You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇજિપ્ત: તૂતેનખામેનની કબરનું એવું 'રહસ્ય' જે છે જ નહીં
ઇજિપ્તના પિરામિડ અને મમી વિશે જાણવામાં આખી દુનિયાને હંમેશા રસ પડતો રહ્યો છે.
પશ્ચિમી દેશોમાં મમી વિશે જાતજાતના કિસ્સા સાંભળવા મળે છે. મમી વિશે ફિલ્મો પણ બની છે.
મમી વિશે વધુ માહિતી મેળવવા માટે જાતજાતનાં સંશોધન થતાં રહે છે.
પ્રાચીન ઇજિપ્તના રાજા તૂતેનખામેન વિશે તાજેતરમાં એક નવી શોધ કરવામાં આવી હતી. એ પછી ઇજિપ્તના અધિકારીઓએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, તૂતેનખામેનના મકબરામાં કોઈ ગુપ્ત ઓરડો નથી.
ગુપ્ત ઓરડામાં કોની કબર?
આ અગાઉ ઇજિપ્તના અધિકારીઓ એવો દાવો કરતા રહ્યા હતા કે યુવાન રાજા તૂતેનખામેનના 3,000 વર્ષ જૂના મકબરાની દિવાલ પાછળ એક ગુપ્ત ઓરડો છે.
એક થિયરીમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, તૂતેનખામેનના મકબરામાં એક ગુપ્ત ઓરડી છે, તેમાં રાણી નેફરતીતીનો મકબરો હોવાની શક્યતા છે.
ઘણા લોકો માને છે કે રાણી નેફરતીતી તૂતેનખામેનનાં માતા હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રિટિશ પુરાતત્વશાસ્ત્રી નિકોલસ રિવેસને પ્લાસ્ટર નીચે દરવાજો હોવાના કેટલાક પુરાવા મળ્યા પછી ગુપ્ત મકબરાને શોધવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
રાણીની 3,000 વર્ષ જૂની મૂર્તિ
નિકોલસ રિવેસના 2015માં પ્રકાશિત સંશોધન પત્ર 'ધ બેરિઅલ ઓફ નેફરતીતી'માં જણાવ્યા મુજબ, રાણી નેફરતીતી માટે પણ એક નાનો મકબરો બનાવવામાં આવ્યો હતો અને રાણીના અવશેષ પણ આ મકબરાની અંદર હોઈ શકે છે.
નેફરતીતીના અવશેષ ક્યારેય મળી શક્યા નથી, પણ એ વિશે માહિતી મેળવવાના પ્રયાસ હંમેશા થતા રહ્યા છે.
રાણી નેફરતીતીની 3,000 વર્ષ જૂની એક મૂર્તિ આજે પણ મોજૂદ છે, જે પ્રાચીન ઇજિપ્તમાં તેની ઓળખને વધુ મજબૂત બનાવે છે.
રાણીના પતિ ફરાઓ અખનાતનના મૃત્યુ અને એ પછી તેમના દીકરાને ગાદી પર બેસાડવામાં આવ્યો એ વચ્ચેના સમયગાળામાં નેફરતીતીએ ઇજિપ્ત પર શાસન કર્યું હોવાનું પણ માનવામાં આવે છે.
તૂતેનખામેનનો મકબરો
રાણી નેફરતીતી તેમના પતિ સાથે મળીને ઇસવીસન પૂર્વે 1353થી માંડીને ઇસવીસન પૂર્વે 1336 સુધી શાસન કર્યું હોવાનું પણ કહેવાય છે.
રાણી નેફરતીતી અને ફરાઓ અખનાતેનનો ઉલ્લેખ ઇજિપ્તના પ્રાચીન ઇતિહાસમાંથી હટાવી દેવામાં આવ્યો તેનું કારણ એ હતું કે ફરાઓ અખનાતેને ઇજિપ્તના અનેક દેવતાઓને બદલે એકમાત્ર સૂર્યદેવની પૂજા શરૂ કરાવી હતી.
પુરાતત્વશાસ્ત્રી નિકોલસ રિવેસનો સનસનાટીભર્યો સંશોધન પત્ર પ્રકાશિત થવાની સાથે બીજી કેટલીક વાતો પણ બહાર આવી હતી. તેનાથી ગુપ્ત ઓરડો હોવાના દાવાને બળ મળ્યું હતું.
ઇજિપ્તના અધિકારીઓએ પણ જણાવી દીધું હતું કે તૂતેનખામેનના મકબરામાં એક ગુપ્ત ઓરડી હોવાની વાતમાં તેમને 90 ટકા ભરોસો છે.
મકબરા વિશે સંશોધન કરનારી ટીમના વડા ફ્રાન્સેસ્કો પોરસેલીએ કહ્યું હતું, "તૂતેનખામેનના મકબરા પાછળથી કશું મળ્યું નહીં એ હકીકત થોડા અંશે નિરાશ કરનારી છે, પણ બીજી બાજુ મને એવું લાગે છે કે આ એક સારું વિજ્ઞાન છે."
કોણ હતા તૂતેનખામેન?
તૂતેનખામેન પ્રાચીન ઇજિપ્તના અઢારમા રાજવંશના અગિયારમા રાજા હતા.
તૂતેનખામેનની કબર લગભગ સહીસલામત અવસ્થામાં મળી આવી હોવાને કારણે પણ તેમની ખ્યાતિ વધારે છે.
બ્રિટિશ પુરાતત્વશાસ્ત્રી હોવાર્ડ કાર્ટરે તૂતેનખામેનના મકબરાની શોધ 1922માં કરી હતી.
તૂતેનખામેનની જે મમી મળી હતી તેના પર સંશોધન કરતાં જાણવા મળ્યું હતું કે મૃત્યુ વખતે તેમની વય 17 વર્ષની હતી.
તેઓ આઠ કે નવ વર્ષના હતા ત્યારે જ તેમને રાજગાદી મળી ગઈ હતી.
તૂતેનખામેનના મૃત્યુ બાબતે જાતજાતની કિસ્સા સાંભળવા મળે છે. કોઈ કહે છે કે તેમની હત્યા કરવામાં આવી હતી તો કોઈ કહે છે કે શિકાર દરમ્યાન ઘાયલ થયા બાદ તેમનું મૃત્યુ થયું હતું.
રહસ્યમય મકબરામાં શોધ
તૂતેનખામેનની કબરને ખોદવાનું કામ ચાલતું હતું ત્યારે એ કામગીરી સાથે જોડાયેલા અનેક લોકોના મૃત્યુના સમાચાર આવ્યા હતા.
પુરાતત્વશાસ્ત્રી હોવાર્ડ કાર્ટરની એ કામગીરી 1922માં હાથ ધરવામાં આવી હતી. તેને 'વેલી ઑફ કિંગ્ઝ'ની શોધ એવું નામ આપવામાં આવ્યું હતું.
આ મિશન માટે જેમણે નાણાં આપ્યાં હતાં એ બ્રિટિશ ધનિક લોર્ડ કાર્નારવોનનું પણ મચ્છરે ડંખ મારવાને કારણે મૃત્યુ થયું હતું.
તેને ફરાઓ તૂતેનખામેનના શ્રાપનું પરિણામ ગણાવવામાં આવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો