એડૉલ્ફ હિટલર માટે ઝેર ચાખનારાં મહિલાની કહાણી

કલ્પના કરો કે જાતજાતની વાનગીઓ ડાઇનિંગ ટેબલ પર સજાવવામાં આવી છે અને તેની આસપાસ અનેક યુવતીઓ બેઠેલી છે.

એ યુવતીઓને કકડીને ભૂખ લાગી છે. સામે પડેલું ભોજન ખાવાથી તેમનું મોત થઈ શકે છે એ જાણવા છતાં યુવતીઓએ એ ભોજન ખાવું પડે છે.

આ કલ્પના 1942માં હકીકત હતી. એ બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો હતો.

એ સમયે 15 યુવતીઓને તેમનો પોતાનો જીવ જોખમમાં નાખીને જર્મનીના તાનાશાહ એડૉલ્ફ હિટલરનો જીવ બચાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

એ 15 યુવતીઓ એડૉલ્ફ હિટલર માટે બનાવવામાં આવેલું ભોજન પહેલાં ચાખતી હતી, જેથી તેમાં ઝેર નાખેલું છે કે નહીં તેની ખબર પડી શકે.

આશ્ચર્યજનક વાત એ છે કે આ બાબતે ડિસેમ્બર 2012 પહેલાં કોઈ જાણતું નહોતું.

માર્ગોટ વૉક નામની એક મહિલાએ 70 વર્ષ સુધી ચૂપ રહ્યાં બાદ ઘટસ્ફોટનો નિર્ણય કર્યો ત્યાં સુધી આ એક રહસ્ય હતું.

માર્ગોટ વૉકે જણાવ્યું હતું કે તેઓ હિટલરના ભોજનને ચાખવાનું કામ કરતા ટેસ્ટર્સની ટીમમાં હતાં.

ઇટાલીનાં એક લેખિકા રોઝેલા પોસ્ટોરિનોએ માર્ગોટ વૉક વિશે રોમના એક અખબારમાં લેખ વાંચ્યો ત્યારે તેમને માર્ગોટ વૉકની કહાણીએ આકર્ષિત કર્યાં હતાં.

એ પછી રોઝેલા પોસ્ટોરિનોએ એ મહિલાઓની શોધ પણ શરૂ કરી દીધી હતી, જેમનો ઉપયોગ ગિની પિગની માફક કરવામાં આવતો હતો અને જેઓ હિટલર માટે બનેલું ભોજન ચાખતાં હતાં.

રોઝેલા પોસ્ટોરિનોની આ શોધના પરિણામે 'લા કેટાદોરા'નામના પુસ્તકનું સર્જન થયું હતું અને એ પુસ્તકનો પ્રારંભ માર્ગોટ વૉકની કહાણીથી થાય છે. આ પુસ્તકને ઇટાલીમાં અનેક પુરસ્કારો મળ્યા છે. એ પુસ્તકનું સ્પેનિશ ભાષામાં પણ પ્રકાશન થયું હતું.

હિટલર માટે કામ કરતી યુવતીઓ વિશે આ પુસ્તક શા માટે લખ્યું?

એક દિવસ મેં ઇટાલીના એક અખબારમાં માર્ગોટ વૉક વિશેનો લેખ વાંચ્યો હતો.

માર્ગોટ બર્લિનમાં રહેતાં 96 વર્ષીય મહિલા હતાં. પોતે હિટલરના ટેસ્ટર હોવાનું તેમણે સૌપ્રથમ જાહેર કર્યું હતું.

મારાં માટે એ બધું આશ્ચર્યજનક હતું, કારણ કે એ વિશે કોઈ કંઈ જાણતું નહોતું. હું પોતે પૉલેન્ડમાં વુલ્ફ શાંઝ ગઈ હતી, તેને વુલ્ફ ડેન પણ કહે છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એડૉલ્ફ હિટલરની મિલિટરી બૅરેક સૌથી મોટી હતી.

ત્યાં મેં અનેક લોકોને પૂછ્યું હતું કે તેઓ હિટલરના ટેસ્ટર્સ બાબતે કંઈ જાણે છે કે કેમ, પણ કોઈએ એ વિશે કશું કહ્યું ન હતું. ત્યાં એવી ઘણી વાતો હતી જે પ્રકાશિત થઈ નહોતી.

એ પછી તમે તપાસ શરૂ કરી હતી?

મારે શું કરવું છે એ હું ખરેખર જાણતી નહોતી, પણ કોઈક મને સાદ પાડીને બોલાવી રહ્યું હોય, મને ખેંચી રહ્યું હોય એવું લાગતું હતું.

હું માર્ગોટ વૉકને મળવા ઇચ્છતી હતી. તેથી જે મીડિયા હાઉસે તેમનો ઇન્ટરવ્યૂ કર્યો હતો તેની મદદ માગી હતી, પણ ત્યાંથી કોઈ જવાબ આવ્યો નહીં.

જર્મનીના એક દોસ્ત મારફત મને માર્ગોટના ઘરનું સરનામું મળ્યું એ પછી મેં તેમને મળવા માટે એક પત્ર લખ્યો હતો, પણ એ જ સપ્તાહે તેઓ મૃત્યુ પામ્યાં હતાં.

એ પછી હું નિરાશ થઈ ગઈ હતી. મને લાગતું હતું કે માર્ગોટનું મૃત્યુ એ વાતનો સંકેત છે કે મારે આ પ્રોજેક્ટ પડતો મૂકવો જોઈએ.

જોકે મારા દિમાગમાંથી કથા ભૂંસાતી જ નહોતી. આ એક એવી વિરોધાભાસી કથા છે, જેમાં સમગ્ર માનવતાના વિરોધભાસ સમાહિત છે.

તમે એવું કેમ કહો છો કે માર્ગોટ વૉક એક વિરોધાભાસી પાત્ર છે?

તેનું કારણ એ છે કે આ મહિલા નાઝી હોવાથી તેમને હિટલરના ટેસ્ટર બનવા માટે મજબૂર કરવામાં આવ્યાં હતાં.

માર્ગોટ વૉકને હિટલરમાં જરાય ભરોસો ન હતો. તેઓ હિટલરને બચાવવા ઇચ્છતાં નહોતાં, પણ ટેસ્ટર બનવા તેમના પર દબાણ લાવવામાં આવ્યું હતું અને તેમની જિંદગીને જોખમી બનાવતી.

હિટલરના વ્યવસ્થા તંત્રે માર્ગોટને એક પીડિત બનાવી દીધાં હતાં, કારણ કે તેમણે દિવસમાં ત્રણ વખત મરવાનું જોખમ ઉઠાવવું પડતું હતું.

એ પણ જે બધા માટે અનિવાર્ય છે એવા ભોજન કરવાના કામથી જોખમ ઉઠાવવું પડતું હતું.

આ રીતે તેઓ હિટલરનો જીવ બચાવીને તેમનો સાથ પણ આપતાં હતાં.

વીસમી સદીના સૌથી મોટા ગુનેગારને બચાવીને માર્ગોટ એ સિસ્ટમનો હિસ્સો બની રહ્યાં હતાં. એ વિરોધાભાસે મને આ પુસ્તક લખવાની પ્રેરણા આપી હતી.

માર્ગોટ વૉકના અનુભવમાં વૈશ્વિક વાત શું છે?

માર્ગોટ વૉકની અનુભવ કથા વિશેષ વાત લાગે છે, પણ બહુ સામાન્ય છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ જીવતી રહેવા માટે પોતાની મરજી ત્યજીને તાનાશાહી શાસનને સહકાર આપી શકે છે.

માર્ગારેટ વૉક અસ્પષ્ટતા અને બેવડા વ્યક્તિત્વને જોડતું એક આકર્ષક પાત્ર છે.

આ પુસ્તકમાં હિટલર પણ એવી વ્યક્તિ તરીકે જોવા મળે છે, જે વિરોધાભાસી છે.

એક એવી વ્યક્તિ જે 60 લાખ યહૂદીઓના સંહારનો આદેશ આપે છે, પણ માંસ ખાતો નથી, કારણ કે જાનવરોની હત્યાને તે ક્રૂર માને છે. હિટલર ખરેખર શાકાહારી હતો અને તેનું કારણ ક્રૂરતા હતી?

હા, આ માહિતી હિટલરની સેક્રેટરી મારફત મળે છે. તેમનો પણ આભાર માનવો જોઈએ.

તેમણે જ જણાવ્યું હતું કે હિટલર શાકાહારી હતા અને તેમના વિશ્વાસુ લોકો સાથે એક વખત ભોજન કરતી વખતે હિટલરે જણાવ્યું હતું કે કતલખાનાં જોઈને તેમણે માંસ ખાવાનું છોડી દીધું હતું.

થોડી મિનિટ પહેલાં જ મૃત્યુ પામેલા લોકોના દેહમાંથી નીકળતા લોહી પર તેઓ બૂટ પહેરીને કઈ રીતે ચાલતા હતા એ તેમને આજે પણ યાદ છે.

એ વાત બહુ આશ્ચર્યજનક છે કે હિટલર જેવા માણસને કતલખાનાં પસંદ નહોતાં.

એ જ વર્ષે તેમણે એવો વંશીય કાયદો બનાવ્યો હતો, જે યહૂદીઓના સંહારની શરૂઆત બન્યો હતો.

એ સમયે એવો કાયદો પણ બનાવવામાં આવ્યો હતો, જેમાં કૂતરાની પૂંછડી કાપવા પર પ્રતિબંધ હતો. એ સમયે કૂતરાની પૂંછડી કાપવાનું બહુ સામાન્ય હતું.

હિટલરમાં અનેક વિરોધાભાસ હતા. તેઓ આંતરડાની તકલીફથી પીડાતા હોવા છતાં ખૂબ ચોકલેટ ખાતા હતા.

જોકે એ પછી ડાયટ અને વ્રત રાખીને તેમણે એક સપ્તાહમાં ઘણા કિલો વજન ઘટાડ્યું પણ હતું.

તમારા પુસ્તકમાં હિટલર વિશે એક વધુ વિરોધાભાસ જોવા મળે છે અને તે એ કે નાઝીઓ તેમને ઈશ્વર માનતા હતા ત્યારે તમે તેઓ એસીડીટીથી પીડાતા અને એ માટે દિવસની 16 ગોળીઓ લેતા હોવાનું જણાવ્યું છે.

હા, મને તેમના બે ચહેરા દેખાડવામાં બહુ રસ હતો. નાઝી પ્રચારે હિટલરને એવા ભગવાન સમાન દર્શાવ્યા છે, જેમના હાથમાં લોકોને જિંદગી હતી અને તેઓ દેખાતા ન હતા.

જોકે હિટલરને નજીકથી જાણતા લોકો તેમને એક માણસ ગણાવતા હતા અને એ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

હિટલરને માણસના સ્વરૂપમાં દર્શાવવા માટે કેટલાક લોકો મને દોષી ગણી શકે છે.

પણ તેઓ એક માણસ હતા અને મને લાગે છે કે તેમને યાદ કરવા એ પણ એક પ્રકારની જવાબદારીનું કામ છે.

કોઈની બૂરાઈને સમજવાની બીજી રીત તેમનું પૂર્વગ્રહ વિના વિશ્લેષણ કરવાની છે. તેમને રાક્ષસ કહી દેવાથી વાત પૂરી થતી નથી.

હિટલર પણ એક માણસ હતા અને આપણે એ હંમેશાં યાદ રાખવું જોઈએ કે એક માણસ બીજા માણસ સાથે શું કરી શકે.

પુસ્તકમાં હિટલરના તેના કૂતરા સાથેના સંબંધ વિશે પણ જણાવવામાં આવ્યું છે અને દાવો કરવામાં આવ્યો છે કે એ એક એવો સંબંધ હતો કે જેની ઈવા બ્રાઉન (હિટલરની પ્રેમિકા, જેની સાથે તેમણે આત્મહત્યાની સાંજે લગ્ન કર્યાં હતાં) પણ ઇર્ષા કરતાં હતાં.

હા, હિટલરને કૂતરાં પસંદ હતાં. તેમને જર્મન શેફર્ડ પસંદ હતા અને તેમનો બ્લોન્ડી નામનો પ્રિય કૂતરો જર્મન શેફર્ડ હતો, ખાસ કરીને અલ્સેશન શેફર્ડ.

હિટલર વિયેનામાં રહેતા હતા ત્યારે કોઈએ તેમને એક જર્મન શેફર્ડ કૂતરો આપ્યો હતો. એ સમયે હિટલર યુવાન હતા અને કળાકાર બનવા ઇચ્છતા હતા.

હિટલર પાસે કૂતરો પાળવાના પૈસા ન હતા ત્યારે તેમણે એ કૂતરો પાછો આપી દીધો હતો.

જોકે એ કૂતરાને હિટલર પ્રત્યે એટલો લગાવ હતો કે એ હિટલર પાસે પાછો આવી ગયો હતો.

હિટલરે તેને નિષ્ઠાનો બહુ મોટો સંકેત માન્યો હતો અને એ સમયથી જ તેઓ જર્મન શેફર્ડના ચાહક થઈ ગયા હતા.

વાસ્તવમાં હિટલરે ઈવા બ્રાઉન સાથે ઝેર ખાઈને આત્મહત્યાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે ઝેરનું પરીક્ષણ પહેલાં બ્લોન્ડી પર કર્યું હતું.

તેથી બ્લોન્ડી મરી ગયો હતો. એ રીતે હિટલરે તેના અત્યંત પ્રિય કૂતરાની હત્યા કરી હતી.

અહીં ફરીથી એક વિરોધાભાસ આવે છે. આપણે એવું વિચારીએ છીએ કે આવી વિરોધાભાસી અને તરંગી વ્યક્તિ સત્તા પર આવી ન શકે, એક મનોરોગી દેશ ચલાવી ન શકે.

તેમ છતાં આવું થાય છે અને વારંવાર થાય છે. અત્યારે એવું નથી થતું તેનું મને આશ્ચર્ય છે.

15 યુવતીઓએ કોઈ એક વ્યક્તિ માટેનું ભોજન ચાખવાની શું જરૂર હતી?

મને ખબર નથી. આ સવાલ મેં માર્ગોટ વૉકને જરૂર પૂછ્યો હોત, પણ એવું બન્યું નહીં.

જોકે યુનિવર્સિટી ઑફ બોલોગનામાં બાયોલોજીના પ્રોફેસરે કહેલું કે ટેસ્ટર્સ પાસે આ કામ સમૂહમાં કરાવવામાં આવતું હતું.

પહેલો સમૂહ પહેલો હિસ્સો ખાતો હતો, બીજો સમૂહ બીજો હિસ્સો અને બાકીની યુવતીઓ ડેઝર્ટ્સ ચાખતી હતી.

આ રીતે ક્યા તબક્કાનું ભોજન ખરાબ છે એ જાણવું આસાન બની જતું.

જોકે એ માટે 15 યુવતીઓની શું જરૂર હતી એ મને ખબર નથી. એ માટે તો ત્રણ કે વધુમાં વધુ છ લોકો પૂરતા થઈ પડે.

મહિલાઓ પાસે જ ભોજન ચાખવાનું કામ કરાવવામાં આવતું હતું, કારણ કે પુરુષો લડાઈ લડતા હતા.

જે પુરુષો લડાઈ લડતા ન હતા એ બીમાર અથવા વૃદ્ધ હતા. તેથી આ કામ માટે મહિલાઓ જ બાકી રહેતી હતી.

બધી ટેસ્ટર આર્ય મહિલાઓ હતી?

હા, મને પોતાને આશ્ચર્ય થાય છે કે હિટલરે આ કામ માટે યહૂદીઓને પસંદ કેમ ન કર્યા. આ સવાલ પણ હું માર્ગોટ વૉકને પૂછી શકી નહીં.

તેનો જવાબ મારે પોતે શોધવો પડ્યો હતો. હિટલર યહૂદીઓને પોતાના આંગણામાં જોવા ઇચ્છતા નહોતા, કારણ કે તેઓ તેમને જાનવરથી પણ નીચલી કક્ષાના ગણતા હતા.

એ ઉપરાંત તેઓ દેશ માટે જીવ આપવાની ઘટનાને એક સન્માન ગણતા હતા. એટલે એ કામ જર્મનીના લોકોને સોંપવામાં આવ્યું હતું.

તમારું પુસ્તક હકીકત પર આધારિત છે, પણ તેમાં ઘણી બધી વાતો કલ્પના આધારિત પણ છે, આ વાત સાચી છે?

મારું પુસ્તક અસલી ઘટનાઓ પર આધારિત છે. માર્ગોટ વૉકના નિવેદન પર આધારિત છે.

મારા પુસ્તકના મુખ્ય પાત્ર રોઝા ઝાવનું પાત્રાંકન માર્ગોટ વૉકના આધારે કરવામાં આવ્યું છે. એમની વય માર્ગોટ જેટલી છે અને બર્લિનમાં જ રહે છે.

માર્ગોટની માફક રોઝાના પણ પતિ છે, એ પછી મેં એવી કલ્પના કરી છે કે ટેસ્ટર્સ બૅરેકમાં કેવી રીતે ખાવાનું ખાતા હતા? તેમની વચ્ચે કેવો સંબંધ હતો? રોઝાને તેના સાસરિયામાંના લોકો સાથે, તેના પ્રેમી લેફ્ટનન્ટ સાથે કેવો સંબંધ હતો?

હિટલરના ટેસ્ટર્સની સંખ્યા 15 હતી, જ્યારે તમારા પુસ્તકમાં એ સંખ્યા 10 છે, વું કેમ?

તેનું કારણ એ છે કે 15 પાત્રોને પુસ્તકમાં જગ્યા આપવાનું મુશ્કેલ હતું એટલે મેં તેમની સંખ્યા 10 રાખી હતી.

તમારા પુસ્તક અનુસાર, હિટલરે અને રોઝા વચ્ચે ક્યારેય મુલાકાત થઈ ન હતી.

કારણ કે માર્ગોટ વૉકે પણ હિટલરને ક્યારેય જોયા ન હતા. ટેસ્ટર્સનું વુલ્ફ શાંઝ જવાનું જ યોગ્ય ગણવામાં આવતું હતું.

હિટલરને તેમના બંકરમાં જોવાની આઝાદી જૂજ લોકોને જ હતી.

તાનાશાહી શાસન વ્યક્તિને કેવી રીતે બદલી નાખે છે એ તપાસવાનો પ્રયાસ તમે તમારા પુસ્તકમાં કર્યો છે?

હા, તાનાશાહી શાસન લોકોની અંગત જિંદગીમાં કેવી રીતે દખલ કરે છે એ જાણવામાં મને હંમેશાં રસ રહ્યો છે.

મારા મનપસંદ નાટ્યકાર હાઈનન મ્યૂલરે કહ્યું છે કે ઇતિહાસ માણસ સાથે છેતરપિંડી કરે છે.

આ પુસ્તકમાં મેં એવા સામાન્ય લોકોની સામાન્ય, અંતરંગ, અંગત જિંદગીની વાત કરી છે, જેમની સાથે ઇતિહાસે છેતરપિંડી કરી છે અને તેઓ અજાણતાં તેમાં સહયોગી બની ગયાં છે.

તાનાશાહી માણસને બદલી નાખે છે, કારણ કે એ એટલી કઠોર હોય છે કે તે લોકોનું ડીએનએ અને તેમની માનસિક સંરચના સુધ્ધાં બદલી શકે છે.

તમે આતંકના, ડરના ઓછાયામાં, બૅરેકમાં રહેતા હો તો મને લાગે છે કે સિસ્ટમ તમને બદલી નાખે છે.

ઓશવિત્ઝમાંથી ઊગરી ગયેલા પ્રીમો લેવીના પુસ્તક 'ધ સન્ક ઍન્ડ ધ સેવ્ડ'માં લખવામાં આવ્યું છે કે દમનકારી સંગઠનો અને શાસનનો ઉદ્દેશ (માત્ર નાઝીઓ માટે નહીં) માત્ર દમન કરવાનો અને આઝાદી પર પ્રતિબંધ લાદવાનો નથી.

પણ નાગરિકોને એ વાતનો અહેસાસ કરાવવાનો છે કે જીવતા રહેવાનો માર્ગ ખોળવા માટે સંગઠનો દમનકર્તા બન્યાં છે અને તેનો અર્થ એ છે કે તેમના સહયોગી બનો અને તમારી નિર્દોષતા ગૂમાવી દો.

માર્ગોટ વૉક સાથે આવું જ થયું હતું. તેમણે તેમની નિર્દોષતા ખોઈ નાખી હતી.

તેઓ હિટલરનાં પીડિત બનવાની સાથે નાઝી શાસનનાં સહયોગી પણ બની ગયાં.

જોકે હું માનું છું કે સામાન્ય માણસો પાસેથી હીરો બનવાની આશા રાખવી એ નૈતિક રીતે અયોગ્ય છે. માણસનું નિર્માણ જ કોઈ પણ રીતે જીવતા રહેવા માટે થયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો