કોરોના વાઇરસ : રશિયા અને ઑપેક+ ઉત્પાદન ઘટાડે તો વિશ્વ ક્રૂડબજાર સ્થિર થશે?

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

છેલ્લા કેટલાક સમયથી વિશ્વબજારમાં ક્રૂડઑઇલના ભાવમાં કડાકો બોલાયો છે.

મારા અગાઉના લેખમાં મેં ક્રૂડઑઇલના ભાવ 10 ડૉલર પ્રતિબૅરલ જેટલા ઐતિહાસિક સપાટીને તળિયે જશે તેવું કહ્યું હતું.

આનું કારણ સાઉદી અરેબિયાએ અને પછી રશિયાએ શરૂ કરેલું પ્રાઇસ વૉર છે.

જોકે આ પ્રાઇસ વૉરમાં અમેરિકા પછી સાઉદી અરેબિયાનું નિશાન રશિયા જ હતું, કારણ કે અમેરિકા અને રશિયા કરતાં બહુ જ સસ્તા ભાવે એટલે કે નવ ડૉલર પ્રતિબૅરલ જેટલા નીચા ઉત્પાદન-ખર્ચને કારણે સાઉદી અરેબિયા વિશ્વમાં પોતાના માર્કેટ શૅર વધારવા પ્રેરાયું હતું.

પરંતુ આ પ્રાઇસ વૉર શરૂ થયું તેને સમાંતર બીજી બાજુ કોરોનાએ વિશ્વને ભરડામાં લેવાનું શરૂ કર્યું. આને પગલે વિશ્વબજારમાં ક્રૂડઑઇલની માગ ઘટી.

શાંત થયું સાઉદી

આમ, જ્યારે સાઉદી અરેબિયા આક્રમક રહી ક્રૂડઑઇલનું વધુ ઉત્પાદન વધારવાના મૂડમાં હતું અને તેની સ્પર્ધા હવે રશિયા સાથે થવાની હતી તેને બદલે અમેરિકાની દરમિયાનગીરીથી હવે વિશ્વના મોટા ઉત્પાદક દેશો, જેમાં OPEC + રશિયા, અમેરિકા અને અન્ય દેશોની વચ્ચે મંત્રણા થશે.

તેઓ વિશ્વના ક્રૂડબજારમાં સ્થિરતા આવે તેવાં પગલાં વિચારશે.

આ અંગે ઑપેક અને અન્ય દેશોની મિટિંગ ગુરુવાર (તા- 9-4-2020)ના રોજ થવાની છે તેવું રશિયન સોવરિન વેલ્થ ફંડના સી.ઈ.ઓ. કિરીલ મિટ્રિવે કહ્યું હતું.

રશિયા આ મુદ્દે અમેરિકાની નજીક છે અને ઑઇલ ઉત્પાદન ઘટાડવા ઉપર સહમત થશે તેવું માને છે.

રશિયાના પ્રમુખ પુતિન પ્રતિદિન 10 મિલિયન બૅરલ જેટલું પ્રોડક્શન ઓછું કરવાનું વિચારી રહ્યા છે એમ મનાય છે.

રશિયા, અમેરિકા અને સાઉદી અરેબિયા- આ ત્રણેય દેશોએ મળીને ક્રૂડઑઇલના ભાવો નિયંત્રણમાં લાવવા માટે પ્રયત્નશીલ બનવું પડશે.

કોરોના અને ક્રૂડ

કોરોનાને કારણે માત્ર ચીનના અમુક ભાગ સિવાય પૂરા વિશ્વમાં ટ્રાન્સપૉર્ટેશન અને ઔદ્યોગિક ગતિવિધિ સ્તબ્ધ છે, ત્યારે ક્રૂડઑઇલની માગમાં ભારે ઘટાડો આવ્યો છે.

એપ્રિલના પ્રથમ સપ્તાહ દરમિયાન બ્રૅન્ટ ક્રૂડઑઇલ 32થી 34 ડૉલર પ્રતિબૅરલ રહેવા પામ્યું છે, જ્યારે યુ.એસ. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) 22થી 28 ડૉલર પ્રતિબૅરલ રહેવા પામ્યું છે.

શરૂઆતમાં આ મિટિંગ ગયા સોમવારે (30 માર્ચ) યોજાનારી હતી, પણ તે પાછી ઠેલાતાં યુ.એસ. ક્રૂડના વાયદામાં લગભગ 9% ઘટાડો થયો હતો અને ક્રૂડઑઇલનું ઉત્પાદન ઘટાડવાની આશા ધૂંધળી બનતાં વૉલસ્ટ્રીટમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

હવે ગુરુવાર (તા- 9-4-2020) સાઉદી અરેબિયાએ ઑપેક અને તેના સહયોગી દેશો વચ્ચેની બેઠક બોલાવી છે, (જેને ઓપેક + તરીકે ઓળખવામાં આવે છે) તે સંકેત આપે છે કે ઉત્પાદનકાપ પર પ્રગતિ થઈ શકે છે.

આ પહેલાં સાઉદી અરેબિયાએ રશિયાને ક્રૂડના ઉત્પાદનમાં 1.5 મિલિયન બૅરલ જેટલો કાપ મૂકવાની દરખાસ્ત કરી હતી, જેને રાષ્ટ્રપતિ પુતિને નકારી કાઢી હતી.

અમેરિકન પ્રૅસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ ગુરુવારે યોજાનાર મિટિંગમાં રશિયા અને સાઉદી અરેબિયા બન્ને 15 મિલિયન બૅરલ પ્રતિદિન ક્રૂડઑઇલના ઉત્પાદનમાં કાપ મૂકશે તેવી આશા વ્યક્ત કરી હતી.

જ્હોન કિલ્ડફનું માનવું છે કે આ બેઠકમાં સાઉદી અરેબિયા અને રશિયા શું નિર્ણય લેશે તે બાબતે ભારે ચર્ચા છે, પરંતુ ખરેખર આ અંગે શું થશે એ તો ગુરુવારે જ ખબર પડશે.

સાઉદીએ માગ્યો સહયોગ

સાઉદી અરેબિયા અને રશિયા બન્નેએ વિશ્વના ક્રૂડઑઇલના પુરવઠાને સંતુલિત કરવામાં અમેરિકાનો સહયોગ માગ્યો છે.

સાઉદી અરેબિયા પાછળપાછળ ઑપેકનો બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ ઇરાક પણ વૈશ્વિક પગલાની તરફેણમાં છે.

આ રાષ્ટ્રોના તેલમંત્રીઓનું કહેવું છે કે ક્રૂડઑઇલના ઉત્પાદનમાં કાપ માટે 14 સદસ્યની કાર્ટેલ અને તેના સાથીઓ ઉપરાંત બહારના ઉત્પાદકોના ટેકાની જરૂર છે.

તેમના નિવેદનમાં યુનાઇટેડ સ્ટેટ્સ, કૅનેડા અને નૉર્વેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમેરિકન ડીલર્સ હજી પણ રેકર્ડ સ્તરે ઑઇલના ઉત્પાદનમાં લાગેલા છે, જ્યારે બીજી બાજુ વિશ્વમાં તેલનો સંગ્રહ કરવાની મર્યાદા આવી ગઈ છે.

યુ.એસ. ઑઇલ અધિકારીઓ આ શુક્રવારે (3 એપ્રિલ) વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિને મળ્યા હતા.

આ અંગે એવી અટકળો કરવામાં આવી રહી છે કે તેઓ ઑઇલકાપમાં સહયોગ આપવા કહેશે.

બેઠકમાં કોઈ કરાર થયો ન હતો, પરંતુ ટ્રમ્પે ઉદ્યોગના દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કર્યો હોય તેવું લાગ્યું હતું.

તેમણે કહ્યું હતું કે માર્કેટ ફોર્સના આધારે ભાવ નિર્ધારિત કરવા જોઈએ.

આમ એક બાજુ ટ્રમ્પ સાઉદી અરેબિયા અને રશિયાને કાપ મૂકવા દબાણ કરી રહ્યા છે, ત્યારે પોતાનાને ત્યાં ક્રૂડનું મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે તે અંગે ચુપકીદી સેવી રહ્યા છે.

અમેરિકન ઑઇલ ઉદ્યોગ ઑઇલની કિંમતોમાં સ્થિરતા લાવવાના પ્રયત્નમાં ઉત્પાદન કાપમાં સામેલ થશે કે નહીં તે અંગે બે વિભાગમાં વહેંચાયેલો છે.

અંકલ સેમની ઇચ્છા

અમેરિકન પેટ્રોલિયમ ઉદ્યોગ ઑઇલના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો વિરોધ કરે છે. તેમનું માનવું છે કે આવા પગલાથી યુ.એસ. ઉદ્યોગને નુકસાન થશે.

જોકે, ટેક્સાસ રેલરોડ કમિશનના ત્રણ સભ્યોમાંથી એક રાયન સિટ્ટોને ટેક્સાસમાં કહ્યું છે કે રાજ્ય આવા સોદામાં ભાગ લેવાનું વિચારશે.

ઑપેકે તેની જૂનની બેઠકમાં ભાગ લેવા ટેક્સાસ કમિશનને આમંત્રણ આપ્યું છે.

સિટ્ટોને કહ્યું હતું કે તેમણે રશિયાના ઍનર્જી પ્રધાન ઍલેકઝાન્ડર નોવાક સાથે ઉત્પાદન ઘટાડા અંગે વાત કરી હતી, જે મુજબ ટેક્સાસ જેવા તેલઉત્પાદક રાજ્યોને પણ ઉત્પાદનનું સંચાલન કરવાનો અધિકાર છે.

ટેક્સાસ કમિશને છેલ્લે 1970માં આઉટપુટ પ્રતિબંધિત કર્યું હતું. આ અંગે તે 14મી એપ્રિલના રોજ ઉત્પાદકોની મિટિંગ કરી નક્કી કરશે.

ક્રૂડ અને કૂટનીતિ

ગયા અઠવાડિયાના ઉછાળા છતાં, પશ્ચિમ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડમાં કોરોના અને સાઉદી અરેબિયા તેમજ રશિયા વચ્ચે થયેલ પ્રાઇસ વૉરને કારણે ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ 40 ટકા નીચે રહેવા પામ્યું છે.

અમેરિકા રશિયા અને સાઉદી અરેબિયાને તેલઉત્પાદનમાં કાપ મૂકી વિશ્વબજારને સ્થિર કરવામાં મદદ કરવાની સલાહ આપી રહ્યું છે, પરંતુ ટ્રમ્પે અમેરિકા આ અંગે પોતે શું કરશે તેનો હરફ પણ ઉચાર્યો નથી.

'બે બિલાડી લડે અને વાંદરો ફાવે' તેમ અમેરિકા સાઉદી અરેબિયા અને રશિયાની લડાઈનો લાભ લઈ શકે છે.

આ મામલો માત્ર ક્રૂડઑઇલના ઉત્પાદન પૂરતો સીમિત ન રહેતાં કૂટનીતિના પેચીદા દાવપેચનો પણ બની ચૂક્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો