કોરોના વાઇરસ : એ ભાષા મુખરજી જેમણે મિસ ઇંગ્લૅન્ડ તાજ ઉતારી ફરી ડૉક્ટરી શરૂ કરી

દુનિયા કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહી છે ત્યારે 2019માં મિસ ઇંગ્લૅન્ડ બનનારાં ભાષા મુખરજીએ એ તાજ ઊતારીને ફરી ડૉક્ટર બની જવાનો નિર્ણય લીધો છે.

ભારતીય મૂળના ભાષા મુખરજી બ્રિટિશ નાગરિક છે. એમનું બાળપણ કોલકાતામાં વિત્યું હતું.

તેઓ જ્યારે 9 વર્ષનાં હતાં ત્યારે એમનો પરિવાર બ્રિટન ચાલ્યો ગયો હતો અને તેઓ 2019માં મિસ ઇંગ્લૅન્ડ બન્યાં હતાં.

સીએનએનને આપેલી એક મુલાકાતમાં ભાષા મુખરજીએ કહ્યું કે તેઓ ગત અઠવાડિયે બ્રિટન પહોંચ્યાં છે. મિસ ઇંગ્લૅન્ડ બન્યાં પછી તેઓ દુનિયામાં અલગઅલગ દેશોમાં માનવીય કામોમાં ભાગ લઈ રહ્યાં હતાં.

મિસ ઇંગ્લૅન્ડ બન્યાં અગાઉ તેઓ બૉસ્ટનમાં પિલગ્રિમ હૉસ્પિટલમાં જૂનિયર ડૉક્ટર હતાં. તેઓ શ્વસન રોગોનાં નિષ્ણાત છે.

મુલાકાતમાં ભાષાએ કહ્યું કે દેશમાં કોરોના વાઇરસની મહામારીની સ્થિતિ જોતાં એમણે હૉસ્પિટલ પરત ફરવાનો નિર્ણય લીધો છે કેમ કે દેશને એમની જરૂર છે.

ભાષાએ ફોકસ ન્યૂઝને કહ્યું કે, આ એક સહેલો નિર્ણય હતો. હું આફ્રિકા અને તુર્કી ગઈ છુ અને ભારત એ એવો પહેલો એશિયાનો દેશ હતો જેની મેં મુલાકાત લીધી હતી. ભારત પછી મારે અન્ય દેશોમાં પણ જવાનું હતું પરંતુ કોરોના વાઇરસને પગલે મારે મારો પ્રવાસ સ્થગિત કરવો પડ્યો. મને ખબર હતી કે મારા માટે સૌથી સારી જગ્યા હૉસ્પિટલ હશે.

ભાષા મુખરજી દુનિયાના દેશોમાં ફરી રહ્યાં હતાં એ વખતે ઇંગ્લૅન્ડમાં કોરોના વાઇરસની મહામારી શરૂ થઈ હતી.

એમણે કહ્યું કે એમને દોસ્તોના સતત મૅસેજ મળી રહ્યાં હતા અને એ પછી એમણે તેઓ જ્યાં પહેલાં કામ કરતાં હતાં એ હૉસ્પિટલનો સંપર્ક કર્યો અને ફરી કામે ચડવાની ઇચ્છા વ્યક્ત કરી.

ભાષા હાલ વિદેશ પ્રવાસથી પરત ફરવાને લીધે 15 દિવસ ક્વોરૅન્ટીનમાં છે અને એ પછી જ તેઓ કામ શરૂ કરી શકશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો