સુરતી કપલનું કોરોના વાઇરસ અંગે જાગૃતિ લાવવા પ્રિ-વૅડિંગ ફોટોશૂટ

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

સુરતના એક યુગલે કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને એની સામે સતર્કતાનો સંદેશ આપતું પ્રિ-વૅડિંગ ફોટોશૂટ કરાવ્યું છે.

આ ફોટોશૂટ તેમણે 21 માર્ચે એટલે કે જનતા કર્ફ્યૂ અને લૉકડાઉન જાહેર થયું એ અગાઉ કરાવ્યું હતું.

સુરતના સાવન જાસોલિયાએ તેમના મંગેતર સાથે આ ફોટો આલબમ તૈયાર કરાવ્યો હતો.

ફોટોગ્રાફી સુરતના જ હિતેન પટેલે કરી હતી. બીબીસીએ આ બંને સાથે વાત કરી હતી.

કોરોના: થીમ અને શૂટ

સાવન જાસોલિયાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "અમે ફોટોશૂટ માટે અગાઉથી કોરોના વિશેની થીમ વિચારી નહોતી."

"થયું એવું કે અમે જ્યારે ફોટોશૂટ માટે નક્કી કર્યું, ત્યારે વિદેશમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો હતો અને ભારતમાં પણ એના પડઘા સંભળાતા હતા."

"તેથી ફોટોગ્રાફર હિતેન પટેલ સાથે મળીને અમે નક્કી કર્યું કે આ થીમ પર પણ ફોટોશૂટ કરવું જોઈએ. અમે માસ્ક અને સૅનિટાઇઝર તરત મગાવીને સુરતના મારા મિત્રના એક ફાર્મ-હાઉસમાં જઈને ફોટોશૂટ કર્યું."

એક આલબમ, બે મુદ્દા

સાવન ઉમેરે છે, "આ રીતે ફોટોશૂટ કરવા પાછળ બે મુદ્દા હતા. એક તો એ કે લોકોમાં કોરોના સામે સતર્ક રહેવાનો સંદેશ જાય. કોરોનાને હળવાશથી લેવાની જરૂર નથી એ બાબતથી લોકો વાકેફ થાય."

"બીજી વાત એ કે વર્ષો પછી હું જ્યારે મારા આ પ્રિ-વૅડિંગ ફોટોગ્રાફ્સ જોઈશ, ત્યારે મારા માટે એક સંભારણું પણ હશે કે મેં જ્યારે સગાઈ કરી, ત્યારે કોરોનાએ દુનિયાનાં કેટલાક દેશમાં કેર મચાવ્યો હતો. અમે લૉકડાઉન તેમજ જનતા કર્ફ્યૂ અગાઉ આ ફોટોશૂટ કર્યું છે."

સોશિયલ, સતર્કતા અને શૂટ

કોરોના સામે સાવધાની વર્તવાની આ થીમ પર પ્રિ-વૅડિંગ ફોટોગ્રાફી કરનારા હિતેન પટેલે જણાવ્યું હતું કે "અમે લોકો પ્રિ-વૅડિંગ ફોટોગ્રાફી કે શૂટિંગ માટે અવનવી થીમ વિચારતા રહેતા હોઈએ છીએ. આ અચાનક જ સ્ફુરેલો આઇડિયા હતો."

આ કપલનો એવો વિચાર હતો કે જો અમે કોરોનાની તકેદારીને કેન્દ્રમાં રાખીને ફોટોશૂટ કરતા હોઈએ તો એનો મતલબ એ છે કે લોકોએ આ કોરોનાને હળવાશથી ન લેવો જોઈએ.

આ ફોટોગ્રાફ્સ અમે સોશિયલ મીડિયા પર મૂક્યા છે. સાવનભાઈનો આગ્રહ હતો કે, લોકો આજકાલ સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરે છે, તો એના દ્વારા લોકો સુધી સંદેશ પહોંચે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો