કોરોના વાઇરસ: મહામારીમાં માસ્ક અને દવાની ડિપ્લોમસીથી બદલાશે મહાસત્તાનો ચહેરો?

    • લેેખક, ફર્નાન્દો દુઆર્તે
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

કોરોના વાઇરસના કારણે કેટલાક દેશો વચ્ચે સંબંધો તંગ બન્યા છે. મોટા ભાગે દવા અને તબીબી ઉપકરણો પૂરા પાડવાના મામલે કે ચેપને સંભાળવામાં દાખવેલી બેદરકારીની ટીકાના કારણે સ્થિતિ વણસી છે.

કોરોના મહામારી બૂરી રીતે ફસાયેલા દેશોમાં એક છે સ્પેન, જેમને કેટલાક વિસ્તારોમાં બહુ સ્થિતિ વણસી છે ત્યાં વધારે મેડિકલ ઉપકરણોની જરૂર છે.

જોકે જરૂરી સામગ્રી મગાવવાની બાબતમાં અડચણ આવી છે, કેમ કે તુર્કીની સરકાર સાથે વાંધો પડી ગયો છે. સ્પેનના ત્રણ વિસ્તારોનાં આરોગ્ય ટ્રસ્ટોએ મોટી સંખ્યામાં રેસ્પિરેટર્સ તુર્કીથી ખરીદ્યા હતા, પણ તેનું શિપમૅન્ટ તુર્કી સરકારે અટકાવી દીધું છે.

સ્થાનિક વર્તુળોને ટાંકીને સ્પેનિશ અખબારોએ આ ઘટનાને 'ચોરી' સમાન ગણાવી હતી.

એક અઠવાડિયા સુધી સ્પેનના વિદેશ મંત્રાલયે મથામણ કરી તે પછી તુર્કી સરકારે શિપમૅન્ટને રવાના દીધું હતું. Covid-19 મહામારીને કારણે દુનિયાના દેશો વચ્ચે કઈ રીતે રાજદ્વારી સંબંધો તંગ થઈ રહ્યા છે તેનું આ વધુ એક ઉદાહરણ જ છે.

કઈ બાબતોમાં તંગદિલી વધી રહી છે?

એ વાત ખરી કે અમેરિકા અને ચીન એક બીજાને દોષારોપણ કરી રહ્યા છે તેમાં પોતાનો સિક્કો જમાવવાની વાત વધારે છે.

ખાસ કરીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વધુ પડતી 'ચીનતરફી' છે એવી ટીકા કરીને ધમકી આપી હતી કે તેઓ સંસ્થાને ભંડોળ આપવાનું બંધ કરી દેશે તેમાં આ ઝઘડો દેખાઈ આવ્યો હતો.

જોકે દુનિયાના બીજા દેશો વચ્ચે પણ તણખા ઝર્યા છે. વાઇરસના ફેલાવા વિશે ઓછા આંકડા જાહેર કરવાનો આક્ષેપ જેમના પર થઈ રહ્યો છે તે ચીન સિવાયના બાકીના દેશો વચ્ચે પણ ઘર્ષણ વધી રહ્યું છે.

"થિયરીમાં તો બધાં રાષ્ટ્રો એક સમાન લડત લડવા માટે એક થઈ ગયેલાં જોવાં મળવાં જોઈતાં હતાં," એમ લંડન સ્કૂલ ઑફ ઇકનોમિક્સની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ગ્લૉબલ અફૅર્સના સંશોધક સોફિયા ગેસ્ટને બીબીસીને કહ્યું.

"પ્રેક્ટિસમાં આ સંકટના કારણે દેશોએ આંતરિક સ્થિતિ તરફ નજર કરવાની ફરજ પડી છે અને તેના કારણે સહકારના બદલે સ્પર્ધા વધુ જોવા મળી રહી છે."

યુરોપિય સંઘમાં વિખવાદ

યુરોપિય સંઘના દેશો વચ્ચેનો વિખવાદ પણ તેનો એક નમૂનો છે.

Covid-19 બીમારીનો ફેલાવો વધ્યો તે પછી ઇટાલીએ પડોશી દેશોને તબીબી ઉપકરણો અને સામગ્રીની સહાય કરવા વિનંતી કરી હતી. પરંતુ જર્મની અને ફ્રાન્સ બંનેએ તબીબી ઉપકરણો અને સામગ્રીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

"યુરોપિય એકતા માટે આ સારી નિશાની નથી જ," એમ ઇટાલીના બ્રસેલ્સ ખાતેના રાજદૂત મોરિઝિઓ મસ્સારીએ પોલિટિકો વેબસાઇટ પર બળાપો કાઢતાં લખ્યું હતું.

જર્મની સાથે બીજા એક મામલે થયેલી વડચડથી પણ ઇટાલીઓ નારાજ થયા હતા. મહામારીનો ભોગ બનેલા યુરોપિય સંઘના દેશોમાં 'વ્હિપ રાઉન્ડ' પ્રકારની મદદ એકબીજાને કરવાની દરખાસ્ત હતી તેનો વિરોધ જર્મનીએ કર્યો હતો.

આ દરખાસ્તનો વિરોધ નૅધરલૅન્ડ, ઑસ્ટ્રિયા અને ફિનલૅન્ડે પણ કર્યો હતો.

સ્પેન, ફ્રાન્સ, બેલ્જિયમ, ગ્રીસ, આયરલૅન્ડ, પૉર્ટુગલ, સ્લોવેકિયા વગેરેએ તેને સમર્થન આપ્યું હતું.

આ રીતે યુરોપિય સંઘના દેશો વચ્ચે વધારે વિભાજન દેખાયું હતું.

ચીનની 'માસ્ક ડિપ્લોમસી'

ચીનની 'માસ્ક ડિપ્લોમસી' જેને કહેવામાં આવી રહી છે તેનું ઉદાહરણ પણ ઇટાલીમાંથી મળે છે:

પોતાને ત્યાં ચેપને કાબૂમાં લીધા પછી ચીને દુનિયાભરના દેશોને ચેપનો સામનો કરવા માટે વિવિધ પ્રકારની સામગ્રી મોકલવી ઑફર કરી હતી. તેમાં રશિયાનો પણ સમાવેશ થતો હતો.

ઇટાલીને દવાઓ, ટેસ્ટિંગ કિટ્સ અને હીરો તરીકે જશ પામેલા ચીનના ડૉક્ટર્સની ટાસ્ક ફોર્સની મદદ પણ મળી હતી. હકીકતમાં ઇટાલી ભાષામાં હેશટેગ #grazieCina (ગ્રાત્સીએચીન) ઇટાલીના સોશિયલ મીડિયામાં ટ્રૅન્ડ પણ થયું હતું.

લંડનની પેક્સ ટેકમ કન્સલ્ટન્સી ફર્મના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગેસુ અન્તોનિયો બાએઝ કહે છે કે અમેરિકાએ વૈશ્વિક ભૂમિકા છોડી તે ખાલી જગ્યા ભરી દેવા માટેનો પ્રયાસ હતો. ડોનાલ્ડ ટ્રમ્પ 2016માં પ્રમુખ બન્યા પછી 'અમેરિકા ફર્સ્ટ'નો નારો બુલંદ કરી રહ્યા છે તેના કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે.

વૉશિંગ્ટનનું વલણ પણ બહુ સાનુકૂળ નહોતું. ચીન સામે નિવેદનો કરવા ઉપરાંત ટ્રમ્પે જર્મન સત્તાધીશોને પણ નારાજ કર્યા હતા, કેમ કે તેમણે Covid-19ની રસી શોધનાર જર્મન કંપની પાસેથી એક્સક્લુસિવ રાઇટ્સ ખરીદી લેવાની કોશિશ કરી હતી.

હાલમાં જ ભારતે મેલેરિયાની દવા હાઇડ્રૉક્સિક્લૉરોક્વિનની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની કોશિશ કરી ત્યારે ટ્રમ્પે વળતા પગલાં લેવાની ધમકી ઉચ્ચારી હતી.

"આ સંકટ વખતે (ડિપ્લોમેટિક સત્તા તરીકે) અમેરિકા ક્યાંય દેખાયું નથી અને ચીનને ખાલી પડેલી જગ્યા ભરવાની તક મળી ગઈ છે," એમ બાએઝ જણાવે છે.

ચીન-બ્રાઝિલ સોશિયલ મીડિયામાં સામસામે

જોકે "માસ્ક ડિપ્લોમસી" સરળતાથી પાર પડી નથી, એ બ્રાઝિલના કિસ્સામાં દેખાઈ આવ્યું છે.

સોફિયા ગેસ્ટનના જણાવ્યા અનુસાર Covid-19 બીમારી ફેલાણી ત્યારે પ્રારંભમાં ચીને તેની સામે તાકીદે કામ લેવામાં નિષ્ફળતા દાખવી હતી તેની નારાજી પણ આંતરરાષ્ટ્રીય ધોરણે ફેલાયેલી છે.

ચીને તેમના દેશમાં ફેલાયેલો ચેપ અને કેટલાનાં મૃત્યુ થયાં તે આંકડા છુપાવ્યા હોવાનો આક્ષેપ અમેરિકાની જાસૂસી સંસ્થાના અહેવાલોમાં થયા હતા તે બાબત તરફ પણ સોફિયા ધ્યાન દોરે છે.

બ્રિટિશ અધિકારીઓઓ પણ ચીનના સત્તાવાર આંકડા સામે શંકા વ્યક્ત કરેલી છે.

"ચીને ચાહના પ્રાપ્ત કરવા માટે મોટા પાયે પ્રયાસો શરૂ કર્યા ત્યારે તેની પર ઘણા બધાની નજર પણ હતી. સાચા આંકડા જાણવા મળશે ત્યારે આ બાબતમાં મોટો પ્રત્યાઘાત આવશે," એમ ગેસ્ટન વધુમાં જણાવે છે.

બ્રાઝિલ પણ ચીનના વલણ સામે સવાલો ઉઠાવી રહ્યો છે. રોગચાળાની શરૂઆતથી જ ચીન અને બ્રાઝિલ વચ્ચે જુદા-જુદા મુદ્દે તણખા ઝરતા રહ્યા છે.

વાત એટલી વણસી પડી હતી કે ચીનના રાજદ્વારીઓ અને બ્રાઝિલના પ્રમુખ જૅર બોલ્સાનારોના ટેકેદારો વચ્ચે સોશિયલ મીડિયામાં સામસામે શાબ્દિક પ્રહારો થવા લાગ્યા હતા.

છેલ્લે શિક્ષણમંત્રી અબ્રાહમ વૅઇનટ્રૉબે ટ્વીટ કર્યું તેનાથી ચીનના અધિકારીઓ બહુ અકળાયા હતા અને ચીનના અધિકારીઓએ તેને રંગભેદી ગણાવ્યું હતું.

"આવાં નિવેદનો મૂર્ખામીભર્યાં અને નિંદાજનક છે અને તેનો ટોન રંગભેદી છે," એમ બ્રાઝિલ ખાતેની ચીનની ઍમ્બૅસીએ સામું ટ્વીટ કર્યું હતું.

ચીન બ્રાઝિલનું સૌથી મોટું વેપારી પાર્ટનર છે. બ્રાઝિલના 80% ટકા સોયાની ખરીદી ચીન કરે છે. બ્રાઝિલ ચીન પાસેથી વૅન્ટિલેટર્સ અને આરોગ્ય સામગ્રી મેળવવા માટે મથામણ કરી રહ્યું હતું, પણ ત્યાં જ વૅઇનટ્રૉબે આવી ટીકા કરીને બાજી બગાડી.

તંગ સંબંધો વધારે વણસ્યા

"આ કિસ્સો દર્શાવે છે કે અત્યારે સૌથી વધુ જરૂર ડિપ્લોમસીની છે," એમ ગેસુ કહે છે.

"દેશોએ સ્થિતિનું મૂલ્યાંકન કરીને અને યોગ્ય રીતે સંવાદ સાધીને ભય દૂર કરવાની જરૂર છે."

તેના બદલે અગાઉથી જ તંગ સંબંધો હોય તેમાં બળતામાં પેટ્રોલ રેડાઈ રહ્યું છે. દાખલા તરીકે કૉલંબિયા અને વેનેઝુએલા.

વેનેઝુએલામાં પ્રમુખ નિકોલાસ મદુરોની સરકાર છે તેને કૉલંબિયા માન્યતા આપતું નથી અને વેનેઝુએલામાથી મોટી સંખ્યામાં વસાહતીઓ સરહદ પાર કરે છે તેના કારણે વિખવાદ લાંબા સમયથી ચાલે છે.

પહેલી એપ્રિલે મદુરોએ કૉલંબિયાના પ્રમુખ ઇવાન ડ્યૂકુને Covid-19 બીમારીના ટેસ્ટ કરવા માટેનાં બે મશીનો આપવા માટે ઑફર કરી તેનાથી ઝઘડો વધ્યો હતો.

આગલા દિવસોમાં એવા અહેવાલો આવ્યા હતા કે કૉલંબિયામાં એક માત્ર નિદાનનું મશીન છે તે પણ બગડી ગયું છે.

ઑફર થઈ પણ તેનો કોઈ જવાબ ડ્યૂકુ તરફથી ના અપાયો, તેનાથી વેનેઝુએલા ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝ અને બીજા નેતાઓ નારાજ થયા હતા.

"પ્રમુખ મદુરોએ ભેટમાં આપેલાં બે મશીન ઇવાન ડ્યૂકુની સરકારે નકારી કાઢ્યાં છે. કૉલંબિયાના લોકોના સ્વાસ્થ્ય કે જીવનની ડ્યૂકુને કશી પરવા નથી તેનો આ વધુ એક નમૂનો છે," તેવું ટ્વીટ ડેલ્સીએ કર્યું હતું.

7 એપ્રિલે રેડિયો પર આપેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રમુખ ડ્યૂકુએ કહ્યું કે આ મશીનો "કૉલંબિયામાં જે પદાર્થો સાથે, જે રીતે ટેસ્ટ થાય છે તેની સાથે બંધબેસતાં નથી."

મધ્ય પૂર્વમાં કતાર અને ઇજિપ્ત વચ્ચે કતારમાં રહેતા ઇજિપ્તના નાગરિકોનું શું તેના વિશે વિખવાદ થયો હતો.

અખાતના દેશોમાં સૌથી વધુ Covid-19 કેસો કતારમાં થયા છે. કતારના સત્તાધીશોએ અલ જઝીરાને જણાવ્યું કે તેઓ માઇગ્રન્ટ કામદારોને ચાર્ટર પ્લેન કરીને મોકલવા તૈયાર હતા, પણ ઇજિપ્તના અધિકારીઓએ તેમને સ્વીકારવાની મનાઈ કરી દીધી હતી.

ઇજિપ્ત 2017થી અરબ દેશોના જૂથનું સભ્ય છે, જેમણે કતાર સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે. ઉદ્દામવાદી જૂથોને સમર્થન આપવાના આક્ષેપ કરીને દોહા સાથેના સંબંધો તોડી નખાયા છે.

માસ્ક અને લૉકડાઉનના કારણે વિવાદ

જોકે વિખવાદો માસ્ક અને લૉકડાઉન સિવાયના કારણસર પણ થઈ રહ્યા છે.

18 માર્ચે યુરોપિય સંઘનો એક અહેવાલ પ્રેસમાં લીક કરાયો હતો, જેમાં આક્ષેપ લગાવાયો હતો કે રશિયાના પ્રભાવમાં રહેલા મીડિયા પશ્ચિમના દેશોમાં Covid-19 વિશે ફેક ન્યૂઝ ફેલાવે છે.

રશિયાની સરકારના પ્રવક્તાએ આવા આક્ષેપોને "પાયાવિહોણા" ગણાવ્યા હતા.

દેશો વચ્ચે તિરાડો વધી રહી છે, ત્યારે કેટલાક નિષ્ણાતો મહામારી વચ્ચે જોવા મળેલી સકારાત્મક બાબતો તરફ પણ ધ્યાન દોરી રહ્યા છે.

ઑવરસીઝ ડેવલપમૅન્ટ ઇન્સ્ટિટ્યૂટ નામની થિન્ક ટૅન્કના સંશોધક એન્નાલીસા પ્રિત્સો કહે છે કે આ સંકટના કારણે સહકાર માટેની વધુ તકો ઊભી થઈ રહી છે.

"આ સંકટ દર્શાવી રહી છે કે માત્ર વિકસિત દેશો જ હંમેશાં એક્સપર્ટ હોય તેવું નથી," એમ પ્રિત્સો કહે છે.

"ચીને રોગચાળો ફેલાતો રોકવાના પ્રયાસોમાંથી મળેલા પોતાના અનુભવોનો લાભ જે રીતે ઇટાલીને પણ આપ્યો તે પણ બહુ સમયસરનું અને દેખીતું ઉદાહરણ છે."

જોકે સોફિયા ગેસ્ટન માને છે કે હજી વધારે સહકારની જરૂર છે.

"લોકરંજકતા અને રાષ્ટ્રવાદમાંથી ઉપર ઊઠવાની તક પશ્ચિમના દેશોને હતી, પણ તે તક વેડફાઈ રહી છે," એમ તેઓ કહે છે.

"આ સમય સહકારની તાકાત દેખાડવાનો છે. તેના બદલે ઘણા વ્યૂહકારો દેશો વચ્ચેના સંબંધોને વણસાવી રહ્યા છે," એમ તેમણે અંતમાં જણાવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો