિકો અને અન્ય લોકો રસ્તા પર ઊતરી આવ્યા એની પણ તમને ન ખબર પડી! જો પોલીસ અને ગુપ્તચર ખાતું સરકારનું હતું તો સરકારને કેમ ખબર ન પડી કે આટલા લોકો રસ્તા પર આવી જશે? સરકારે જો સર્વે જ કર્યો હોય તો એ કઈ રીતે થયો છે, એમાં કઈ કઈ બાબતો આવરી લેવાય છે એ પણ દર્શાવવું જોઈએ."

"સરકારે કાચું જ કાપ્યું છે. સરકારે એક જૂઠને છુપાવવા બીજું જૂઠ- એમ જૂઠની હારમાળા સર્જી છે. આંકડા એક વખત આપ્યા પછી પાછા તો વાળી ન શકાય. આગળ જ ચાલવાનું હતું. તેથી રોજેરોજ આંકડા વધતા જતા હતા. જો થોડા વધુ દિવસ ચાલ્યું હોત તો મહારાષ્ટ્રનો પણ સર્વે થઈ ગયો હોત!"

28 માર્ચે મનીષ દોશીએ આ આંકડાઓ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે "ડૉ. જયંતી રવિએ જાહેર કરેલી માહિતી મુજબ 3.85 કરોડ નાગરિકોનો સર્વે કરવામાં આવ્યો છે. સાથોસાથ મુખ્ય મંત્રીશ્રીના કાર્યાલય સચિવશ્રી અશ્વિનકુમારે એક કરોડ જેટલા નાગરિકોનો સર્વે કર્યાની વિગત ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આપી છે."

"આરોગ્ય સર્વેની કામગીરીમાં 10,000 આશાવર્કર, આંગણવાડીના બહેનો જોડાયેલાં છે તેવી વિગત જાહેર થઈ છે, પરંતુ પાંચ દિવસમાં કરવામાં આવેલા આરોગ્ય સર્વેના જાહેર કરેલા આંકડાઓ વાસ્તવિક પરિસ્થિતિથી ઘણા દૂર હોય તેમ જણાઈ રહ્યું છે."

સર્વે કે ટ્રૅકિંગના આ કામમાં આંગણવાડી બહેનો જોડાયાં હતાં.

બીબીસીએ એક આંગણવાડી બહેન સાથે વાત કરીને સર્વેની કામગીરી કઈ રીતે થાય છે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

આંગણવાડી બહેને સર્વેની કામગીરી વિશે જણાવ્યું હતું કે "સર્વે માટે ઘરની મુખ્ય વ્યક્તિનું નામ પૂછતા હતા. ઘરમાં કેટલી વ્યક્તિ છે, ઘરમાં કોઈને શરદી, ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ થાય છે કે કેમ એ પૂછતા હતા. છેલ્લા 14 દિવસમાં એ લોકો ક્યાંય બહાર જઈને આવ્યા છે કે નહીં એ પૂછતા હતા. આ તમામ માહિતી

અમે નોંધીને આરોગ્ય કેન્દ્રમાં જમા કરાવતા હતા. ઘરમાંથી કોઈ વ્યક્તિ બહારગામ ગઈ હોય તો તેમનાં નામ અને નંબર અલગથી નોંધતા હતા."

"ઉપરાંત, કોરોના સામેની જાગરૂકતા દર્શાવતાં પતાકડાં આપ્યાં હતાં જે અમે લોકોને આપતા હતા. જે લોકોને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હોય કે ગળું બહુ બળતું હોય તેમને તાબડતોબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જવા કહેતા હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો