You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને કોર્ટે ગીતા અને કુરાનને ટાંકીને સજા કેમ સંભળાવી?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
દશેરાના દિવસે જાહેરમાં શસ્ત્રપૂજન કરવાના શોખીન ભાજપના યુવા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કાયદાના સકંજામાં ફસાઈ ગયા છે.
હાલોલની કોર્ટે ધારાસભ્યને જુગાર રમવા બદલ બે વર્ષની આકરી કેદની સજા ફટકારી છે. કોર્ટે સજા સંભળાવતા પહેલાં ગીતાના શ્લોક અને કુરાનની આયાતો ટાંકી અને કહ્યું કે 'સમાજમાં દાખલો બેસે એટલે મહત્તમ સજા ફટકારવી જરૂરી હતી.'
માતરના લીંબાસીના ખેડૂતપુત્ર કેસરીસિંહ સોલંકી વર્ષ 2002થી રાજકારણમાં સક્રિય છે. ધારાસભ્ય તરીકે કરેલા સોગંદનામા અનુસાર વર્ષ 2002થી 2012 સુધીમાં તેમણે 82 લાખની સંપત્તિ ખરીદી છે અને તેમની પાસે 50 લાખ રૂપિયાની કિંમતનો એક બંગલો પણ છે.
માતરના ધારાસભ્ય દેવુસિંહ ચૌહાણ 2014માં લોકસભાની ચૂંટણી લડ્યા અને જીતી ગયા. એને પગલે માતરની ખાલી થયેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ.
ભાજપે કેસરીસિંહ સોલંકીને ટિકિટ આપી અને તેઓ ધારાસભ્ય બની ગયા. એ બાદ વર્ષ 2017માં તેઓ ફરી એક વખત ભાજપની ટિકિટ પરથી ચૂંટાયા અને વિધાનસભામાં ગયા.
વિવાદ સાથે નાતો
જોકે, વિજય બાદ તેઓ વિવાદમાં ફસાયા. એમના મતવિસ્તાર માતરના માલવાડા ગામમાં દલિતોની કેટલીક ઝૂંપડીઓ સળગાવી દેવાની ઘટના ઘટી.
એ વખતે 18 આરોપીઓને કોર્ટમાં લઈ જવાઈ રહ્યા હતા ત્યારે પોલીસ સાથે ગેરવર્તન કરવાનો તેમના પર આરોપ લાગ્યો. આ મામલે માલવાડા ગામના રહેવાસી રમણ મકવાણાએ ગુજરાત હાઈકોર્ટમાં કેસ પણ કર્યો હતો.
કોર્ટે આ મામલે ગંભીર નોંધ લીધી. જે અંગે કેસરીસિંહે કોર્ટમાં સોગંદનામું રજૂ કરતાં ગેરવર્તન કરવાનો ઇન્કાર કર્યો હતો, પણ પોલીસની ગાડી રોકી હોવાની કબૂલાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ બાદ આ કેસમાં સમાધાન થઈ ગયું હતું.
તો ચાલુ વર્ષની આઠ ફ્રેબુઆરીએ એમના પિતાનો કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. જેમાં નવ દિવસ સુધી લીંબાસી પોલીસે કાર્યવાહી ન કરતાં સોલંકીએ ભાજપમાંથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, એ બાદ તેઓ એકદમ શાંત થઈ ગયા હતા.
ધારાસભ્ય બન્યા બાદ દશેરાના દિવસે તેમણે જાહેર મેળાવડો કરીને શસ્ત્રપૂજન કર્યું હતું.
ક્રૉસ વોટિંગના આરોપ લાગ્યા
જૂન 2020માં રાજ્યસભાની ચૂંટણી વખતે તેમના પર ક્રૉસ વોટિંગના આરોપ લાગ્યા હતા.
કોરોનાકાળમાં યોજાયેલી આ ચૂંટણીમાં કૉંગ્રેસના ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના ઉમેદવાર હતા ત્યારે કેસરીસિંહ સોલંકીની ભૂમિકા શંકાસ્પદ હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું.
એ વખતે ત્રણ બેઠક માટે ભાજપના બે અને કૉંગ્રેસના બે ઉમેદવારો મેદાને હતા.
ક્રૉસ વોટિંગના ડરથી કૉંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને રાજસ્થાન લઈ ગઈ હતી. એ વખતે કેસરીસિંહ સોલંકી અચાનક જ હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા અને બાદમાં ઍમ્બ્યુલન્સમાં રાજ્યસભાની ચૂંટણીનું મતદાન કરવા માટે આવ્યા હતા.
આ ચૂંટણીમાં ભાજપનાં રમિલાબહેન બારા, નરહરિ અમીન જ્યારે કૉંગ્રેસમાંથી શક્તિસિંહનો વિજય થયો હતો.
જુગાર રમતાં પકડાયા
જોકે, કેસરીસિંહ સોલંકી આ વિવાદમાંથી બહાર આવે એ પહેલાં જ વર્ષ 2021માં હાલોલના જિમિરા રિસોર્ટમાં પંચમહાલ એલ.સી.બી.એ દરોડો પાડ્યો હતો.
એલ.સી.બી.એ માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને 18 પુરુષમિત્રો અને ત્રણ નેપાળી મહિલા સહિત સાત મહિલામિત્રો સાથે જુગાર રમતાં ઝડપી લીધા હતા.
એ વખતે પોતે મંદિરથી પરત ફરતી વખતે આરામ કરવા માટે રિસોર્ટમાં રોકાયા હોવાનો અને રાજકીય કિન્નાખોરીની એમને ફસાવવામાં આવ્યા હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો.
જોકે, હાલોલ કોર્ટમાં તપાસ અધિકારી ડી.એન. જાડેજાએ રજૂ કરેલા સીસીટીવી ફૂટેજ તથા કૉલ ડિટેઇલ મહત્ત્વના સાબિત થયા હતા.
કેસરીસિંહ કોઈને પણ ઓળખતા ના હોવાનું જણાવી રહ્યા હતા. જોકે, કૉલ ડિટેઇલના આધારે જુગાર રમવાનું આયોજન 15 દિવસ પહેલાંથી થઈ રહ્યું હોવાનું ઉજાગર થયું હતું.
કૉલ ડિટેઇલમાં અમદાવાદ-સુરતના બિલ્ડરો, હીરાના વેપારીઓ, કમિશન ઍજન્ટ ઉપરાંત ગાંધીનગરમાં રહેતી નેપાળી યુવતીઓ અને બીજી મહિલાઓ સાથે ધારાસભ્યની વાતચીત થઈ હોવાનું સાબિત થયું હતું.
પુરાવાના આધારે ધારાસભ્ય આ સમગ્ર જુગારકાંડમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું અને કોર્ટમાં એના આધારે ગુનો સાબિત કરાયો હતો.
કોર્ટમાં કેવી દલીલો થઈ?
હાલોલ કોર્ટના ઍડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ પ્રેમ હંસરાજસિંહની કોર્ટમાં ધારાસભ્યો અને અન્ય આરોપીઓને ઓછી સજા કરવા માટે દલીલ કરવામાં આવી હતી.
કોર્ટમાં ધારાસભ્યના વકીલ વી. આર. વરિયાએ દલીલ કરી હતી કે પકડાયેલા લોકોની સમાજમાં પ્રતિષ્ઠા છે. જ્યારે મહિલાઓ આર્થિક રીતે સધ્ધર નથી એટલે તેમને ઓછી સજા કરવી જોઈએ.
એવી પણ દલીલ કરાઈ હતી કે ધારાસભ્ય પોતે લોકોના પ્રશ્નોને વાચા આપે છે એટલે પ્રજાના હિતમાં તેમને ઓછી સજા થવી જોઈએ.
જોકે, કોર્ટે તેમની આ દલીલને માન્ય રાખી નહોતી.
દલીલો સાંભળ્યા બાદ ઍડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ પ્રેમ હંસરાજસિંહે પોતાના ચુકાદામાં ગીતા અને કુરાનને ટાંકતા જણાવ્યું હતું કે 'ગીતાના અધ્યાય 10ના શ્લોક 36મા કહેવાયું છે કે છળકપટમાં જુગાર સર્વોપરિ છે. જુગાર રમવો અને રમાડવો મોટો ગુનો છે. જ્યારે કુરાનની આયાત 219 અને 90-91માં જુગારને હરામ ગણવામાં આવ્યો છે, જેની આ તમામ આરોપીઓને ખબર હોવી જોઈએ.'
'વળી, ધારાસભ્ય પોતે કાયદો બનાવનાર અને એની રક્ષા કરનાર છે. ત્યારે જો એ પોતે જ આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય તો સમાજ પર આની ખરાબ અસર પડે.'
એ બાદ કોર્ટે તમામ આરોપીઓને બે વર્ષની કેદની સજા અને તમામને ત્રણ હજાર રૂપિયા લેખે 78 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ના ભરવામાં આવે તો વધુ બે મહિનાની સજા ફરમાવામાં આવી છે.
આ અંગે બીબીસીએ ધારાસભ્ય અને તેમના વકીલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો