જમ્મુ-કાશ્મીરમાં સીમાંકનથી શું બદલાશે અને શેનો છે વિવાદ?

ચૂંટણીપંચે જમ્મુ અને કાશ્મીરને લઈને બનાવાયેલા સીમાંકન પંચના રિપોર્ટ બાદ વિધાનસભા અને લોકસભા બેઠકોને લઈને નૉટિફિકેશન જાહેર કરી દીધું છે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં 90 વિધાનસભાની બેઠકો અને પાંચ સંસદીય બેઠકો હશે. વિધાનસભાની બેઠકો પૈકી 43 જમ્મુ ક્ષેત્રમાં 47 બેઠકો કાશ્મીર ખીણમાં હશે.

90 વિધાનસભાની બેઠકો પૈકી સાત બેઠકો અનુસૂચતિ જાતિ અને નવ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત હશે. પાંચ સંસદીય બેઠકો હશે - બારામૂલા, શ્રીનગર, અનંતનાગ-રજૌરી, ઉધમપુર અને જમ્મુ.

તેમણે જણાવ્યું, "અમે એ સુનિશ્ચિત કર્યું છે કે વિધાનસભા ક્ષેત્ર એક જિલ્લા સુધી સીમિત રહ્યું, કારણ કે પહેલાં એવું થતું હતું કે વિધાનસભાની બેઠક ઘણા જિલ્લામાં વહેંચાઈ જતી હતી. સરકારે આ પંચનું ગઠન 2020માં કર્યું હતું."

જમ્મુ-કાશ્મીરની કેટલીક પાર્ટીઓ આનો વિરોધ કરી રહી છે અને હવે તેમણે પંચની ભલામણોને લઈને ઘણા સવાલ ઉઠાવ્યા છે. તેમણે આ પગલાને રાજ્યના લોકોને શક્તિહીન કરવાના પ્રયાસ અને સંવિધાનનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

પંચે બેઠકોમાં પરિવર્તનને લઈને શું શું ભલામણો કરી છે અને તેનાથી શું શું બદલાવાનું છે, એ અમે તમને જણાવીશું. સૌથી પહેલાં જાણીએ કે સીમાંકન પંચની જરૂરિયાત કેમ પડી અને તે વિવાદિત કેમ છે?

કેમ બનાવાયું સીમાંકન પંચ?

જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019માં વિધાનસભાની બેઠકો વધાર્યા બાદ સીમાંકન જરૂરી બની ગયું હતું. આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં 111 બેઠકો હતી - 46 કાશ્મીરમાં, 37 જમ્મુમાં અને ચાર લદ્દાખમાં. આ સિવાય 24 બેઠકો પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર (PAK)માં હતી.

જ્યારે લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવાયું ત્યારે માત્ર 107 બેઠકો રહી ગઈ. પુનર્ગઠન અધિનિયમમાં આ બેઠકો વધારીને 114 કરી દેવાઈ છે. તે પૈકી 90 બેઠકો જમ્મુ-કાશ્મીર માટે અને 24 PAK માટે છે.

સીમાંકન પંચ 6 માર્ચ 2020ના રોજ નીમાયું હતું. સુપ્રીમ કોર્ટનાં ભૂતપૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળા આ પંચમાં દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્ર અને દેશના ઉપચૂંટણી કમિશનર ચંદ્ર ભૂષણ સભ્ય છે.

આ પંચને શરૂઆતમાં એક વર્ષનો સમય અપાયો હતો પરંતુ બાદમાં ઘણી વાર સમય વધારવામાં આવ્યો. નેશનલ કૉન્ફરન્સના સાંસદ શરૂઆતના સમયમાં પંચની બેઠકોમાં સામેલ ન થયા.

20 જાન્યુઆરીના રોજ રજૂ કરાયેલ પ્રથમ ડ્રાફ્ટમાં જમ્મુમાં છ વિધાનસભાની બેઠકો અને કાશ્મીરમાં એક વિધાનસભા બેઠક વધારવાની ભલામણ કરાઈ હતી. છ ફેબ્રુઆરીના રોજ બીજી ડ્રાફ્ટ તૈયાર કરાઈ હતી.

સીમાંકન કેમ છે વિવાદિત?

વિપક્ષનું કહેવું છે કે જમ્મુ -કાશ્મીરમાં સીમાંકન કરાઈ રહ્યું છે જ્યારે સમગ્ર દેશ માટે તે વર્ષ 2026 સુધી સ્થગિત છે. 2019માં કલમ 370 હઠી એ પહેલાં કેન્દ્ર સરકાર રાજ્યની સંસદીય બેઠકોનું સીમાંકન કરતી હતી અને રાજ્ય સરકાર વિધાનસભાની બેઠકોનું સીમાંકન કરતી હતી. પરંતુ હવે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ બંનેની જવાબદારીઓ કેન્દ્ર સરકાર પાસે છે.

જમ્મુ-કાશ્મીરમાં અંતે 1995માં સીમાંકન કરાયું હતું. જે બાદ રાજ્ય સરકારે તેને 2026 સુધી સ્થગિત કરી દીધું હતું. તેને જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું પરંતુ બંનેએ નિલંબન બરકરાર રાખ્યું.

જમ્મુ-કાશ્મીરની રાજકીય પાર્ટીઓનું કહેવું છે કે સીમાંકન પુનર્ગઠન અધિનિયમ હેઠળ કરાય છે જે હાલ વિચારાધીન છે.

આયોગનું કહેવું છે કે તેમણે જમ્મુ-કાશ્મીરને બે અલગ-અલગ ક્ષેત્ર તરીકે ગણવાને બદલે એક ક્ષેત્ર તરીકે ગણવું જોઈએ. તેમણે અમુક વિધાનસભાઓનાં નામ કે ક્ષેત્રીય ફેરફારને પણ મંજૂરી અપાઈ છે. જેવી રીતે તંગમર્ગને ગુલમર્ગના નામથી, જૂનીમારને જૈદીબાલના નામથી. સોનારને લાલ ચોક અને કઠુઆ ઉત્તરને જસરોટાના નામથી ઓળખવામાં આવશે.

પંચે બે વખત જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ ખેડ્યો અને રિપોર્ટ તૈયાર કરતા પહેલાં 242 પ્રતિનિધિમંડળો સાથે વાતચીત કરાઈ.

શું બદલાયું છે?

સીમાંકન પંચે સાત બેઠકો વધારવાની ભલામણ કરી છે. આ સાથે જ જમ્મુમાં 37થી 43 અને કાશ્મીરમાં 46થી 47 બેઠકો થઈ ગઈ છે.

આ સિવાય પહેલી વાર નવ વિધાનસભા બેઠકો અનુસૂચિત જનજાતિ માટે પણ આરક્ષિત કરાઈ છે. તેમાં રાજૌરી, બુધલ, થાના મંડી, સુરનકોટે, પુંછ હવેલી, મેંધર, કોકરનાગ, ગુરેજ અને ગુલબર્ગ સામેલ છે. કેન્દ્રશાસિત પ્રદેશે બનતા પહેલાં આ પ્રકારની કોઈ જોગવાઈ નહોતી. ખાસ કરીને પ્રવાસી ગુર્જર અને બકરવાલ માટે.

લોકસભાની બેઠકોની વાત કરીએ તો પંચે અનંતનાગ અને જમ્મુની બેઠકોની સીમાઓમાં ફેરફાર કર્યો છે. જમ્મુના પીરપંજાલ ક્ષેત્રને કાશ્મીરની અનંતનાગ બેઠક સાથે જોડી દેવાઈ છે. પીરપંજાલમાં પુંછ અને રાજૌરી જિલ્લામાંથી આવે છે. સાથે જ શ્રીનગર સંસદીય ક્ષેત્રના એક શિયા બહુમતી ક્ષેત્રને પણ ખાડીમાં બારામૂલા મતક્ષેત્રમાં સ્થળાંતરિત કરી દેવાયું છે.

કાશ્મીરી પંડિતોની બેઠકો

પંચે વિધાનસભામાં કાશ્મીરી પ્રવાસીઓ (કાશ્મીરી હિંદુઓ)ના સમુદાયમાંથી ઓછામાં ઓછા બે સભ્યો માટે જોગવાઈની ભલામણ કરી છે. આ ભલામણ તેમની સાથે થયેલ ઉત્પીડનને લઈને મળેલ પ્રતિનિધિત્વ અને તેમને રાજકીય અધિકાર સુનિશ્ચિત કરવામાં મદદ માટે કરવામાં આવી.

પંચે એવી પણ ભલામણ કરી કે કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાંથી વિસ્થાપિત લોકોને પ્રતિનિધિત્વ આપવા પર વિચાર કરવો જોઈએ, જેઓ વિભાજન બાદ જમ્મુ જતા રહ્યા હતા. આવું નૉમિનેશન થકી કરી શકાય છે.

જો કાશ્મીરી પંડિતોને ચૂંટણીના સ્થાને નૉમિનેટ કરવામાં આવે તો તેઓ પૈકી એક મહિલા હોવાં જોઈએ. તેમને સંસદમાં મતદાનનો અધિકાર આપી શકાય છે.

પંચ પાસે કાશ્મીરી પંડિતો કે PAKથી વિસ્થાપિત થયેલા લોકો માટે એક બેઠક આરક્ષિત કરવાનો અધિકાર નથી. જોકે, પુનર્ગઠન અધિનિયમ, 2019 અનુસૂચિત જનજાતિઓ માટે બેઠક આરક્ષિત કરવાનો અધિકાર સીમાંકન પંચને આપે છે.

પરંતુ પંચની ભલામણે કાશ્મીરી પંડિતો માટે એક આશા પેદા કરી છે. આ સમુદાય આ મામલાને ગૃહ મંત્રાલય અને વડા પ્રધાન કાર્યલય સુધી પણ લઈ ગયું હતું. તેઓ પુનર્ગઠન અધિનિયમમાં ફેરફાર ઇચ્છે છે.

અંગ્રેજી અખબાર ઇકૉનૉમિક ટાઇમ્સમાં ભાજપના કાશ્મીરી પંડિત નેતા અશ્વની ચુરંગૂએ આ ભલામણોને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે કાશ્મીર શીખો માટે પણ આવી વ્યવસ્થા કરવાની માગ કરી હતી.

વિધાનસભાની બેઠકોમાં ફેરફારની અસર

આ ફેરફારો બાદ જમ્મુની 44 ટકા વસતિ 48 ટકા બેઠકો પર મતદાન કરશે, જ્યારે કાશ્મીરમાં રહેનારા 56 ટકા લોકો અન્ય 52 ટકા બેઠકો પર મતદાન કરશે. પહેલાંની વ્યવસ્થામાં કાશ્મીરના 56 ટકા લોકો 55.4 ટકા બેઠકો પર અને જમ્મુના 43.8 ટકામાં 44.5 ટકા બેઠકો પર મતદાન કરતા હતા.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, જમ્મુની છ નવી બેઠકો પૈકી ચાર હિંદુ બહુમતીવાળી છે. ચિનાબ ક્ષેત્રની બે નવી બેઠકોમાં, જેમાં ડોડા અને કિશ્તવાડ જિલ્લા સામેલ છે. પાડર બેઠક પર મુસ્લિમ લઘુમતીમાં છે. કાશ્મીરમાં એક નવી બેઠક પીપલ્સ કૉન્ફરન્સના ગઢ કુપવાડામાં છે, જેમને ભાજપની નજીકની વ્યક્તિ માનવામાં આવે છે.

કહેવાય છે કે કાશ્મીરી પંડિતો અને PAKમાંથી વિસ્તાપિત લોકો માટે બેઠકોના આરક્ષણથી પણ ભાજપને મદદ મળશે. પંચે એ નિર્દિષ્ટ નથી કર્યું કે કાશ્મીરી પંડિતો માટે હાલ જોગવાઈ કરાયેલ બેઠકોમાંથી જ બેઠકો આરક્ષિત કરવી જોઈએ કે તેમને વધારાની બેઠકો આપવી જોઈએ.

સંસદીય બેઠકોમાં ફેરફારની અસર

અનંતનાગ અને જમ્મુના પુનર્ગઠનથી આ બેઠકો પર અલગ-અલગ સમૂહની આબાદીનો પ્રભાવ બદલાઈ જશે.

પંચે અનુસૂચિત જનજાતિઓ માટે વિધાનસભાની બેઠકો આરક્ષિત કરી છે. જે પૈકી છ, પુન:ગઠિત અનંતનાગ સંસદીય બેઠકમાં સામેલ છે. તેમાં પુંછ અને રાજૌરી પણ સામેલ છે, જ્યાં અનુસૂચિત જનજાતિની સૌથી વધુ જનસંખ્યા છે. વિપક્ષનાં દળોને આશંકા છે કે આ સંસદીય બેઠકને પણ એસટી માટે આરક્ષિત કરાશે.

પહેલાંની અનંતનાગ બેઠક પર એસટીની વસતિ ઓછી હતી, પરંતુ આ ફેરફારો છતાં આ બેઠક પર ચૂંટણીનાં પરિણામ પુંછ અને રાજૌરી પર નિર્ભર કરશે. ખાડીમાં રાજકીય દળો તેને કાશ્મીરી ભાષા બોલતા મુસ્લિમ મતદારોના પ્રભાવને ઘટાડવા માટેની વ્યૂહરચનાના ભાગરૂપે જુએ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ લખે છે કે જો પુંછ અને રાજૌરી જમ્મુ લોકસભા બેઠક તરીકે જળવાઈ રહે તો તેને એસટી આરક્ષિત લોકસભા બેઠક જાહેર કરવી પડી શકે છે. તેનાથી ભાજપને અહીં હિંદુ મત મજબૂત કરવામાં મદદ મળી શકે છે.

ખાડીમાં પાર્ટીઓનું કહેવું છે કે બારામૂલા પુન:ગઠનથી શિયા મત મજબૂત થશે. તેનાથી સજ્જાદ લોનની પીપલ્સ કૉન્ફરન્સમાં શિયા નેતા ઇમરાન રઝા અંસારીને મદદ મળી શકે છે.

કોણે શું કહ્યું?

પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે, "અમે આને સંપૂર્ણપણે ખારિજ કરીએ છીએ. સીમાંકન પંચે વસતિના આધાર પર ભાર મૂક્યો નથી અને મનફાવે તેમ કામ કર્યું છે. તેમની ભલામણો આર્ટિકલ 370 હટાવવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે... જેથી જમ્મુ-કાશ્મીરના લોકોને શક્તિહીન કરી શકાય."

તેમણે કહ્યું, "પીડીપી પહેલા દિવસથી જ કહી રહી છે કે સીમાંકન પંચ ભાજપના ખાસ સમુદાય અને ક્ષેત્રના લોકોને અશક્ત બનાવવાના એજન્ડા પર કામ કરી રહ્યું છે. ભારત સરકારે ચૂંટણી બહુમતને લઘુમતમાં બદલીને ફરી એક વાર આ દેશના બંધારણને રગદોળ્યું છે."

નેશનલ કૉન્ફરન્સના મુખ્ય પ્રવક્તા તનવીર સાદિકે અખબારને કહ્યું, "અમે સીમાંકન પંચની અંતિમ ભલામણો જોઈ છે. અમે એક-એક વિધાનસભા ક્ષેત્ર અનુસાર આ ભલામણોનું અધ્યયન કરી રહ્યા છીએ. કોઈ પણ પ્રકારની ગફલત એ પાયાની હકીકતને નથી બદલી શકતી કે જ્યારે પણ ચૂંટણી થશે ત્યારે મતદારો ભાજપ અને તેમના સાથીઓને પાછલાં ચાર વર્ષોમાં તેમણે ચાર વર્ષમાં કરેલ કાર્યોની સજા આપશે."

ગુપકાર ગઠબંધનના પ્રવક્તા મોહમ્મદ યુસૂફ તરિગામીએ ઇકૉનૉમિક્સ ટાઇમ્સને જણાવ્યું, "આ ફેરફાર જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ હેઠળ કરાયા છે જે હાલ વિચારાધીન છે. અમારી સાથે વાત નથી કરાઈ અને અમારી ગેરહાજરીમાં લેવાયેલ નિર્ણય ક્યારેય યોગ્ય ન હોઈ શકે અને અમે તેને ક્યારેય નહીં સ્વીકારીએ."

નેશનલ કૉન્ફરન્સના ઇમરાન ડારે કહ્યું, "આશા પ્રમાણે ફેરફાર નથી કરાયા. આનાથી માત્ર ભાજપ અને તેની સાથે જોડાયેલાં દળોને જ ફાયદો થશે. આ રાજકીય એજન્ડાને પ્રાપ્ત કરવા માટેની કવાયત છે. અમને લાગ છે કે જ્યારે પણ ચૂંટણી થશે તો મતદારો ભાજપ અને તેની સાથે જોડાયેલાં દળોને નિર્ણાયક જવાબ આપશે."

પૂર્વ કેન્દ્રીયમંત્રી અને કૉંગ્રેસ નેતા સૈફુદ્દીન સૌજે ઇકૉનૉમિક્સ ટાઇમ્સ સાથે વાત કરતાં આ ફેરફારો અંગે નિરાશા પ્રકટ કરી છે અને જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના લોકો આનો સ્વીકાર નહીં કરે. તેમજ પૅન્થર્સ પાર્ટીએ પણ નારાજગી વ્યક્ત કરી છે.

અપની પાર્ટીના મુનતાઝિર મોહિયુદ્દીને આ નિર્ણયને નિરાશાજનક અને એક રાજકીય પાર્ટીના એજન્ડાને પૂરો કરનાર ગણાવ્યો છે.

તેમણે કહ્યું, "તેઓ જમ્મુ-કાશ્મીરનું વિભાજન ઇચ્છે છે. તેમણે અમારી ભલામણો પર ધ્યાન જ ન આપ્યું. અને આ સમગ્ર પ્રયાસની મજાક બનાવી દીધી."

ભાજપના રાજ્ય અધ્યક્ષ રવિંદર રૈનાએ ફેરફારોને શ્રેષ્ઠ ગણાવ્યા છે. તેમણે પંચને સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવાની વાતને લઈને અભિનંદન પાઠવ્યાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો