ચંદ્રકાંત ઝા : તિહાડ જેલનો ગેટ અને માથાં વઢાયેલા મૃતદેહોનું રહસ્ય

ઇમેજ સ્રોત, NETFLIX
- લેેખક, ભરત શર્મા
- પદ, બીબીસી સંવાદદાતા

-ચંદ્રકાંત ઝાએ દિલ્હી પોલીસની ઊંઘ ઉડાડી દીધી હતી, કેમ કે એક પછી એક હત્યાઓ કરીને તે પોલીસને ખુલ્લેઆમ પડકારો આપતા હતા.
-તિહાડ જેલ જેવી અતિ-સુરક્ષિત મનાતી જગ્યાની બહાર એક બાદ એક મળતા માથાં વઢેલા મૃતદેહો, મૃતદેહો સાથે મળતા પત્રો મળતા હતા.
-નેટફ્લિક્સની ત્રણ ભાગની ડૉક્યુમેન્ટરી બિહારના મધેપુરામાં એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા ચંદ્રકાંત ઝાની કહાણી દર્શાવે છે.
-દિલ્હી પોલીસે આ કેસને ક્રેક કરવા માટે ખબરીઓની મદદ લીધી હતી. ડૉક્યુમેન્ટીમાં બતાવવામાં આવ્યું છે કે તેમની જ મદદથી તેઓ એક ડૉક્ટર સુધી પહોંચ્યા હતા.

20 ઑક્ટોબર 2006, પશ્ચિમ દિલ્હીના હરિનગર પોલીસસ્ટેશનમાં સવારે ફોનની ઘંટડી વાગી. ફોન કરનારી વ્યક્તિએ જણાવ્યું કે તેણે તિહાડ જેલના ગેટ નંબર 3ની બહાર એક મૃતદેહ રાખ્યો છે.
ત્યાં પહોંચતા એક બાંધેલી ટોકરી મળી, જેમાં માથું વઢાયેલો મૃતદેહ રખાયો હતો. તેની સાથે એક પત્ર પણ હતો, જેમાં દિલ્હી પોલીસ માટે અભદ્ર ગાળો લખવામાં આવી હતી અને હત્યાની જવાબદારી લેતા પડકાર આપવામાં આવ્યો હતો કે ‘હિંમત હોય તો પકડીને બતાવો.’
તેના છ મહિના બાદ એપ્રિલ 2007માં તિહાડ જેલના ગેટ નંબર 3ની બહાર એ જ જગ્યાએ ફરી એક મૃતદેહ મળ્યો. મૃતદેહ બાંધેલો હતો.
માથું અને હાથ-પગ ન હતા. આ વખતે પણ મૃતદેહને ગઈ વખતની જેમ બાંધવામાં આવ્યો હતો. હત્યાના દરેક મામલે સિરિયલ કિલરે મૃતકોનાં માથાં યમુના નદીમાં ફેંકી દીધાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલી વખત તો દિલ્હી પોલીસ છ મહિના સુધી પ્રયાસ કરીને થાકી ગઈ હતી, પરંતુ જ્યારે બીજી વખત એવું થયું તો પોલીસ ચિંતામાં પડી ગઈ.
એપ્રિલ મહિનામાં પોલીસ તપાસમાં તો કોઈ પ્રગતિ ન થઈ, પરંતુ એક મહિના બાદ મેમાં તિહાડ જેલની બહાર વધુ એક કપાયેલો મૃતદેહ મળ્યો.

ઇમેજ સ્રોત, NETFLIX
મૃતદેહને એ જ રીતે બાંધીને ટોકરીમાં રાખવામાં આવ્યો હતો. સાથે એક પત્ર હતો. પત્રો હિંદીમાં લખેલા હોતા અને અંતે લખેલું હોતું – “દિલ્હી પોલીસના બનેવી કે દિલ્હી પોલીસના બાપ”, પત્ર લખનારનું નામ હોતું – ‘સીસી’.
તિહાડ જેલ જેવી અતિ-સુરક્ષિત મનાતી જગ્યાની બહાર એક બાદ એક મળતા માથાં વઢેલા મૃતદેહો, મૃતદેહો સાથે મળતા પત્રો અને પોલીસસ્ટેશનમાં વાગતા ફોન- આ બધાએ એ સ્પષ્ટ કરી દીધું હતું કે આ કોઈ અસાધારણ અપરાધી છે, આ વ્યક્તિ દિલ્હી પોલીસને ખુલ્લો પડકાર આપી રહી છે.
નેટફ્લિક્સની ત્રણ ભાગ ધરાવતી ડૉક્યુમેન્ટરી બિહારના મધેપુરામાં એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા ચંદ્રકાંત ઝાની કહાણી દર્શાવે છે કે કેવી રીતે તેની અંદર દબાયેલા ગુસ્સાએ તેને સિરિયલ કિલર બનાવી દીધો હતો.
આગળની તપાસમાં જાણવા મળ્યું કે ચંદ્રકાંત ઝા દિલ્હી પોલીસના જમાદારથી નારાજ હતા, કેમ કે તે જમાદારે તેની સાથે તિહાડ જેલમાં ગેરવર્તણૂક કરી હતી.
ચંદ્રકાંત ઝા આ કારણસર તિહાડ જેલના ગેટ પર લાશો રાખીને દિલ્હી પોલીસને હેરાન કરીને બદલો લેવા માગતો હતો.

દિલ્હી પોલીસની લાચારી

ઇમેજ સ્રોત, MAIL TODAY
સિરિયલ કિલરના આ મામલાના તપાસ અધિકારી રહી ચૂકેલા સુંદરસિંહ યાદવ દિલ્હી પોલીસમાંથી એસીપી તરીકે નિવૃત્ત થયા અને હાલ પોતાના ગામડે ખેતીનું કામકાજ જોઈ રહ્યા છે.
તેઓ જણાવે છે કે એ સમયમાં એટલા બધા સીસીટીવી ન હતા. મૃતદેહોનાં માથાં ન હોવાના કારણે ઓળખ કરવી મુશ્કેલ હતી કે મૃતક કોણ છે. મૃતકને ઓળખ્યા વગર તેની હત્યાના ઉદ્દેશ અને હત્યારા વિશે માહિતી મેળવવી મુશ્કેલ કામ છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “આ મામલો એટલે અલગ હતો. તેમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ થઈ રહી ન હતી, કેમ કે મૃતદેહોનાં માથા ન હતાં, મૃતદેહો સાથે કોઈ પાક્કા પુરાવા ન હતા.”
આ એ સમય હતો જ્યારે ન માત્ર પોલીસ, પરંતુ આ પત્રોના લીક થવાના કારણે દિલ્હીની મીડિયાનો રસ પણ આ કેસમાં અચાનક વધી ગયો હતો. તે દિવસો દરમિયાન અમિતકુમાર ઝા એક દૈનિક ન્યૂઝપેપરમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ આ ડૉક્યુમેન્ટરીમાં પણ એ દિવસોને યાદ કરે છે.
બીબીસી સાથે વાતચીતમાં તેઓ કહે છે, “જ્યારે આ પત્ર લીક થઈને મીડિયા સુધી પહોંચ્યો તો ભારે હોબાળો થયો હતો. એ દિવસો દરમિયાન તે દિલ્હીના સૌથી મોટા સમાચાર બની ગયા હતા. સામાન્યપણે દિલ્હીમાં કોઈ ચોરી, લૂંટ કરીને પોલીસને પડકાર આપતું, પણ આ કેસમાં કોઈ હત્યા કરીને પડકાર આપી રહ્યું હતું.”
અમિતકુમાર ઝાએ જણાવ્યું કે તે દિવસો દરમિયાન કેકે પૉલ દિલ્હી પોલીસના કમિશનર હતા અને તેમણે આ કેસનો તુરંત ઉકેલ લાવવા આદેશ આપ્યા હતા, પરંતુ તે એટલું સહેલું ન હતું.
તેઓ કહે છે, “તકલીફ એ હતી કે જે લાશો મળતી હતી, તેમાં માત્ર વચ્ચેનો ભાગ હોતો અને માથું નહીં. પોલીસને પણ કોઈ કેસના ઉકેલ માટે મૃતદેહની ઓળખની જરૂર હોય છે. જે મૃતદેહોની ઓળખ થઈ જાય છે, તેમાં 80-90 ટકા કેસનો ઉકેલ થઈ જાય છે, કેમ કે પોલીસ તપાસ કરીને મૃતકના માધ્યમથી કડીઓ જોડી લે છે. પરિવાર, કૉલ ડિટેઇલ જેવી વસ્તુઓથી ખૂબ મદદ મળે છે પરંતુ આ મામલે આવું ન હતું. આ એક અઘરો કેસ હતો અને પોલીસને સફળતા મળવામાં એક કરતાં વધારે સમય લાગી ગયો હતો.”

ચંદ્રકાંત ઝા અને પોલીસનો આમનોસામનો

ઇમેજ સ્રોત, Mail Today
સુંદરસિંહ યાદ અને તપાસ કરી રહેલી બાકી ટીમે આખરે ચંદ્રકાંત ઝાની દિલ્હીના જ એક વિસ્તારમાંથી મે 2007માં ધરપકડ કરી હતી.
યાદવ જણાવે છે, “જ્યારે ચંદ્રકાંત મારી સામે આવ્યો તો લાગ્યું કે તે ખૂબ તાર્કિક છે, જાણકાર છે. એક વર્ષ પહેલાં મારી તેની સાથે ફોન પર વાત થઈ રહી હતી, પરંતુ જ્યારે હું તેને ત્રણ-ચાર હત્યાઓ બાદ પકડવામાં સફળ રહ્યો, તો તેણે મળતાં જ મને ઓળખી લીધો અને મને પૂછ્યું કે તમે સુંદરસિંહ યાદવ છો, મને આ વાતથી ખૂબ આશ્ચર્ય થયું. તે બોલ્યો તમે જીત્યા, હું હાર્યો. હું બધું જ કહી દઈશ, પરંતુ મને હેરાન ન કરતા અને મારતા નહીં.”
પરંતુ યાદવ અને તેમના સાથીઓની તકલીફો ખતમ થઈ ન હતી. તેઓ જણાવે છે, “ત્રણ હત્યા આ કેસ પર થઈ હતી અને વધુ એક કેસ પહેલાનો હરિનગર સ્ટેશનનો જ હતો. બીજી ચાર હત્યાઓ દિલ્હીના બીજા વિસ્તારોની હતી. મને એ ચાર હત્યાઓ વિશે જાણકારી ન હતી. ઘટનાસ્થળ વિશે જાણકારી ન હતી, મૃત્યુ પામેલા લોકો કોણ હતા એ ખબર ન હતી. પરંતુ ચંદ્રકાંત ઝાએ ડિસ્ક્લૉઝર સ્ટેટમૅન્ટમાં વિગતવાર જણાવ્યું હતું, પરંતુ પછી મને લાગી રહ્યું હતું કે ટ્રાયલમાં તે મને હેરાન કરશે.”
“જે માનવ ખોપરી મળી હતી, તેને તે એ મામલા સાથે જોડાયેલી ગણાવી રહ્યો હતો, જેની હું તપાસ કરી રહ્યો હતો અને બીજી એક ખોપરી અન્ય કેસની જણાવી રહ્યો હતો. તે કદાચ એ વિચારી રહ્યો હશે કે બંને કેસની ડીએનએ પ્રોફાઇલ મેચ નહીં થાય અને કોર્ટમાં તેને તેનાથી મદદ મળશે.”
જ્યારે આ કેસ કોર્ટમાં પહોંચ્યો તો ચંદ્રકાંત ઝાનો વ્યવ્હાર કોર્ટમાં કેવો હોતો, તેનો જવાબ ઉત્કર્ષ આનંદ આપે છે, જેમણે કોર્ટ રિપોર્ટર તરીકે બધું જ પોતાની આંખે જોયું છે.
ઉત્કર્ષ આનંદે બીબીસીને જણાવ્યું, “કોર્ટમાં તેઓ ખૂબ ઓછું બોલતા હતા. પરંતુ તેની અંદર વિચિત્ર પ્રકારનો આત્મવિશ્વાસ હતો. જ્યારે તે પોતાના વકીલ સાથે વાત કરતો તો તેમને સમજાવતો જોવા મળતો. એવું લાગતું કે તેની કોઈ વ્યૂહરચના છે, જેના અંતર્ગત તે કામ કરી રહ્યો છે. એવું ન લાગતું કે તે મગજથી સનકી છે. કંટ્રોલ અને કમ્પોઝ્ડ લાગતો હતો.”

મીડિયાને ચંદ્રકાંત ઝાએ આપી સલાહ

ઇમેજ સ્રોત, (RAJ K RAJ/HINDUSTAN TIMES VIA GETTY IMAGES)
ચંદ્રકાંત ઝાની એક જ વીડિયો ક્લિક છે જેને નેટફ્લિક્સની ડૉક્યુમેન્ટરીમાં વાપરવામાં આવી છે. આ વીડિયો ક્લિપમાં હાથકડી પહેરેલો ચંદ્રકાંત કહે છે, “હું મીડિયાને એ પૂછવા માગું છું કે તમે લોકો ખોટા સમાચાર કેમ છાપો છો?”
“જો તમને લાગે છે કે સમાચાર ખોટા ચાલી રહ્યા છે તો એ તમારી ભૂલ છે તમે હજુ સુધી સાચી વાત જણાવી નથી.”
“તમે અમને પૂછીને સમાચાર છાપ્યા હતા? હું ક્યાંથી પકડાયો છું, તે તમને ખબર છે કે મને?”
એક પત્રકાર પૂછે છે, “તમે ચાર હત્યાઓ કેમ કરી હતી?”
“બની શકે કે મેં ચાર કરતાં પણ વધારે હત્યાઓ કરી હોય.... તમને કેવી રીતે ખબર કે ચાર જ છે?”
ઉત્કર્ષ કહે છે, “જ્યારે તેઓ મીડિયા સામે દલીલ કરી રહ્યા હતા, જે રીતે વાત કરી રહ્યા હતા, તેના જવાબ તાર્કિક હોતા. એવું ક્યારેય ન હોતું કે ચંદ્રકાંત ઝા સાથે વાત કરો અને તેણે એવી કોઈ વાત કરી હોય, જેનો કોઈ મતલબ ન નીકળે. તે જ્યારે પણ વાત કરતો હતો તો તેની વાતમાં કોઈ તર્ક હોતો. જ્યારે તેની સાથે સામનો થતો હતો તો ડર પણ લાગતો હતો કે કોણ જાણે તે કેવી પ્રતિક્રિયા આપશે. જોકે, મારી તેની સાથે ક્યારેય લાંબી વાતચીત નથી થઈ.”

કોર્ટમાં સિરિયલ કિલર

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્કર્ષ જણાવે છે કે કોર્ટમાં જ્યાં સુધી તેની ટ્રાયલ ચાલી રહ્યી હતી, એક પણ ફરિયાદ ન કોર્ટમાં આવી, ન જેલમાંથી. પોલીસનું માનવું હતું કે તે નાની નાની વાતો પર નારાજ થઈ જતો હતો, હત્યાઓ કરી દેતો હતો, પરંતુ ટ્રાયલ જજની સામે આવી ફરિયાદો ક્યારેય આવી નથી કે જેમાં તેને ક્યારેય ગુસ્સો આવ્યો હોય.
પોલીસ અને જજની સામે ચંદ્રકાંત ઝાની વાતો અને નિવેદનોમાં ફેર હોતો.
અમિતકુમાર ઝા જણાવે છે, “જ્યારે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવતો તો બહાર તે પોલીસકર્મીઓ સામે કહેતો કે બે-ચાર મર્ડર કોઈ મોટી વાત નથી. એ તો આપણે ગમે ત્યારે કરી શકીએ છીએ. અને જજની રજૂ કરવા પર ત્યાં કેરેક્ટર બદલી જતું હતું. તે ત્યાં કહેતો કે તે એક ગરીબ વ્યક્તિ છે જે શાકભાજી વેચે છે અને જેને પોલીસે કારણ વગર ફસાવી દીધો છે. તેને ખબર હતી કે પોલીસની સામે જે કહ્યું, જજની સામે તેનું કોઈ મૂલ્ય નથી.”
ચંદ્રકાંત ઝાની આ જ ચાલાકીની સાબિતી સુંદરસિંહ યાદવ પણ આપે છે. તેઓ કહે છે, “તેમાં માત્ર એક ખામી હતી અને તે કહેતો પણ હતો કે તેને અંગ્રેજી નથી આવડતી, નહીં તો તે ટેકનિકલ વાતોને, કાયદાને, કાયદાકીય મુશ્કેલીઓને અને ખામીઓને સારી રીતે જાણી-સમજી શકતો હતો.”

બિહારના મધેપુરામાં પણ કરી હતી હત્યાઓ

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્યુમેન્ટરીમાં ચંદ્રકાંત ઝાના ગામ ઘોષઈમાં ગ્રામીણોના નિવેદન અને કેટલીક તસવીરો ડર ઊભો કરે છે. એવું અનુમાન મળે છે કે ચંદ્રકાંત ઝાએ ત્રણ કે ચાર નહીં, પણ તેનાથી ઘણી વધારે હત્યાઓ કરી છે.
વાસ્તવમાં કેટલી હત્યાઓ કરી હતી, તેના જવાબમાં ઉત્કર્ષ આનંદનું કહેવું છે, “એ જણાવવું ખૂબ મુશ્કેલ છે, હું તો એ પણ નહીં જણાવી શકું કે જે અપરાધોની તે સજા કાપી રહ્યો છે, તે અપરાધ પણ તેણે કર્યા છે કે નહીં, કેમ કે તેણે મીડિયામાં ઘણી વખત નિવેદનો આપ્યાં છે કે તેમને કેવી રીતે ખબર કે ચાર જ હત્યાઓ થઈ છે. ચાર હત્યાનો આરોપ હતો, ત્રણમાં સજા થઈ તો ચોથી હત્યા કોણે કરી? ડૉક્યુમેન્ટરીથી એવું લાગી રહ્યું છે કે આ 40 અથવા આંકડો તેના કરતાં પણ વધારે હોઈ શકે છે.”
ડૉક્યુમેન્ટરીમાં ઉત્કર્ષ આનંદ ઉલ્લેખ કરે છે કે સજા થયા બાદ ચંદ્રકાંત ઘણી વખત જેલની બહાર પણ આવ્યા છે.
તેઓ વિવરણ આપે છે, “ત્રણ કેસમાં તેને દોષી માનીને સજા સંભળાવવામાં આવી, તે સજા કાપી રહ્યો છે. પરંતુ એ પણ સાચી વાત છે કે તેને ચાર વખત પરોલ મળી છે, સાત વખત ફરલો મળી, તે એટલા-એટલા દિવસો માટે જેલમાંથી બહાર આવ્યો છે. વર્ષ 2019 બાદ તે જેલની બહાર આવ્યો નથી, પરંતુ તેની પહેલાં ઘણી વખત જેલની બહાર આવતો રહ્યો છે.”
2019 બાદ શું બદલી ગયું, તેના જવાબમાં તેઓ કહે છે, “તે વર્ષે ફરિયાદ થઈ હતી મારપીટની. પછી એ નિર્ણય આપવામાં આવ્યો કે બે વર્ષ તેને પરોલ કે ફરલો પર નહીં છોડવામાં આવે. હું તમને હાલની ઘટના વિશે જણાવું. આ જ વર્ષે ફેબ્રુઆરીમાં તેણે દિલ્હી હાઈકોર્ટમાં રિટ ફાઇલ કરીને અપીલ કરી હતી કે તેણે દીકરીનાં લગ્ન કરવાના છે અને માતાનું મૃત્યુ થયું હોવાના કારણે પેન્શન રોકાઈ ગયું છે, જેને ફરી શરૂ કરવાનું છે. પરંતુ તેની ફરિયાદો અને કારણો ગંભીર ન હોવાના કારણે તેને પરવાનગી ન મળી.”
ચંદ્રકાંત સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો અમિતકુમાર ઝા પણ સંભળાવે છે.
તેમણે કહ્યું, “સજા થયા બાદ જ્યારે ચંદ્રકાંત જેલમાં હતા, તો મારી પાસે તેમનાં પત્નીનો ફોન આવ્યો કે તેઓ ચંદ્રકાંતનાં પત્ની બોલી રહ્યાં છે અને હત્યાના એક કેસમાં તેઓ નિર્દોષ સાબિત થયા છે. મેં પૂછ્યું કે તમને મારો નંબર ક્યાંથી મળ્યો, તો તેમણે કહ્યું કે તેઓ ચંદ્રકાંતને મળવા જેલમાં ગયાં હતાં, તેમણે જ આપ્યો છે. હું એ જાણીને આશ્ચર્યમાં પડી ગયો કે જેલમાં પણ તેની પાસે મારો નંબર છે.”
ડૉક્યુમેન્ટરીમાં ચંદ્રકાંતના પરિવારના કોઈ સભ્યનું નિવેદન બતાવાયું કે સંભળાવાયું નથી. એવું શા માટે?
તેના જવાબમાં સિરીઝના હેડ ઑફ રિસર્ચ અને ક્રીએટિવ પ્રોડ્યુસર નંદિતા ગુપ્તા જણાવે છે, “મારી મુલાકાત ચંદ્રકાંત ઝાના પરિવારના લોકો સાથે થઈ હતી, તે લોકો ખૂબ સારા હતા અને આ કેસ સાથે જોડાવા માગતા ન હતા. કૅમેરા પર આવવા માગતા ન હતા. તો અમે તેમના નિર્ણયનું સન્માન કર્યું.”
તેમનું કહેવું છે, “તેને બનાવવામાં બે વર્ષનો સમય લાગ્યો. ચાર મહિના સુધી અમે માત્ર સંશોધન પર કામ કર્યું હતું. બિહારના એ ગામના ઘણા લોકો સાથે વાતચીત કરી હતી. આશરે 40-50 લોકો સાથે વાત કરી હશે. ઘણા મહિનાઓ બાદ આ કામ પૂરું થયું હતું.”

તપાસના દૃષ્ટિકોણથી મુશ્કેલ કેસ
આ કેસ તપાસની દૃષ્ટિએ મુશ્કેલ હતો, એ વાત ક્રાઇમ કવર કરતાં પત્રકાર પણ માને છે.
અમિતકુમાર ઝા કહે છે, “તે સમયમાં વધારે સીસીટીવી ફૂટેજ ન હતા. મોબાઇલ ફોનનો ઉપયોગ પણ વધારે ન હતો. આજે કદાચ જ કોઈ અપરાધ થાય છે જે સીસીટીવી પર ન મળે. મોબાઇલનો ઉપયોગ ઓછો હતો, હવે પોલીસ ડેટા પર કામ કરે છે. બધો જ ડેટા મળે છે. તે સમયે આવી મદદ ઓછી મળતી હતી. તિહાડની બહાર આખું વર્ષ કોઈ પોલીસકર્મીને રાખી શકતા ન હતા. તે મૃતદેહ ક્યારે ફેકશે, ક્યાં ફેંકશે તેની ખબર ન હતી.”
સુંદરસિંહ યાદવના પ્રમાણે આ મામલે પરિસ્થિતિજન્ય પુરાવા ખૂબ મજબૂત હતા.
તેઓ કહે છે, “અમે ઝીણવટ સાથે બધું જોઈ રહ્યા હતા, ઘણા એંગલની તપાસ કરી રહ્યા હતા. ત્યાર બાદ આગળ વધ્યા હતા. અમને ખબર હતી કે આ વ્યક્તિ આગળ હેરાન કરશે એટલે અમે ન માત્ર મૃતદેહો પણ તેના જુદાજુદા ભાગોને પણ ડીએનએ પ્રોફાઇલિંગ માટે મોકલ્યા. તે પત્રો લખતો હતો તો હેન્ડરાઇટિંગની તપાસ કરાવી. તપાસ ગણિતની જેમ થાય છે. ક્યાં તો સોમાંથી સો મળશે કે પછી ઝીરો.”

કેવી રીતે પકડાયો હતો ચંદ્રકાંત ઝા?
આ કેસ પોલીસ માટે એક પડકાર બની ગયો હતો અને તેને ઉકેલવા માટે દબાણ સતત વધી રહ્યું હતું, પરંતુ તેમને સફળતા મળી કેવી રીતે?
યાદવ જણાવે છે, “જ્યારે તે અમને ફોન કરતો તો અમે તે લાંબી વાત કરે તેવો પ્રયાસ કરતા હતા, જેથી તે વાતોવાતોમાં કંઈક એવું કહી જાય, જેનાથી અમને કોઈ પુરાવા મળે. તેની સાથે લાંબી વાત પણ અમારી તપાસનો ભાગ હતી. આ વાતચીત દરમિયાન અમે તેની પાસે ઘણી વસ્તુઓ બોલાવડાવી. એવી પણ, જે તેણે કહેવી જોઈતી ન હતી.”
દિલ્હી પોલીસે આ કેસને ક્રેક કરવા માટે ખબરીઓની મદદ લીધી હતી. ડૉક્યુમેન્ટીમાં બતાવવામાં આવ્યું છે કે તેમની જ મદદથી તેઓ એક ડૉક્ટર સુધી પહોંચ્યા હતા, જેની પાસે ચંદ્રકાંત નિયમિત રૂપે આવતો હતો. આ ડૉક્ટરના એક સંબંધી અને ચંદ્રકાંત વચ્ચે કંઈક ઝઘડો થયો હતો.
ડૉક્યુમેન્ટરીમાં યાદવ જણાવે છે, “આ જ સંબંધીએ જણાવ્યું હતું કે ચંદ્રકાંત પાસે એક રેકડી છે, જેમાં એન્જિન ફીટ છે. કૉલ રેકૉર્ડ પ્રમાણે એક વિસ્તાર વિશેષની ઓળખ થઈ અને તપાસ દરમિયાન પોલીસકર્મીઓને એવી જ રેકડી દેખાઈ જેના માધ્યમથી અમે ચંદ્રકાંતની ધરપકડ કરવામાં સફળ રહ્યા.”
ચંદ્રકાંત ઝા હાલ જેલમાં છે અને આજીવન કેદની સજા કાપી રહ્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













