કોરોના વાઇરસને કારણે ભારત જ નહીં વિશ્વને બેકારી ભરડો લેશે

    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં બેરોજગારીની સમસ્યા વકરી રહી છે યુ.એસ. લેબર ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, એકલા અમેરિકામાં જ માર્ચ મહિનાના અંતભાગ દરમિયાન 6.6 મિલિયન અમેરિકન લોકોએ સહાય માટેની અરજી કરી હતી.

આ આંકડો તેની પહેલાંના અઠવાડિયામાં અરજી કરનારાઓની સંખ્યા કરતાં બમણો છે. એક અંદાજ પ્રમાણે, કુલ 10 મિલિયન અમેરિકન લોકોએ બેરોજગારી સહાય માટે માર્ચ મહિનાના બીજા પખવાડિયામાં લેબર ડિપાર્ટમેન્ટમાં અરજી કરી હતી.

ડચ બૅન્કના ચીફ ઇકૉનૉમિસ્ટએ કહ્યું છે કે આ બેરોજગારીના આંકડા હજુ પણ વધે તેવી શક્યતા છે.

તેમના કહેવા પ્રમાણે સરકાર બેરોજગારો માટે કોઈ કાર્યક્રમ બનાવે તે પહેલાં જ કેટલીક કંપનીઓએ કર્મચારીઓને છૂટા કરવાનું શરૂ કરી દીધું હતું, જેને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે.

માઝા મૂકતી બેકારી

ઑક્સફૉર્ડ ઇકૉનૉમિક્સના અર્થશાસ્ત્રી ગ્રેગ ડેકોનું માનવું છે કે, અમેરિકી અર્થતંત્રમાં વરસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 0.4 ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં 12 ટકા સુધીનો ઘટાડો થશે.

અમેરિકાને પગલે પગલે યુરોપમાં પણ બેરોજગારીની સમસ્યા વકરી રહી છે, જેના કારણે ઘણા લોકોએ સરકારી યોજનાઓનો લાભ લીધો છે.

એક અઠવાડિયામાં અમેરિકામાં બેરોજગારી જે રીતે વધી છે, તેનું કારણ પાછલા વરસોમાં સર્જાયેલ નાણાકીય સમસ્યાઓ છે.

ફાઇનાન્સિયલ ટાઇમ્સના ડેટા પ્રમાણે, અમેરિકામાં જાન્યુઆરી-1967થી માર્ચ-2020 દરમિયાન અમેરિકામાં બેકારીનો સરેરાશ દર ત્રણ લાખ 50 હજારનો હતો. 1980ના દાયકામાં મંદીએ માઝા મૂકી હતી, ત્યારે બેકારીનો દર ઉછળીને છ લાખ 95 હજાર ઉપર પહોંચ્યો હતો.

વર્ષ 2008માં વૈશ્વિકસ્તરે બેકારી ઊભી થઈ હતી, ત્યારે આ દર છ લાખ 65 હજાર સુધી પહોંચ્યો હતો. જે પહેલાં 33 લાખ અને લગભગ એક અઠવાડિયાના ગાળામાં 66 લાખને આંબી ગયો હતો.

અમેરિકા અને યુ.કે.ની જેમ ફ્રાન્સમાં પણ ચાર મિલિયન યાને કે 40 લાખ કામદારો બેરોજગાર બન્યા છે જે સંક્યા ફ્રાંસની પ્રાઇવેટ સૅકટર કંપનીઓના પાંચમા ભાગની થાય છે.

આ લોકોએ પણ ફ્રાન્સ સરકાર દ્વારા બેરોજગારીના લાભો મેળવવા માટેની સ્કીમ માં અરજી કરી છે.

એ જ રીતે સ્પેન કે જ્યાં કોરોના વાઇરસના ફેલાવાની દૃષ્ટિએ વિશ્વમાં નોંધાયેલ કુલ કેસમાંથી ત્રીજા નંબરે આવે છે ત્યાં પણ બેરોજગારીની સમસ્યા વકરી રહી છે.

સ્પેનમાં છેલ્લા એક મહિનામાં 8 લાખ લોકોએ રોજગારી ગુમાવી છે. મોટાભાગના લોકોએ જે નોકરી ગુમાવી છે તેઓ ટૅમ્પરરી કૉન્ટ્રેક્ટ વર્કર હતા.

યુકેની વાત કરીએ તો 1 મિલિયન લોકો એ યુનિવર્સલ ક્રૅડિટ સ્ટેટ બૅનિફિટ સ્કીમમાં અરજી કરી છે જ્યારે આયર્લૅન્ડમાં 34 હજાર કંપનીઓએ ગવર્મેન્ટ વેજ સબસિડી સ્કીમમાં લાભ લેવા માટે અરજી કરી છે.

આ બેરોજગારીની સમસ્યા મૂળભૂત રીતે કોરોના વાઇરસ સામે લડવા માટે સરકારે લોકોની અવરજવર ઉપર કાબુ મેળવવા લૉકડાઉનની સ્થિતિનો અમલ કર્યો છે તેને લીધે ઊભી થઈ છે.

લૉકડાઉનની વિશ્વભરમાં ધંધા-રોજગાર ઉપર માઠી અસર થઇ છે એ જ રીતે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ અને નાણાંબજારમાં પણ તેની ખરાબ અસર વર્તાઈ રહી છે.

જોકે હાલ વિશ્વની પાસે લૉકડાઉન સિવાય કોઈ ખાસ ઉપાય નથી કારણકે અત્યાર સુધીમાં કોઈ રસી કે દવા શોધાઈ નથી.

વિશ્વભરમાં વકર્યો કોરોના

ચીનથી શરૂ થયેલો આ રોગ પછી બીજા દેશોમાં ફેલાવાનો શરૂ થયો.

યુ.એસ. પ્રૅસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને કહ્યું હતું કે કોરોના વાઇરસને કારણે લૉકડાઉન કરવાની જરૂર નથી, પરંતુ ત્યાર પછીના અઠવાડિયામાં અમેરિકામાં 240000 કેસ નોંધાયા અને એ પછી ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ ડિસ્ટન્સિંગ માટેની ગાઇડલાઇન રજૂ કરી, જે એપ્રિલ સુધી લાગુ પડશે.

યુ.એસ. ગવર્મેન્ટે મલ્ટિ-ટ્રિલિયન ડૉલર પૅકેજ જાહેર કર્યું છે, જેથી કરીને આર્થિક સમસ્યા સામે લડી શકાય. કૅલિફૉર્નિયામાં 87,8,727 જ્યારે પૅન્સિલ્વેનિયા 40,5,880 જેટલા લોકો બેરોજગાર બન્યા છે, ન્યૂ યોર્કમાં 366403 લોકો બેરોજગાર બન્યા છે.

અમેરિકા સહિત યુરોપ અને અન્ય દેશોમાં પણ બેરોજગારીની સમસ્યા એ વિકરાળરૂપ ધારણ કર્યું છે.

અગાઉની વૈશ્વિક મંદી હોય કે અન્ય વૈશ્વિક સમસ્યામાં આટલા લોકો ક્યારેય બેરોજગાર થયા નથી. માત્ર એક જ મહિનામાં કોરોના વાઇરસને કારણે લાખો લોકો બેરોજગાર બન્યા છે.

આ રોગને કાબુમાં લેવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે લૉકડાઉન જરૂરી ગણાવાય છે.

જોકે દક્ષિણ કોરિયાએ જે ઇનોવેટિવ પગલાં લીધાં. જેમાં થર્મલ સ્કેનિંગથી કોરોના વાઇરસગ્રસ્ત વ્યક્તિને ઓળખી, જો તે કોરોના પૉઝિટિવ આવે તો ક્વોરૅન્ટીન કરવામાં આવતો હતો.

આ પદ્ધતિનો અમલ દક્ષિણ કોરિયાએ સખતાઇથી કર્યો, જેથી તેનાં બજારો પણ ચાલુ રહ્યાં અને કોરોના સામેનો જંગ પણ એ જીતી શક્યું.

ભારત જેવા દેશની વાત કરીએ તો અહીં વસતિની ગીચતાનું પ્રમાણ ઘણું બધું છે.

આ ઉપરાંત સ્વચ્છતા અને સુઘડતાની બાબતમાં પણ આપણે ખાસા ઊણાં ઉતરીએ છીએ, જેને કારણે કોરોના વાઇરસ જેવી મહામારી ફેલાવાની શક્યતા વધી જાય છે.

એ રીતે ભારત સરકારે લૉકડાઉનનો જે નિર્ણય લીધો છે, તે સાચો અને આવશ્યક જણાય છે.

હજુ વિશ્વમાં કેટલા દિવસ સુધી આ સમસ્યા ચાલુ રહેશે તે કહેવું મુશ્કેલ છે તે જોતાં અમેરિકા, યુકે અને ફ્રાંસ જેવા દેશોએ બેરોજગારો માટે જે પગલાં લીધાં છે તે જરૂરી છે.

ભારતમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ગરીબો માટે અન્નવિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિકગૃહો અને વ્યક્તિગત રીતે પણ વિપત્તિમાંથી ઉગરવા માટે લોકો સહાય કરી રહ્યા છે અને તેને લીધે દેશમાં જે રોજ કમાઈને રોજ ખાનારા વર્ગ છે તેની સમસ્યા હળવી થઈ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો