આર્કટિક સર્કલની એ દિલધડક સફર જે બે યુવકોએ એમના કૂતરા સાથે ખેડી

    • લેેખક, કેલમ વોટસન
    • પદ, બીબીસી સંવાદદાતા

બે આર્કિટેક્ટ યુવાનોએ ફેબ્રુઆરી-2018માં રિટાયર કરી દેવાયેલી એક સ્કોટિશ લાઇફબોટ ખરીદી હતી અને તેને પોતાના સંપૂર્ણ એક્સપિડિશિન હોમમાં પરિવર્તિત કરી નાખી હતી.

એ યુવકો બોટમાં 5000 કિલોમિટરનો પ્રવાસ કરીને આર્કટિક સર્કલ પહોંચી ચૂક્યા છે અને તેમનો પ્રવાસ હજુ ચાલુ છે. આ પ્રવાસમાં શેફલટન નામનો એક કૂતરો પણ તેમને સાથ આપી રહ્યો છે.

યુવકોએ જે બોટ ખરીદી હતી એ બોટનું નામ 20 વર્ષ સુધી ક્લેન્સમેન લાઇફબોટ નંબર વન હતું. 11 મિટર લાંબી નારંગી ફાઇબર ગ્લાસ બોટ 100 લોકોની વહનની ક્ષમતા ધરાવે છે. એ બોટનો ઉપયોગ આફતના સમયે કરવામાં આવતો હતો.

લાઇફબોટની સારી સારસંભાળ રાખવામાં આવી હતી અને દર મહિને તેનું ટેસ્ટિંગ થતું હતું, પણ તેનો ઉપયોગ લાંબા સમયથી થયો ન હતો. બે વર્ષ પહેલાં બોટને નિવૃત્ત કરી દેવામાં આવી હતી અને તેનું સ્થાન વધારે આધુનિક બોટે લીધું હતું.

ઇંગ્લૅન્ડના બે આર્કિટેક્ટ્સે હરાજીમાં તે બોટ 7,000 પાઉન્ડમાં ખરીદી લીધી હતી. આર્કિટેક્ચરનો અભ્યાસ કરી ચૂકેલા 29 વર્ષના ગુલી સિમોન્ડ્સ અને 28 વર્ષના ડેવિડ શ્નેબલ સામાન્ય નોકરી કરવા ઇચ્છતા ન હતા.

બન્ને યુનિવર્સિટીમાં અભ્યાસના સમયથી જ એકમેકને જાણતા હતા, પણ અલગ-અલગ દેશોમાં કામ કરતા હતા. તેમણે નોર્વેમાં હાઈકિંગ ટ્રિપની એક યોજના ઘડી હતી.

એક બોટમાં બેસીને સમુદ્ર માર્ગે નોર્વે જવાનો વિચાર ગુલીને આવ્યો હતો. ગુલીએ કહ્યું હતું કે "નોર્વેના કિનારા ઉત્તમ છે અને બોટમાં પ્રવાસ કરીને ત્યાં પહોંચવાનો અનુભવ સુંદર હતો."

બીજો પડકાર ડેવિડને તૈયાર કરવાનો હતો. ગુલીએ કહ્યું હતું કે "ડેવિડ જમીન પર રહેવાવાળો માણસ છે અને તેને સમુદ્ર સાથે ખાસ કંઈ સંબંધ ન હતો."

બોટમાં પ્રવાસના વિચાર સાથે ડેવિડ પણ તરત સહમત થઈ ગયો હતો અને પછી બન્નેએ લાઈફબોટ નંબર વનને ખરીદી લીધી હતી. તેમણે તેમની નોકરીઓ છોડી દીધી પછી તેમણે તેમની જિંદગીની સૌથી મોટી ડિઝાઈન ચેલેન્જનો સામનો કરવાનો હતો.

એ પછી લાઈફબોટ નંબર વનની સફર એક લોડર પર શરૂ થઈ હતી. એ લાઈફબોટ ગ્રીનરોકથી રિવર ક્લાઈડની બાજુમાંથી થઈને પોર્ટ ઓફ ન્યૂહેવન મરીન યાર્ડમાં પહોંચી હતી.

નવા માલિકોએ લાઈફબોટને નવેસરથી ડિઝાઈન કરવાનો નિર્ણય કર્યો હતો. તેમાં પ્લમ્બિંગ, ઈલેક્ટ્રિક અને એન્જિન નવેસરથી બનાવવા જેવી બાબતોનો સમાવેશ થતો હતો. તેનું એક કારણ પૈસાની બચત પણ હતું. નવા માલિકો જાણતા હતા કે એ કામથી તેમને જબરદસ્ત અનુભવ મળવાનો છે.

લાઈફબોટમાં ડીઝલ એન્જિન હતું, પણ તેનું ઓવરહોલિંગ જરૂરી હતું. સ્પોન્સર્સ અને શેરોના વેચાણમાંથી એ માટેના પૈસાની વ્યવસ્થા થઈ ગઈ હતી.

લાઈફબોટને જૂના લેઆઉટને હટાવી દેવામાં આવ્યો હતો. તેમાં બે ડબલ કેબિન, ગેસ્ટ્સ માટે બંકર બેડ્સ, સીટિંગ એરિયા, ચાર્ટ ટેબલ, કિચન, ટોઈલેટ અને શાવર બનાવવામાં આવ્યા હતા. લાકડાંની બળતણથી ચાલતો એક ચુલો પણ તેમાં લગાવવામાં આવ્યો હતો. એ ચુલો આર્કટિકની ઠંડી રાતોમાં બહુ કામ આવવાનો હતો.

બોટમાં નાનકડું વિન્ડ ટર્બાઈન લગાવવામાં આવ્યું હતું અને છતને સોલર પેનલથી કવર કરવામાં આવી હતી, જેથી બોટને 9,000 વોટ પાવર મળી શકે.

બોટમાં કર્વ્ડ બારીઓ લગાવવામાં આવી હતી, પણ તેના પાછળના હિસ્સામાનું સુપર સ્ટ્રક્ચર હઠાવી દેવામાં આવ્યું હતું. તેમાં પ્લાયવૂડ તથા ફાઇબર ગ્લાસની નવી કોકપિટ તૈયાર કરવામાં આવી હતી.

આમ કરવાથી સ્ટોરેજ માટેની જગ્યા મળી હતી. એ ઉપરાંત બાર્બેક્યૂ તથા સાંજ પ્રકાશમય હોય ત્યારે બીયર પીવાની જગ્યા પણ તેમને મળી હતી.

તેમને આ કામ પૂરું કરવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો. ત્યાં સુધીમાં લાઈફબોટને નવું નામ મળી ગયું હતું. એ હતુઃ સ્ટોડિગ.

ગુલીએ કહ્યું હતું કે "સ્ટોડિગનો અર્થ થાય છે સ્થિર અને ભરોસાપાત્ર. અમને બોટમાં એ ગુણ જોવા મળી રહ્યા હતા. તે અત્યંત સલામત ઘર હતી. જોકે, નામમાં થોડી ગડબડ પણ હતી. આ બોટ સમુદ્રમાં જરાક તોફાન થાય તો પલટી શકે તેમ હતી. તેથી તેને ટકાઉ બોટ કહી શકાય તેમ ન હતું."

ગયા વર્ષે મે મહિનામાં ડેવિડ, ગુલી અને તેમના નોવા સ્કોટિયા ડક ટોલિંગ રિટ્રીવર શેકલટન કુતરાએ ડોવર પહોંચવા માટે ન્યૂહેવનથી પ્રવાસ શરૂ કર્યો હતો.

બોટના ઈન્ટીરિયરનું કામ પુરું થયું ન હતું અને ઉતાવળમાં અનેક ચીજો એક જગાએ એકઠી થવાને કારણે બોટમાં શરૂઆતથી જ અસાધારણ વજન જણાવા લાગ્યું હતું.

ગુલીએ કહ્યું હતું કે "એ થોડું ચિંતાજનક હતું. અમારી પાસે સમુદ્રમાં પરીક્ષણ કરવા માટે વધુ સમય ન હતો. અમને ઉત્સાહ તથા ચિંતા બન્ને હતાં, પણ પોતાની બોટમાં ખુલ્લા સમુદ્રમાં પહેલીવાર જવાથી સારી લાગણી પણ અનુભવાતી હતી."

ડોવરથી તેમણે દુનિયાની સૌથી વ્યસ્ત શિપિંગ લેનને ક્રોસ કરી હતી અને તેમની 5,000 કિલોમીટરની યાત્રા શરૂ થઈ હતી. એ યાત્રામાં તેઓ આઠ દેશોમાંથી પસાર થવાના હતા.

એન્જિનમાં સમસ્યા સર્જાતાં તેમણે એક પખવાડિયું સ્વીડનમાં રોકાવું પડ્યું હતું, પણ જુલાઈની શરૂઆતમાં તેઓ નોર્વે જવા માટે સજ્જ હતા.

ધ સ્કાગેરાક પાર કરતી વખતે તેમણે સૌથી મુશ્કેલ પડકારનો સામનો કરવો પડ્યો હતો. એ પડકાર હતો સમુદ્રના ચાર મીટર ઉંચા મોજાંનો સામનો કરવાનો.

ગુલીએ કહ્યું હતું કે "આ એક હેવી બોટ છે. વજનદાર હોવાને કારણે તેનામાં મોજાને ચીરીને આગળ વધવાની શક્તિ છે, પણ મોજા અમારી ઉપર આવતાં હતાં. રોલર કોસ્ટરમાં બેઠા હોઈએ અને ક્યારે નીચે જઈશું તેની ખબર ન હોય તેવી સ્થિતિ હતી."

એ મુશ્કેલીભર્યો સમય અડધા દિવસનો હતો અને નોર્વે પહોંચ્યા ત્યારે જ તેનો અંત આવ્યો હતો. તેમણે જેની યોજના બનાવી હતી એ પ્રવાસ નોર્વેથી શરૂ થવાનો હતો. તેમણે જોઈસ અને આઈસલેન્ડનો 3000 કિલોમીટરનો પ્રવાસ કરવાનો હતો.

તેમનો પ્રારંભિક પડાવ સ્ટોડિંગનું જન્મસ્થાન આરેંડલમાં નોર્સેફ ફેક્ટરી હતી. લાઇફબોટ નંબર વનને 23 વર્ષ પહેલાં નોર્સેફ ફેક્ટરીમાં જ તૈયાર કરવામાં આવી હતી.

આ પ્રવાસ ખરેખર તો એક પખવાડિયામાં જ પૂરો થવાનો હતો, પણ તેમને તેમાં ચાર મહિના લાગ્યા હતા. એ દરમિયાન તેઓ નિર્જન જગ્યાઓ પર ગયા હતા, ફિશિંગ કર્યું હતું, ક્લાઈંમ્બિંગ કર્યું હતું અને ચાર-પાંચ દિવસમાં તેમણે નવા નગરનો પ્રવાસ કર્યો હતો.

તેઓ તેમના લેપટોપ મારફત નાના-મોટા ફ્રીલાન્સ કામ પણ કરતા રહ્યા હતા. તેમને દોસ્તો અને સ્પોન્સર્સ નાની વિઝિટ્સ માટે રસ્તામાં મળતા રહ્યા હતા.

ગુલીએ કહ્યું હતું કે "અમારે કઈ બાજુ જવું છે તેનો નિર્ણય અમે પોતે જ રોજ કરતા હતા. તેમાં મજા આવતી હતી. બોટમાં પ્રવાસ કરવાની આ જ આઝાદી હતી, પરંતુ અમારે લક્ષ્ય સ્થાને પણ પહોંચવાનું હતું."

124 દિવસના પ્રવાસ બાદ સપ્ટેમ્બરમાં તેઓ આખરે ટ્રોમસો પહોંચ્યા હતા. ટ્રોમસો 70 ડિગ્રી નોર્થમાં આવેલું છે. એ આર્કટિક સર્કલનું સૌથી મોટું શહેર છે.

ગુલીને ત્યાં નોકરી મળી ગઈ હતી, જ્યારે ડેવિડ તેમનું ફ્રીલાન્સ કામ કરતા રહ્યા હતા.

જ્યારે કામ ન કરતા હોય ત્યારે બન્ને સ્કીઈંગ અને ક્લાઈમ્બિંગનો પોતાનો શોખ પૂરો કરવા નીકળી પડતા હતા.

ફેબ્રુઆરીમાં ત્યાં બરફની મોટી ચાદર છવાઈ ગઈ હતી. એ સમયે બોટ આરામદાયક ઘર સાબિત થઈ હતી.

તેમની યોજના ઉનાળામાં સફર ફરીથી શરૂ કરવાની હતી. તેઓ નોર્થમાં વધુ આગળ જવા ઈચ્છતા હતા, પણ માર્ચમાં કોરોનાને કારણે તેમના માટે મુશ્કેલી સર્જાઈ હતી.

ડેવિડે તેમના કામને કારણે બ્રિટનમાં નાની ટ્રીપ કરવી પડતી હતી અને એવી જ એક મુલાકાત વખતે નોર્વેએ વિદેશી નાગરિકો માટે પોતાના પોર્ટ્સ તથા એરપોર્ટસ બંધ કરી દીધાં હતાં.

ગુલી અને શેફલટન છેલ્લા બે મહિનાથી ડેવિડના આવવાની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ આગળનો પ્રવાસ શરૂ કરી શકે.

તેઓ કમસેકમ આ વર્ષના અંત સુધી સ્ટોડિંગને સાથે રાખવા ઇચ્છે છે. સમય આવશે ત્યારે તેઓ આ બોટને વેચી નાખશે. તેમાંથી જે નફો થશે તે ચેરિટી હોપ હેલ્થ એક્શનને દાનમાં આપવામાં આવશે. આ ચેરિટી હૈતીમાં પ્રોજેક્ટ્સ ચલાવી રહી છે.

સ્ટોડિગ એક શોર્ટ ફિલ્મ છે અને કોપા સાયમરુ એન્ડ ફેબ્રિલ ફિલ્મે તેનું નિર્માણ કર્યું છે. તેમાં બન્નેની યાત્રા દર્શાવવામાં આવી છે. ફિલ્મ આ ઉનાળામાં રિલીઝ થવાની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો