સુરેન્દ્રનગરમાં એક ટૅટૂ અને મન્ચુરિયન પરથી કેવી રીતે ઑનર કિલિંગનો આરોપી પકડાયો?

સુરેન્દ્ર નગર ઑનર કિલિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • સુરેન્દ્રનગરમાં ભોગાવો નદી પાસેના કૂવામાંથી મળ્યો હતો મૃતદેહ
  • કૂવા પાસેથી મળી હતી મન્ચુરિયન પાર્સલની કોથળીઓ
  • મૃતદેહના હાથ પર ટૅટૂ અને મન્ચુરિયનથી પકડાયો આરોપી
લાઇન

"મારી બહેન પ્રેમીને છોડી દે એ માટે મેં નોકરી છોડી, ગામડે આવીને તેના માટે પાઈ-પાઈનો મોહતાજ થઈ ગયો. તો પણ એ બે વખત ઘર છોડીને ભાગી ગઈ. જ્યારે એ ત્રીજી વખત ભાગવા ગઈ તો મારાથી સહન ના થયું અને તેના જ દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને લાશને કોથળામાં બાંધીને કૂવામાં ફેંકી દીધી."

સુરેન્દ્રનગર પોલીસના અધિકારી એમ.ડી.ચૌધરી અનુસાર પોલીસસ્ટેશનમાં પૂછપરછ દરમિયાન પડી ભાંગેલા દિનેશ રાઠોડે તેની સામે મન્ચુરિયન જોતાજોતાં રડમસ અવાજે આ કબૂલાત કરી હતી.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ કથિત ઑનર કિલિંગના આ કેસની તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા અત્યાર સુધીની તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર :

મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી દિનેશ રાઠોડને ત્યાં કોઈ કામ ન મળતા પોતાની નાની બહેન નયના અને માતા અનુબહેનને લઈને સાણંદ આવી ગયા હતા.

દિનેશ રાઠોડ પોતાની બહેન નયનાને ખૂબ પ્રેમ કરતા હતા. બહેનને ખુશ રાખવા અને તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે રોજ 16થી 18 કલાક કામ કરતા હતા.

સાણંદમાં 20 વર્ષનાં નયના રોહિત ઠાકોર નામના યુવાનના પ્રેમમાં પડ્યાં હતાં. આ પ્રેમ દિનેશને મંજૂર ન હોવાથી તેઓ સાણંદથી નોકરી છોડીને સહપરિવાર પાછા સુરેન્દ્રનગરસ્થિત પોતાના ગામ લીમડી પાછા આવ્યા.

પરિવાર હવે લીમડી ગામે પાછો રહેવા આવી ગયો હતો. આ દરમિયાન એકાએક નયના ગુમ થઈ ગયાં હતાં. જે અંગે દિનેશે પોલીસસ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.

કેટલાક દિવસો બાદ અચાનક પોલીસસ્ટેશનમાં ફોન આવ્યો. જેમાં જણાવવામાં આવ્યું કે સુરેન્દ્રનગરની ભોગાવો નદી પાસેના કૂવામાંથી એક મૃતદેહ મળ્યો છે.

line

કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ

સુરેન્દ્ર નગર ઑનર કિલિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમબ્રાન્ચના પોલીસ ઇન્સપૅક્ટર એમ. ડી. ચૌધરી કહે છે,"આ મૃતદેહ પાણીમાં રહેવાના કારણે ફૂલી ગયો હતો અને અસહ્ય દુર્ગંધની સાથેસાથે તેમાં ફૂગ પણ લાગવાની શરૂ થઈ ગઈ હતી. મૃતદેહની ઓળખ માટે હાથ પર ત્રોફાવેલું ત્રણ સ્ટારવાળું એક ટૅટૂ હતું."

તેઓ આગળ કહે છે, "મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલીને અમે આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલા લોકોની ફરિયાદો જોઈ. તેમાંની એક દિનેશ રાઠોડ દ્વારા કરાયેલી ફરિયાદ પણ હતી. અમે તેને મૃતદેહની ઓળખ માટે બોલાવ્યો. તેણે ના પાડી દીધી કે આ તેની બહેન નથી."

"એ વખતે દિનેશ વારંવાર કહી રહ્યો હતો કે તેની બહેન સાણંદના રોહિત ઠાકોર સાથે ભાગી ગઈ છે અને રોહિતે જ તેની બહેનને ગુમ કરી દીધી છે."

પીઆઈ ચૌધરીના જણાવ્યા મુજબ, "અમને દિનેશની વાતમાં તથ્ય લાગ્યું કારણ કે જૂન મહિનામાં જ નયના બે વખત રોહિત સાથે જતી રહી હતી. એ ઘરે પાછી આવી ત્યારે લગ્ન કર્યાં ન હતાં પણ તેણે પોલીસને કહ્યું હતું કે તે રોહિત સાથે જ લગ્ન કરવા માગે છે અને હાલમાં જરૂરી પુરાવા ન હોવાથી તેમનાં લગ્ન થઈ શક્યાં ન હતાં."

જેથી પોલીસે સાણંદથી રોહિત ઠાકોરને પૂછપરછ માટે બોલાવ્યા. રોહિતે પૂછપરછમાં જણાવ્યું, "23 જૂન સુધી નયના મારી સાથે હતી. બાદમાં તે પાછી પોતાના ભાઈ પાસે ગઈ હતી અને લગ્ન માટે જરૂરી પુરાવા લઈને જ પાછી આવીશ, તેમ કહ્યું હતું."

line

ટૅટૂ અને મન્ચુરિયન

સુરેન્દ્ર નગર ઑનર કિલિંગ

ઇમેજ સ્રોત, ANKIT SRINIVAS

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પીઆઈ ચૌધરી કહે છે, "એક વખત માત્ર ખાતરી કરવા માટે અમે રોહિતને ભોગાવો નદી પાસેના કૂવામાંથી મળેલો મૃતદેહ બતાવ્યો અને રોહિતે માત્ર હાથ પરનું ટૅટૂ જોઈને આ મૃતદેહ નયનાનો હોવાનું જણાવ્યું."

"રોહિતનો આ દાવો કરવા પાછળનું કારણ પૂછવામાં આવતા તેણે પોતાના હાથ પર ત્રોફાવેલું આબેહૂબ ટૅટૂ બતાવ્યું અને કહ્યું કે આ ટૅટૂ મારા અને નયનાના પ્રેમની નિશાની છે. અમે બંનેએ એકસાથે આ ટૅટૂ ત્રોફાવ્યું હતું."

એક બાજુ નયનાનો મૃતદેહ જોઈને થયેલું દુ:ખ અને પ્રેમના નિશાનસમા ટૅટૂને જોતાજોતા તેમણે પોલીસને કહ્યું હતું કે "ટૅટૂ કરાવ્યા બાદ નયનાને બહુ દુખ્યું હતું. જેથી હું તેને સૌથી મનપસંદ એવું મન્ચુરિયન ખાવા માટે રૅસ્ટોરાંમાં લઈ ગયો હતો."

પીઆઈ ચૌધરી જણાવે છે,"મન્ચુરિયન શબ્દ સાંભળતા જ અમને સંકેત મળ્યો કારણ કે મૃતદેહ જે કૂવામાંથી મળ્યો હતો. તેની પાસેથી જ એક પાર્સલ કરેલું મન્ચુરિયનની કોથળી પણ મળી હતી."

"બ્લાઇન્ડ કેસમાં મન્ચુરિયન અને ટૅટૂ મહત્ત્વપૂર્ણ કડી હતી પણ મૂંઝવણ ત્યાં હતી કે નયનાનો પરિવાર મૃતદેહ ઓળખવાની ના પાડી રહ્યો હતો અને પ્રેમી મૃતદેહ નયનાનો હોવાનું જણાવી રહ્યો હતો."

જેથી પોલીસે વધુ તપાસ માટે બાતમીદારોને કામ પર લગાડ્યા.

line

ભાઈ બહેન વચ્ચે અથાગ પ્રેમ

સુરેન્દ્ર નગર ઑનર કિલિંગ

ઇમેજ સ્રોત, ANIL SINGHAL

પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જાણવા મળ્યું કે નયના ગુમ થયાં એ બાદથી દિનેશ મોટા ભાગનો સમય ભોગાવો નદીકિનારે ઝાડીઓમાં પડ્યો રહેતો હતો. દિનેશે બેથી ત્રણ વખત લારી પરથી મન્ચુરિયન પણ ખરીદ્યું હતું.

દિનેશના પાડોશી શૈલેષભાઈ સોલંકી જણાવે છે, "નયના અને દિનેશ વચ્ચે સારો એવો સંબંધ હતો. દિનેશને નયનાના પ્રેમ સંબંધ સામે વાંધો હતો." નયનાનાં માતાએ પણ પોલીસને બંને વચ્ચેના સંબંધો વિશે કંઈક આવું જ કહ્યું હતું."

શૈલેષભાઈ આગળ કહે છે, "27 જૂને અમારા ઘરે ભજન હતું. જેમાં દિનેશ, નયના અને અનુબહેન ઘરે આવ્યાં હતાં. ભજન પહેલાં દિનેશે ભુવાજીને દાણાં નાખીને નયના પ્રેમીને છોડશે કે નહીં? તે જોવા વિનંતી પણ કરી હતી. જોકે, તે ચાલુ ભજને જ ઘરે જતો રહ્યો હતો. રાત્રે અમે જોયું તો એ ઘરે ટીવી જોતો હતો. બાદમાં શું થયું તેની મને ખબર નથી."

પીઆઈ એમ. ડી. ચૌધરી કહે છે, "અમારા માટે આટલું ઘણું હતું. બાદમાં અમે દિનેશને ફરી વખત તપાસ માટે બોલાવ્યો અને થોડો સમય પૂછપરછ કર્યા બાદ નાસ્તામાં મન્ચુરિયન તેની સામે લાવીને મૂક્યું."

"મન્ચુરિયન જોઈને પહેલાં તો તે ગભરાઈ ગયો હતો પણ તેણે ઝડપથી ખુદને સંભાળી લીધો હતો. તેણે મન્ચુરિયન ખાવાની ના પાડી તો તેની બહેનના સમ આપ્યા."

"આમ થોડી વખત મન્ચુરિયન ખાવાનું દબાણ કરતાં તે પડી ભાંગ્યો હતો અને પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી."

line

ક્યારે અને કેવી રીતે થઈ હતી હત્યા?

સુરેન્દ્ર નગર ઑનર કિલિંગ

ઇમેજ સ્રોત, ANIL SINGHAL

ઇમેજ કૅપ્શન, હત્યારો ભાઈ દિનેશ રાઠોડ

દિનેશે પોલીસ સમક્ષ કરેલી કબૂલાતમાં જણાવ્યું, "27 જૂને બાજુમાં રહેતા શૈલેષભાઈના ઘરે ભજન હતું ત્યારે દાણા નાખવાની વાત સાંભળતા જ નયના ઊઠીને ઘરે જતી રહી હતી. હું તેની પાછળ-પાછળ ઘરે ગયો હતો."

તેંણે આગળ કહ્યું, "મેં બારીમાંથી જોયું તો નયના કબાટમાંથી દાગીના અને મેં છૂપાવેલી તેના પુરાવાઓની ફાઇલ કાઢી રહી હતી."

"જેથી હું તરત ઘરમાં ગયો અને આમ કરવાનું કારણ પૂછ્યું. જવાબમાં તેણી કહ્યું કે રોહિત સાથે લગ્ન માટે પુરાવાની જરૂર હોવાથી તે આ કરી રહી છે."

આ સાંભળીને દિનેશ ઉશ્કેરાયો હતો અને તેણીના જ દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.

દિનેશે પોલીસને જણાવ્યું, "મેં હત્યા કરી ત્યારે બાજુમાં ભજન ચાલતું જ હતું. જેથી તેના મૃતદેહને કોથળામાં મૂકીને ઘરના દરવાજા પાસે રાખ્યો અને હું ટીવી ચાલું કરીને બેઠો."

"જેવા રાત્રે બધા સુઈ ગયા, હું ઍક્ટિવા પર કોથળો લઈ ગયો અને ભોગાવો નદી પાસેના કૂવા પર લઈ ગયો. મૃતદેહ જલદી ઉપર ન આવે તે માટે પ્લાસ્ટિકની એક કોથળીમાં માટી ભરીને તેને કોથળા સાથે બાંધી અને કૂવામાં જવા દીધી અને બીજા દિવસે જાતે જ પોલીસસ્ટેશન આવીને તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી."

વીડિયો કૅપ્શન, લાખોનું સોનું લઈને ભાગી ગયેલા ઉંદર પાસેથી પોલીસે કેવી રીતે સોનું પાછું મેળવ્યું?

હત્યા બાદ થયેલા પસ્તાવા વિશે તેણે પોલીસને કહ્યું, "બહેનની હત્યા કર્યા બાદ મને બહુ દુખ થયું. જેથી ત્રણેક વખત તેની મનપસંદ વાનગી મન્ચુરિયન કૂવામાં નાખી આવ્યો હતો. પોલીસ સામે મેં વારંવાર રોહિતનું નામ એટલા માટે લીધું હતું કારણ કે બહેન તેની સાથે અગાઉ ભાગી ગઈ હતી અને મૃતદેહ મળી પણ જાય તો શક તેના પર આવે."

"પણ છેલ્લે હું જ પકડાઈ ગયો."

આ પ્રકારની ઘટનાઓ પાછળની માનસિકતા સમજાવતા મનોચિકિત્સક ડૉ. જ્યોતિક ભચેચ કહે છે, "આ પ્રકારની ઘટના ઇમ્પલ્સિવ ડિસ્કંટ્રોલ કહેવાય છે. જેમાં ક્ષણભરના આવેગમાં વ્યક્તિ ન કરવાનું કરી બેસે છે પણ પાછળથી આ અંગે તેને પસ્તાવો થાય છે."

તેઓ આગળ કહે છે, "આ કેસમાં પણ આવું જ કંઈક બન્યું છે. દિનેશે આવેગમાં આવીને બહેન નયનાની હત્યા કરી પણ પાછળથી પસ્તાવો થતા બહેનને સૌથી વધુ પસંદ વાનગી મન્ચુરિયન તેણે જ્યાં મૃતદેહ નાખ્યો હતો, ત્યાં જ નાખી આવ્યો હતો."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન