You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બગદાદીનું અંડરવૅર કુર્દદળોએ ચોરી કેમ કર્યું હતું?
કુર્દોના નેતૃત્વવાળી સીરિયન ડેમૉક્રેટિક ફૉર્સિઝ એટલે કે એસડીએફએ જણાવ્યું છે કે તેમના જાસૂસોએ અબુ બકર અલ-બગદાદીનું અંડરવૅર ચોર્યું હતું. જેથી ડીએનએ તપાસ થકી એ પુષ્ટિ કરી શકાય કે માર્યો ગયેલો શખ્સ બગદાદી જ હતો.
એસડીએફના એક સિનિયર કમાન્ડરે દાવો કર્યો છે કે સીરિયામાં અમેરિકન સૈન્યના અભિયાન પહેલાં ઇસ્લામિક સ્ટેટનું લૉકેશન જાણવા તેમનાં સૂત્રોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
જોકે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન દરોડા દરમિયાન અબુ બકર અલ-બગદાદીએ પોતાની જાતને ઉડાવી દીધી હતી. ટ્રમ્પે આ અભિયાનમાં કુર્દોની ભૂમિકાને ખાસ મહત્ત્વ નહોતું આપ્યું.
અમેરિકન રાષ્ટ્રપતિનું કહેવું હતું, "તેમની જાણકારીથી અમને મદદ મળી પણ સૈન્યઅભિયાનમાં તેમની કોઈ ભૂમિકા નહોતી."
કુર્દોની ભૂમિકા
જોકે, એસડીએફના સિનિયર નેતા પોલાટ કૅને ભાર દઈને કહ્યું હતું કે બગદાદી વિરુદ્ધના અમેરિકન અભિયાનમાં એસડીએફએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પોલાટે આ અંગે ટ્વિટર પર ટ્વીટ કર્યાં છે.
પોલાટે ટ્વીટ કરીને કહ્યું, "મારા લોકો બગદાદીનું અંડરવૅર લઈ આવ્યા હતા, જેથી ડીએનએ ટેસ્ટમાં જાણી શકાય કે જેમનું મૃત્યુ થયું તે બગદાદી જ છે."
પોલાટે લખ્યું, "બગદાદીથી લઈને તેના ઠેકાણાની ઓળખ સાથે જોડાયેલી અમે મહત્ત્વની જાણકારી આપી હતી. અમારાં ગુપ્ત સૂત્રો અભિયાન પૂર્ણ થયું ત્યાં સુધી અમેરિકન દળો સાથે જોડાયેલાં હતાં."
"એસડીએફ 15 મેથી બગદાદીને લઈને સીઆઈએ સાથે કામ કરી રહી હતી. અમે જ તપાસ કરી હતી કે બગદાદીનું વર્તમાન ઠેકાણું સીરિયાના ઇદલિબ પ્રાંતમાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધની લડાઈમાં એસડીએફ અમેરિકાની પ્રમુખ સહયોગી રહી છે. જોકે, અમેરિકાએ આ જ મહિને ઉત્તર સીરિયામાંથી પોતાના સૈનિકોને પરત બોલાવી લીધા છે.
વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકન સૈનિકોની વાપસી થકી જ તુર્કીને ઉત્તર સીરિયામાં કુર્દદળો વિરુદ્ધ હુમલો કરવાની તક મળી હતી.
સીરિયામાં હાજર પોતાના સહયોગી અને અન્ય દેશોને અમેરિકાએ પહેલાંથી જ આ અભિયાનની જાણકારી આપી દીધી હતી.
અમેરિકાએ જેને બગદાદી વિરુદ્ધ અભિયાનની સૂચના આપી હતી તેમાં દેશો છે - તુર્કી, ઇરાક, ઉત્તર સીરિયામાં હાજર કુર્દદળો અને રશિયા. ઇદલિબના હવાઈક્ષેત્ર પર તેઓ જ નિયંત્રણ ધરાવે છે.
મૃતદેહ સાથે શું કરાયું?
રિપોર્ટ અનુસાર અમેરિકન સૈનિકો હેલિકૉપ્ટરમાંથી ગોળીબાર કરતાં ઠેકાણા પર ઊતર્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન દળો બગદાદીના પરિસરમાં પ્રવેશતા જ તે સુરંગવાટે ભાગી નીકળ્યો હતો, જેથી તેને આત્મસમર્પણ ન કરવું પડે.
ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકન ગુપ્તચર સંસ્થાઓ પહેલાંથી જ બગદાદીનો પીછો કરી રહી હતી અને તેમને જાણ હતી કે બગદાદી જ્યાં છુપાયો છે, ત્યાં ઘણી સુરંગો આવેલી છે. જોકે, આમાની મોટાભાગની સુરંગોમાં ઍક્ઝિટ નહોતું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે બગદાદી સુરંગમાં ભાગવા લાગ્યો અને એ સુરંગ ક્યાંય નીકળતી નહોતી. ટ્રમ્પે કહ્યું કે આ દરમિયાન બગદાદી મૂંઝાઈ ગયો અને રડવા લાગ્યો.
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, "પ્રથમ આખા કમ્પાઉન્ડને ખાલી કરાવાયું. અથવા તો લોકોએ આત્મસમર્પણ કર્યું કે પછી માર્યા ગયા. 11 બાળકોને બહાર કાઢ્યાં."
"એ સુરંગમાં એકલો બગદાદી બચ્યો હતો. તે પોતાની સાથે ત્રણ બાળકોને લઈને ભાગતો હતો અને તેમનાં પણ મોત થઈ ગયાં."
ટ્રમ્પે કહ્યું, "એ સુરંગના છેડે પહોંચી ગયો. અમારાં કૂતરાં તેને તગેડી રહ્યાં હતાં. આખરે તે પડી ગયો અને કમરે બાંધેલા વિસ્ફટકોથી જાતને અને ત્રણ બાળકોને ઉડાવી દીધાં. બ્લાસ્ટથી તેના શરીરના ટુકડા થઈ ગયા. ધડાકાથી સુરંગ પણ તબાહ થઈ ગઈ."
આ ઑપરેશન બાદ આખું પરિસર કાટમાળમાં ફેરવાઈ ગયું. તેની તસવીર અને વીડિયોમાં ગોળીનાં નિશાન અને સળગેલી ચીજો દેખાઈ રહી છે.
બગદાદીના મૃતદેહના કેટલાક ભાગ ટેકનિશિયનો પોતાની સાથે હેલિકૉપ્ટરમાં લઈ આવ્યા હતા.
સોમવારે યુએસ જૉઇન્ટ ચીફ ઑફ સ્ટાફ જનરલ માઇક મિલીએ મૃતદેહના અંતિમસંસ્કાર અંગે વિસ્તૃત જાણકારી નહોતી આપી.
જોકે, સમાચાર સંસ્થા રૉયટર્સને કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે ઇસ્લામિક પરંપરા અનુસાર જ તેમના અંતિમ સંસ્કાર કરાયા. વર્ષ 2011માં અલ-કાયદાના સંસ્થાપક ઓસામા બિન-લાદેનની સાથે પણ આવું જ કરવામાં આવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો