જ્યારે લૉકડાઉનમાં મુસલમાનોએ હિંદુ પડોશીની અરથીને કાંધ આપી

    • લેેખક, પ્રભાકર મણિ તિવારી
    • પદ, કોલકાતાથી, બીબીસી ગુજરાતી માટે

કોરોના વાઇરસના સંક્રમણ અને ખાસ કરીને નિઝામુદ્દીનમાં તબલીગી જમાતની ઘટના સામે આવ્યા બાદ દેશમાં પેદા થયેલા અવિશ્વાસના માહોલમાં આ ઘટના પર સહજ રીતે વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પરંતુ આ સો ટકા સત્ય છે.

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના એક ગામમાં મુસ્લિમોએ પોતાના હિંદુ પડોશીના મૃત્યુ બાદ લૉકડાઉનની સંકટમાં ન માત્ર તેમની અરથીને કાંધ આપીને 15 કિમી દૂર સ્મશાનગૃહ પર પહોંચાડી, પરંતુ અંતિમયાત્રામાં બંગાળના પ્રચલિત "બોલો હરિ, હરિ બોલ" અને "રામનામ સત્ય છે...."ના નારા પણ લગાવ્યા.

બંગાળમાંથી અગાઉ પણ સાંપ્રદાયિક સદભાવની આવી ઘટનાઓ સામે આવતી રહી છે. ઉદાહરણ તરીકે ગત વર્ષે પશ્ચિમ બંગાળના ઉત્તર 24-પરગણા જિલ્લાના એક પરિવારે સાંપ્રદાયિકનું દૃષ્ટાંત રજૂ કરતાં દુર્ગાપૂજાના બીજા દિવસે અષ્ટમીની કુમારીપૂજામાં ચાર વર્ષની મુસ્લિમ બાળકીની પૂજા કરી હતી.

પરંતુ હાલની ઘટના એકદમ અલગ છે. માલજા જિલ્લામાં કાલિયાચક-2 બ્લૉકના લોહાઇતલા ગામમાં 90 વર્ષીય બિનય સાહાનું મંગળવારે મોડી રાતે મૃત્યુ થયું.

બાદમાં તેમના બંને પુત્ર- કમલ સાહા અને શ્યામલ સાહાને સમજાતું નહોતું કે લૉકડાઉનના સમયમાં તેઓ અંતિમસંસ્કાર કેવી રીતે કરે.

સૌથી મોટી સમસ્યા મૃતદેહને 15 કિમી દૂર સ્મશાનગૃહમાં લઈ જવાની હતી. ગામમાં સાહા પરિવાર એકલો હિંદુ પરિવાર છે, બાદી સોથી વધુ મુસ્લિમ પરિવાર છે.

લૉકડાઉનને કારણે સાહા પરિવારનાં સગાં પણ પહોંચી શકે તેમ નહોતું.

પરંતુ તેમના સેંકડો મુસ્લિમ પડોશી આ આફતની ઘડીમાં તેમની મદદે આવ્યા. તેમાં સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસ સાથે જોડાયેલા લોકો હતા, તેમજ માકપાના ઘણા સક્રિય કાર્યકરો પણ હતા.

તેઓએ ન માત્ર અરથીને કાંધ આપી, પરંતુ અંતિમયાત્રામાં "રામનામ સત્ય છે"ના નારા પણ લગાવ્યા. તેમાં મુકુલ શેખ, અસ્કરા બીબી, સદ્દામ શેખ, રેઝાઉલ કરીમ સહિત અનેક લોકો સામેલ થયા હતા.

બિનય સાહાના પુત્ર શ્યામલ જણાવે છે, "મુસ્લિમ પડોશીઓથી ઘેરાયેલો હોવા છતાં વીસ વર્ષથી ગામમાં અમે ક્યારેય પોતાના એકલા અનુભવ્યા નથી. પરંતુ પિતાજીના મૃત્યુથી અમે ચિંતામાં મુકાઈ ગયા હતા. લૉકડાઉનને કારણે અમારા અન્ય સંબંધીઓ આવી ન શક્યા."

તેઓ જણાવે છે કે અમે એકલા પિતાનો મૃતદેહ 15 કિમી સુધી લઈ જઈ શકીએ એ શક્ય નહોતું. મુસ્લિમ પડોશીઓ પાસે મદદ માગવામાં પણ ખચકાટ થતો હતો.

સાહાના પડોશી સદ્દામ શેખને જ્યારે બિનયના નિધનના સમાચાર મળ્યા તો તેઓએ તરત સ્થાનિક પંચાયત પ્રમુખ અને ગામના અન્ય યુવકોને વાત કરી.

જોતજોતાંમાં આખું ગામ સાહાના ઘરની બહાર એકઠું થઈ ગયું. બુધવારે સવારે તમામ મુસ્લિમ યુવકો અરથીની તૈયારીમાં લાગી ગયા. કોઈ વાંસ કાપતું હતું, તો કોઈ તેને ફૂલોથી સજાવી રહ્યું હતું.

બાદમાં ચાર યુવકોએ અરથીને ખભા પર લીધી અને સ્મશાન તરફ રવાના થઈ ગયા.

સાહાના પડોશી અને વિસ્તારના માકપા કાર્યકર સદ્દામ શેખ કહે છે, "માનવીય સંબંધોમાં ધર્મ ક્યારેય આડે ન આવે. અમે એ જ કર્યું જે કરવું જોઈએ. ધર્મ અહમ નથી. સંકટના સમયે અમારા પડોશીની મદદ કરવી એ અમારી ફરજ હતી."

એક અન્ય પડોશી ગુલામ મુસ્તફા કહે છે, "આપણે સૌથી પહેલા માણસ છીએ. અમે એ કર્યું જે માનવીય રીતે કરવું જોઈએ."

સ્થાનિક ગ્રામ પંચાયતનાં પ્રમુખ અસ્કરા બીબી અને તેમના પતિ મુકુલ શેખે સાહાને શક્ય એટલી તમામ મદદનો વિશ્વાસ અપાવ્યો છે.

અસ્કરા બીબી કહે છે, "બિનય સાહાના અંતિમસંસ્કારમાં આ વિસ્તારના તમામ લોકોએ રાજકીય મતભેદોથી ઉપર ઊઠીને મદદ કરી. મૃતદેહને સ્મશાન સુધી લઈ ગયા અને અન્ય ઔપચારિકતા પૂરી કરવામાં મુસ્લિમ યુવકોએ ખૂબ મદદ કરી."

આ ગામના રહેવાસી અમીનુલ અહેસાન હાલમાં પૂર્વી મેદિનીપુરમાં જિલ્લા સ્કૂલ નિરીક્ષક છે.

તેઓને પણ આ ઘટનાની જાણ થતાં ગામમાં પોતાના પરિચિતોને ફોન કરીને સાહા પરિવારને શક્ય એટલી મદદ કરવા કહ્યું.

અમીનુલ કહે છે, "આ સાંપ્રદાયિક સદભાવ જ ભારતની સાચી ઓળખ છે. આ સામાન્ય લોકોના દિલમાં જીવિત છે. તેને વધુ મજબૂત કરવાની જરૂર છે."

સમાજસાસ્ત્રી સોમેશ્વર ઘોષ કહે છે, "ધાર્મિક મતભેદોને તોડવા માટે માનવતાનું પલ્લું હંમેશાં ભારે રહેવું જોઈએ. આ ઘટનાએ સહનશીલતા, ધર્મનિરપેક્ષતા અને સાંપ્રદાયિક સદભાવની ભારતીય પરંપરા પ્રત્યે આપણો વિશ્વાસ મજબૂત કરી દીધો છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો