ભારતનું ઈ-કોમર્સ બજાર 2026માં 200 અબજ ડોલરનું હશે

ભારતના ઈ-કોમર્સ ઉદ્યોગનું કદ 2026 સુધીમાં વધીને 200 અબજ ડોલરનું થવાની અપેક્ષા છે, ત્યારે ભારતીય ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટમાં એમેઝોન 60 ટકા હિસ્સો ખરીદવા ઇચ્છતી હોવાના અહેવાલ છે.

એમેઝોનના આ પગલાંને કારણે ફ્લિપકાર્ટમાંના વોલમાર્ટના હિત સંબંધે પડકાર સર્જાશે.

ફ્લિપકાર્ટ સંબંધી સોદાને પોતાના તરફથી વોલમાર્ટે આખરી ઓપ આપી દીધાના અહેવાલોના દિવસો બાદ એમેઝોનની ઓફરના સમાચાર આવ્યા છે.

વોલમાર્ટ તેની ઑનલાઇન પ્રવૃત્તિનો વિસ્તાર કરી રહી છે અને ભારતીય માર્કેટનો લાભ લેવા ધારે છે.

એમેઝોનની ઓફર વિશેના સમાચાર બિઝનેસ ન્યૂઝ ચેનલ સીએનબીસીની ભારતીય સહયોગી સીએનબીસી-ટીવી18 ચેનલે પ્રસારિત કર્યા હતા.

ફ્લિપકાર્ટ, એમેઝોન કે વોલમાર્ટ એ ત્રણમાંથી એકેય કંપનીએ આ અહેવાલ બાબતે પ્રતિભાવ આપ્યો નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

ફ્લિપકાર્ટનું મૂલ્ય વધ્યું

2007માં શરૂ કરવામાં આવેલી ફ્લિપકાર્ટને ટેન્સેટ અને માઇક્રોસોફ્ટ જેવી મોટી ટેક્નોલોજી કંપનીઓનું પીઠબળ ગયા વર્ષે મળ્યું હતું.

આ કંપનીઓના રોકાણને લીધે ફ્લિપકાર્ટનું મૂલ્ય 11 અબજ ડોલરથી વધુનું થઈ ગયું છે.

સીએનબીસી-ટીવી18ના અહેવાલ અનુસાર, ફ્લિપકાર્ટ સાથે વોલમાર્ટ 2016થી વાટાઘાટ કરી રહી છે. તે ફ્લિપકાર્ટમાં 80 ટકાથી વધુ હિસ્સો ખરીદવા ઇચ્છે છે.

તે હાલની મેનેજમેન્ટ ટીમને પણ જાળવા રાખવા ઇચ્છે છે.

ચેનલના જણાવ્યા મુજબ, વોલમાર્ટની ઓફરને ફ્લિપકાર્ટના સ્થાપકો ઉપરાંત અનેક રોકાણકારોનો ટેકો પણ સાંપડ્યો હતો.

આ સોદો આગામી કેટલાક સપ્તાહમાં પાર પડવાની આશા છે.

ચેનલે જણાવ્યું હતું કે ફ્લિપકાર્ટમાં ઓછો હિસ્સો ખરીદવાની એમેઝોનની ઓફર વોલમાર્ટની ઓફર સમાન જ હશે અને તેમાં બે અબજ ડોલરની બ્રેક-અપ ફીનો સમાવેશ થાય છે.

ભારતીય માર્કેટ પર નજર

ભારતમાં ઑનલાઇન શોપિંગનું પ્રમાણ ઝડપભેર વધી રહ્યું છે અને પોતાના વિસ્તરણના પ્રયાસના ભાગરૂપે એમેઝોન ભારત પર ખાસ ધ્યાન આપી રહ્યું છે.

અમેરિકાના સિએટલસ્થિત એમેઝોને જણાવ્યું હતું કે તે ભારતમાં પાંચ અબજ ડોલરથી વધુનું રોકાણ કરશે. ભારત માટેની 18 ઓરિજિનલ સિરીઝ સહિતની ખાસ પ્રોડક્ટ્સની જાહેરાત પણ કંપનીએ કરી હતી.

એમેઝોનની વૃદ્ધિથી સતર્ક થઈ ગયેલી વોલમાર્ટ તેની ઑનલાઇન હાજરી વધારવાના પ્રયાસ કરી રહી છે.

તેણે જેટ ડોટકોમ નામની ઈ-કોમર્સ સાઈટ ખરીદી છે અને જેડી ડોટકોમ નામની ચીની કંપની સાથે પણ તે કામ કરી રહી છે.

ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, ભારતના ઈ-કોમર્સ ઉદ્યોગનું કદ ગયા વર્ષે 38.5 અબજ ડોલરનું હતું, જે 2026 સુધીમાં વધીને 200 અબજ ડોલરનું થવાની અપેક્ષા છે.

ભારત સરકારે ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો